Tuesday, February 4, 2025
More

    5 સભ્યોની કમિટી અને 45 દિવસમાં રિપોર્ટ: UCC લાગુ કરવાની દિશામાં ડગ ભરતું ગુજરાત, મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કરી જાહેરાત

    ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં (Gujarat) યુનિફોર્મ સિવિલ કોડને (UCC) લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રેસ કોન્ફ્રન્સમાં આ બાબતે એક 5 સભ્યોવાળી કમિટી રચવાની ઘોષણા કરી છે.

    પટેલે કહ્યું કે, “યુનિફોર્મ સિવિલ કોડનો (UCC) ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે.”

    પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

    આ પહેલા દેશમાં ઉત્તરાખંડમાં UCC લાગુ થઈ ચૂક્યો છે. જે બાદ આસામે પણ આ દિશામાં પગલાં ભરી લીધા છે. ગુજરાતમાં જ્યારે આ કાયદો લાગુ થશે ત્યારે તેમાં શું શું જોગવાઈઓ હશે એ જાણવા અહીં ક્લિક કરો.