ઉત્તરાખંડમાં સોમવારથી (27 જાન્યુઆરી) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરાખંડ UCC લાગુ કરનારું દેશનું પહેલુ રાજ્ય પણ બની ગયું છે. મુખ્યમંત્રી આવાસમાં મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ આ બાબતનું એલાન કર્યું છે. આ આખો કાર્યક્રમ મુખ્યમંત્રી આવાસના સેવા સદનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ એલાન કરતાં કહ્યું છે કે, “આ ખૂબ જ ભાવુક ક્ષણ છે. અમે ત્રણ વર્ષ પહેલાં જનતાને કરેલો વાયદો પૂર્ણ કર્યો છે. UCC કોઈપણ ધર્મ કે વર્ગના વિરોધમાં નથી. તેનો હેતુ કોઈને ટાર્ગેટ કરવાનો નથી. તેનો હેતુ તમામને સમાન અધિકાર આપવાનો છે. 27 જાન્યુઆરીનો દિવસ હવેથી ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા દિવસ તરીકે મનાવવામાં આવશે.”
આ દરમિયાન મુખ્યમંત્રીએ સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ-2024ને લાગુ કરવા માટે નિયમાવલી અને પોર્ટલનું લોકાર્પણ પણ કર્યું છે. આ પોર્ટલ સમાન્ય નાગરિકો માટે પણ ખોલી દેવામાં આવ્યું છે.