Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાશેખ હસીનાને દોષી ઠેરવતા બાંગ્લાદેશ ટ્રિબ્યુનલના ચુકાદામાં શું છે અને કેમ યુનુસ...

    શેખ હસીનાને દોષી ઠેરવતા બાંગ્લાદેશ ટ્રિબ્યુનલના ચુકાદામાં શું છે અને કેમ યુનુસ સરકાર પર ઉઠી રહ્યા છે સવાલ: શું ફરી અરાજકતા હેઠળ ધકેલાશે પાડોશી દેશ– સમજો

    શેખ હસીના વિરુદ્ધનો ચુકાદો પણ સ્પષ્ટપણે રાજકીય પ્રતિશોધની ભાવના જેવો દેખાઈ રહ્યો છે. કારણ કે બાંગ્લાદેશની બહાર ICTમાં ઐતિહાસિક રીતે આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ અને ઘણા કેસોમાં આંતરરાષ્ટ્રીય ફરિયાદી પણ સામેલ રહે છે. પરંતુ સંપૂર્ણપણે બાંગ્લાદેશી ન્યાયાધીશોથી બનેલી ટ્રિબ્યુનલ સવાલોનું મૂળ કારણ બની છે.

    - Advertisement -

    બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સોમવારે (17 નવેમ્બર) મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. તેમને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે (ICT) ‘ક્રાઈમ્સ અગેઇન્સ્ટ હ્યુમેનિટી’ માટે (માનવતા વિરુદ્ધ અપરાધ) દોષી જાહેર કર્યાં છે. તે સિવાય તેમને કથિત વિદ્યાર્થીઓનાં આંદોલન વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવાને લઈને પણ દોષી ઠેરવવામાં આવ્યાં છે. ચુકાદો આવ્યા બાદ બાંગ્લાદેશનો યુનુસ સરકાર સહિતનો એક વર્ગ ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે અને આવામી લીગ સહિતનો વર્ગ દુઃખી. ચુકાદા બાદ મોટાપાયે પ્રદર્શનો થયાં છે અને 2 લોકોના જીવ પણ ગયા છે. 

    બાંગ્લાદેશ ટ્રિબ્યુનલનો આ ચુકાદો ગયા વર્ષે જુલાઈમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના એક વર્ષથી પણ વધુના સમય બાદ આવ્યો છે. હિંસક વિરોધ પ્રદર્શન બાદ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને હાલ તેઓ ભારતમાં છે. જોકે, ટ્રિબ્યુનલના આ ચુકાદાનો વિરોધ પણ થઈ રહ્યો છે. શેખ હસીના સિવાય UNએ પણ ચુકાદાનો વિરોધ કર્યો છે. શેખ હસીનાએ ટ્રિબ્યુનલને ‘નકલી કોર્ટ’ કહી છે અને રાજકીય પૂર્વગ્રહ પ્રેરિત ચુકાદો આપવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે પણ ઘટનાક્રમ પરિસ્થિતિઓની નોંધ લેતી એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી છે. શરૂઆતથી સમજીએ કે મામલો શું છે. 

    શેખ હસીના પર શું આરોપ છે? 

    1 જૂન, 2025ના રોજ શેખ હસીના વિરુદ્ધ ફરિયાદી પક્ષ (મુહમ્મદ યુનુસની સરકાર) તરફથી ICTને ચાર્જશીટ સોંપવામાં આવી હતી, જેમાં હસીનાને માનવતા વિરુદ્ધના 5 ગંભીર ગુનાના આરોપી ગણવામાં આવ્યાં હતાં. આ તમામ આરોપો હિંસક પ્રદર્શન સાથે જોડાયેલા છે. તેમાં સૌથી પહેલો આરોપ ભડકાઉ ભાષણનો લગાવાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 14 જુલાઈ, 2024ના રોજ હસીનાએ ગનાભાબનમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. 

    - Advertisement -

    સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે હસીનાનાં આ ભાષણ બાદ સરકારી સુરક્ષાદળો અને આવામી લીગના સમર્થકોએ ‘વિદ્યાર્થીઓ’ અને નાગરિકો પર હુમલા શરૂ કર્યા હતા, જેમાં હત્યા, હત્યાના પ્રયાસો, યાતના અને અમાનવીય કૃત્યના આરોપો સામેલ છે. એક અન્ય આરોપ એવો છે કે શેખ હસીનાએ પ્રદર્શનકારીઓને દબાવવા માટે હેલિકોપ્ટર, ડ્રોન અને ઘાતક હથિયારોના ઉપયોગનો આદેશ આપ્યો હતો. 

    તે સિવાય એક આરોપમાં એવું કહેવાયું છે કે 16 જુલાઈ, 2024ના રોજ બાંગ્લાદેશના રાંગપુરમાં બેગમ રોકિયા યુનિવર્સિટીની સામે એક ‘વિદ્યાર્થી’ અબુ સૈયદને સુરક્ષાદળોએ નજીકથી ગોળી ધરબી દીધી. ચોથો આરોપ એ છે કે 5 ઑગસ્ટ, 2024ના રોજ ઢાકાના ચનખરપુલ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 6 લોકોનાં મોત થયાં. તે સિવાય પાંચમો આરોપ એ છે કે 5 ઑગસ્ટે જ આશુલિયા પોલીસ સ્ટેશન સામે અને આસપાસના પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવાઈ અને તેમના મૃતદેહો સળગાવી દેવાયા. 

    આ તમામ પાંચ આરોપોમાં શેખ હસીના સિવાય તત્કાલીન ગૃહમંત્રી અસદુજ્જા ખાન કમાલ અને પૂર્વ પોલીસ અધિકારી ચૌધરી અબ્દુલ્લા અલ-મામૂનને દોષી ઠેરવવામાં આવ્યાં છે. કોર્ટે હસીના અને અસદુજ્જાને મોતની સજા સંભળાવી છે. જ્યારે મામૂનને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે, કારણ કે તેણે સરકારની તરફેણમાં જુબાની આપી દીધી હતી અને સરકારી ગવાહ બની ગયો હતો.

    કોર્ટે શું ચુકાદો આપ્યો? 

    જસ્ટિસ ગુલામ મૂર્તઝાની આગેવાની હેઠળની ત્રણ જજોની ટ્રિબ્યુનલે આ ચુકાદો 6 ભાગમાં સંભળાવ્યો છે. જસ્ટિસ ગુલામ મૂર્તઝા સિવાય બેન્ચમાં જસ્ટિસ મોહમ્મદ શફીઉલ આલમ મહમૂદ અને જસ્ટિસ મોહમ્મદ મોહિતુલ હક એનામ ચૌધરી પણ સામેલ હતા. ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં કહ્યું છે કે શેખ હસીનાએ સરકારી દળોને વિરોધ દબાવવા માટે ડ્રોન, હેલિકોપ્ટર અને ઘાતક હથિયારોના ઉપયોગની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે આ હુમલો સંગઠિત, સુનિયોજિત અને નાગરિકો વિરુદ્ધ હતો. યુનુસની સરકારે ડેટા, વિડીયો અને અન્ય સૈન્ય સંચાર સંકેતો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. 

    હસીનાની ગેરહાજરીમાં ચાલેલા આ કેસમાં કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે 2024માં જે થયું તે માત્ર ‘કાયદો-વ્યવસ્થાનું નિયંત્રણ’ નહોતું, પરંતુ ‘સિસ્ટમેટિક એટેક ઓન સિવિલિયન્સ’ હતો, જેને આંતરાષ્ટ્રીય કાયદા હેઠળ પણ ગુનો માનવામાં આવે છે. ચુકાદામાં કોર્ટે એવું પણ કહ્યું છે કે શેખ હસીનાએ માનવતા વિરુદ્ધ ગુનો આચર્યો છે. આગળ કહ્યું છે કે, “મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ મરાયા છે, શેખ હસીનાએ પ્રદર્શન કરી રહેલા લોકો પર હેલિકોપ્ટરથી બૉમ્બમારો કરવાનો આદેશ પણ આપ્યો હતો.” 

    એવું પણ કહેવાયું છે કે આવામી લીગના કાર્યકર્તા કથિત રીતે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાર્ટી નેતૃત્વની જાણકારીમાં સુનિયોજિત હુમલા કર્યા હતા. ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઈનુ વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ વાંચીને સંભળાવવામાં આવી હતી. ટ્રિબ્યુનલે કહ્યું કે, ‘મોટાભાગના પ્રદર્શનકારીઓનાં મોત બાંગ્લાદેશી સુરક્ષાદળોની બંદૂકોની ગોળીઓથી થયાં છે. શેખ હસીનાની સરકારમાં સેના, પોલીસ અને RABએ ન્યાય પ્રક્રિયામાંથી હટીને હત્યાઓ કરી છે. શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે કાવતરું ઘડ્યું હતું.”

    આ ઉપરાંત ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું છે કે શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે. ટ્રિબ્યુનલે કહ્યું, “આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને માનવતા વિરુદ્ધ ગુનો આચર્યો છે. રાજકીય નેતૃત્વ તરફથી અપાયેલા સીધા આદેશના કારણે પ્રદર્શનકારીઓ અને અન્ય નાગરિકોના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું છે.” 

    ટ્રિબ્યુનલ અનુસાર, 1400ની હત્યા થઈ હતી અને 11 હજારથી વધુ લોકોને કસ્ટડીમાં લેવાયા હતા અને ધરપકડ થઈ હતી. ટ્રિબ્યુનલે શેખ હસીનાને દોષી જાહેર કરતા સમયે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રે પણ જોયું છે કે રાજકીય નેતૃત્વના નિર્દેશ પર કસ્ટડીમાં યાતના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઘાયલોની સારવાર ન કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. 

    કોર્ટે કહ્યું કે 18 જુલાઈના રોજ ગોળીઓ લાગવાથી ઘાયલ થયેલા 200થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. 19 જુલાઈએ પણ લગભગ આટલા જ લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. કોર્ટના મતે, “પુરાવા એટલા મજબૂત છે કે દુનિયાની કોઈપણ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવે તોપણ વધુમાં વધુ સજા આપવામાં આવશે. આ સાબિત કરે છે કે આરોપીઓએ ગુનો આચર્યો છે અને વધુમાં વધુ સજા તેમને મળવા પાત્ર છે.” અંતે કોર્ટે શેખ હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવી.

    શું કહ્યું શેખ હસીનાએ? 

    ટ્રિબ્યુનલ કોર્ટના ચુકાદા બાદ બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કોર્ટને પણ ‘નકલી’ ગણાવી છે. તેમણે કહ્યું કે કોર્ટનો આ ચુકાદો ‘રાજકીય પૂર્વગ્રહ’ને પ્રેરિત છે અને મુહમ્મદ યુનુસની સરકારે આ માટેના પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે અથવા તો તેમના નેતાઓએ ક્યારેય હત્યાના આદેશ આપ્યા જ ન હતા.  આગળ તેમણે કહ્યું કે, “મને અદાલતમાં પોતાનો બચાવ કરવાની કોઈ ન્યાયી તક આપવામાં આવી નથી, ન તો મારી ગેરહાજરીમાં મારી પસંદગીના વકીલોને મારું પ્રતિનિધિત્વ કરવા દેવામાં આવ્યું. નામ હોવા છતાં ICTમાં કંઈ પણ ‘આંતરરાષ્ટ્રીય’ નથી અને તે નિષ્પક્ષ પણ નથી.”

    આગળ તેમણે જણાવ્યું કે જે વરિષ્ઠ ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોએ અગાઉ આવામી લીગ પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી તેમને હટાવી દેવામાં આવ્યા છે કે પછી ડરાવીને ચૂપ કરાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ICTએ ફક્ત આવામી લીગના સભ્યોને જ આરોપી બનાવ્યા છે. 

    તેમણે દાવો કર્યો છે કે તેમની સામેનો આ ચુકાદો ગેરકાયદેસર અને પૂર્વનિર્ધારિત ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેને એક વચગાળાની સરકારે સ્થાપી છે અને નિયંત્રિત કરે છે. આ ચુકાદો સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત અને પક્ષપાતી છે. તેમણે આગળ કહ્યું કે, તેમના વિરુદ્ધનો દોષિત ચુકાદો તો શરૂઆતથી જ નક્કી કરી દેવામાં આવ્યો હતો. તેમણે એવું પણ સ્વીકાર્યું કે તેમણે પરિસ્થિતિ પરનો કાબૂ ગુમાવ્યો હતો, પણ તેને નાગરિકો પરનો પૂર્વયોજિત હુમલો કહી શકાય નહીં.

    આગળ તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, “મૃત્યુદંડની આ અપમાનજનક માંગ એ વચગાળાની સરકારના તાનાશાહી અને હત્યારા ઈરાદાઓને ખુલ્લા પાડે છે, બાંગ્લાદેશનાં છેલ્લા ચૂંટાયેલા વડા પ્રધાનને ખતમ કરીને આવામી લીગને રાજકીય શક્તિ તરીકે સદંતર નાબૂદ કરવાનો ઈરાદો છે.”

    ફરી અરાજકતા તરફ આગળ વધી રહ્યું છે બાંગ્લાદેશ?

    આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સવાલ એ છે કે આ ચુકાદો બાંગ્લાદેશ માટે શું અસર ઊભી કરી શકે છે? પહેલી વાત એ કે આ ચુકાદો સ્પષ્ટપણે બાંગ્લાદેશને ફરી અસ્થિરતાના નવા યુગમાં ધકેલી રહ્યો છે. ઢાકામાં ચુકાદા બાદ તરત જ હિંસા ભડકી ઉઠી હતી. ઘણા જિલ્લાઓમાં પણ પ્રદર્શનો શરૂ થઈ ચૂક્યાં છે. બાંગ્લાદેશી મીડિયા ‘ધ ડેઇલી સ્ટાર’ અનુસાર, પાંચ જિલ્લામાં બે સ્કૂલો અને ઓછામાં ઓછા આઠ વાહનો સળગાવી દેવાયાં છે અને દેશભરમાં લગભગ 50થી વધુ બૉમ્બ બ્લાસ્ટ પણ થયા છે. શેખ હસીના વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ બે લોકોનાં મોત થયાં હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. 

    ઢાકામાં પ્રદર્શનકારીઓએ શેખ મુજીબુર રહેમાનનાં ઘર તરફ આગળ વધવાના પ્રયાસો કર્યા હતા, જે બાદ બાંગ્લાદેશની પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ઘણા વિસ્તારો જેમ કે ધાનમંડી, મીરપુર રોડ અને પંથપથમાં મોટાપાયે હોબાળો થયો અને દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીએ પોલીસને પણ હટાવી દીધી હતી, જે બાદ સેના અને RABએ કંટ્રોલ મેળવ્યો હતો. 

    બરીસાલમાં હસીનાની સજા પર મીઠાઈ વહેંચવાને લઈને બે જૂથો વચ્ચે હોબાળો થઈ ગયો હતો અને ફાયરિંગમાં એકનું મોત પણ થઈ ચૂક્યું છે. ઓડેસામાં પણ એક નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગોપાલગંજના કોટાલીપારા પોલીસ સ્ટેશનમાં પણ દેશી બૉમ્બ ફૂટવાથી ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થઈ ચૂક્યા છે. 

    આ દરમિયાન આવામી લીગે દેશભરમાં બંધનું એલાન કરી દીધું છે, તેને જોતાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મુહમ્મદ યુનુસની સરકારે તો મીડિયાની સ્વતંત્રતા પર પણ કાતર મારી દીધી છે. રાષ્ટ્રીય સાયબર સુરક્ષા એજન્સીએ મીડિયાને ચેતવણી આપી છે કે ‘દોષી અને ભાગેડુ’ જાહેર થયેલાં શેખ હસીનાનાં નિવેદનોને પ્રસારિત ન કરવામાં આવે છે. આ આદેશનું પાલન ન કરવા પર કાયદેસરની કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવી છે. 

    શેખ હસીના વિરુદ્ધના ચુકાદા બાદ એક તરફ આખું બાંગ્લાદેશ સળગી રહ્યું છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ચુકાદાનો વિરોધ થઈ રહ્યો છે. સંયુક્ત રાજ્યે ટ્રિબ્યુનલના ચુકાદાને બેજવાબદાર ગણાવીને તેનો વિરોધ કર્યો છે. જોકે, બાંગ્લાદેશની ન્યાયિક પ્રક્રિયા પર તો એમ પણ દુનિયાને ભરોસો ઓછો હતો, તેવામાં આવા ચુકાદાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ‘હ્યુમન રાઇટ્સ વોચે’ આ ટ્રાયલને નકામી ગણી છે અને કહ્યું છે કે બચાવ પક્ષને જરૂરી સમય મળ્યો ન હતો અને પૂરતી તક પણ આપવામાં આવી ન હતી. 

    આ ઉપરાંત શેખ હસીના વિરુદ્ધનો ચુકાદો પણ સ્પષ્ટપણે રાજકીય પ્રતિશોધની ભાવના જેવો દેખાઈ રહ્યો છે. કારણ કે બાંગ્લાદેશની બહાર ICTમાં ઐતિહાસિક રીતે આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ અને ઘણા કેસોમાં આંતરરાષ્ટ્રીય ફરિયાદી પણ સામેલ રહે છે. પરંતુ સંપૂર્ણપણે બાંગ્લાદેશી ન્યાયાધીશોથી બનેલી ટ્રિબ્યુનલ સવાલોનું મૂળ કારણ બની છે અને આ ટ્રિબ્યુનલને પણ પહેલા દિવસથી પક્ષપાતી માનવામાં આવી રહી હતી. 

    આ ઉપરાંત શેખ હસીનાનો બચાવ કરવા માટે મુહમ્મદ યુનુસની સરકાર તરફથી એક સરકારી વકીલ રાખવામાં આવ્યો હતો, જેણે આખી સુનાવણી દરમિયાન ન તો એકેય આરોપોનું ખંડન કર્યું અને ન તો પુરાવા રજૂ કર્યા. ઓછામાં વધુ આ વકીલે ચુકાદા સામે ન તો કોઈ સ્થગન માંગ્યું અને ન તો ક્યારેય કોઈ સાક્ષીને કોર્ટમાં રજૂ કર્યો. અહીં આ ચુકાદાને ‘ઐતિહાસિક’ ગણાવતી મુહમ્મદ યુનુસની સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 

    આ સરકાર સત્તામાં આવી ત્યારથી લઈને હમણાં સુધીની બધી જ કાર્યવાહીમાં સ્પષ્ટપણે પ્રતિશોધ દેખાઈ આવે છે. ટ્રિબ્યુનલની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તો આવામી લીગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. શેખ હસીનાના રાજીનામા બાદથી મુહમ્મદ યુનુસનાં નેતૃત્વમાં ઇસ્લામી કટ્ટરવાદી રાજકારણનો ઉદય થયો હતો અને આ કટ્ટરપંથીઓને ખુશ કરવા માટે યુનુસ સતત શેખ હસીનાને અને તેમની પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યો હતો. ટ્રિબ્યુનલમાં પણ એ જ જોવા મળ્યું છે. 

    આ કેસમાં ફરિયાદી યુનુસની સરકાર છે અને રસપ્રદ વાત એ છે કે કથિત આરોપીઓના બચાવ પક્ષમાં પણ આ યુનુસ સરકાર જ વકીલને મૂકે છે અને તે વકીલ આખરે કોર્ટમાં કશું કરતો જ નથી અને પરિણામે શેખ હસીનાને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. ઇસ્લામી કટ્ટરપંથીઓને પોષી રહેલી આ યુનુસ સરકાર પર હવે આ મામલે પણ સવાલ ઉઠી રહ્યા છે. 

    હવે આગળ શું? 

    બાંગ્લાદેશની ટ્રિબ્યુનલના ચુકાદા વિરુદ્ધ શેખ હસીના સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે, પરંતુ તેમણે આ માટે ત્રીસ દિવસની અંદર બાંગ્લાદેશ જવું પડશે અને તેવું કશું થવાનું નથી. કારણ કે શેખ હસીનાના જીવના તરસ્યા ઇસ્લામી કટ્ટરપંથીઓ અને તેની સરકાર શેખ હસીનાને જીવિત રાખે એ શક્ય લાગી રહ્યું નથી. શેખ હસીનાના સમર્થકોનું કહેવું છે કે જો બાંગ્લાદેશ આવામી લીગનું પુનર્ગઠન થાય અને આગામી ચૂંટણીમાં તેઓ વર્ચસ્વ બનાવી શકે તો જ શેખ હસીના કોઈ કાનૂની પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે, ત્યાં સુધી બાંગ્લાદેશ જવું તેમના જીવ માટે જોખમી છે. 

    જોકે, આવામી લીગનાં પુનર્ગઠનની સંભાવના પણ ઓછી દેખાઈ રહી છે. કારણ કે હાલ સત્તા યુનુસની છે અને આખા બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ છે. રોડ-રસ્તાઓ બંધ છે અને ટ્રિબ્યુનલ પરિસરની બહાર પણ સેના ખડકી દેવામાં આવી છે. આ બધી ઘટનાઓ સંકેત આપી રહી છે કે બાંગ્લાદેશ ફરી એક વખત અરાજકતાની અણી પર આવીને ઊભું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં