હોમપેજદેશઑટો પેનો સમય નિશ્ચિત, બેલેન્સ ચેક કરવા પર લિમિટ, પૈસા લેનારનું દેખાશે...

ઑટો પેનો સમય નિશ્ચિત, બેલેન્સ ચેક કરવા પર લિમિટ, પૈસા લેનારનું દેખાશે રજિસ્ટર્ડ નામ: 1 ઑગસ્ટથી UPIમાં થઈ રહ્યા છે ફેરફારો

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવા માટે આ નિયમો લાવી રહી છે. આ બદલાયેલા નિયમો ફોન પે, ગૂગલ પે, પેટીએમ જેવી તમામ UPI એપ્લિકેશન અને તેના વપરાશકર્તાઓ પર લાગુ પડશે.

- Advertisement -

ભારતમાં UPIને (Unified Payments Interface) લગતા નિયમોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. નવા નિયમો 1 ઑગસ્ટ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવા માટે આ નિયમો લાવી રહી છે. આ બદલાયેલા નિયમો ફોન પે, ગૂગલ પે, પેટીએમ જેવી તમામ UPI એપ્લિકેશન અને તેના વપરાશકર્તાઓ પર લાગુ પડશે.

NPCI દ્વારા લાગુ કરવામાં આવી રહેલા નવા UPI નિયમોને વિસ્તારથી સમજીએ.

1- બેલેન્સ ચેક કરવામાં લિમિટ

NPCI દ્વારા સુધારવામાં આવેલા નિયમો મુજબ હવેથી કોઈપણ UPI એપમાં બેલેન્સ ચેક કરવાની મર્યાદા નિશ્ચિત કેર દેવામાં આવી છે. હવેથી UPI યુઝર્સ દિવસમાં ફક્ત 50 વખત જ બેલેન્સ ચેક કરી શકશે. UPI એપમાં વારંવાર બેલેન્સ ચેક કરવાથી સર્વર પર દબાણ પડે છે, જેનાથી ટ્રાન્ઝેક્શન ધીમું થઈ જાય છે, જેના કારણે આ નિયમ લાવવામાં આવી રહ્યો છે.

- Advertisement -

2- લિંક કરેલાં બેન્ક અકાઉન્ટ્સની વિગતો ચેક કરવા પર મર્યાદા

અત્યાર સુધી UPI યુઝર્સ તેમના મોબાઈલ નંબર સાથે લિંક થયેલાં બેન્ક અકાઉન્ટ્સની વિગતો ગમે તેટલી વાર ચેક કરી શકતા હતા, પરંતુ હવેથી કોઈપણ UPI યુઝર્સ દરેક એપ પર વધારેમાં વધારે 25 વાર જ આ વિગતો ચેક કરી શકશે. 

3- પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવું

NPCIના નવા નિયમ મુજબ હવેથી UPI યુઝર્સ તેમનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનું પેમેન્ટ સ્ટેટ્સ દિવસમાં ફક્ત ત્રણ વાર જ ચેક કરી શકશે. આ ત્રણ પ્રયાસો વચ્ચે પણ ઓછામાં ઓછા 90 સેકેન્ડનો ગાળો રાખવો પડશે.

4- ઑટો-પે ટ્રાન્ઝેક્શન

હવેથી અલગ-અલગ પ્લેટફોર્મ પર થતાં ઑટો-પે ટ્રાન્ઝેક્શન માટે પણ એક નિશ્ચિત સમયમર્યાદા હશે. આ પહેલાં ઑટો-પે ટ્રાન્ઝેક્શન દિવસ દરમિયાન ગમે તે સમયે થતું હતું. પરંતુ હવેથી તે દિવસના ત્રણ ટાઈમ– સવારના 10 વાગ્યા પહેલાં, બપોરના 1થી 5 અને રાતના 9.30 પછી જ થશે.  

ઑટો-પે ટ્રાન્ઝેક્શન એક એવી સુવિધા છે જેના દ્વારા યુઝરોનાં વિવિધ પ્લેટ્ફોર્મસનાં સબસ્ક્રિપ્શન, SIP, EMI તથા કોઇ બિલની ચૂકવણી બેન્કિંગ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવેલ સમયે ઑટોમેટિક થઈ જાય છે. હવે આ પ્રકારનાં ટ્રાન્ઝેક્શન નિશ્ચિત સમયગાળામાં જ થશે, જેથી જે સમયે વધુ નાણાકીય વ્યવહારો થઈ રહ્યા હોય તે સમયે સર્વર પર વધુ દબાણ ન પડે.

5- પેમેન્ટ રિવર્સલની લિમિટ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ નવા નિયમોમાં પેમેન્ટ રિવર્સલ માટે પણ મર્યાદા નક્કી કરી છે. હવેથી કોઈપણ યુઝર 30 દિવસમાં 10 વાર અને એક વ્યક્તિ કે સંસ્થા પાસેથી ફક્ત 5 વાર જ પેમેન્ટ રિવર્સલની માંગ કરી શકશે. 

આ ઉપરાંત હવેથી યુઝર્સને UPI દ્વારા પેમેન્ટ કરતી વખતે સામેના વપરાશકર્તાનું રજિસ્ટર્ડ નામ દેખાશે, જેનાથી વ્યવહારોમાં પારદર્શિતા આવશે અને છેતરપિંડીથી બચી શકાશે.

શા માટે કરવામાં આવ્યા ફેરફાર? 

NPCI દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફેરફારો માટે યુઝરોએ કંઈ પણ કરવાની જરૂર નહીં રહે અને એપ્લિકેશન એ જ રીતે ચાલતી રહેશે, જેવી પહેલાં ચાલતી હતી. આ ફેરફારો તમામ UPI એપ્લિકેશનમાં આપમેળે જ લાગુ કરી દેવામાં આવશે. 

ફેરફારો કરવાનું કારણ એ છે કે છેલ્લા થોડા મહિનામાં UPI સર્વર પર ભારણ વધી રહ્યું હતું અને જેના કારણે ઘણી વખત ટ્રાન્ઝેક્શન ફેલ થવાથી લઈને નાણાકીય વ્યવહારોમાં ઝડપ ધીમી થવા સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ માટે ઘણી ફરિયાદો પણ મળી હતી. પછીના અધ્યયનમાં જાણવા મળ્યું કે વારંવાર બેલેન્સ ચેક કરવા કે ઑટો પે વગેરેના કારણે દબાણ વધી રહ્યું છે. હવે આ નવા નિયમો બાદ સર્વર પર લોડ ઓછો થશે. 

અન્ય અમુક અહેવાલો એવા પણ છે કે ભવિષ્યમાં UPI પેમેન્ટ માટે પિન સિવાય ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીનો પણ વિકલ્પ આપવામાં આવશે. જેનાથી વૃદ્ધોને કે જેમને પિન સાથે માથાકૂટ કરવામાં સમસ્યા આવે છે, તેમને ફાયદો થશે. જોકે હાલ આ લાગુ કરવામાં આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં 35 કરોડથી વધુ એક્ટિવ UPI યુઝર્સ છે. ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે વિશ્વમાં સૌથી આગળ છે. દેશમાં દર મહિને 18.39 અરબથી વધુના નાણાકીય વ્યવહારો UPIના માધ્યમથી થાય છે. UPI સાથે હાલ કુલ 675 જેટલી બેન્કો જોડાયેલી છે, જેથી કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે બેન્ક સાથે UPI દ્વારા વ્યવહાર કરી શકે છે. ભારતના જેટલા પણ ડિજિટલ વ્યવહારો થાય છે તેમાંના 85% વ્યવહારો UPIના માધ્યમ દ્વારા થાય છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વના 50%થી વધુ રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફક્ત ભારતીય UPI દ્વારા જ થાય છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં