Thursday, January 30, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપ્રયાગરાજ મહાકુંભ 2025 માત્ર સનાતની આસ્થા જ નહીં, અર્થવ્યવસ્થાને પણ આપશે હરણફાળ...

    પ્રયાગરાજ મહાકુંભ 2025 માત્ર સનાતની આસ્થા જ નહીં, અર્થવ્યવસ્થાને પણ આપશે હરણફાળ ગતિ: અંગ્રેજો પણ મેળવતા હતા આયોજનથી બમણી આવક, પ્રદેશ સરકારની દેખાઈ રહી છે તનતોડ મહેનત

    બ્રિટિશ સરકાર પણ તેના રાજમાં કુંભના સફળ આયોજન માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી હતી. હા, અંગ્રેજો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ તે મહત્ત્વનું નહોતું. પણ તેમના માટે આર્થિક દૃષ્ટિએ મહાકુંભ અતિ મહત્વનો બની જતો.

    - Advertisement -

    આ વખતે આયોજિત થનારો પ્રયાગરાજ મહાકુંભ 2025 (Prayagraj Mahakumbh 2025) ન માત્ર પરંપરા અને આધુનિકતાનો સમન્વય હશે, પરંતુ દરેક રીતે અનોખો પણ હશે. મહાકુંભ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા તેમજ સમાજ અને વ્યવસાય માટે પ્રાચીન કાળથી આજ સુધી એક ઉત્તમ મંચ રહ્યો છે. મહાકુંભમાં વિશ્વભરમાંથી આવતા ભક્તોને કારણે રાજ્ય સરકારને મોટો આર્થિક લાભ પણ મળશે.

    બ્રિટિશ સરકાર પણ તેના રાજમાં કુંભના સફળ આયોજન માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી હતી. હા, અંગ્રેજો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ તે મહત્ત્વનું નહોતું. પણ તેમના માટે આર્થિક દૃષ્ટિએ મહાકુંભ અતિ મહત્વનો બની જતો. 1906 સુધી બ્રિટિશ ભારત સરકાર મહાકુંભના આયોજન પાછળ જેટલો ખર્ચ કરતી હતી તેના કરતા અનેક ગણી વધારે આવક તેમાંથી મેળવી લેતી હતી.

    જેને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વર્ષ 2022માં જ પ્રયાગરાજ મહાકુંભ 2025 માટેની તૈયારીઓ શરૂ કરાવી દીધી હતી. તેમની અધ્યક્ષતામાં મહાકુંભ 2025ને લઈને પ્રથમ બેઠક વર્ષ 2022માં મળી હતી. તે દરમિયાન મુખ્યમંત્રી યોગીએ પ્રયાગરાજની પણ અનેક મુલાકાતો લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ આ કાર્યક્રમમાં ભારે રસ દાખવ્યો હતો.

    - Advertisement -

    આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભ 2025 કાર્યક્રમની તૈયારીઓનો વ્યક્તિગત રીતે તાગ મેળવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પીએમ મોદી અને સીએમ યોગીએ મહાકુંભ આયોજન સાથે સંકળાયેલી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ/લોકાર્પણ/અનાવરણ/ ઉદ્ધાટન પણ કર્યા હતા. આ રીતે પીએમ મોદી અને સીએમ યોગી આ કાર્યક્રમને વિશ્વ ફલક પર સ્થાપિત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

    મહાકુંભ નગરી માટે વિશેષ પરિયોજનાઓ

    આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભ 2025 મેળામાં 45 કરોડથી પણ વધુ લોકો સામેલ થવાની સંભાવનાઓ છે. તેનાથી સ્થાનિક રોજગાર, વેપાર, પ્રાદેશિક હસ્તશિલ્પકળા અને કળા ઉપરાંત પ્રવાસન અને સર્વાંગી વિકાસને પણ વેગ મળશે. કુંભના કારણે સરકાર દરેક રીતે આ ક્ષેત્રના માળખાગત સુવિધાઓનો વિકાસ કરે છે, જે છેવટે નાગરિકોને ફાયદો કરાવે છે અને વેપારની સુવિધા આપે છે.

    યોગી આદિત્યનાથ સરકાર પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે 500થી વધુ પરિયોજનાઓ પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સ માટે આશરે ₹6,382 કરોડ ખર્ચવામાં આવશે. આ પરિયોજનાઓમાં રસ્તાઓ પહોળા કરવા, પીવાના પાણીની પાઈપલાઈનો, નવી બસો દોડાવવા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ અન્ય પ્રકારના માળખાકીય વિકાસનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ મહાકુંભ નગરી વસાવવા માટે 50,000થી વધુ કામદારો દિવસ-રાત એક કરી કામ રહ્યા છે. જ્યાં જરૂરી હોય ત્યાં પુલ બનાવવામાં આવ્યા છે. જ્યાં બ્રિજ બનાવવો શક્ય ન હતો ત્યાં ફોર લેન ટેમ્પરરી સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા છે. જ્યાં જરૂર પડે ત્યાં રેલવે બ્રિજ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓને પહોળા કરીને સુંદર બનાવવામાં આવ્યા છે.

    પ્રયાગરાજને આપ્યો આકર્ષક લૂક

    પ્રયાગરાજમાં આવતા શ્રદ્ધાળુઓને આકર્ષવા માટે શહેરને ખાસ સુંદર અને આકર્ષક રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ શહેરની દિવાલો અને મોટા ચાર રસ્તાઓને ભવ્ય રૂપ આપવા માટે ₹60 કરોડનું બજેટ અલગ ફાળવી રાખ્યું છે. તેમાં શહેરની મુખ્ય દિવાલો પર સ્ટ્રીટ આર્ટ, ચોક પર ભીંતચિત્રો, વિવિધ શૈલીના શિલ્પો, લેન્ડસ્કેપિંગ, ટ્રાફિક ચિહ્નો, ગ્રીન બેલ્ટ અને બાગબગીચા વગેરેનો સમાવેશ થાય છે.

    શહેરની દિવાલો પર ધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના વિવિધ પ્રતીકો અંકિત કરવામાં આવશે. આ ચિત્રો એવા લાગશે જાણે તે તમારી સાથે સંવાદ કરતા હોય અને તમને આ પ્રાચીન શહેર વિશે જણાવી રહ્યા હોય. આ ચિત્રો જોઈ આધુનિકતા વચ્ચે ધાર્મિકતા અને સંસ્કૃતિના સંગમની અનોખી અનુભૂતિ થશે. શહેરના લગભગ 10 લાખ ચોરસ ફૂટમાં સુંદર આકર્ષક રંગરોગાન કરવામાં આવશે.

    સ્થાનિક લોકોને મળશે રોજગાર

    એક અંદાજ મુજબ આ વર્ષે મહાકુંભથી 45 હજાર પરિવારોને રોજગારી મળશે. મહાકુંભમાં 25,000 શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા છે. મહાકુંભ માટે કૌશલ્ય વિકાસ હેઠળ 45 હજાર પરિવારોને તાલીમ આપવામાં આવી છે. રાજ્ય સરકારે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને રહેવા માટે શહેરમાં 2,000થી વધુ પેઇંગ ગેસ્ટ સુવિધાઓ ઉભી કરી છે.

    ઉત્તર પ્રદેશ સરકારે 2022માં એક ટૂરિઝમ પોલિસી બનાવી હતી, જેમાં 10 લાખ લોકોને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ હતો. આ પ્રશિક્ષિત સેવા પ્રદાતાઓ આ મહાકુંભમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને રોજગાર મેળવશે. તેમાં ઇકો-ફ્રેન્ડલી કુલડીઓ, પતરાળા-દોણા બનાવવા જેવા સ્વરોજગારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેનાથી નાના ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

    યુપી ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ ટૂર ગાઇડ, ડ્રાઇવર્સ, નાવિકો, સ્ટ્રીટ વેન્ડર્સ સહિત વિવિધ પ્રકારના સર્વિસ પ્રોવાઇડર્સને તમામ પ્રકારની ટ્રેનિંગ આપી રહ્યું છે. યુપીના પર્યટન વિભાગે 2,000થી વધુ નાવિકોને પ્રવાસીઓને આકર્ષવા અને નાવિકોની આવક વધારવા માટેની ખાસ તાલીમ આપી છે. આમાં ભક્તો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને તેમની સલામતીનું ધ્યાન કેવી રીતે રાખવું તેવી બધી જ બાબતો શામેલ છે.

    એટલું જ નહીં કુંભ દરમિયાન ભોજનની પવિત્રતા જાળવી રાખવા માટે સ્થાનિક મહિલાઓ માટીના ચૂલા પણ વેચી રહી છે. આ રીતે દરેક સેવા પૂરી પાડનાર અને લઘુ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાવાની તાલીમ આપવામાં આવી છે, જેથી આ મહાકુંભમાં આવતા લોકોને ધાર્મિક અને સાંસ્કૃતિક અનુભવની સાથે આતિથ્ય સત્કારનો અભૂતપૂર્વ આનંદ મળે.

    મહાકુંભના ટેન્ટ સિટીમાં મળશે વૈભવી ઠાઠ

    મહાકુંભમાં 2,000થી વધુ પેઇંગ ગેસ્ટ ઉપરાંત રાજ્ય સરકારે કુંભ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ માટે 2,000થી વધુ સ્વિસ કોટેજ સ્ટાઇલના ટેન્ટ પણ ઊભા કર્યા છે. આ માટે એક લક્ઝુરિયસ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી રહી છે. તેનું નિર્માણ ઉત્તર પ્રદેશ રાજ્ય પર્યટન વિકાસ નિગમ લિમિટેડ (UPSTDC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. UPSTDC 6 ભાગીદારો સાથે આ સિટીની સ્થાપના કરી રહ્યું છે.

    ટેન્ટ સિટીમાં વિવિધ પ્રકારના બ્લોક ઉભા કરવામાં આવી રહ્યા છે. આ બ્લોક્સમાં અગમન, કુંભ કેમ્પ ઇન્ડિયા, ઋષિકુલ કુંભ કુટીર, કુંભ વિલેજ, કુંભ કેનવાસ, કુંભ યુગ વગેરેનો સમાવેશ થાય છે. આ ટેન્ટમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હેઠળ ફાઈવ સ્ટાર હોટેલ્સની સુવિધા હશે. તે સુપર ડિલક્સ, ટેન્ટ વિલા, મહારાજા, સ્વિસ કોટેજ અને ડોરમિટરી ફોર્મેટમાં ઉપલબ્ધ થશે.

    વોકલ ફોર લોકલ

    ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પ્રયાગરાજ મહાકુંભ-2025 દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે યુપીના સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની યોજનાની રૂપરેખા આપી છે. આ માટે સરકારે પીએમ મોદીના ‘વોકલ ફોર લોકલ’ને પોતાનો મૂળ મંત્ર બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન, ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ એટલે કે દરેક જિલ્લાની એક મોટી પ્રોડક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે.

    બનારસની સાડીઓ, મુરાદાબાદથી પિત્તળનો સામાન, ગોરખપુરથી ટેરાકોટા, બાંદાથી શજર પથ્થરની બનાવટો આંતરરાષ્ટ્રીય મંચ પર લોકપ્રિયતા અને પ્રમોશન મળવાની અપેક્ષા છે. આ કારણે આ જિલ્લાઓના સંબંધિત ઉત્પાદનોનો વ્યવસાય પણ વધવાની ધારણા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ને મોટા પાયે પ્રમોટ કર્યું હતું અને યુપી સરકારે તેમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.

    75 દેશથી 45 કરોડ લોકો આવશે મહાકુંભમાં

    પ્રયાગરાજમાં આયોજિત થનારા મહાકુંભ 2025માં દુનિયાના 75થી વધુ દેશોના 45 કરોડ લોકોને આકર્ષિત કરે તેવી આશા છે. જેમાં શ્રદ્ધાળુઓથી લઈને પત્રકારો અને શંસોધકો પણ મોટી સંખ્યામાં આવે તેવી આશા છે. યુરોપથી લગભગ 4 લાખ પ્રવાસીઓ માત્ર મહાકુંભ જોવા આવી શકે છે. યુરોપના ઘણા દેશોના ટૂર ઓપરેટરોએ યુપી પર્યટન વિભાગનો સંપર્ક કર્યો છે.

    યુએઈ, બહેરીન, કુવૈત વગેરે જેવા મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પણ મહાકુંભના સાક્ષી બનવા માટે પ્રયાગરાજમાં હોટલ બુક કરાવી રહ્યા છે. આ રીતે વિદેશી પ્રવાસીઓ આવવાના કારણે ભારતને પણ વિદેશી હુંડિયામણ મળશે. આનાથી ઉત્તર પ્રદેશની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે. આ સાથે જ બ્રાન્ડ યુપીને પણ દુનિયાભરમાં ઓળખ મળશે.

    વર્ષ 2019માં મહાકુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. જેમાંથી 25 લાખ વિદેશી પ્રવાસીઓ હતા. આ વખતે આ સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશના કાયદા અને વ્યવસ્થામાં થયેલા અભૂતપૂર્વ સુધારાના સ્વાગત અને વિશ્વાસ તરીકે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેને જોવામાં આવી રહ્યું છે.

    જો કુલ પ્રવાસીઓની વાત કરીએ તો ગત વર્ષ એટલે કે 2023માં ઉત્તર પ્રદેશમાં કુલ 48 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં ભારતીય અને વિદેશી બંને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ આંકડો 2022ની સરખામણીમાં 50 ટકા વધારે હતો. આશા છે કે વર્ષ 2028માં આ આંકડો 85 કરોડ સુધી પહોંચી જશે. આ સંદર્ભમાં આવતા વર્ષના મહાકુંભની ભૂમિકા મહત્ત્વની બની જાય છે.

    પ્રયાગરાજથી અન્ય ધાર્મિક સ્થળો સુધી ચાલશે વિશેષ ટ્રેન

    મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ વિંધ્યાચળ, અયોધ્યા, વારાણસી, વૃંદાવન, મથુરા જેવા પ્રસિદ્ધ તીર્થ સ્થળોની પણ મુલાકાત લઈ શકે છે. રાજ્ય સરકારે એક ધાર્મિક કોરિડોર બનાવ્યો છે જેથી યાત્રાળુઓ મહા કુંભ યાત્રા દરમિયાન આ મંદિરોની મુલાકાત લઈ શકે. વિશેષ ટ્રેનો દોડાવવાથી માંડીને વારાણસીના જળમાર્ગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

    પ્રયાગરાજ મહાકુંભને સીધો વારાણસી સાથે જોડવા માટે રેલવેએ વારાણસી કેન્ટ અને પ્રયાગરાજ વચ્ચે 34 ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પ્રયાગરાજથી અયોધ્યા, પ્રયાગરાજથી વિંધ્યાચલ અને પ્રયાગરાજથી મથુરા-વૃંદાવન વચ્ચે પણ આવી જ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ શહેરો માટે ‘ફાસ્ટ રિંગ મેમુ’ સેવા શરૂ કરવામાં આવી છે. આ ફાસ્ટ રિંગ મેમુ સેવા પ્રયાગરાજથી અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ સુધી આવશે. એ જ રીતે બીજી ટ્રેન પ્રયાગરાજથી વારાણસી, પછી અયોધ્યા અને પછી પ્રયાગરાજ સુધી આવશે. આ સેવા મુખ્ય સ્નાન ઉત્સવો સિવાયના બધા દિવસો પર કાર્યરત રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં