પ્રયાગરાજના મહાકુંભ 2025નો (Maha Kumbh 2025) પ્રારંભ માગશરના મેળા સાથે (13 જાન્યુઆરી, 2024) થઈ જશે. આ મહાકુંભનું આયોજન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો સૌથી મોટો ઉત્સવ હશે, જે લગભગ બે મહિના સુધી ચાલશે. દરમ્યાન, કરોડો શ્રદ્ધાળુઓ અહીં આવીને ડૂબકી લગાવશે. હાલ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેમાં નવા ઘાટનું નિર્માણ, યાતાયાત અને સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર અને સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુંભનું આ ભવ્ય-દિવ્ય આયોજન ન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક છે, પણ એ ભારતીય લોકતાંત્રિક મૂલ્યો, વિવિધતા અને સહિષ્ણુતાનું એક અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડે છે.
મહાકુંભનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ
મહાકુંભ મેળો ભારતીય સંસ્કૃતિનો એવો પવિત્ર ઉત્સવ છે, જેની ગુંજ પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સાંભળવા મળે છે. આ મેળો ઇતિહાસ, ધર્મ, દર્શન અને સમાજના અદ્વિતીય સમાગમને દર્શાવે છે. મેળો ન માત્ર આસ્થાનું પ્રતીક છે, પણ ભારતીય દર્શન, પરંપરા અને ખગોળીય વિજ્ઞાનનો અદ્ભુત સંગમ પણ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથનથી નીકળેલા અમૃત કળશની અમુક બૂંદ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકનાં પવિત્ર સ્થળો પર પડી અને આ જ કારણ છે કે આ ચાર સ્થાનોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાનો ઇતિહાસ એટલો પ્રાચીન છે કે તેની ઉત્પત્તિનો સમય પણ સ્પષ્ટ જાણવા મળતો નથી.
મહાકુંભનો ઉલ્લેખ વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં મળી આવે છે. શ્રીમદ્ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં સમુદ્ર મંથનની કથાને વિસ્તારપૂર્વક જણાવવામાં આવી છે. આ કથા અનુસાર, દેવતાઓ અને અસુરોએ અમૃત પ્રાપ્તિ માટે સમુદ્રમંથન કર્યું હતું. મંથનમાંથી નીકળેલા અમૃત કળશને લઈને દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો અને બૂંદ ચાર સ્થળોએ પડી.
વિષ્ણુપુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવે છે. આ રીતે, જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં આયોજન થાય છે. ઉજ્જૈનમાં જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે કુંભ યોજાય છે. પ્રયાગરાજમાં માગશર અમાવસના દિવસે સૂર્ય અને ચંદ્રમા મકર રાશિમાં હોય અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે કુંભ યોજાય છે. આ રીતે ખગોળીય ગણતરીનું સટીક પાલન કરવામાં આવે છે.
ઇતિહાસકારો માને છે કે કુંભ મેળો સિંધુખીણની સભ્યતાથી પણ પ્રાચીન છે. અમુક ઇતિહાસકારો અનુસાર, કુંભ મેળાનું આયોજન ગુપ્ત કાળ (ત્રીજીથી પાંચમી સદી)માં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હતું. ચીની યાત્રી હ્યાનસાંગે પણ 629-645 વચ્ચે સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજના કુંભ મેળાનું વર્ણન કર્યું છે. તેમણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યું હતું, જેમાં અસંખ્ય સાધુઓ, વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આધુનિક પ્રશાસનિક માળખા હેઠળ કુંભનું સ્વરૂપ ગુપ્ત કાળથી શરૂ થયું અને શંકરાચાર્યે તેને ધર્મ અને સમાજને સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું.
ધર્માચાર્યો માને છે કે કુંભ મેળો અનાદિ છે. એટલે કે તેનો પ્રારંભ કોઈ એક ઘટનાથી થયો નથી, પણ માનવ સભ્યતા સાથે તેની પરંપરા પણ વિકસિત થઈ. આ આયોજન માનવતાની એક એવી ધરોહર છે, જેમાં ધર્મ, સંસ્કૃતિ અને સમાજનો અદ્ભુત સંગમ થાય છે.
કુંભનું ખગોળીય મહત્ત્વ
કુંભ મેળો ખગોળીય ઘટનાઓ પર આધારિત છે. નવગ્રહોમાં સૂર્ય, ચંદ્રમા, ગુરુ અને શનિની સ્થિતિ આ આયોજન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમૃતની રક્ષામાં આ ગ્રહોની ભૂમિકા પુરાણોમાં વિશેષ રીતે રેખાંકિત કરવામાં આવી છે. કુંભ મેળાનું આયોજન દર ત્રણ વર્ષોના અંતરે કરવામાં આવે છે, જે ચાર પવિત્ર સ્થળો- હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી આયોજિત થાય છે. 12 વર્ષના ચક્ર બાદ મેળો મૂળ સ્થાને પરત ફરે છે.
પ્રયાગરાજના કુંભનું વિશેષ મહત્વ એટલા માટે છે, કારણ કે અહીં ગંગા-યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ થાય છે. કુંભ મેળો દર 12 વર્ષે એક વખત આયોજિત કરવામાં આવે છે, જ્યારે દર 6 વર્ષે અર્ધકુંભ અને 144 વર્ષે મહાકુંભ યોજાય છે. દર 144 વર્ષે આયોજિત થતા મહાકુંભને દેવતાઓ અને મનુષ્યનો સંયુક્ત પર્વ માનવામાં આવે છે. શસ્ત્રો અનુસાર, પૃથ્વીનું એક વર્ષ દેવતાઓ માટે એક દિવસ બરાબર હોય છે. આ જ ગણતરી પ્રમાણે 144 વર્ષના ગાળામાં મહાકુંભ મનાવવામાં આવે છે.
દુનિયા માટે એક આશ્ચર્ય છે કુંભ
મહાકુંભ ન માત્ર ભારતમાં પણ આખા વિશ્વમાં એક અદ્વિતીય આયોજન છે. પશ્ચિમી ધર્મોમાં સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું ઘણું મહત્વ છે, પણ ત્યાં કોઈ દાર્શનિક કે આધ્યાત્મિક ઘટનાની આ પ્રકારની માન્યતા નથી. કુંભ મેળાનો ખગોળીય આધાર અને તેનું આધ્યાત્મિક મહત્ત્વ પશ્ચિમી વિધારધારા માટે પણ એક આશ્ચર્ય છે.
આ મેળો સનાતના ધર્મની એ દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે, જેમાં સત્યની શોધને પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીં કોઈ કોઈની ઉપર માન્યતા થોપતું નથી, પણ સૌને પોતપોતાની સાધના પદ્ધતિમાં વિશ્વાસ કરવાનો અધિકાર છે. જે વિવિધતાનું સન્માન અને સહિષ્ણુતાનું એક અદ્ભુત ઉદાહરણ છે.
કુંભ મેળો આજે માત્ર ભારતીયો પૂરતો સીમિત નથી. વિદેશી પત્રકાર, શ્રદ્ધાળુઓ અને પર્યટકો પણ તેમાં સહભાગી થાય છે. તેમના માટે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો પરિચય કરવાનો આ એક અવસર છે. પશ્ચિમી દૃષ્ટિકોણથી આ મેળો બ્રાહ્મણ અને જીવનની ગૂઢ અવધારણાઓને સમજવાનો એક પ્રયાસ છે. વિદેશી લેખકો અને પત્રકારો આ મેળાને ‘વિશ્વનું સૌથી શાંતિપૂર્ણ આયોજન’ કહે છે. તેમનું માનવું છે કે કુંભ મેળો ભારતીય દર્શન અને આધ્યાત્મની વ્યાપકતા દર્શાવે છે.
મહાકુંભમાં સંતોનો જમાવડો, ગૃહસ્થો માટે પણ સ્વર્ણિમ અવસર
કુંભ મેળો સંતો, તપસ્વીઓ અને ગૃહસ્થો વચ્ચે સેતુનું કામ કરે છે. આ સાધના, જ્ઞાન અને આસ્થાનું એક કેન્દ્ર છે, જ્યાં ગૃહસ્થ જીવન જીવતા લોકો તપસ્વીઓના સત્સંગથી ધર્મનો મર્મ સમજે છે. કુંભમાં સંત સમાજનું યોગદાન અનેરું છે, જ્યાં તેઓ પોતાના જ્ઞાન અને અનુભવને જનસામાન્ય સમક્ષ વહેંચે છે. સંતોના સત્સંગ અને પ્રવચનથી લોકોને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
અમુક સંતો એવા પણ હોય છે, જેઓ સાધનાસ્થળોમાંથી ક્યારેય બહાર આવતા નથી, પણ કુંભમાં આશીર્વાદ આપે છે. આ આયોજન સાધના પરંપરા, ગૃહસ્થ પરંપરા અને કુંભ શાસ્ત્રની ત્રિવેણી છે એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય. કુંભ એટલા માટે પણ અનૂઠો છે કે અહીં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે આવે છે.
મહાકુંભ નગરીમાં કથા અને પ્રવચનની પરંપરા સમાજને સદીઓથી એક દિશા આપી છે. કથા અને પ્રવચન કઠિન જ્ઞાનને સરળ ભાષામાં સામાન્ય જનતા સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. મહાકુંભમાં વિવિધ અખાડાઓ અને સંપ્રદાયો દ્વારા આયોજિત કથાઓ શ્રદ્ધાળુઓને સત્ય અને ધર્મનો માર્ગ દેખાડે છે. ધાર્મિક કથાવાચકો માને છે કે આ કથાઓ સમાજને ઊંડા સ્તરે પ્રભાવિત કરે છે. અખાડાના પ્રતિનિધિઓ કહે છે કે, કથા અને પ્રવચન જીવનનાં ગૂઢ યહાસ્યોને સમજવાનું એક માધ્યમ છે. સમાજશાસ્ત્રો તેને ભારતીય સમાજની સામૂહિક ચેતના જાગૃત કરવાનું સાધન માને છે. શ્રદ્ધાળુઓ કહે છે કે, આ પ્રવચનોથી તેમણે જીવન જીવવા માટે એક નવી દ્રષ્ટિ અને ઊર્જા મળે છે.
મહાકુંભમાં રાજ્ય સત્તા, સમાજ સત્તા અને ધર્મ સત્તાનો પણ સમાગમ
કુંભ મેળામાં ધર્માંતરણ, કોઈ વિશેષ પૂજા પદ્ધતિ કે વિચારધારા થોપવા માટે કોઈ સ્થાન નથી. અહીં દરેક વ્યક્તિને પોતાની આસ્થા અને પૂજા પદ્ધતિ સાથે આવવાની અને તેને પ્રગટ કરવાની સ્વતંત્રતા છે. અહીં વિવિધતામાં એકતાની ભારતીય પરંપરાનું જીવંત ઉદાહરણ જોવા મળે છે.
કુભ મેળો ન માત્ર ધાર્મિક આયોજન છે, પણ રાજ્ય સત્તા, સમાજ સત્તા અને ધર્મ સત્તાનો એક અદ્વિતીય સંગમ પણ છે. જે ભારતીય સમાજની એ વિલક્ષણતા દર્શાવે છે, જ્યાં આ ત્રણેય એકબીજા સાથે સહયોગથી કામ કરે છે. અહીં ધર્માચાર્ય, આધ્યાત્મિક ગુરુ અને પ્રશાસન મળીને મેળાને સુવ્યવસ્થિત રીતે ચલાવે છે. આ આયોજન આદર્શ સમાજનો પાયો નાખવા માટેનું પ્રતીક છે.
મહાકુંભ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજનો એવો સંગમ છે, જે ન માત્ર ભારત પરંતુ આખા વિશ્વને એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપે છે. આ આયોજન પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક રીતે અણમોલ છે. મહાકુંભ ભારતીય સમાજની સહઅસ્તિત્વની ભાવના અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો પ્રતીક છે. જે ન માત્ર આસ્થાનો પર્વ છે, પણ એક એવો મંચ પણ છે, જ્યાં માનવતા, જ્ઞાન અને ચેતનાનું મિલન થાય છે.