
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટે જામીન ફગાવ્યા બાદ તથ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર બુધવારે (27 મે) ચુકાદો આપવામાં આવ્યો અને અરજી મંજૂર કરવામાં આવી. તથ્ય પટેલ લગભગ પોણા ત્રણ વર્ષ પછી જેલની બહાર આવશે.
ઘટના જુલાઈ 2023માં બની હતી, જ્યારે અમદાવાદના ઈસ્કોન બ્રિજ ઉપર અન્ય એક અકસ્માત થતાં ત્યાં એકઠા થયેલા લોકો પર એક કાર ચડી ગઈ હતી, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં. પછીથી સામે આવ્યું કે કાર તથ્ય પટેલ નામનો એક યુવક ચલાવી રહ્યો હતો. પોલીસે તથ્ય અને તેના બાપ સામે ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી હતી. બાપને જામીન મળી ગયા હતા, તથ્ય ત્યારથી જેલમાં બંધ હતો.
તથ્ય પટેલે સૌથી પહેલાં ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે નકારી દેવાઈ હતી. ત્યારબાદ અમુક કલમો હટાવવા માટે અરજી દાખલ કરવામાં આવી એ પણ ફગાવી દેવામાં આવી હતી. ઑગસ્ટ 2025માં ગુજરાત હાઇકોર્ટે તથ્યની રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી. પછીથી નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે ચાર્જફ્રેમ માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો.
ડિસેમ્બર 2025માં ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ પણ હાઇકોર્ટે એક અરજી ફગાવીને IPC 304 અને 308 કલમો હટાવવાની અરજી મંજૂર કરી દીધી હતી. દરમ્યાન હવે સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન આપ્યા છે.
તથ્ય વિરુદ્ધ અમદાવાદ પોલીસે IPC, મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. કલમોમાં IPC 304 પણ છે, જે ગેરઇરાદતન હત્યાની કલમ છે. જેની હેઠળ 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

