મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મહૂમાં (Mhow) હિંદુઓ (Hindus) પર મુસ્લિમ ટોળાંના પથ્થરમારા (Stone Pelting) મામલે નોંધાયેલી FIRમાં મુસ્લિમોની (Muslims) પ્લાનિંગનો (Planning) ખુલાસો થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પછી વિજયની ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો પૂર્વ-આયોજિત હતો અને પહેલાંથી તેનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં નામજોગ 17 મુસ્લિમોને આરોપી બનાવવામાં આવ્યા છે.
મહૂમાં થયેલી હિંસા બાદ 10 માર્ચ, 2025ના રોજ મહૂ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. FIRમાં મુસ્લિમો પર રમખાણો, મારપીટ, હુમલો વગેરે સહિત અનેક કલમો લગાવવામાં આવી છે. FIRમાં 17 નામજોગ આરોપીઓની સાથે અનેક અજાણ્યા વ્યક્તિઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. હુમલાનો ભોગ બનેલા એક હિંદુ વ્યક્તિ દ્વારા FIR દાખલ કરાવવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
FIRમાં પીડિતે જણાવ્યું છે કે, રવિવારે (9 માર્ચ) ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત બાદ તે તેના ઘણા મિત્રો સાથે ઉજવણી કરવા ગયો હતો. પીડિતે કહ્યું કે, તે અને તેના મિત્રો શાંતિપૂર્ણ વિજય સરઘસ કાઢી રહ્યા હતા.
પીડિતે વધુમાં જણાવ્યું કે, આ દરમિયાન બબલુ, તૈયબ, ગોલુ, અહેમદ, પપ્પુ, અહેમદ, જમશેદ, અબ્દુલ અનીસ, શેરુ, લલ્લુ, સૈયદ, ઈમરાન, અફઝલ, સોહેલ, રફીક અને ઈમરાન (2) સહિત અન્ય અજાણ્યા લોકો મોતી મહેલ ચોકમાં આવી પહોંચ્યા હતા. પીડિતના જણાવ્યા મુજબ, આ મુસ્લિમોએ પહેલાં વિજયની ઉજવણી કરી રહેલા હિંદુઓને ગાળો આપી હતી.
સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કર્યો હતો હુમલો
FIR મુજબ, મુસ્લિમોએ કહ્યું કે, “અમે પહેલાંથી જ પ્લાન બનાવી રાખ્યો હતો કે, તમે સાલાઓ બૂમો પાડીને ઉજવણી કરશો તો આજે અમે તમારો ઈલાજ કરી નાખીશું. જ્યારે અમે ગાળો બોલવાનો ઇનકાર કર્યો, ત્યારે તે બધાએ ષડયંત્રપૂર્વક અગાઉથી એકત્રિત કરેલ ઇંટો અને પથ્થરોનો ઉપયોગ કરીને અમારા પર પથ્થરમારો શરૂ કર્યો હતો.”
પીડિતે જણાવ્યું છે કે, આ પથ્થરમારાને કારણે તે અને તેના સાથીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફરિયાદીએ એમ પણ કહ્યું છે કે, આ પછી મુસ્લિમોએ ધમકી આપી હતી કે, જો હિંદુઓ ફરીથી સરઘસ કાઢશે તો તેમની હત્યા કરી નાખવામાં આવશે. વધુમાં પીડિતોની બસોમાં તોડફોડ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે અને ધરપકડ કરી રહી છે. ઇન્દોરના SP રાજેશ દ્વિવેદીએ જણાવ્યું છે કે, “FIR નોંધવામાં આવી છે, જેમાં 17 લોકો નામજોગ છે. કેટલીક વધુ ફરિયાદો પણ આવી છે, તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ 12 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બાકીનાને પકડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. FIRમાં રમખાણો જેવી કલમો પણ લગાવવામાં આવી રહી છે.”
આ ઉપરાંત ઇન્દોર ગ્રામીણ SP હિતિકા વત્સલે 2 FIR વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, હવે પરિસ્થિતિ સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે મહૂમાં ભારતીય ટીમની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને ‘અલ્લાહુ અકબર’ જેવા નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા.