Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: નાગાલેન્ડના 2 વ્યક્તિઓ પર થયેલ હુમલો એ હેટ ક્રાઇમ નહીં પરંતુ...

    અમદાવાદ: નાગાલેન્ડના 2 વ્યક્તિઓ પર થયેલ હુમલો એ હેટ ક્રાઇમ નહીં પરંતુ વ્યવસાયિક દુશ્મનાવટ- પોલીસ; હુમલાખોરો સામે કડક કાર્યવાહીની આપી ખાતરી

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જેબી અગ્રાવતે પીડિત દ્વારા મીડિયા સામે અપાયેલ જુદા જુદા નિવેદનોને મૂળમાંથી નકારી કાઢ્યા હતા. તેઓએ જણાવ્યું કે તેમની તપાસમાં આ આખો મામલો વ્યવસાયિક દુશ્મનાવટનો હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    હાલમાં અમુક મેઇનસ્ટ્રીમ મીડિયા પર અમદાવાદના એક સમાચાર મુકવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે અમદાવાદના એક વિસ્તારમાં સ્થાનિક તોફાનીઓ દ્વારા એક રેસ્ટોરન્ટ ચલાવનારા નાગાલેન્ડના 2 વ્યક્તિઓ પર માત્ર એટલા માટે હુમલો કરાયો કારણ કે તેઓ બહારના હતા અને નોન-વેજ વેચી રહ્યા હતાં. પરંતુ પોલીસનું કહેવું આ બાબતે તદ્દન વિરોધાભાષી છે.

    ટાઈમ્સ ઇન્ડિયામાં મંગળવારે (6 જૂન 2023) એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, જેનું મથાળું હતું, ‘નાગાલેન્ડના બે પર ગુજરાતમાં ‘પૂર્વોત્તરનો ખોરાક વેચવા’ માટે હુમલો થયો’. તેમના અહેવાલમાં આગળ કહેવાયું હતું કે હુમલાખોરો પીડિતને માર મારતી વખતે એમ કહી રહ્યા હતા, “હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા ગુજરાત જેવા સ્થળે તમે માંસાહારી ખાદ્ય પદાર્થો અને ઉત્તરપૂર્વીય ખોરાક કેવી રીતે વેચી શકો.”

    ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીએ પણ અહેવાલ આપ્યો જેનું મથાળું હતું, ‘અમદાવાદમાં નાગાલેન્ડના 2 વ્યક્તિઓ પર બેઝબોલ બેટ વડે હુમલો કર્યો, એકની ધરપકડ’. અહેવાલમાં આગળ કહેવાયું હતું કે પીડિતે તેમને જણાવ્યું હતું કે, “તેમણે (હુમલાખોરોએ) કહ્યું કે ‘ગુજરાત એક હિંદુ રાજ્ય છે અને તમને ચિકન વેચવાની પણ છૂટ નથી’.”

    - Advertisement -

    પોતાના અહેવાલમાં ઇન્ડિયન એક્સપ્રેસે છેલ્લે એટલું જરૂર ટાંક્યું કે સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જેબી અગ્રાવતે પીડિતના આ નિવેદનોને નકારી કાઢ્યા છે અને આ ઝઘડો તેમની વ્યવસાયિક દુશ્મનાવટને કારણે થયો હતો.

    શું હતી આખો મામલો?

    ઑપઇન્ડિયાએ આ કેસની FIR મેળવીને તેનો અભ્યાસ કર્યો તથા જ્યાં કેસ નોંધાયો છે એ સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર જેબી અગ્રાવત સાથે ટેલિફોનિક વાત કરીને સાચી ઘટના જાણવાનો પ્રયત્ન કર્યો. જે બાદ મૂળ ઘટના સામે આવી એ નીચે મુજબ છે.

    અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ‘વન સ્ટોપ – નોર્થઇસ્ટ શોપ એન્ડ રેસ્ટોરન્ટ’ નામની રેસ્ટોરન્ટમાં રોવિમેઝો કેહી અને માપુયંગર જમીર નામના નાગાલેન્ડના 2 વ્યક્તિઓ કામ કરે છે અને માલિક હિરેન પટેલ છે.

    ગત રવિવાર (4 જૂન 2023)ના રોજ રાતના સાડા 8 વાગ્યા આસપાસ આ રેસ્ટોરન્ટ પર એક ટોળું આવ્યું અને ધંધાને લગતી બાબતમાં ઝગડો કરવા માંડ્યું હતું. ફરિયાદ અનુસાર ટોળામાં 10 થી 12 લોકો હતા.

    પોલીસ અનુસાર જે લોકો હુમલો કરવા આવ્યા હતા તેઓ પણ ત્યાં બાજુમાં જ આ પ્રકારની જ રેસ્ટોરન્ટ ચલાવતા હતા. તેમનું કહેવું હતું કે તેઓની જે સ્પેશ્યાલિટી છે તદ્દન એવું માંસ લાવીને આ લોકો કેમ વેચે છે. ઝઘડો આ બાબતનો જ હતો.

    બાદમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી પછી છુટા હાથની મારામારી પણ થઇ હતી, જેમાં રોવિમેઝો કેહીને માથાના ભાગમાં ઇજા થતા તેને સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેના માથામાં 4 ટાંકા લેવામાં આવ્યા હતા. છેવટે બંને કારીગરોએ શેઠ હિરેન પટેલ સાથે વાત કરીને સોલા પોલીસ સ્ટેશન જઈને પોતાની ફરિયાદ નોંધાવી હતી.

    મીડિયામાં દ્વારા આ કેસ વિષે ગેરસમજ ઉભી કરવામાં આવી

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જેબી અગ્રાવતે પીડિત દ્વારા મીડિયા સામે અપાયેલ જુદા જુદા નિવેદનોને મૂળમાંથી નકારી કાઢ્યા હતા. તેઓએ જણાવ્યું કે તેમની તપાસમાં આ આખો મામલો વ્યવસાયિક દુશ્મનાવટનો હોવાનું સામે આવ્યું છે. વિષયમાં હેટ ક્રાઇમનો કોઈ જ એંગલ ન હોવાનું પણ તેઓએ જણાવ્યું.

    વધુમાં તેઓએ જણાવ્યું કે ફરિયાદના આધારે પ્રતીક ધોબી નામના એક આરોપીની ધરપકડ કરાઈ ચુકી છે. તથા મહાવીર અને રોકડો નામના અન્ય આરોપીની શોધ હાલમાં ચાલુ છે. છેલ્લે તેઓએ બાંહેધરી આપી કે આરોપીઓ સામે નિયમને અનુરૂપ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં