રવિવારે (7 એપ્રિલ 2025) જ્યારે આખો દેશ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે અમદાવાદના દાણીલીમડા (Danilimda, Ahmedabad) ખાતે ‘વાજિદ શહેનશાહ’ નામના એક કુખ્યાત મુસ્લિમ તોફાની શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભાજપના ઝંડા ફાડીને હિંદુ કાર્યકર્તાઓએ ગાળો બોલી હતી. જે બાદ મુસ્લિમોના ટોળેટોળા પર ઉભરાઈ આવ્યા હતા.
રામનવમી સાથે જ રવિવારે ભાજપનો સ્થાપના દિવસ પણ હતો, જેને અનુલક્ષીને પીરકમાલ મસ્જિદ પાસે આવેલ સ્વામિનારાયણ હોસ્ટેલના મેદાનમાં દાણીલીમડા વિધાનસભાનો કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ સોમવારના દિવસે ગોઠવવામાં આવ્યો હતો. જેની તૈયારીના ભાગરૂપે દાણીલીમડા વોર્ડના ભાજપ પ્રમુખ ભૌમિક અને અન્ય કાર્યકર્તાઓ સ્થળ પાસે શાંતિપૂર્વક ભાજપના ઝંડા લગાવી રહ્યા હતા. તેવામાં વાજિદ શહેનશાહ નામનો એક કુખ્યાત તોફાની આવ્યો અને લગાવેલા ભાજપના ઝંડા કાઢી કાઢીને ફેંકવા અને ફાડવા માંડ્યો.
સાથે જ તેણે જોરજોરથી ભાજપ કાર્યકર્તાઓને ગાળો ભાંડી. ભૌમિક અને અન્ય અન્ય લોકો જ્યારે તેને રોકવા ગયા તો શહેનશાહે તેમને જાતિવિષયક ગાળો આપી અને ધક્કામુકી કરીને ત્યાંથી ભાગી ગયો હતો. થોડી વારમાં ત્યાં બંને બાજુઓ ટોળા ભેગા થવા માંડ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ રસ્તો રોકીને આરોપીને ધરપકડની માંગ કરી હતી.
ઑપઇન્ડિયા ઘટનાસ્થળે હાજર હતું અને જ્યારે દાણીલીમડા પોલીસ અહીં આવી ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ભાજપ કાર્યકર્તાઓએ હુમલખોરની ઓળખ અને વિડીયો સહિતના પુરાવા પોલીસને આપ્યા હતા. PI રાવતે જણાવ્યું હતું કે જલ્દીથી જલ્દી આરોપીને પકડીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
‘મને જાતિસૂચક ગાળો આપી, PM મોદી માટે પણ વાપર્યા અપશબ્દો’- ફરિયાદી ભૌમિક
રાતના 3 વાગ્યે આ બાબતે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઑપઇન્ડિયા સાથે વાત કરતા ફરિયાદી ભૌમિક સોખડિયા જે પોતે દાણીલીમડાના ભાજપ વોર્ડ પ્રમુખ પણ છે, તેઓએ જણાવ્યું, “સોમવારના સંમેલન માટે હું અમારા કાર્યકર્તાઓ સાથે સંમેલન સ્થળ પાસે અમારા પક્ષના ઝંડા લગાવી રહ્યો હતો. તેવામાં વાજિદ શહેનશાહ નામનો વ્યક્તિ આવ્યો અને ગાળો બોલતા બોલતા લગાવેલા ઝંડા ઉખાડીને ફેંકવા લાગ્યો. અમે વિરોધ કરતા તેણે મારી સાથે ધક્કામૂકી કરી અને જાતિસૂચક ગાળો પણ આપી. સાથે જ તેણે આદરણીય વડાપ્રધાન મોદી માટે પણ અપશબ્દો વાપર્યા હતા.”
તેમણે આગળ કહ્યું, “મારી સાથે આવું વર્તન થતા જોઈ જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા એટલે શહેનશાહ ત્યાંથી ભાગી ગયો હતો. મેં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હાલ આ બાબતે ફરિયાદ લખાવી છે. આ આરોપી આ વિસ્તારમાં ખૂબ કુખ્યાત છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ ચૂકી છે. પોલીસે તેની ધરપકડ કરીને તેનું સરઘસ આ જ વિસ્તારમાંથી કાઢવું જોઈએ જેથી સાથનિક લોકોમાં તેનો ભય ના રહે અને પોલીસ પર વિશ્વાસ બની રહે.”
‘આરોપી વ્યાજનો ધંધો કરે છે અને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સપડાયેલો છે’- સ્થાનિક નાગરિક
અન્ય એક સ્થાનિક નાગરિકે નામ ના જાહેર કરવાની શરતે ઑપઇન્ડિયાને જણાવ્યું, “આ શહેનશાહ અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે. તે ઊંચા વ્યાજ પર ગરીબ લોકોને પૈસા આપવાનું કામ કરે છે અને જ્યારે તેઓ પૈસા ના ચૂકવી શકે ત્યારે તેમને ધમકાવે છે અને ઘણીવાર મારપીટ પણ કરતો હોય છે.”
તેઓએ આગળ કહ્યું, “આ પહેલા પણ અનેકવાર દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અનેક લોકો દ્વારા લેખિત અરજીઓ કરવામાં આવી છે. પરંતુ તેની સામે ક્યારેય કોઈ કાર્યવાહી નથી થતી.” કાર્યવાહી ના થવાનું કારણ આપતા તેઓએ કહ્યું કે શહેનશાહના સંબંધ સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર અને AMCના વિરોધપક્ષના નેતા સાથે ખૂબ સારા હોવાથી પોલીસ કાર્યવાહી કરતા અચકાતી હોય છે. પહેલા ઘણીવાર આ કોર્પોરેટરના કહેવા પર તેને છોડી પણ દેવામાં આવ્યો છે.
12 કલાકથી વધુનો સમય, આરોપી પોલીસ પકડથી દૂર
હાલ આ સમગ્ર ઘટનાને 12 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ સ્થાનિકોના કહેવા અનુસાર હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
ઑપઇન્ડિયાએ આ બાબતે દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI રાવત સાથે વાત કરી હતી. આરોપીની ધરપકડ વિશે તેમને સવાલ પૂછતા તેઓએ પણ કહ્યું હતું કે હજુ આરોપીની ધરપકડ નથી થઈ.
તેવામાં જોવાનું એ રહે છે કે શું પોલીસ ખરેખર આ કુખ્યાત આરોપીની ધરપકડ કરી શકે છે કે નહીં. સાથે જ વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનાર આરોપીનું સરઘસ નીકળશે કે નહીં.
(અપડેટ: આ મામલે પછીથી અમદાવાદ પોલીસે આરોપી શહેનશાહ સહિત ત્રણને પકડી લીધા હતા અને તપાસ SC-ST સેલને સોંપવામાં આવી હતી.)