ગુજરાતમાં (Gujarat) અવારનવાર નકલી ડૉકટરો, નકલી હૉસ્પિટલો, નકલી ટોલ ટેક્સ, નકલી ખેતીવાડીની ઓફીસ અને નકલી ED પણ પકડાઈ ચૂકી છે. ત્યારે હવે અમદાવાદ (Ahmedabad) શહેરના ઇસનપુરથી (Isanpur) ત્રણ-ત્રણ નકલી પોલીસ (Fake Police) બનીને ફરતા આરોપીઓને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે. સામે આવ્યું છે કે આ ત્રણેય નકલી પોલીસ બનીને ફરતા ઠગો રસ્તાં પર ચેકિંગના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. ત્રણેય આરોપીઓ યાસીન ઉર્ફે પપૈયા કુરેશી, મોહસીન ઉર્ફે બીડુ શેખ, મુન્ના પઠાણને ઝડપી લેવામાં આવ્યા છે.
ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર વસ્ત્રાલમાં રહેતા મણીકંદન દેવર ડેકોરેશનનો ધંધો કરે છે. ગત 4 એપ્રિલે નારોલ ચાર રસ્તા પાસે મજુરો લેવા માટે ઉભો હતો. પરંતુ મજુરો ન મળતા તે ઘરે જવા લાગ્યો. આ દરમિયાન તે ઘોડાસર બ્રિજ પહોંચ્યો ત્યાં એક બાઈક પર આવેલા બે શખ્સોએ યુવકને પોતે પોલીસ હોવાનું કહીને ઉભો રાખ્યો અને વેશ્યાવૃતિનો ધંધો ક્યારથી શરુ કર્યો તેમ કહીને યુવકને ધમકાવવા લાગ્યા હતા.
એક્ટિવા પડાવીને માંગ્યા ₹1 લાખ
ત્યારપછી બનાવટી પોલીસ તરીકે આવેલા બંને શખ્શોએ યુવકનું એક્ટિવા પડાવી લીધું અને બીજા શખ્સે યુવકને બાઈકની પાછળ બેસાડી દીધો અને સુમસામ ગલીમાં લઈ ગયા હતા. ઉપરાંત મણીકંદનને ગાળો બોલીને થપ્પડો પણ માર્યા હતા. અને કેસમાંથી પતાવટ કરવી હોય તો મારા સિનીયર પી.આઈ સાથે વાત કરૂ એ કહેશે તો જવા દઈશું નહીતર અંદર કરાવી દઈશું. શખ્સોએ ફોન પર વાત કરાવી ત્યારે ત્રીજા ઠગે ₹1 લાખની માંગણી કરી હતી. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે.
ત્યારે ફરિયાદીએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહ્યું ત્યારે બાઈક પર આવેલા બનાવટી પોલીસે તેમને રસ્તામાં ઢોર માર માર્યો અને ફોન-પેમાં બેલેન્સ ચેક કર્યું જેમાં ₹40,000 મળતા ઠગોએ ₹28,100 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે વેપારીએ ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યાસીન ઉર્ફે પપૈયો શબ્બીરભાઈ કુરેશી, મોહસીન રફીકભાઈ શેખ, અબરાર અબ્દુલ સતાર પઠાણની ધરપકડ કરી હતી.
અહેવાલ અનુસાર યાસીન ઉર્ફે પપૈયા વિરુદ્ધ 2021માં બાપુનગર પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને ફરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સિવાય રાજકોટમાં તેના પર PASA પણ લાગેલો છે.
-અમદાવાદના ઈસનપુરમાંથી ત્રણ નકલી પોલીસ ઝડપાયા
— Gujarat First (@GujaratFirst) April 11, 2025
-યાસીન કુરેશી, મોહસીન શેખ અને અબરાર પઠાણની ધરપકડ
-નકલી પોલીસની ઓળખ આપી વેપારીને ધમકાવતા હતા
-બે શખ્સોએ પોલીસની ઓળખ આપી વેપારી સાથે કરી છેતરપિંડી
-ઇસનપુર પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ@AhmedabadPolice #Ahmedabad #FakePolice… pic.twitter.com/5MbZvSiCj5
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ ઇસનપુર પોલીસ સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ફરિયાદી 4 તારીખે ઘટનાથી ડરેલા હોવાના કારણે કોઈને જાણ નહોતી કરી. પરંતુ બાદમાં જ્યારે તેણે તેના મિત્રો સાથે વાત કર્યા બાદ 9 એપ્રિલના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને 11 એપ્રિલના રોજ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર આગામી સમયમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાથી લઈને આગામી કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2) (જાણી જોઇને કોઈને રસ્તા પર જતા અટકાવવા), 204 (ખોટી રીતે જાહેર સેવક અથવા અધિકારી હોવાનો ઢોંગ કરવો, ખોટી ઓળખ આપવી), 308 (6) (ખંડણી), 296 (b) (અશ્લીલ કૃત્યો ગાળો આપવી), 115 (2) (ઈરાદાપૂર્વક કોઈની સાથે મારપીટ કરવી) હેઠળ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગામી કાર્યવાહી શરૂ કરી છે.