Friday, April 3, 2026
More
    Home Blog Page 354

    હવે iPhone પ્રો સિરીઝ પણ હશે ‘મેડ ઇન ઇન્ડિયા’: એપલ પહેલી વખત ભારતમાં બનાવશે આઈફોનનાં પ્રો મોડેલ, 16 સિરીઝથી ઉત્પાદન શરૂ; ચીન પરની નિર્ભરતા ઘટશે

    વિશ્વવિખ્યાત ટેક કંપની એપલ પોતાના મોબાઈલ ફોનની નવી સિરીઝ આગામી સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરી રહી છે. iPhone 16 સિરીઝ લૉન્ચ થાય તે પહેલાં પ્રાપ્ત થતા એક મહત્વપૂર્ણ સમાચારને ધ્યાને લઈએ તો આ વખતે પહેલી વખત એપલ આઇફોનનાં પ્રો મોડેલ્સ પણ ભારતમાં એસેમ્બલ કરશે. અત્યાર સુધી ભારતમાં આઇફોનનાં બેઝ મોડેલ જ બનતાં હતાં, પરંતુ હવે પ્રો અને પ્રો મેક્સ મોડેલ પણ તૈયાર કરવામાં આવશે. જેના કારણે ચીન પરની એપલની નિર્ભરતા ઘટશે અને ભારતમાં ઉત્પાદન વધશે, જેના કારણે કિંમત પણ થોડી ઘટશે.

    રિપોર્ટ્સ અનુસાર, iPhone 16 સિરીઝ લૉન્ચ થાય કે તરત ફોકસકોન ઇન્ડિયા ઉત્પાદન શરૂ કરી દેશે. આ માટે તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી લૉન્ચ થતાંની સાથે જ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવે અને માંગને પહોંચી વળાય. અહીં નોંધવું જોઈએ કે એપલ આઇફોન અને અન્ય પ્રોડક્ટ્સના ભાગો કેલિફોર્નિયામાં બનાવે છે. ત્યારબાદ તેને ચીન અને ભારતમાં આવેલ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં તે એસેમ્બલ કરવામાં આવે છે. ભારતમાં ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ તથા તાતા અને અન્ય અમુક કંપનીઓ સાથે એપલનું ટાઇ-અપ છે.

    હાલ હાઈઇમ્પોર્ટ ટેક્સ્ટના કારણે iPhoneની કિંમત વધારે હોય છે. પરંતુ, તેનું ભારતમાં ઉત્પાદન થવાથી ઇમ્પોર્ટ મોડલની તુલનામાં 10% જેટલો ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ છે. જોકે, ભારતમાં ઉત્પાદન થવા છતાં એડવાન્સ પાર્ટસને આયાત કરવાની આવશ્યકતા અને અન્ય વેરાઓના કારણે હજુ પણ બીજા દેશો કરતાં ભારતમાં iPhone 16 Pro અને iPhone 16 Pro Max મોડેલ્સ થોડા મોંઘા મળી શકે છે.

    2021થી ભારતમાં બની રહ્યા છે iPhone

    વર્ષ 2021થી એપલ ભારતમાં તેના ઉત્પાદનનો વધારો કરી રહ્યું છે. શરૂઆત iPhone SEથી કરવામાં આવી હતી. ત્યારબાદ નોન પ્રો વેરિયન્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી. ગત વર્ષે iPhone 15 લૉન્ચ થયા બાદ iPhone 15 અને iPhone 15 પ્લસ તૈયાર કરવાના શરુ કરવામાં આવ્યા. હવે પ્રો અને પ્રો મેક્સ સિરીઝ પણ તૈયાર થશે. જાણવા મળી રહ્યું છે કે, ફોક્સકોન ઉપરાંત એપલના ભારતમાં અન્ય બે પાર્ટનર તાતા અને પેગાટ્રોન પણ આ પ્રો સિરીઝ તૈયાર કરવામાં મદદ કરી શકે છે.

    આ વર્ષની શરૂઆતમાં એપલના કુલ iPhone ઉત્પાદનમાં ભારતનો ફાળો લગભગ 14 ટકા હતો, જે આવતા વર્ષ સુધીમાં વધીને 25 ટકા થવાની ધારણા છે, જે એપલના વૈશ્વિક સપ્લાયમાં ભારતીય બજારના વધતા મહત્વને દર્શાવે છે. ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધવાથી માત્ર એપલને જ નહીં પરંતુ અર્થતંત્રને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. ઉપરાંત નોકરીઓનું સર્જન અને ટેકનોલોજીકલ રોકાણોને પ્રોત્સાહન મળે તેવી સંભાવના પણ છે. ભારતમાં બનેલાં આ પ્રો મોડેલ્સ યુરોપ, મધ્ય પૂર્વીય દેશો અને અમેરિકા સુધી સપ્લાય કરવામાં આવશે.

    ભારત એપલ માટે એક મહત્વનું બજાર બનતું જાય છે. અહીં વાર્ષિક વેચાણ ૮ બિલિયન ડૉલર પર પહોંચે છે. વર્ષ 2030 સુધીમાં તે 33 બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. ભારતમાં હવે આઇફોનનાં પ્રો મોડેલ્સ પણ બનશે, અર્થાત ચીન પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય બજાર એક મેન્યુફેકચરિંગ હબ બનશે. 

    કોલકાતા રેપ-મર્ડર કેસ: ક્રાઇમ સીન સાથે છેડછાડ થઈ હોવાનો CBIનો ઘટસ્ફોટ, બંગાળ પોલીસની ભૂમિકા પર પણ સવાલ; સુપ્રીમે કહ્યું- 30 વર્ષમાં આવી બેદરકારી નથી જોઈ

    કોલકાતા સ્થિત RG કર મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં બનેલા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટ સુઓમોટો (સ્વયં સંજ્ઞાન) સુનાવણી કરી રહી છે. ગુરુવારે (22 ઑગસ્ટ) આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જે રીતે મમતા બેનર્જીની સરકારની પોલીસે આ કેસને હેન્ડલ કર્યો છે, તેને લઈને કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ પારડીવાલાએ ટિપ્પણી કરતાં કહ્યું કે, “જે રીતે સરકારે આ કેસમાં સમગ્ર પ્રક્રિયા અનુસરી છે, આવું તો મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં ક્યારેય જોયું નથી.” બીજી તરફ, CBIએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમને તપાસ પાંચ દિવસ બાદ સોંપવામાં આવી હતી અને પછી જાણવા મળ્યું કે ક્રાઇમ સીન સાથે  પણ છેડછાડ કરવામાં આવી હતી. 

    CBIએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા સ્ટેટ્સ રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ પોલીસે પહેલાં મૃતકના માતા-પિતાને તેણે આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. પછીથી કહેવામાં આવ્યું કે હત્યા થઈ છે. આ સિવાય પણ સુનાવણી દરમિયાન પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા અને કોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે CJI ચંદ્રચૂડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી છે. 

    સુનાવણી દરમિયાન જ્યારે CBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો ત્યારે CJIએ મેડિકલ રિપોર્ટ વિશે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં SG તરફથી જણાવવામાં આવ્યું કે એવો કોઇ રિપોર્ટ હોવાનું તેમના ધ્યાને નથી. તેઓ (CBI) પાંચમા દિવસે તપાસમાં જોડાયા હતા અને ત્યાં સુધીમાં ક્રાઇમ સીન પર ઘણું બદલાઈ ગયું હતું. જોકે, બંગાળ સરકાર તરફથી હાજર રહેલા કપિલ સિબલે વાંધો ઉઠાવીને કહ્યું હતું કે, તમામને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી અને કશું બદલાયું નથી. 

    SG મહેતાએ ચોંકાવનારી વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોલીસે FIR રાત્રે 11:45 કલાકે નોંધી હતી, તે પણ અંતિમ સંસ્કાર બાદ. તેમણે આગળ કહ્યું કે, “વરિષ્ઠ ડૉક્ટરો અને મૃતકના સહકર્મીઓએ વિડીયોગ્રાફીની માંગ કરી હતી, અર્થાત તેમને પણ લાગ્યું હશે કે કશુંક ઢાંકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.” 

    દરમ્યાન, CJIએ પોલીસની કાર્યવાહી પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો મૃત્યુની નોંધણી સવારે 10:10 કલાકે થઈ ગઈ હોય તો પછી ક્રાઇમ સીન સુરક્ષિત કરવાથી લઈને પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી રાત્રે 11:30 કલાકે શા માટે થઈ? ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ અત્યંત પરેશાન કરતી બાબત છે. જસ્ટિસ મનોજ મિશ્રાએ પણ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, ઓટોપ્સી 9 ઑગસ્ટની સાંજે થઈ હતી તો રાત્રે 11:30 વાગ્યે અકુદરતી મૃત્યુ (Unnatutal Death)ની નોંધણી શા માટે કરવામાં આવી?

    જસ્ટિસ પારડીવાલાએ બંગાળ સરકારની વકાલત કરતા કપિલ સિબ્બલને પ્રશ્ન કર્યો હતો કે, જો પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવામાં આવ્યું હોય તો તેનો અર્થ એ થયો કે મૃત્યુ કુદરતી નથી. અને અકુદરતી મૃત્યુનો કેસ રાત્રે 11:20 વાગ્યે નોંધવામાં આવ્યો અને FIR થઈ 11:45 વાગ્યે. જજે કહ્યું કે, અકુદરતી મૃત્યુ નોંધવા પહેલાં જ પોસ્ટમોર્ટમ કરવું બહુ આશ્ચર્યજનક બાબત છે. 

    દુનિયાભરમાં ભારતીય કંપની ‘અમૂલ’નો દબદબો: બની વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ, મળ્યું AAA+ રેન્કિંગ, હર્શીઝ સહિત અનેકને છોડ્યા પાછળ

    ગુજરાતની ડેરી પ્રોડક્ટ અને ખાદ્યપદાર્થો બનાવતી જાયન્ટ કંપની અમૂલ (Amul) ભારતભરમાં પહેલેથી જ પોતાનું વર્ચસ્વ ધરાવે છે. હવે દુનિયાએ પણ અમૂલના શાસનને સ્વીકારી લીધું છે. એક રિપોર્ટ અનુસાર અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા એક રિપોર્ટમાં તેને AAA+ રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુ પણ વધીને $3.3 બિલિયન થઈ ગઈ છે. કંપનીએ હર્શીઝને (Hershey’s) પાછળ છોડી દીધી છે, જે ગયા વર્ષે આ યાદીમાં પ્રથમ નંબર પર હતી.

    બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં, અમૂલને હર્શીઝની સાથે AAA+ રેટિંગ આપવામાં આવ્યું છે. પરંતુ હર્શીઝની બ્રાન્ડ વેલ્યુ 0.5 ટકા ઘટીને $3.9 બિલિયન થઈ ગઈ છે. તેથી તેને આ વર્ષની યાદીમાં બીજા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો હતો. આ બાબતે કંપનીએ પોતાના ઓફિસિયલ X એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને વધુ માહિતી આપી હતી.

    અમૂલનો ઈતિહાસ લગભગ 70 વર્ષ જૂનો છે. અમૂલ એ ભારતના ડેરી માર્કેટનો બિનવિવાદિત રાજા છે. ભારતના ઘર ઘરમાં અમૂલ એક જાણીતી અને સ્થાપિત બ્રાન્ડ છે. દૂધ બજારમાં તેનો હિસ્સો 75 ટકા, માખણ બજારમાં 85 ટકા અને ચીઝ માર્કેટમાં 66 ટકા છે.

    બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 અનુસાર, અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર તેનો સ્કોર 100માંથી 91 છે. આ ઉપરાંત, કંપનીને AAA+ રેટિંગ પણ મળ્યું છે. વર્ષ 2023ની સરખામણીમાં આ વર્ષે અમૂલની બ્રાન્ડ વેલ્યુ પણ 11 ટકા વધીને $3.3 બિલિયન થઈ ગઈ છે. જોકે, બ્રાન્ડ વેલ્યુને કંપનીના ટર્નઓવર સાથે કોઈ લેવાદેવા નથી. નાણાકીય વર્ષ 2022-23માં અમૂલનું વેચાણ 18.5 ટકા વધીને ₹72,000 કરોડ થયું છે.

    નોંધનીય છે કે દુનિયાની સૌથી મજબૂર ફૂડ બ્રાન્ડ ઉપરાંત દુનિયાની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડનો ખિતાબ પણ અમૂલે પોતાની પાસે જ રાખ્યો છે.

    ઓમર એજાઝે બનાવ્યા 13000 મહિલાઓના અશ્લીલ વિડીયો, 2 વર્ષની બાળકીઓને પણ ન બક્ષી: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ

    અમેરિકામાં પોલીસે ઓમર એજાઝ નામના ભારતીય ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપ છે કે 40 વર્ષનો ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓનું બેભાન અવસ્થામાં યૌન શોષણ કરતો હતો અને છુપાયેલા કેમેરા લગાવીને તેમના નગ્ન ફોટા અને અશ્લીલ વિડીયો પણ લેતો હતો.

    અહેવાલો અનુસાર, તપાસ દરમિયાન પોલીસને ઓમર એજાઝની એક હાર્ડ ડ્રાઈવમાંથી 13,000થી વધુ વિડીયો મળી આવ્યા હતા. આ સિવાય 15 અન્ય ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ તેમની તપાસ કરી રહી છે. અત્યાર સુધી એવું બહાર આવ્યું છે કે ઓમરે 2 વર્ષની નાની છોકરીઓનો વિડીયો રેકોર્ડ કર્યો હતો.

    એજાઝની પત્નીએ જ આપી પોલીસને માહિતી

    એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એજાઝની પત્નીએ ઓમર એજાઝ દ્વારા રેકોર્ડ કરાયેલ ચિંતાજનક સામગ્રી કાયદા અમલીકરણ એજન્સીઓને પ્રદાન કરી. તેમને જોયા બાદ જ પોલીસે વોરંટ જારી કરીને ઓમર એજાઝની ધરપકડ કરી હતી. હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. યુએસ પોલીસ શેરિફ માઈક બાઉચાર્ડનું કહેવું છે કે 40 વર્ષીય ઓમર એજાઝ કયા કયા ગુનાઓમાં સંડોવાયેલો છે તે જાણવામાં મહિનાઓ લાગી જશે, પરંતુ પોલીસ તેની તપાસ કરી રહી છે.

    નોંધનીય છે કે ઓમર એજાઝ 2011માં બેંગલુરુથી વર્કિંગ વિઝા પર અમેરિકા આવ્યો હતો. તે પછી તેણે અમેરિકામાં ઘણી જગ્યાએ કામ કર્યું. એજાઝે સ્વિમિંગ ક્લબના ચેન્જિંગ રૂમમાં બાળકો અને તેમની માતાના ઘણા વિડીયો રેકોર્ડ કર્યા. એટલું જ નહીં, તે હોસ્પિટલના રૂમમાં દર્દીઓ સાથે મારપીટ પણ કરતો હતો અને હવે તે એક કંપની સાથે ભાગીદારીમાં ફિઝિશિયન તરીકે કામ કરતો હતો અને સારવારના નામે અલગ-અલગ હોસ્પિટલમાં જતો હતો.

    મેડિકલ ઉપકરણો અને બાયોમેડિકલ વેસ્ટની હેરાફેરી, વેચાતાં હતા લાવારિસ મૃતદેહો: આરજી કર હૉસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ પર પૂર્વ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટના ચોંકાવનારા આરોપ

    કોલકતાની RG કર મેડિકલ કોલેજ (RG Kar Hopistal) અને હોસ્પિટલ ખાતે 31 વર્ષીય ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની (Kolkata Doctor Rape Murder) ઘટના સામે આવી હતી. આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIની પૂછપરછ દરમિયાન કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર અજાણી લાશોને વેચવા સહિત અન્ય ગેરકાયદે ગતિવિધિઓના આરોપ લાગ્યા છે.

    અહેવાલ અનુસાર RG કર મેડિકલ કોલેજના પૂર્વ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ અખ્તર અલીએ એવો દાવો કર્યો હતો કે સંદીપ ઘોષ લાવારિસ લાશોને વેચતા હતા. ઉપરાંત તેમના પર વિદ્યાર્થીઓના માર્ક વધારી આપવા, વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લેવી અને મેડિકલ ઉપકરણો, બાયોમેડિકલ વેસ્ટની હેરફેર સહિતના આરોપ લગાવ્યા હતા. આ બધી ગેરકાયદે ગતિવિધિઓથી તેમણે લાખો રૂપિયા બનાવ્યા હતા.

    News 18 સાથે વાતચીતમાં અખ્તર અલીએ કહ્યું હતું કે, “મેં ઘોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે ગુનેગાર હતો અને આ હોસ્પિટલમાંથી લાખોની કમાણી કરતો હતો. ત્યારે કોઈએ મારી વાત ન સાંભળી. હવે, હું કોર્ટનો પણ સંપર્ક કરીશ.” ઉપરાંત તેમણે ઘોષ પર હોસ્પિટલના તમામ ટેન્ડરો પર 20% લાંચ લેવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    વિદ્યાર્થીઓને પાસ કરવા લાંચ, હોસ્પિટલના દરેક ટેન્ડરમાં કમિશન સહિતના આરોપ

    આ સિવાય તેમણે કહ્યું હતું કે સંદીપ ઘોષ જાણી જોઈને વિદ્યાર્થીઓને ફેલ કરતાં હતા, જેથી તેમને પાસ કરવા માટે તે પૈસા વસૂલી શકે. આ ઉપરાંત દરેક જગ્યાએ ઘોષનું કમિશન પણ નક્કી હતું. તેમણે આ અંગે વર્ષ 2023માં તકેદારી વિભાગને ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન આવી અને અલીની બદલી કરી દેવામાં આવી હત. અલીની સાથે તપાસ સમિતિના બે અધિકારીઓની બદલી પણ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે CM મમતા બેનરજી પર પણ RG કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને બચાવવાના આરોપ લાગ્યા છે.

    ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે CBI તપાસ કરી રહી છે. CBIએ 21 ઓગસ્ટ બુધવારે સતત છઠ્ઠા દિવસે ઘોષ સાથે પૂછપરછ કરી હતી. જેમાં નાણાકીય ગેરરીતિ સાથે અન્ય મામલાઓ પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે 20 ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ ઘોષ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અત્યાર સુધી CBI દ્વારા સંદીપ ઘોષની લગભગ કુલ 64 કલાક પૂછપરછ કરવામાં આવી છે. જેમાં નવા ખુલાસાઓ થયા છે. ઉપરાંત સંદીપ ઘોષે પશ્ચિમ બંગાળની પોલીસ સામે હાજર થઈને ભ્રષ્ટાચાર મામલે તેના નિવેદનો નોંધવાના હતા. આ મામલે હજી વધુ ખુલાસા થવાની સંભાવના છે.

    સ્કૂલમાં બે 4 વર્ષીય બાળકીઓનું યૌન શોષણ, આક્રોશિત સ્થાનિકો ઉતર્યા રસ્તા પર: મહારાષ્ટ્રના બદલાપુરની ઘટનામાં આરોપીની ધરપકડ, કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા CMOના આદેશ

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે પાશવી બળાત્કાર અને ત્યારબાદ બર્બર હત્યાની ઘૃણાસ્પદ ઘટનાનો સતત વિરોધ ચાલી રહ્યો છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની (Badlapur) એક શાળામાં 3-4 વર્ષની બાળકીઓના યૌન શોષણનો (Sexual Assault) કેસ આવતાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. આ મામલે વિરોધ-પ્રદર્શનો ચાલી રહ્યાં છે તો બીજી તરફ મહારાષ્ટ્ર CMO પણ સક્રિય થઈ ગયું છે. ઘટનામાં આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાના આદેશ આપ્યા છે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવી છે.

    સમગ્ર ઘટના 13 ઑગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે ઘટી હોવાનું કહેવાય છે. થાણે બદલાપુરની એક શાળાના કિન્ડરગાર્ટનમાં ભણતી બે બાળકીઓ શાળાના શૌચાલયમાં ગઈ હતી. જાણવા મળ્યા અનુસાર, ત્યાં કોઈ મહિલા સ્ટાફમાંથી હજાર ન હતું. અહીં શાળામાં સફાઈકર્મી તરીકે કામ કરતા એક અક્ષય શિંદે નામના ઇસમે બાળકીઓ સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આરોપ છે. FIR અનુસાર, આરોપી અક્ષયે (જેને બાળકીઓ ‘દાદા’ (મોટાભાઈ) કહેતી હતી) બાળકીઓનાં કપડાં ઉતાર્યાં અને અડપલાં કર્યાં હતાં. ઉપરથી કોઈને ન કહેવા માટે જણાવીને ધમકી આપી હતી. બાળકીઓ ત્યારબાદ ડઘાઈ ગઈ હતી, પરંતુ બેમાંથી એકના વર્તનમાં ફેરફાર આવતાં તેના માતા-પિતાને શંકા જતાં તેમણે પૂછપરછ કરી ત્યારે તેણે હિંમત કરી સમગ્ર ઘટના કહી દીધી હતી.

    ત્યારબાદ તેમણે અન્ય બાળકીના માતા-પિતા સાથે પણ વાતચીત કરી. પછીથી તેઓ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. 19 ઑગસ્ટના રોજ જ્યારે બાળાઓના માતા-પિતા ફરિયાદ નોંધવા ગયા ત્યારે તેમની ફરિયાદને કોઈ મહત્વ આપવામાં આવ્યું નહીં તેવો આરોપ છે. માતા-પિતાનો દાવો છે કે પોલીસે 12 કલાક સુધી આ ઘટનાને ધ્યાનમાં લીધી નહીં અને રાત્રે 9 વાગે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલે પર આરોપ છે કે POCSO (જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ) કેસ હોવા છતાં કેસ લેવામાં વિલંબ કર્યો હતો. જેના પગલે ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. 20 ઑગસ્ટે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

    સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અને ફરિયાદ નોંધાયા બાદ આરોપી અક્ષયની પોલીસે ધરપકડ કરી લીધી હતી. એક પુરુષ સફાઈકર્મીને બાળાઓ સાથે શૌચાલયમાં જવાની પરવાનગી આપવા બદલ શાળાના સંચાલકો પર પણ પ્રશ્ન ઉઠ્યા હતા. આ મામલે શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને 2 મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાના સમાચાર છે. મહત્વની બાબત એ છે કે સમગ્ર શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા નહોતા. આ મામલે મહારાષ્ટ્ર સરકારના શિક્ષણમંત્રી દીપક કેસરકરે ટકોર કરતાં કહ્યું કે, ખાનગી શાળાઓમાં કેમેરા લગાવવા અને તેની જાળવણી કરવી બંને શાળાની જવાબદારી છે. જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે તે સીસીટીવીના માધ્યમથી બહાર આવી શકે છે.

    ઘટનાના વિરોધમાં પ્રદર્શન

    સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને લોકો રોષે ભરાયા હતા. વિરોધના પગલે 20 ઑગસ્ટે (મંગળવાર) બદલાપુર વિસ્તારમાં દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રહ્યા હતા. શાળાઓ પણ બંધ કરાવવામાં આવી હતી. અગ્રણી સ્થાનિક રાજકારણીઓ અને તેમના સમર્થકો સાથે વિરોધમાં જોડાયા હતા. બીજી તરફ, બદલાપુર રેલ્વે સ્ટેશન પર પણ હજારોની ભીડ પ્રદર્શન કરવા ઉમટી પડી હતી. બદલાપુર બંધ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી રેલવે ટ્રેક બ્લૉક કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી પોલીસે હળવો લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને ટ્રેક પરથી હટાવ્યા હતા. દરમ્યાન, ક્યાંક પથ્થરમારાની પણ ઘટના બની. જોકે, પછીથી પોલીસે તુરંત સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ 300 લોકો સામે કેસ નોંધ્યો હતો અને 28ની ધરપકડ કરી હતી.

    CMO સક્રિય, CM શિંદેના કડક તપાસના આદેશ  

    પરિસ્થિતિને જોતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસ કરવા માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહના નેતૃત્વમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સક્રિય થયા છે. તેમણે આ મામલામાં કડક તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે જો શાળા સંચાલકોની ખામી હશે તો તેમને સામે પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. CM શિંદેએ કહ્યું કે, “મેં થાણે પોલીસ કમિશનર સાથે વાત કરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મેં કેસમાં ઝડપી કાર્યવાહી કરવા માટે અને આરોપી પર રેપના પ્રયાસની તેમજ પોક્સોની કલમો લગાવવા માટે સૂચના આપી છે.” CMOએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ શાળાઓમાં ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે અમુક પગલાં લેવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી છે.  

    આંધ્ર પ્રદેશ CMOમાં રોજ એક હજાર પફ ઝાપટી જવાતાં હતાં? TDPનો આરોપ- જગન મોહનની સરકારમાં ₹3.62 કરોડ માત્ર ‘એગ પફ’ પાછળ ખર્ચાયા!

    વર્તમાનમાં આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીની (TDP) સરકાર છે. તાજેતરમાં જ થયેલી આંધ્રપ્રદેશની (Andhra Pradesh) વિધાનસભાની ચૂંટણીમાં NDA ગઠબંધને સત્તાધારી YSRCPને હરાવીને જીત મેળવી હતી. સત્તામાં આવ્યા બાદથી જ TDP પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની (Jagan Mohan Reddy) સરકાર પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ લગાવતી રહી છે. તાજેતરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેણે આંધ્ર જ નહીં પણ દેશભરમાં ચર્ચા જગાવી છે. TDPનો આરોપ છે કે જગન મોહનના કાર્યકાળ (2019-2024) દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયે ₹3.6 કરોડ માત્ર એગ પફ (Egg Puff) ખાવામાં ફૂંકી માર્યા હતા.

    અહેવાલ અનુસાર, TDPનો આરોપ છે કે વર્ષ 2019-24માં જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાં એક વર્ષમાં સરેરાશ ₹72 લાખનો ખર્ચ માત્ર એગ પફ પાછળ થયો છે. 5 વર્ષનો કાર્યકાળ જોતાં આ કુલ રકમ ₹3.6 કરોડ જેટલી થાય. એક પફની કિંમત 20 રૂપિયા મૂકવામાં આવી છે. આમ પાંચ વર્ષમાં 18 લાખ જેટલાં એગ પફ ખવાય ગયાં હોવાનો આરોપ છે. એટલે એક દિવસ પ્રમાણે ગણો તો દિવસમાં લગભગ હજારેક પફ થાય. જે પહેલી વખત માનવામાં ન આવે એવી બાબત છે. TDPએ આ કૌભાંડને ‘અંડા પફ સ્કેન્ડલ’ નામ આપ્યું છે.

    ઉલ્લેખનીય છે કે YSRCPએ આ આક્ષેપને નકારી કાઢ્યા છે. તથા આરોપનું ખંડન કરતાં પાર્ટીના X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું હતું કે TDP જાણીજોઈને જગન મોહન રેડ્ડી પર કાદવ ઉછાળી રહી છે. કથિત અંડા પફ સ્કેન્ડલ બહાર આવ્યા બાદ TDP અને YSRCP વચ્ચે વિવાદો શરૂ થઈ ગયા છે. બંને પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે.

    YSRCPએ પણ આરોપ લગાવ્યો હતો કે તેમની સરકાર પહેલાં 2014-19 દરમિયાન ચંદ્રબાબુ નાયડુની સરકાર હતી. ચંદ્રબાબુ અને તેમના પુત્ર લોકેશે પણ ચા-નાસ્તામાં 8.5 કરોડ ખર્ચી નાખ્યા હતા. વધુમાં પાર્ટીએ લખ્યું હતું કે TDPએ જે આરોપ લગાવ્યા છે તે તદ્દન ખોટા છે, જો TDP આ આરોપને સાબિત નહીં કરી શકે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

    ઉપરાંત TDPએ આ આરોપની સાથે YSRCP પાસે તેના દ્વારા બનાવાયેલ ₹500 કરોડના મહેલ અને ₹700 કરોડનાં પૂતળાના હિસાબ પણ માંગ્યા હતા. TDPએ અંડા પફ સિવાય અન્ય ઘણી બાબતોમાં નાણાકીય ગેરરીતિ આચારવાના અને પાણીની જેમ પૈસાનો ઉપયોગ કરવાના આરોપ YSRCP પર થોપ્યા છે.

    કપરા સમયે હજારો નિરાધાર બાળકોને આપ્યો હતો આશરો…જામનગરના મહારાજાને આજે પણ નથી ભૂલ્યું પોલેન્ડ: જે ‘જામસાહેબ ઑફ નવાનગર’ મેમોરિયલની PM મોદીએ લીધી મુલાકાત, તેની પાછળનો ઇતિહાસ જાણો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડ (Poland) અને યુક્રેનના પ્રવાસે છે. બુધવારે (21 ઑગસ્ટ) તેઓ પોલેન્ડ પહોંચ્યા. અહીં તેઓ બે દિવસ માટે રોકાશે. 45 વર્ષ બાદ પ્રથમ વખત કોઇ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની યાત્રાએ પહોંચ્યા છે એટલે આ યાત્રા ખાસ છે, પરંતુ એક બીજા કારણોસર પણ PM મોદીની આ યાત્રા અન્ય વિદેશ યાત્રાઓ કરતાં નોખી છે. કારણ એ છે કે અહીં વડાપ્રધાને ‘જામસાહેબ ઑફ નવાનગર’ મેમોરિયલની (Jamsaheb of Nawanagar Memorial) પણ મુલાકાત લીધી. આ મેમોરિયલ પર જઈને જામસાહેબ દિગ્વિજયસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. 

    ઇતિહાસ જાણનારાઓ જાણે છે કે નવાનગરના (આજનું જામનગર) મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજાનું પોલેન્ડ સાથે એક વિશેષ જોડાણ છે. તેઓ (અને તે સમયના ઘણા રાજાઓ) ‘બાપુસાહેબ’ના હુલામણાં નામથી ઓળખાતા. આ બિરૂદ થોપી બેસાડવામાં નહતું આવ્યું પણ પ્રજાવત્સલ રાજવી પ્રત્યેનો પ્રજાનો ભાવ તેમાં જોવા મળતો. ‘મારી પ્રજાનું કલ્યાણ થાજો’ એ જ આવા રાજવીઓનો મંત્ર રહ્યો. ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી હોય કે જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા, તેઓ ખરા અર્થમાં ‘બાપુસાહેબ’ બનીને રહ્યા, પ્રજાને એક પિતાની જેમ સાચવી. એ જ કારણ છે કે આટલાં વર્ષો પછી પણ તેમનાં નામો આદર-સન્માન સાથે લેવામાં આવે છે. ને દિગ્વિજયસિંહજીએ માત્ર પોતાના રાજ્યની પ્રજાને જ ન સાચવી, વખત આવ્યો ત્યારે સાડા છ હજાર કિલોમીટર દૂર આવેલા દેશ પોલેન્ડના નાગરિકોનો પણ આશરો બન્યા હતા. કોઇ અપેક્ષા વગર તેમણે પોતાનો ધર્મ નિભાવ્યો હતો. આજે આટલાં વર્ષો વીતી ગયાં, પણ પોલેન્ડ હજુ આ મહારાજાને યાદ કરે છે.

    કોણ હતા જામસાહેબ દિગ્વિજયસિંહજી?

    જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાનો જન્મ 1895માં. રાજકુમાર કોલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ લંડનની યુનિવર્સિટી કોલેજમાં પણ અભ્યાસ કર્યો. 1919માં તેઓ બ્રિટીશ આર્મીમાં સેકન્ડ લેફટનન્ટ તરીકે જોડાયા. લગભગ 2 દાયકાની સૈન્ય કારકિર્દી બાદ 1931માં નિવૃત્ત થયા. જોકે, 1947 સુધી તેઓ ભારતીય સેનામાં માનદ પદ પર રહ્યા હતા. નિવૃત્તિના 2 વર્ષ બાદ 1933માં તેમનો કાકા રણજીતસિંહ જાડેજાના ઉત્તરાધિકારી તરીકે નવાનગરના મહારાજા તરીકે રાજ્યાભિષેક કરાયો. 

    1966માં તેમના નિધન સુધી તેઓ નવાનગરના મહારાજા રહ્યા. જોકે, 1947માં ભારતની સ્વતંત્રતા બાદ અન્ય મહારાજાઓ સાથે તેમણે પણ રજવાડાનું વિલીનીકરણ કરી દીધું હતું. જેથી આમ જોવા જઈએ તો શાસન કરનાર તેઓ જામનગરના અંતિમ મહારાજા હતા. તેમના પુત્ર શત્રુશલ્યસિંહ જાડેજા, જેઓ હાલ જામનગરના રાજવી છે. ઉલ્લેખનીય છે કે રજવાડાં હવે રહ્યાં નથી, પરંતુ હજુ પણ રાજ્યાભિષેક વગેરે પરંપરાઓ યથાવત રહી છે અને વિલીનીકરણ બાદ પણ ચાલતી આવે છે અને પ્રજા પણ રાજાઓને એટલો જ આદર આપતી રહી છે. 

    પોલેન્ડ સાથે શું છે જોડાણ? 

    બીજા વિશ્વયુદ્ધ સમયે 1939માં USSR અને જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે ત્યારની પોલેન્ડની સરકાર ભંગ થઈ ગઈ અને શાસકો લંડન ચાલ્યા ગયા. બીજી તરફ, મહિલાઓ અને બાળકો સહિત હજારો પૉલિશ નાગરિકોને સોવિયેત યુનિયનમાં ડિપોર્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જેમાં ઘણા દિવ્યાંગો હતા, અમુક અનાથ બાળકો હતાં અને મહિલા-બાળકો પણ મોટી સંખ્યામાં હતાં. 

    આ લોકોને શરણાર્થી કેમ્પ અને અનાથાલયમાં રાખવામાં આવતા હતા, જ્યાં રોગો અને ભૂખમરાના કારણે હાલ બેહાલ હતા. લગભગ 2 વર્ષ આવું ચાલ્યું. આ શરણાર્થીઓનું જીવન અત્યંત કપરી અને દયનીય સ્થિતીમાં વીત્યું. આખરે 1941માં આ તમામને માફી આપીને સોવિયેત યુનિયન છોડવાના આદેશ આપવામાં આવ્યા. એટલે હજારો નાગરિકો અને ખાસ કરીને બાળકો મુક્ત તો થઈ ગયાં, પરંતુ ત્યારપછી પણ તેમની પાસે ઝાઝા વિકલ્પો ન હતા. 

    પછીથી અમુકે મેક્સિકોમાં શરણ લીધું, અમુક ન્યૂઝીલેન્ડ ગયા. અન્ય અમુક દેશોમાં શરણાર્થી બનીને ગયા. આ વખતે બ્રિટનની વૉર કેબિનેટમાં મહારાજ દિગ્વિજયસિંહ જાડેજા હિંદુ ડેલિગેટ હતા. તેઓ આ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ-દુર્ઘટનાઓથી બરાબર વાકેફ હતા. જેવી જાણ થઈ કે તુરંત તેમણે આ પૉલિશ બાળકો અને નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો. વાતચીત થઈ અને બાળકોને ભારત લાવવા માટે સહમતી બની. 

    ‘તમે ભલે મા-બાપ ગુમાવ્યાં હોય, આજથી હું તમારો પિતા છું’

    1942માં પૉલિશ બાળકોનું પહેલું જૂથ નવાનગર ઉતર્યું હતું. કહેવાય છે કે તેમને આવકારવા માટે મહારાજા સ્વયં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે બાળકોને કહ્યું હતું કે, “હવે તમે અનાથ રહ્યાં નથી. ભલે તમે તમારાં મા-બાપ ગુમાવ્યાં હોય, પણ આજથી હું તમારો પિતા છું. તમે હવે નવાનગરના વાસી છો અને હું તમારો બાપુ છું.”

    જામસાહેબે તમામ બાળકો માટે રહેવા, જમવા સહિતની વ્યવસ્થાઓ કરી હતી. તુરંત આ બાળકો માટે બાલાચડી નજીક એક કૅમ્પ બનાવવામાં આવ્યો, જ્યાં તેમની સારસંભાળ લેવામાં આવતી હતી. પૂરતી તબીબી સહાય આપવામાં આવી તો શાળાઓ પણ ખોલવામાં આવી. બાળકો તેમની માતૃભાષા ભૂલી ન જાય તે માટે મહારાજા સાહેબે ખાસ પૉલિશ ભાષાનાં પુસ્તકોની એક લાઇબ્રેરી પણ તૈયાર કરાવડાવી હતી. 

    ન માત્ર સુવિધાઓ ઉભી કરાવી હતી, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે તમામ બાબતોનું ધ્યાન રાખતા અને કાયમ મુલાકાત લેતા રહેતા અને પૂરતી વ્યવસ્થા થાય છે કે કેમ તે સુનિશ્ચિત કરતા. મહારાજાએ પોતે આગેવાની લઈને આ બાળકોની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું. એટલું જ નહીં, જ્યારે કેટલાક પૉલિશ બાળકોએ ભારતના મસાલાયુક્ત ખોરાક અંગે ફરિયાદ કરી ત્યારે મહારાજાએ ખાસ તેમના માટે રસોઈ બનાવવા માટે સાત પૉલિશ રસોઈયા રાખ્યા હતા. તદુપરાંત, તેમના શિક્ષણ માટે પણ પૉલિશ શિક્ષકો રાખવામાં આવ્યા હતા.

    પછીથી અન્ય કેમ્પ પણ ખોલવામાં આવ્યો અને વધુ બાળકોને ત્યાં લાવવામાં આવ્યાં. તેમની તમામ પ્રકારની સંભાળ લેવામાં આવી. પછીથી પટિયાલા અને બરોડાના રાજાઓએ પણ આ કેમ્પ માટે આર્થિક સહાય કરી હતી તો ઉદ્યોગ સમૂહ ટાટાએ પણ ભંડોળ આપ્યું હતું. તે સમયે આ પૉલિશ બાળકો માટે લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું, જેથી તેમને કોઇ તકલીફ ન પડે. 

    વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યાં સુધી આ બાળકો નવાનગરમાં રહ્યાં હતાં. પછીથી જ્યારે બ્રિટને પોલેન્ડની સરકારને માન્યતા આપી તો આ શરણાર્થીઓ પરત ફર્યા. જોકે, તેમાંથી પછી અમુક યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસ વગેરે દેશોમાં સ્થળાંતર કરી ગયા હતા. કહેવાય છે કે બાળકોને રવાના કરવા માટે જામસાહેબ સ્વયં હાજર રહ્યા હતા. પૉલિશ બાળકો અને તેમના બાપુસાહેબ, બંને માટે આ ક્ષણો ભાવુક હતી. 

    આફત સમયે આશરો બનેલા આ મહારાજાને આજે પણ નથી ભૂલ્યું પોલેન્ડ 

    જામસાહેબે તો પોતાનો ધર્મ નિભાવીને બદલામાં કોઇ અપેક્ષા રાખી ન હતી, પણ આફતના આવા સમયે હજારો બાળકોને આશરો આપનાર અને તેમના ‘બાપુ’ બનીને રહેનાર આ ભારતીય મહારાજાને કૃતજ્ઞ રાષ્ટ્ર પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી. તેમને આજે પણ ત્યાં ‘ગુડ મહારાજા’ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ પોલેન્ડ આ દિવગંત મહારાજાને પૂરેપૂરા આદર-સન્માન સાથે યાદ કરે છે. આ સન્માનના પ્રતીકસ્વરૂપ પોલેન્ડની રાજધાની વોર્સોવમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે- ‘જામસાહેબ ઑફ નવાનગર મેમોરિયલ’. સ્મારક પર અંકિત પ્રથમ વાક્ય છે- ‘દયાવાન મહારાજાની શ્રદ્ધાંજલિમાં, કૃતજ્ઞ રાષ્ટ્ર પોલેન્ડ તરફથી’.

    આ સિવાય જામસાહેબના નામે વોર્સોવમાં એક શાળા પણ છે, જે ભારતીય શૈલીમાં બનાવવામાં આવી છે. ઉપરાંત, એક સ્ક્વેર પણ ‘મહારાજા સ્ક્વેર’ના નામથી સ્થિત છે. આ જ સ્થળે મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. 2022માં પોલેન્ડમાં જામસાહેબના નામે એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી.

    યુક્રેન યુદ્ધ વખતે પોલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી મદદ

    સમયનું ચક્ર ફરે છે અને વર્ષ આવે છે 2022. યુક્રેનમાં રશિયાના સૈન્ય આક્રમણને પગલે ત્યાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુસીબતમાં મૂકાયા હતા. એર સ્પેસ બંધ હતી અને તેમણે બહાર નીકળવા માટે ફરજિયાત જમીન માર્ગે યુક્રેન છોડવું પડે એમ હતું. બીજી તરફ યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે તેમાંથી ઘણા યુક્રેનના પાડોશી પોલેન્ડ પહોંચ્યા હતા. જોકે, ભારતની મોદી સરકારે તુરંત ‘મિશન ગંગા’ શરૂ કરી દીધું હતું, પરંતુ તે દરમિયાન પોલેન્ડે આ ભારતીય વિદ્યાર્થીઓને આશરો આપીને ઋણ ચૂકવવાના પ્રયાસ કર્યા હતા. 

    પ્રસિદ્ધ ફિલ્મ ‘કાંતારા’ના અભિનેતા ઋષભ શેટ્ટીએ બોલીવુડ પર સાધ્યું નિશાન, કહ્યું- આ ફિલ્મો ભારતની છબી કરે છે ખરાબ

    બોલીવુડ તેની ફિલ્મોને લઈને હંમેશા વિવાદોમાં ઘેરાયેલું જ હોય છે. ત્યારે હવે દક્ષિણના અભિનેતા ઋષભ શેટ્ટીએ પણ બોલીવુડ પર ટિપ્પણી કરી છે. તેમના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા તેમની ફિલ્મ ‘કાંતારા’માં (Kantara) તેમના અભિનયના કારણે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા.

    સોશિયલ મીડિયા માધ્યમ X પર એક યુઝરે અભિનેતા ઋષભ શેટ્ટીનો (Rishabh Shetty) વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં ઋષભ શેટ્ટી બોલીવુડ ફિલ્મોની ટીકા કરતાં જણાઈ રહ્યા છે. વિડીયો અનુસાર તેઓ કન્નડ ભાષામાં આ અંગે વાતચીત કરી રહ્યા છે, પરંતુ યુઝરે અભિનેતાના નિવેદનનું ભાષાંતર તેની પોસ્ટમાં લખ્યું હતું.

    ઋષભ શેટ્ટીએ કહ્યું હતું કે “ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલીવુડની (Bollywood) ફિલ્મો ભારતની છબી ખરાબ કરે છે. આ બધી જ ફિલ્મોને વૈશ્વિક ઇવેંટ્સમાં આમંત્રિત કરવામાં આવે છે, તથા તેમને રેડ કાર્પેટ પણ આપવામાં આવે છે. મારો દેશ, મારૂ રાજ્ય, મારી ભાષા, મારૂ ગૌરવ. આને વૈશ્વિક સ્તર પર પોઝિટિવ રૂપમાં લેવાની જરૂર છે અને હું એ જ કરવાનો પ્રયત્ન કરું છું.”

    અભિનેતાની નવી ફિલ્મ છે ‘લાફિંગ બુદ્ધા’

    ઉલ્લેખનીય છે કે ઋષભ શેટ્ટી હાલ તેમની આગામી ફિલ્મ ‘લાફિંગ બુદ્ધા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે અપકમિંગ ફિલ્મના પ્રમોશનના ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે બોલીવુડ પર નિશાન સાધ્યું હતું. બોલીવુડને જાણે નેગેટિવ પબ્લિસિટીની આદત પડી ગઈ હોય એમ મોટાભાગની ફિલ્મો કોઈકને કોઈક રીતે વિવાદોમાં ઘેરાતી જ હોય છે.

    બોલીવુડની ફિલ્મો આ પહેલા પણ આવા વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. આ અગાઉ PK, OMG, OMG2 ફિલ્મો હિંદુ ધર્મની લાગણી દુભાવવા મામલે વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મ પણ તેના નામના મામલે વિવાદોમાં ઘેરાઈ હતી, ઉપરાંત તેમાં જાતિ વિશેષનો ઉલ્લેખ પણ હતો. પરંતુ તેનો ખૂબ વિરોધ થતાં તેમણે ફિલ્મનું નામ બદલી દીધું હતું. આ ઉપરાંત પદમાવત ફિલ્મ પણ આવા જ વિવાદોનો સામનો કરી ચૂકી છે.

    નોંધનીય છે કે દક્ષિણના અભિનેતા ઋષભ શેટ્ટી તેમની ફિલ્મ ‘કાંતારા’ રીલીઝ થયા બાદ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. આ ફિલ્મ વર્ષ 2022માં કન્નડ ભાષામાં રીલીઝ થઈ હતી, બાદમાં તેનું અન્ય ભાષાઓમાં ડબિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ‘કાંતારા’ ફિલ્મને નેશનલ ઍવોર્ડ મળ્યો છે. અભિનેતા ઋષભ શેટ્ટીને પણ આ જ ફિલ્મ માટે નેશનલ ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ફિલ્મ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ડબ થયા બાદ અન્ય રાજ્યોમાં પણ ખૂબ પ્રસિદ્ધ થઈ હતી.  

    ‘જીવહિંસા આચરનારને કડક સજા થાય’: માનવબલિ અને અંધશ્રદ્ધા નિર્મૂલન બિલને સાધુ-સંતોનું સમર્થન, ગુજરાત સરકારના પગલાની પ્રશંસા કરી

    ગુજરાત વિધાનસભામાં 21 ઑગસ્ટથી ત્રણ દિવસીય ચોમાસું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. રાજ્ય સરકારે આ સત્ર દરમિયાન માનવબલિ, અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને ડામવા માટે બિલ પણ રજૂ કરી દીધું છે. રાજ્યમાં વધી રહેલા અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના કેસોને લઈને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના માનવબલિ અને અંધશ્રદ્ધા વિરોધી બિલને હવે સાધુ-સંતોનું પણ સમર્થન મળ્યું છે. ગુજરાતના જાણીતા કથાકાર અને મહંતોએ સરકારની પ્રશંસા કરીને અંધશ્રદ્ધા વિરોધી બિલને આવકાર્યું છે. મહંતોએ એકસૂરમાં કહ્યું છે કે, રાજ્યમાં આવા કાયદાની તાતી જરૂરિયાત હતી અને જીવહિંસા આચરનારને કાયદા દ્વારા કડક સજા થવી જોઈએ તે પણ અનિવાર્ય હતું.

    માહિતી અનુસાર, 21 ઑગસ્ટના રોજ રાજ્ય સરકારે વિધાનસભાના ચોમાસું સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું છે. તે સાથે જ આ બિલને સાધુ-સંતોનું પણ સમર્થન મળ્યું છે. આ બિલને લઈને સાધુ વત્સલદાસજી મહારાજે કહ્યું છે કે, “ઋગ્વેદમાં પણ અંધશ્રદ્ધા અને જીવબલિને વર્જિત ગણવામાં આવી છે. અનેક સંહિતાઓમાં પણ તે જ વાત કરવામાં આવી છે. તમામ ભગવાનોને પણ કહ્યું છે કે, કોઈપણ જીવ માત્રની હિંસા ન કરવી જોઈએ. આના માટે અવશ્ય કાયદા ઘડવા જોઈએ અને જીવહિંસા આચરનારને કડકમાં કડક સજા થવી જોઈએ.”

    આ ઉપરાંત ડાકોરના જાણીતા કથાકાર ભાવિનલાલજી મહારાજે કહ્યું છે કે, “માનવ બલિદાન તથા કાળા જાદુની પ્રથાને અટકાવતો અને અંધશ્રદ્ધાના નિર્મૂલન માટેનો સરકારનો વિચાર સરાહનીય છે. તેનું અમે સ્વાગત કરીએ છીએ. જે પણ કાયદા અને નિયમો સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે તેનું અમે સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ. રાજ્યના હિત માટે આવા કાયદા અને નિયમોની ખૂબ જરૂરિયાત પણ છે.” આ સાથે જ ઉજ્જૈનના આચાર્ય ડૉ. અર્જુન શર્માએ પણ ગુજરાત સરકારની સરાહના કરી છે.

    ડૉ. અર્જુન શર્માએ કહ્યું છે કે, “ગુજરાત સરકાર જે કાયદો લાવી રહી છે, તે ખૂબ જ સારું અને સરાહનીય પગલું છે. કારણ કે, ઘણી જગ્યાએ અનેક લોકો અંધવિશ્વાસ ફેલાવે છે. આ કાયદા દ્વારા તેના પર અંકુશ લાગી જશે અને સજા પણ મળી શકશે. આ સાથે જ ગ્રામીણ સમાજના ભોળા લોકોને પણ તેનાથી લાભ થશે. અંધશ્રદ્ધા દરેક પંથના લોકોમાં જોવા મળે છે. તેને દૂર કરવી ગુજરાત સરકારનું યોગ્ય અને ઉત્તમ પગલું છે.” આ ઉપરાંત પણ ગુજરાતના અનેક સંતસમાજના પ્રતિનિધિઓએ આ કાયદાનું સ્વાગત કર્યું છે.

    નોંધનીય છે કે, ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળાજાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને કાયદો ઘડવાના મહત્વના નિર્ણયની જાહેરાત પણ કરી હતી. વિધાનસભામાં 21 ઑગસ્ટના રોજ તે અંગેનું બિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાંમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળાજાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે બિલ રજૂ કરવામાં આવશે.