Friday, April 3, 2026
More
    Home Blog Page 353

    આસામમાં હવે કાઝી નહીં કરી શકે નિકાહ કે તલાકના કાગળિયાં: હિમંતા બિસ્વા સરમા સરકારનો મોટો નિર્ણય, બાળનિકાહ અટકાવવા જૂના કાયદાને નિરસ્ત કરવાનું બિલ કર્યું રજૂ

    આસામ (Assam) સરકારે મુસ્લિમ નિકાહ અને તલાક (Muslim Nikah & Talaq) અંગે મોટો નિર્ણય તેમજ બાળવિવાહ રોકવા માટે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન એક્ટ પર મહત્વનો નિર્ણય લીધો. આસામની સરમા સરકારે ગુરુવારે (22 ઓગસ્ટ 2024) મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટ્રેશન સંબંધિત કાયદાને નિરસ્ત કરવાનું બિલ વિધાનસભામાં રજૂ કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનનો નિયમ સમુદાયના બાળકોને નિકાહ કરવાની અનુમતી આપી શકે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર હિમંતા બિસ્વા સરમાના (Himanta Biswa Sarma) મંત્રી જોગેન મોહન દ્વારા આસામ મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટ્રેશન અધિનિયમ 1935 અને આસામ નિરસન અધ્યાદેશ 2024ને સમાપ્ત કરવા માટે આસામ નિરસન વિધેયક 2024 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. તેમણે વિધેયક રજૂ કરવાના ઉદ્દેશ્ય અને તેની પાછળના કારણને રજૂ કરતા કહ્યું હતું કે, પુરુષોમાં 21 વર્ષથી ઓછી વય ધરાવતા અને મહિલાઓમાં 18 વર્ષથી ઓછી આયુ ધરાવતા લોકોના નિકાહ રજિસ્ટર થવાની શક્યતાઓ નહીં રહે. તેમના જણાવ્યા અનુસાર આ પહેલા જૂના નિયમોમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નહતી જેમાં સગીર વયના બાળકોના નિકાહ પર નજર રાખી શકાય, તેના દુષ્પ્રભાવ સ્વરૂપ કોર્ટમાં મોટી સંખ્યામાં આ પ્રકારના કેસ વધ્યા હતા.

    તેમણે જણાવ્યું કે, “જૂના કાયદામાં આ પ્રકારની ગેરરીતી પર નજર રાખવા માટે કોઈ જ જોગવાઈ નહોતી. જૂના કાયદામાં અધિકૃત મુસ્લિમ નિકાહ રજીસ્ટાર સાથે સાથે-સાથે નાગરિકો દ્વારા પણ બંને પક્ષોની અનુમતી વગર જ જબરદસ્તી નિકાહ કરી તેનો દુરુપયોગ કરવાની શક્યતાઓ છે. જૂના કાયદામાં નિકાહ અને તલાકનું રજીસ્ટ્રેશન અનિવાર્ય નહોતું. રજીસ્ટ્રેશન સીસ્ટમ તેમાં એક ઔપચારિકતા છે, જેમાં માનદંડોમાં ગેરરીતીની શક્યતાઓ વધી જતી હતી. આ સ્વતંત્રતા પહેલાના બ્રિટીશ ભારત સરકાર દ્વારા આસામ પ્રાંતમાં મુસ્લિમ મઝહબી અને સામાજિક વ્યવસ્થા માટેનો અધિનિયમ હતો.”

    બીજી તરફ આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કહ્યું હતું કે, 1935ના કાયદા અનુસાર આસામના મુસલમાનોના નિકાહ અને તલાકના રજીસ્ટ્રેશન સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું હતું અને તેમાં વાલીઓને સગીર બાળકોના નિકાહ રજીસ્ટ્રેશન કરવાનું આવેદન આપવાનો અધિકાર હતો. તેમણે કહ્યું કે, “નવા કાયદાથી મુસ્લિમ નિકાહ અને સંચાલન પર કોઈ જ અસર નહીં થાય. તેમાં માત્ર કાઝીઓની જગ્યાએ હવે સરકારી અધિકારીઓ દ્વારા નિકાહનું અને તલાકનું રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તેની સાથે-સાથે સગીર બાળકોના નિકાહ રજીસ્ટ્રેશન પર પણ રોક લગાવવામાં આવી છે.”

    નોંધનીય છે કે આસામના મંત્રીમંડળે ગયા મહીને જ આસામ મુસ્લિમ નિકાહ અને તલાક પંજીકરણ અધિનિયમ 1935ને નિરસ્ત કરવાના બીલને મંજૂરી આપી દીધી હતી.

    હવે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો પોલીસ સ્ટેશનમાં નહીં સડે: સરકાર હરાજી કરીને તે રૂપિયા ગરીબો પાછળ વાપરશે, વિધાનસભામાં ‘નશાબંધી સુધારા વિધેયક’ થયું રજૂ

    આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય. સરકારે નિર્ણય લીધો છે કે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનોની હરાજી કરીને તેમાંથી ઉભા થયેલા રૂપિયાનો સદુપયોગ કરવામાં આવે. ચોમાસું સત્ર દરમિયાન વિધાનસભામાં (Assembly Monsoon Session) નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોતાના વિચાર મૂક્યાં હતા. તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય અને પોલીસ સ્ટેશનમાં પડ્યા રહીને ભંગાર ન થાય તે માટે થઈને આ પ્રકારના વાહનોની હરાજી (Auction of vehicles) કરીને તેના નાણાનો ઉપયોગ સમાજ હિત-સરકારી યોજનાઓ પાછળ કરાશે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય અને તેનું વાહન હરાજીમાં વેચાઈ ગયું હોય તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

    નોંધનીય છે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યો સાથે સીમાઓ ધરાવે છે. રાજ્યમાં દીવ અને દાદરાનગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. ઉપરોક્ત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત જેવી કડક નશાબંધીની નીતિ નથી. તેવામાં આટલી વિશાળ સરહદો પરથી રાજ્યમાં દારૂ પ્રવેશતો અટકાવવો મોટો પડકાર છે. તેમ છતાં ગુજરાત પોલીસ (Gujarat Police) અવારનવાર આ પ્રકારની દારૂની ખેપો પકડીને રાજ્યમાં દારૂ ઘૂસતો અટકાવે છે. તેવામાં આ દારૂની હેરફેર માટે વપરાયેલા વાહન પણ મુદ્દામાલ સાથે જપ્ત કરી લેવામાં આવે છે.

    મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી વધુ કિંમતના તો તે વાહનો હોય છે. વર્તમાનમાં ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના ગુનામાં ઝડપાયેલી 250 જેટલી લકઝરીયસ ગાડીઓ જપ્ત થયેલી પડી છે અને તેની કિંમત પકડાયેલા મુદ્દામાલ કરતા ક્યાય વધુ છે. તેવામાં જો આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતા રહેલી હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવા વાહનો જપ્ત કરીને સીઝ કરી દેવામાં આવે છે.

    બે વર્ષમાં 22,442 વાહનો જપ્ત કરવામાં આવ્યા

    સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર દારૂની હેરફેરના કેસોમાં ગત બે વર્ષમાં જ પોલીસ દ્વારા 22,442 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તે પૈકી આશરે 7213 વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ જમા છે. ત્યારે સરકાર દ્વારા આ પ્રકારની વાહનોની હરાજી કરીને તેમાંથી ઉભી થયેલી રકમનો સદુપયોગ કરવાનો નિર્યણ ખરેખર આવકાર્ય છે. સરકારે આ પ્રકારની હરાજીઓ કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવાનો નિર્ણય લીધો છે. કાયદામાં આ મહત્વપૂર્ણ સુધારો થવાથી સડીને ભંગાર થતા વાહનોની નિકાલ થશે અને તેમાંથી ઉભી થયેલી રકમ હજારો ગરીબ પરિવારો પાછળ ઉપયોગમાં લેવાશે.

    ઉલ્લેખનીય છે કે અનેક કિસ્સાઓમાં તેવું બન્યું છે કે કેટલાક વાહનો લાંબા સમય બાદ કોર્ટે મુક્ત કરવાના આદેશો આપ્યા હોય, પરંતુ તેની હાલત એટલી ખરાબ હોય છે કે તેને કોઈ લેવા નથી આવતું અને તે પોલીસ સ્ટેશનમાં પડ્યા રહે છે. વાહનો લાંબા સમય સુધી બંધ હાલતમાં પડ્યા રહેતા હોવાથી તેની વેલ્યુમાં સતત ઘટાડો થાય છે. ઉપરાંત જપ્ત કરેલ વાહનોની જાળવણીનાં તેમજ રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ન ઉદભવે છે. તેવામાં જપ્ત કરેલ વાહનોનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવો જરૂરી બની જાય છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ પ્રવર્તમાન નિયમમાં સુધારો કરવો ખુબ જ જરૂરી અને અનિવાર્ય હોઈ સરકાર દ્વારા બિલ લાવવામાં આવ્યુ છે.

    નોંધનીય છે કે આ કાયદો 20 લીટરથી વધારે દારૂ પકડાય તેવા વાહનો માટે છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવામાં આવશે. હાલ રાજયમાં ગૌવંશના હેરફેરના કાયદામાં વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે. તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા છે. આ માર્ગદર્શિકા અને અન્ય મુદ્દાઓ ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે.

    કોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં કરવાની માંગ સાથે થઈ હતી જાહેરહિતની અરજી, હાઈકોર્ટે ફગાવી: જાણો હાઇકોર્ટમાં પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ પર શું કહે છે નિયમ

    બુધવાર 21 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કાર્યવાહી દરમિયાન ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માટેની માંગ કરતી જાહેર હિતની અરજી (Public Interest Litigation) ફગાવી દીધી હતી. અરજદારે હાઇકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષા ગુજરાતીમાં કરવા માટે PIL કરી હતી. પરંતુ કોર્ટે સ્વીકારી નહીં અને અરજી ફગાવી દેવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આ પ્રકારની અરજીઓ પહેલાં પણ કોર્ટમાં થઈ ચૂકી છે.

    વિજય સોલંકી નામના વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. અરજદારની એવી દલીલ હતી કે હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતી ભાષામાં કરવી એ મૂળભૂત અધિકારો અંતર્ગત આવે છે. તેથી ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી પણ ગુજરાતી ભાષામાં કરવી જોઈએ. નોંધનીય છે કે હાલ ગુજરાત હાઈકોર્ટની તમામ કાર્યવાહી અંગ્રેજી ભાષામાં ચાલે છે.

    આ મામલે ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કહ્યું હતું કે, “આ મૂળભૂત અધિકારનો મામલો નથી. કોઈપણ ભાષા બોલવી અને તેનું સંરક્ષણ કરવું તે મૂળભૂત અધિકાર છે, પરંતુ કોઈ સંસ્થામાં કઈ ભાષાનો પ્રયોગ કરવો એ મૂળભૂત અધિકાર અંતર્ગત આવતું નથી.” તેમણે એમ પણ કહ્યું હતું કે આ મામલે અગાઉ એક જાહેર હિતની અરજી થઈ ચૂકી છે, જે હાઈકોર્ટે ફગાવી હતી. તેથી અરજદાર ફરીથી એ જ મુદ્દે PIL કરી શકે નહીં. આમ કહી હાઈકોર્ટે આ PIL ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ મામલે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પણ માન્ય રાખી ચૂકી છે.

    કોર્ટે કહ્યું કે, આ મામલે એક રિટ પિટિશન પહેલેથી જ ફગાવવામાં આવી ચૂકી છે અને હવે કોર્ટ ફરીથી તેવી જ માંગ કરતી અરજી સાંભળી શકે નહીં, જેથી અરજી ફગાવવામાં આવે છે.

    સુપ્રીમ કોર્ટ, તમામ હાઇકોર્ટમાં ચાલે છે અંગ્રેજી: જાણો શું કહે છે બંધારણ

    ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2023માં આ મામલે પ્રશ્ન પૂછવામાં આવતાં તત્કાલીન કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજીજૂએ સંસદમાં જવાબ રજૂ કર્યો હતો. આ માલે પછીથી કાયદા અને ન્યાય મંત્રાલયએ આ મામલે એક પ્રેસનોટ પણ બહાર પાડી હતી. જેમાં બંધારણની કલમ 348(1)(a)નો હવાલો આપીને જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને તમામ રાજ્યોની હાઇકોર્ટની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં હશે. જોકે, બંધારણમાં હિન્દી કે પછી રાજ્યમાં અધિકારિક રીતે ઉપયોગમાં લેવામાં આવતી ભાષાના હાઇકોર્ટમાં ઉપયોગ માટે માર્ગ ખુલ્લો રાખ્યો છે, પરંતુ તે માટે પહેલાં રાજ્યપાલે રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે.

    પ્રેસ રીલિઝમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, 1965માં કેબિનેટ કમિટીના એક નિર્ણય અનુસાર ભારતની કોઇ પણ હાઈકોર્ટમાં અંગ્રેજી સિવાયની કોઇ ભાષાના ઉપયોગ પર નિર્ણય કરતાં પહેલાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની સલાહ લેવી આવશ્યક છે. 1950માં બંધારણના નિયમ અનુસાર રાજસ્થાન હાઈકોર્ટમાં હિન્દીની પરવાનગી આપવામાં આવી હતી. પછીથી 1965ના કેબિનેટ કમિટીના નિર્ણય બાદ CJI સાથે પરામર્શ કરીને UP (1969), MP (1971) અને બિહારમાં (1972) પણ હિન્દીની મંજૂરી અપાઈ હતી.

    સરકાર અનુસાર, તમિલનાડુ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક વગેરે રાજ્યો તરફથી પણ સરકારને પોતાના રાજ્યની હાઈકોર્ટમાં અનુક્રમે તમિલ, ગુજરાતી, હિન્દી, બંગાળી અને કન્નડ ભાષાના ઉપયોગની પરવાનગી આપવા માટે પ્રસ્તાવ આવ્યા હતા. જેની ઉપર ચીફ જસ્ટિસ સાથે પરામર્શ બાદ કોઇ પણ રાજ્યનો પ્રસ્તાવ ન સ્વીકારીને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, નોંધવું જોઈએ કે સુપ્રીમ કોર્ટે એવી વ્યવસ્થા કરી છે કે કોર્ટના ચુકાદાનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરી શકાય. પરંતુ કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલે છે.

    RG કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો પોલિગ્રાફ ટેસ્ટ થશે, સ્પેશિયલ કોર્ટની CBIને મંજૂરી: અન્ય 4 ટ્રેની ડૉક્ટરોની પણ થશે તપાસ

    કોલકાતામાં RG કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ આ મામલે કેન્દ્રીય એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરી રહી છે. આ કેસમાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ પૂછપરછ ચાલી રહી છે. પરંતુ પૂછપરછ સંતોષકારક ન રહેતાં CBIએ આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના (RG kar Medical College and Hospital) પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ અને અન્ય ચાર ટ્રેની ડૉક્ટરોનો પોલિગ્રાફ ટેસ્ટ કરવાની પરવાનગી માંગી હતી, જે સ્પેશિયલ કોર્ટે મંજૂર રાખી છે. ગુરુવારે (22 ઑગસ્ટ) આ આદેશ આપવામાં આવ્યો. 

    આ મામલે CBIના અધિકારીના જણાવ્યા અનુસાર, કેસને લઈને પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય 4 ડોકટર્સની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ પૂછપરછ દરમિયાન તમામનાં નિવેદનોમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી એજન્સીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ સંદીપ ઘોષ અને 4 ડૉક્ટરોના પોલિગ્રાફ ટેસ્ટ માટે પરવાનગી માંગી હતી. જે મળી ગયા બાદ આ મામલે સંદીપ ઘોષ અને અન્યોનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, કોર્ટે પોલિગ્રાફ ટેસ્ટની પરવાનગી આપી દીધી છે, પરંતુ હજુ સુધી કઈ તારીખે ટેસ્ટ કરવા તે નક્કી થયું નથી 

    વધુમાં જાણવા મળ્યું છે કે પોલિગ્રાફ ટેસ્ટ ઘોષના નિવેદનોને ચકાસવામાં તથા પુરાવાઓને સમર્થન આપવામાં મદદ કરશે. એક અધિકારીને ટાંકીને PTIએ જણાવ્યું હતું કે, “અમે ઘોષના જવાબોની ખરાઈ કરવા માંગીએ છીએ, કારણ કે અમુક પ્રશ્નોના જવાબમાં વિસંગતતા જોવા મળી છે. જેના કારણે અમારે ટેસ્ટનો વિકલ્પ અપનાવવાની જરૂર પડી.” 

    જાણવા મળ્યા અનુસાર, એજન્સી ઘોષને પ્રશ્ન કરી ચૂકી છે કે ડૉક્ટરના મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેમની શું ભૂમિકા હતી અને મૃતકના વાલીઓને મૃતદેહ જોવા મળે તે પહેલાં ત્રણ કલાક રાહ શું કામ જોવડાવવામાં આવી હતી. આ સિવાય જે સેમિનાર રૂમમાં મૃતદેહ મળી આવ્યો હતો તેની આસપાસ આવેલા રૂમમાં ઘટના બન્યાના થોડા જ સમયમાં રિનોવેશન શા માટે કરવું પડ્યું, તે પણ પૂછવામાં આવ્યું હતું. નોંધવું જોઈએ કે ઘોષ વિરુદ્ધ આ પહેલાં પણ ઘણા આરોપ લાગી ચૂક્યા છે. 

    વધુ માહિતી ટેસ્ટ બાદ જ સામે આવશે. જોકે, હજુ સુધી સંદીપ ઘોષની ધરપકડ કરવામાં આવી નથી. હાલ આ કેસમાં બંગાળ પોલીસે આરોપી સંજય રોયની જ ધરપકડ કરી છે, જેની ઉપર રેપ અને હત્યાનો આરોપ છે. એજન્સી તેનો પણ પોલિગ્રાફ ટેસ્ટ કરશે, જે માટે પરવાનગી પહેલેથી જ મળી ચૂકી છે. 

    કોર્ટની સુનાવણીનું ખોટી રીતે રિપોર્ટિંગ કરવા બદલ હાઈકોર્ટે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને લગાવી ફટકાર, પહેલે પાને માફી પ્રકાશિત કરવા નિર્દેશ: ‘દિવ્ય ભાસ્કર’ને પણ નોટિસ

    કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશોના કથન અને અવલોકનોનું અવળું અર્થઘટન કરીને રિપોર્ટિંગ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે અંગ્રેજી અખબારો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ને ફટકાર લગાવી છે અને કૃત્ય બદલ પહેલા પાને જાહેર માફી પ્રકાશિત કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ, ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ તરફથી કોઇ કોર્ટમાં હાજર ન રહેતાં કન્ટેમ્પ્ટ કાર્યવાહી કેમ શરૂ કરવામાં ન આવે તેનો ખુલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી છે. 

    મામલો સામે આવ્યા બાદ ગત 13 ઑગસ્ટના રોજ હાઈકોર્ટે TOI, ઇન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરના તંત્રીઓને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. જે મામલે વધુ સુનાવણી ગુરુવારે (22 ઑગસ્ટ) હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા તરફથી જ વકીલો હાજર રહ્યા હતા. દિવ્ય ભાસ્કર તરફથી કોઇ ન હોવાથી ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેઓ કન્ટેમ્પ્ટ નોટિસ ઇસ્યુ કરશે. 

    નોટિસ પાઠવવામાં આવ્યા બાદ અંગ્રેજી અખબારોએ કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું હતું, પરંતુ કોર્ટે માફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કહ્યું કે, “અમે આ પ્રકારની માફી સ્વીકારી રહ્યા નથી….આ બિનશરતી માફી નથી. આ તો પહેલાં યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થયો છે અને પછી માફી છે. અમને જાહેર માફી જોઈએ છે, જે સ્પષ્ટ દર્શાવે કે છાપાના રિપોર્ટર અને તંત્રી કોર્ટનાં અવલોકનોનું રિપોર્ટિંગ કરવામાં ખોટા હતા અને આવું ભવિષ્યમાં થશે નહીં.”

    શું છે સમગ્ર મામલો? 

    ગુજરાત હાઇકોર્ટ 2021માં દાખલ કરવામાં આવેલી એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર સુનાવણી કરી રહી છે. અરજીમાં લઘુમતીઓ દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે બનાવેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. ગત 12 ઑગસ્ટના રોજ આ મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. જેની ઉપર અંગ્રેજી-ગુજરાતી અખબારોએ બીજા દિવસે રિપોર્ટિંગ કર્યું હતું. 

    આ મામલે 13 ઑગસ્ટની આવૃત્તિમાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ ‘સ્ટેટ કેન રેગ્યુલેટ માઈનોરિટી સ્કૂલ્સ ફોર એક્સલન્સ ઇન એજ્યુકેશન: HC’ મથાળા સાથે સમાચાર પ્રકાશિત કર્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ સમાચાર છપાયા હતા, જેની હેડલાઈન હતી- ‘માઈનોરિટી એન્ડ મેજોરિટી સ્કૂલ્સ ધેટ ગેટ એઈડ મસ્ટ કંપ્લાય વિથ ધ નોર્મ્સ: HC’. ભાસ્કરે પણ 13 ઑગસ્ટની અમદાવાદ આવૃત્તિના અંતિમ પાને સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેની હેડલાઇન હતી- ‘સંચાલકને શિક્ષક પસંદ કરવાનો અધિકાર મળે તો ભાઈ-ભત્રીજાની જ ભરતી થશે: હાઇકોર્ટ.’ 

    આ રિપોર્ટિંગનો મામલો પછીથી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આ ન્યૂઝ આઇટમો એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે વાંચીને એવું લાગી શકે કે પોતાની પસંદગીના શિક્ષકોની નિમણૂક કરવાના લઘુમતી સંસ્થાઓના અધિકારો તેમજ લઘુમતીઓ દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવાની રાજ્ય સરકારની સત્તા મામલે કોર્ટે પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે.’ કોર્ટનું કહેવું હતું કે તેમનાં અવલોકનોને ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. 

    ત્યારબાદ 13 ઑગસ્ટના રોજ કોર્ટે ત્રણેય અખબારોને નોટિસ પાઠવી હતી. જેના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કોર્ટનાં અવલોકનોના સનસનાટીભર્યા રિપોર્ટિંગથી સામાન્ય જનતાને એવો સંદેશ જશે કે કોર્ટે મામલામાં પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે, જે બીજું કશું જ નહીં પણ કોર્ટની કાર્યવાહીનું અવળું અર્થઘટન છે. આ પ્રકારે જે કોર્ટ કેસમાં સુનાવણી ચાલી રહી હોય તેના આવા સનસનાટીભર્યા રિપોર્ટિંગ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આથી અમે ‘ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીઓને નોટિસ પાઠવી રહ્યા છીએ.’ 

    કોર્ટે કહ્યું હતું કે, “કોર્ટની કાર્યવાહીનું ખોટું વર્ઝન પ્રકાશિત કરવા બદલ અને સુનાવણી દરમિયાન કોર્ટનાં અવલોકનોને અવળી રીતે રજૂ કરીને તેને સનસનાટીભર્યા સમાચાર બનાવવા બદલ શા માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે તેનો ખુલાસો આપવામાં આવે.” કોર્ટે ત્રણેય અખબારો પાસેથી જવાબ માંગીને આગળની તારીખ 22 ઑગસ્ટની મુકરર કરી હતી. 

    TOI, ઇન્ડિયન એક્સપ્રેસે કહ્યું- ભૂલ સ્વીકારી, માફી માંગીશું 

    22 ઑગસ્ટની સુનાવણી દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા તરફથી વકીલો હાજર રહ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે ભૂલ સ્વીકારી લીધી છે અને ઈન્ટરનેટ પરથી સામગ્રી હટાવી દેવામાં આવી છે. વકીલોએ એ પણ સ્વીકાર્યું હતું કે રિપોર્ટની હેડલાઈનો યોગ્ય રીતે બનાવવામાં આવી ન હતી. 

    કોર્ટે આ દરમિયાન મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, “જો તમે સ્વીકારતા હો કે આ ભૂલ હતી તો પહેલાં તમારા અખબારમાં બોલ્ડ લેટરમાં જે-તે લેખનો સંદર્ભ આપીને માફી માંગો. આ પ્રકારની માફી ન લખશો. એ બિનશરતી હોવી જોઈએ.” કોર્ટે આગળ કહ્યું કે, “તમે લોકો માટે આર્ટિકલ લખ્યો છે તો લોકોને ખબર પડવી જોઈએ કે તમે ભૂલ કરી હતી. અમારી સમક્ષ માફી માંગવાનું કોઇ ઔચિત્ય નથી. તમે લોકો સમક્ષ ખોટી બાબત રજૂ કરી છે, અમારી સામે માફી માંગવાથી કશું નહીં થાય. જાહેર માફી લોકો સમક્ષ હોવી જોઈએ, જેમને તમે અખબારના લેખ થકી ખોટો સંદેશ પહોંચાડ્યો હતો. તમે તેમ કરો તો ઠીક છે, બાકી અમે કન્ટેમ્પ્ટ નોટિસ તરફ આગળ વધીશું.”

    કોર્ટની ટિપ્પણી બાદ અખબારોના વકીલોએ જણાવ્યું હતું કે, કોર્ટ જે તારીખ આપે તે નિયત સમયમર્યાદામાં આદેશનું પાલન કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટે શુક્રવારની આવૃત્તિમાં પહેલા પાને બોલ્ડ લેટર્સમાં માફી પ્રકાશિત કરવા માટે જણાવ્યું હતું. આ સિવાય અન્ય એફિડેવિટ દાખલ કરીને તેની સાથે જાહેર માફી જોડવા માટે પણ કોર્ટે અખબારોને સમય આપ્યો છે. 

    ‘દિવ્ય ભાસ્કર’ને કોર્ટની વધુ એક નોટિસ 

    બીજી તરફ, 13 ઑગસ્ટની નોટિસનો કોઈ જવાબ ન આપવામાં આવતાં કોર્ટે ‘દિવ્ય ભાસ્કર’ને વધુ એક નોટિસ પાઠવી છે. કોર્ટે દિવ્ય ભાસ્કરના તંત્રીઓને 13 ઑગસ્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અદાલતની અવમાનની કાર્યવાહી કેમ શરૂ કરવામાં ન આવે તેનો ખુલાસો માંગતી નોટિસ ફટકારી છે. જેની ઉપર 2 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 27 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. 

    લોકસભા ચૂંટણીમાં કાશ્મીરમાં એકેય બેઠક જીતી ન શકી હતી કોંગ્રેસ, હવે વિધાનસભા માટે ફારૂક અબ્દુલ્લા સાથે મિલાવ્યા હાથ: નૅશનલ કૉન્ફરન્સ સાથે મળીને લડશે ચૂંટણી

    એક તરફ ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની (Jammu Kashmir Vidhansabha Elections) જાહેરાત કરી છે તો બીજી તરફ હવે રાજકીય પાર્ટીઓએ પણ તૈયારી કરવા માંડી છે. વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (Congress) અને નેશનલ કૉન્ફરન્સે (National Conference) ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. ગુરુવારે (22 ઑગસ્ટ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી NC અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને મળ્યા હતા. આ બેઠક બાદ ફારૂક અબ્દુલ્લાએ ગઠબંધનની જાણકારી આપી હતી.

    22 ઑગસ્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શ્રીનગરમાં તેમના પક્ષના નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા. ત્યારબાદ ઓમર અબ્દુલ્લાના નિવાસસ્થાને પહોંચી રાહુલ ગાંધીએ તેમને ગઠબંધન માટે વિશ્વાસમાં લીધા હતા. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે, તેઓ જમ્મુ અને કાશ્મીરમાં INDI ગઠબંધનને મજબૂત કરશે અને જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે.

    ગઠબંધનની જાહેરાત 22 ઑગસ્ટના રોજ બેઠક બાદ ફારૂક અબ્દુલ્લાએ કરી હતી. તેમણે કહ્યું હતું કે “ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આજે સાંજ સુધીમાં બેઠકોની વહેંચણીની વિગતો જાહેર કરવામાં આવશે. ગઠબંધન 90 બેઠકો માટે છે.” ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ અને અમે (NC) સાથે છીએ. તારીગામી સાહેબ (CPMના M.Y. તારીગામી) પણ અમારી સાથે છે. મને આશા છે કે અમારા લોકો અમારી સાથે છે તેથી અમે જીતી શકીશું અને લોકો માટે વધુ સારું કામ કરી શકીશું.” તેમણે પણ પૂર્ણ રાજ્યના દરજ્જાની વાત કરી હતી અને ‘વિભાજનકારી શક્તિઓ’ સામે લડવાની વાત કરી હતી. જ્યારે નેશનલ કૉન્ફરન્સ અને કાશ્મીરની અન્ય સ્થાનિક પાર્ટીઓનો 370 હટવા પહેલાં કાશ્મીરમાં અસ્થિરતા સર્જવામાં મોટો ફાળો રહ્યો છે.

    આ સિવાય રાહુલ ગાંધીએ પણ જમ્મુ-કાશ્મીરને રાજ્ય તરીકે દરજ્જો અપાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અમને અપેક્ષા હતી કે ચૂંટણી પહેલાં આ થઈ જશે પરંતુ ચૂંટણી જાહેર થઈ ગઈ છે. અમે આશા રાખીએ છીએ કે રાજ્યનો દરજ્જો શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવશે અને જમ્મુ-કાશ્મીરના લોકોના લોકશાહીના અધિકારો તેમને પરત કરવામાં આવશે.”

    નોંધનીય બાબત છે કે કોંગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પહેલેથી ગઠબંધન છે. INDI ગઠબંધનની બંને પાર્ટીઓ લોકસભા ચૂંટણી દરમિયાન પણ સાથે જ હતી. તેમાં NCએ ખીણમાં 3 સીટ પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા, અને કોંગ્રેસે જમ્મુમાં 2 સીટ પર ઉમેદવારી નોંધાવી હતી. આ બાદ NC 3માંથી 2 સીટ જીતી હતી પરંતુ કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી નહોતી. ત્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ફરીથી બંને પક્ષોએ ગઠબંધન કર્યું છે.

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં 18 અને 25 સપ્ટેમ્બર તેમજ 1 ઑક્ટોબરના રોજ યોજાશે. 4 ઑક્ટોબરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. કાશ્મીરની સાથે જ હરિયાણા વિધાનસભા ચૂંટણી પણ યોજાઇ રહી છે.

    ‘મુસ્લિમ સમૂહોએ અરજી કર્યાના 24 કલાકમાં જ ભલામણ, અમુકે રજૂઆત પણ ન કરી અને શરૂ થઈ ગયા સરવે’: OBC યાદીને લઈને સુપ્રીમે જવાબ માંગ્યો તો છતી થઈ ગઈ બંગાળ સરકારની કરામત

    ગત મે મહિનામાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 2010થી 2012 વચ્ચે ઈસ્યુ કરવામાં આવેલાં OBC સર્ટિફિકેટ રદ કરી દીધાં હતાં, જે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં મમતા બેનર્જી સરકારે 77 જાતિઓને OBCમાં સમાવવાના પોતાના નિર્ણયનો બચાવ કરતું એક એફિડેવિટ કોર્ટમાં દાખલ કર્યું હતું. આ એફિડેવિટ પરથી અન્ય અમુક મહત્વની વિગતો સામે આવી છે, જેનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે કઈ રીતે પહેલાં ડાબેરી સરકાર અને ત્યારબાદ મમતા સરકારે મુસ્લિમ વૉટ બેન્ક કબજે કરવા માટે મુસ્લિમ જાતિઓને OBCમાં સમાવી હતી અને સર્ટિફિકેટ આપ્યાં હતાં. 

    અહીં નોંધવું જોઈએ કે ગત મે, 2022ના એક ચુકાદામાં કલકત્તા હાઈકોર્ટે 2010થી લઈને 2012 સુધી પહેલાં લેફ્ટની સરકાર અને ત્યારબાદ મમતા બેનર્જીની TMC સરકાર દ્વારા કુલ 77 જાતિસમૂહોને આપવામાં આવેલાં OBC સર્ટિફિકેટ રદબાતલ ઠેરવ્યાં હતાં. પછીથી સામે આવ્યું હતું કે જે 77 સમુદાયોનાં સર્ટિ રદ થયાં હતાં, તેમાંથી 75 સમુદાયો મુસ્લિમ હતા. જેમાંથી 41ને લેફ્ટ સરકારે અને 34ને મમતા સરકારે દરજ્જો આપ્યો હતો. 

    હાઇકોર્ટે એમ કહીને તેમનાં સર્ટિફિકેટ રદ કરી દીધાં હતાં કે આ સમુદાયોને OBC સર્ટિફિકેટ આપવામાં નિયમોનું અને કાયદાનું પાલન કરવામાં આવ્યું ન હતું. આદેશમાં વેસ્ટ બેંગાલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ એક્ટ ઑફ 1993ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે OBCના સબ-ક્લાસિફિકેશન તેમજ ક્લાસ કે સબ-ક્લાસ માટેના અનામતની ટકાવારી નક્કી કરવા માટે કમિશન સાથે પરામર્શ ફરજિયાત છે, જે પ્રક્રિયા કરવામાં આવી ન હતી. 

    મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ CJI ચંદ્રચૂડની ખંડપીઠે બંગાળ સરકાર પાસેથી આ સમુદાયોને OBCમાં સમાવવા માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી તેની વિગતો મંગાવી હતી. 5 ઑગસ્ટના આ આદેશ બાદ બંગાળ સરકારના એડિશનલ સેક્રેટરી અને બેકવર્ડ ક્લાસિસ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઇન્ટ કમિશનર અભિજિત મુખર્જીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સોગંદનામું દાખલ કર્યું હતું. 

    અમુક મુસ્લિમ જાતિઓએ અરજી કર્યાના 24 કલાકમાં જ ભલામણ કરી દેવાઇ 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, બંગાળ સરકારે પોતાના એફિડેવિટમાં વિગતો આપીને 77 સમુદાયોને OBC યાદીમાં સમાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તમામ પ્રક્રિયા થ્રી-ટીયર પ્રોસેસ થકી જ કરવામાં આવી હતી, જેમાં બે સરવે અને બેકવર્ડ ક્લાસ કમિશન દ્વારા એક સુનાવણીનો સમાવેશ થાય છે. પરંતુ તેમ છતાં સરકાર પર પ્રશ્ન એટલા માટે ઉઠી રહી છે, કારણ કે અમુક મુસ્લિમ જાતિઓના કિસ્સામાં આ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. 

    ઉદાહરણ તરીકે, ખોટ્ટા મુસ્લિમ સમુદાયે 13 નવેમ્બર, 2009ના રોજ બંગાળના OBC કમિશન સામે જાતિને OBC યાદીમાં સમાવવા માટે અરજી કરી હતી. અને આ જ દિવસે કમિશને અરજી સ્વીકારીને ભલામણ કરી દીધી હતી. જમાદાર મુસ્લિમ સમુદાયનો પણ આવો જ કિસ્સો છે. તેમણે 21 એપ્રિલ, 2010ના રોજ અરજી કરી અને તે જ દિવસે તેમની ભલામણ કરી દેવામાં આવી. હવે સરકારી મશીનરી જે પ્રમાણે કામ કરે છે અને આવાં કામોમાં જે જટિલતા જોવા મળે છે, તેને ધ્યાને લઈએ તો આટલી ઝડપ અશક્ય છે. 

    એફિડેવિટની વિગતો આપતા રિપોર્ટ અનુસાર, ભાટિયા મુસ્લિમ, ચૂતોર મિસ્ત્રી સમુદાય વગેરે સમુદાયો માટે પણ OBC કમિશને અસાધારણ ઝડપ દાખવીને ગણતરીના દિવસોમાં જ ભલામણ કરી દીધી હતી. જ્યારે અન્ય ડઝનેક એવી મુસ્લિમ જાતિઓ હતી, જેની ભલામણ એક મહિનાથી ઓછા સમયમાં કરી દેવામાં આવી હતી. 

    અમુક જાતિઓએ અરજી કરી તે પહેલાં જ શરૂ થઈ ગયો સરવે 

    અન્ય એક ચોંકવનારી વિગત એ સામે આવી છે કે અમુક કિસ્સાઓમાં તો સમુદાયના સભ્યો પોતાની જાતિને OBC યાદીમાં સમાવવા માટે અરજી કરે તે પહેલાં જ તેમના સબ-કેટેગરાઈઝેશન માટે સરવે શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેમકે, કાઝી, હઝારી, લાયેક, ખાસ વગેરે મુસ્લિમ સમુદાયો માટે સરવે થયાનાં વર્ષો પછી તેમણે અરજી કરી હતી. 

    એફિડેવિટમાં મમતા સરકારે જણાવ્યું છે કે, ‘વિગતવાર તપાસ અને દસ્તાવેજી સામગ્રીને ધ્યાનમાં લઈને તેમજ કમિશનની અંતિમ ભલામણોને ધ્યાનમાં રાખીને 34 સમુદાયોના ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. એમ પણ કહેવામાં આવ્યું કે થ્રી-ટીયર પ્રોસેસને બહુ બારીકાઈથી અનુસરવામાં આવી હતી. 

    જેમાં પ્રક્રિયા એ રીતે સમજાવવામાં આવી છે કે પહેલાં જેઓ OBCમાં સમાવવા માંગતા હોય તેમણે વર્ગ, વસ્તી, મૂળ સ્થાન અને સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક, આર્થિક વગેરે ડેટા આપવાનો રહે છે. ત્યારબાદ કમિશન સરવે હાથ ધરે છે. તે દરમિયાન કમિશન જાહેર નોટિસ પાઠવે છે અને તેની ઉપર સુનાવણી હાથ ધરે છે અને વાંધા અરજીઓ પણ સ્વીકારવામાં આવે છે. સુનાવણી દરમિયાન રેકર્ડ તપાસાય છે, સરવે ઈનપુટ્સ જોવામાં આવે છે, સુનાવણી દરમિયાન સામે આવેલાં તથો ધ્યાને લેવાય છે અને ત્યારબાદ અરજી સ્વીકારવામાં કે નકારવામાં આવે છે. પછીથી સરકારને મોકલવામાં આવે છે અને કેબિનેટની મંજૂરી બાદ આધિકારિક ગેઝેટથી યાદી પ્રકાશિત કરવામાં આવે છે. 

    ‘મુહમ્મદ’ પર કથિત ટિપ્પણીને લઈને ‘મુસ્લિમ ટોળા’એ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો: પથ્થરમારામાં 3 પોલીસકર્મી ઘાયલ, આરોપી શહજાદના ઘર પર ફર્યું બુલડોઝર

    બુધવાર 21 ઓગસ્ટે મધ્યપ્રદેશના છતરપુરમાં (Chhatarpur) કોટવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા મુસ્લિમ ટોળાએ (Muslim Mob) ભારે તોફાન મચાવ્યું હતું. પોલીસ સ્ટેશનને ઘેરીને પથ્થરમારો કર્યો હતો, આ દરમિયાન પોલીસકર્મીઓ (Attack on Police) ઘાયલ થયા હતા. આ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જે અંતર્ગત 45 લોકો સામે નામજોગ કેસ નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે તેમના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.

    સમગ્ર ઘટના રામગીરી મહારાજના કથિત નિવેદનથી શરૂ થઈ હતી. ટોળાં અનુસાર રામગીરી મહારાજે કથિત રીતે પયગંબર મુહમ્મદ અને ઈસ્લામ પર નિવેદન આપ્યું હતું. આ અંગે મુસ્લિમ ટોળાએ વિરોધ કર્યો હતો. મુસ્લિમો ટોળું બનાવીને કોટવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને રામગીરી મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે 21 ઓગસ્ટની સાંજે રામગીરી મહારાજ પર કેસ નોંધવાની માંગ લઈને 300-400 મુસ્લિમોનું ટોળું કોટવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જેમાંથી કેટલાકના હાથમાં હથિયાર હતા. ડીઆઈજી લલિત શાક્યાવર અનુસાર ધાર્મિક નેતાઓ સૈયદ હાજી અલી અને સૈયદ જાવેદ અલીના નેતૃત્વમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન જ મુસ્લિમ ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

    પથ્થરમારામાં 2 પોલીસકર્મીઓ થયા ઘાયલ

    ABP ન્યૂઝના અહેવાલ અનુસાર પથ્થરમારામાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અરવિંદ કુંજર, કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર કુમાર અને ASPના ગનમેન રાજેન્દ્ર ચઢાર ઘાયલ થયા હતા. જેમાંથી અરવિંદ કુંજરની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે ટોળાંને શાંત પાડવા ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. ઘટનાના વાયરલ વિડીયો અનુસાર આ ટોળું પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યું હતું.

    સરકારે શરૂ કરી કાર્યવાહી

    આ મામલે મુખ્યમંત્રી મોહન યાદવે DGP સાથે વાતચીત કરીને કાર્યવાહી શરૂ કરવા કહ્યું હતું. આ મામલે તેમણે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે “મધ્યપ્રદેશ ‘શાંતિનો પ્રદેશ’ છે. કોઈ પણ આયોજનબદ્ધ રીતે કાયદાને તોડશે તે સહેજ પણ સહન કરવામાં આવશે નહીં. મે પોલીસના ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આરોપીઓની ઓળખ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં. પ્રદેશમાં શાંતિ અને સોહાર્દ બની રહે એ જ અમારી પ્રાથમિકતા છે.”

    મુખ્ય આરોપી શહજાદ હાજી અલીના ઘર પર બુલડોઝર કાર્યવાહી (ફોટો: ANI)

    આ બાદ પોલીસે CCTV કેમેરાની ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ મામલે 45 લોકોની ઓળખ કરી નામજોગ ફરિયાદ દાખલ કરી લેવામાં આવી હતી. જ્યારે 200 અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. મહોમ્મદ શહજાદ હજી અલીને મુખ્ય આરોપી ગણી તેના મહેલ જેવા મકાન પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોટાભાગના આરોપી શહેર છોડીને ભાગી ચૂક્યા છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ છે. આ અગાઉ પણ જૂન માહિનામાં મુસ્લિમ ટોળાએ જોધપુરમાં પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. જે દરમિયાન પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

    અયોધ્યા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી મોઇદ ખાન વિરુદ્ધ કાર્યવાહી હજુ ચાલુ: પહેલાં તોડાઈ હતી બેકરી, હવે શૉપિંગ કોમ્પ્લેક્સ પર ચાલ્યું બુલડોઝર

    તાજેતરમાં અયોધ્યા ખાતેથી એક ગેંગરેપનો કેસ આવ્યો હતો, જેમાં મુખ્ય આરોપી સમજવાદી પાર્ટીનો નેતા અને ફૈઝાબાદથી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદનો નજીકનો માણસ મોઇદ ખાન છે. તેની સાથે નોકર રાજુ ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે થોડા દિવસ પહેલાં તંત્રે મોઇદ ખાનની માલિકીની એક બેકરી ધ્વસ્ત કરી દીધી હતી. ત્યારે હવે મોઇદ ખાનની માલિકીના એક કોમ્પ્લેક્સ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 

    આ કાર્યવાહી ગુરુવારે (22 ઑગસ્ટ) હાથ ધરવામાં આવી. આ કોમ્પ્લેક્સમાં અમુક એકમો ચાલતા હતા અને એક બૅન્ક પણ ચાલતી હતી. જગ્યા ગેરકાયદેસર હોવાનું સામે આવતાં તંત્રે બૅન્ક ખસેડવા માટે આદેશ આપ્યા હતા તેમજ અન્ય દુકાનો પણ બંધ કરાવી હતી. આખરે કોમ્પ્લેક્સ ખાલી થયા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. એકસાથે ત્રણ બુલડોઝર કામગીરીમાં લગાવવામાં આવ્યાં હોવાનું અહેવાલો જણાવે છે. 

    રિપોર્ટ અનુસાર, આ કોમ્પ્લેક્સનો ત્રીજા ભાગનો હિસ્સો સરકારી જમીન પર બનાવવામાં આવ્યો હતો, જેમાં સરકારી બેન્ક પણ આવતી હતી. ત્યારબાદ પ્રશાસને આ ગેરકાયદેસર હિસ્સો દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ દુકાનદારોએ દુકાનો ખાલી કરવાની શરૂ કરી દીધી હતી. આખરે બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખાલી કરાવી દેવામાં આવી. 

    આ મામલે સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી જ સતત મોઇદ ખાનને નોટિસ આપવામાં આવી રહી હતી, પરંતુ તે ન તો નોટિસ સ્વીકારતો હતો કે ન તંત્ર સમક્ષ શૉપિંગ કોમ્પ્લેક્સનો નકશો જમા કરાવી રહ્યો હતો. નોટિસનો જવાબ ન આપવા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમના અનુસાર, અમુક હિસ્સો તળાવ અને ગ્રામ પંચાયતની જમીન પર બાંધવામાં આવ્યો હતો. 

    આ કેસ અયોધ્યાનો છે. આરોપ છે કે અહીં સમાજવાદી પાર્ટીના નેતા મોઇદ ખાન અને તેની બેકરી પર કામ કરતા રાજુએ મળીને એક 12 વર્ષીય સગીરાનો રેપ કર્યો હતો અને તેનો વિડીયો બનાવીને બંને બ્લેકમેલ કરતા હતા. આખરે 2 મહિના બાદ પીડિતા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો અને પરિવારને જાણ થઈ. હિંદુ સંગઠનો પણ વચ્ચે પડ્યા બાદ બંને આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરી લેવાઈ હતી. 

    બીજી તરફ, પીડિત બાળકીના માતા-પિતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા. ત્યારબાદ તપાસ વધુ તેજ બની હતી અને ગત 3 ઑગસ્ટના રોજ મોઇદ ખાનની ગેરકાયદેસર બેકરી પર બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યું હતું. હવે વધુ એક વખત કાર્યવાહી કરવામાં આવી છે. 

    ‘ગુજરાત સરકાર ઝિંદાબાદ’ના નારા વચ્ચે લિંબાયતમાં પોલીસે ચપ્પુબાજ સાબીર, ઇશાક અને નવાઝનું કાઢ્યું સરઘસ: જાહેરમાં છરા હુલાવીને જમાવતા હતા રોફ, વિડીયો થયો હતો વાયરલ

    સુરતના લિંબાયતથી બે દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં કેટલાક તોફાની તત્વો જાહેરમાં છરા બતાવીને રોફ જમાવી રહ્યા હતા. તે પહેલા તેઓએ એક શખ્સને ચપ્પુ પણ માર્યું હતું. સુરત પોલીસે તાકીદે કાર્યવાહી કરીને સાબીર, ઈશાક અને નવાઝ નામના આરોપીઓની ધરપકડ કરી હતી અને તે જ લિંબાયતમાં તેમનું સરઘસ પણ કાઢ્યું હતું.

    તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સાબીર સમસુદ્દીન શેખ, ઇશાક અયુબ શેખ, નવાઝ મહેબૂબ આલમ સૈયદ ઉર્ફે ફેન્સી સહિતનાઓ છેલ્લા ઘણા સમયથી લિંબાયત, ડિંડોલી, ગોડાદરા સહિતના વિસ્તારમાં તોફાન કરતા હતા. જાહેરમાં હથિયારો લહેરાવવા, મારામારી કરવી, ગાળો બોલવી અને રોફ જમાવતા હતા.

    જાહેરમાં હથિયારો લહેરાવીને પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસે ઝડપથી આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ પહેલા આરોપીઓએ સમીરખાન પઠાણ નામના શખ્સને તેના ઘરમાં ઘૂસીને ચપ્પુ મારી દીધું હતું અને ધમકી આપી હતી કે આ વખતે ખાલી ચપ્પુ માર્યું છે, હવે તેને જાનથી મારી દેશે.

    સરઘસમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા તોફાનીઓ

    જે બાદ પોલીસે ત્રણેવ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ લુખ્ખા તત્વોએ જે વિસ્તારમાં ત્રાસ મચાવ્યો હતો, પોલીસે તે જ વિસ્તારોમાંથી તેમનું સરઘસ કાઢ્યું હતું. જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં આરોપીઓ હાથ જોડીને સૌની માફી માંગતા નજરે પડી રહ્યા છે.

    આ દરમિયાન આસપાસના લોકો ‘ગુજરાત સરકાર ઝિંદાબાદ’, ‘દાદાગીરી બંધ કરો બંધ કરો’ જેવા નારા લગાવતા સંભળાઈ રહ્યા છે. લોકોમાં પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.