Tuesday, June 25, 2024
More
  હોમપેજગુજરાત‘મારી પ્રજાનું કલ્યાણ થજો’ના જીવનમંત્ર સાથે કર્યું શાસન, રાષ્ટ્રનિર્માણ માટે અર્પણ કરી...

  ‘મારી પ્રજાનું કલ્યાણ થજો’ના જીવનમંત્ર સાથે કર્યું શાસન, રાષ્ટ્રનિર્માણ માટે અર્પણ કરી દીધાં હતાં 1800 પાદર: જન્મજયંતિ પર જાણો ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી વિશે

  મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેમના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ 'પ્રાતઃસ્મરણીય' એવું બિરૂદ લગાડવામાં આવે છે. આજેપણ પ્રજા તેમને 'દેવપુરુષ' માને છે અને ભગવાનની જેમ તેમને પૂજે છે.

  - Advertisement -

  ભારતનો ઇતિહાસ ઉજળો અને ભવ્ય રહ્યો છે. અનેક વંશના રાજા-મહારાજાઓએ પોતાના રાજ્યને નવી દિશા આપવાના તમામ પ્રયાસો કર્યા. ભોગવિલાસથી પરે રહીને જેણે પોતાની પ્રજા માટે જીવન ખપાવી દીધું હોય તેવા રાજવીઓને આજે દાયકાઓ પછી પણ લોકો આદર-સન્માન સાથે યાદ કરે છે. આવા રાજવીઓમાં એક નામ છે મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું. આજે પણ ભાવનગરમાં જઈએ અને કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરીએ તો રજવાડાની યાદો માનસપટ પર છવાઈ જાય છે. રજવાડાની યાદો સાથે એક નામ આજે પણ અચૂક લેવાય છે, તે છે ‘મહારાજા રાઓલ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ’. તેમના નામની સાથે પ્રજા પોતે ‘પ્રાતઃ સ્મરણીય મા’રાજ સાહેબ’નું બિરુદ લગાવે છે. 19 મે, 1912માં તેમનો જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતિ પર આપણે જાણીશું મહારાજ સાહેબનું તે જીવન જે આજે પણ ભાવનગરની આત્મામાં અભૂતપૂર્વ સ્થાન હાંસલ કરીને બેઠું છે.

  ભાવનગર રાજ્યના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો જન્મ 19 મે, 1912ના રોજ થયો હતો. લોકવાયકા એવી છે કે, મહારાજા સાહેબના જન્મ પહેલાં ભાવનગર રાજ્યના કૂવાઓમાં ખારા પાણી આવતા હતા. કારણ કે, દરિયા કિનારે જ આખું શહેર વસેલું હોવાથી ભાગ્યે જ કોઈ કૂવામાં મીઠું પાણી જોઈ શકાતું. પરંતુ મહારાજ સાહેબના જન્મ સમયથી મીઠા પાણી આવવાના શરૂ થયા અને આજે દરેક જગ્યાએ મીઠા પાણીના કૂવા છે. ત્યારથી લોકોએ તે નાનકડા યુવરાજને ‘દેવપુરુષ’ની ઉપાધિ આપી દીધેલી. કોઈને ખબર નહોતી કે, આ જ દેવપુરુષ ભાવનગરની પ્રજાના હ્રદયમાં ઊંડી છાપ ઊભી કરશે.

  પ્રારંભિક જીવન

  મહારાજા કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મેના રોજ થયો હતો. તેમના માતાનું નામ નંદકુંવરબા ગોહિલ અને પિતાનું નામ મહારાજા ભાવસિંહજી (દ્વિતીય) હતું. તેઓ ભાવસિંહજીના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમના પિતાના અવસાન બાદ 1919માં ભાવનગર રાજ્યની જવાબદારી તેમના શિરે આવી પડી. ત્યારે તેમની ઉંમર માત્ર 7 વર્ષની હતી. પ્રભાશંકર પટ્ટણીના નેતૃત્વમાં તેમના જીવનનું ઘડતર થયું હતું. પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યાં. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લિક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા.

  - Advertisement -

  ત્રણ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. 1931માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયના થતાં રાજ્ય વહીવટની ધૂરા સંભાળી લીધી. તે જ વર્ષે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાયાં. ઈ.સ. 1931માં મહારાજા કૃષ્ણકુમારસિંહનાં લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહનાં પુત્રી અને મહારાજા ભગવતસિંહજીનાં પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયાં.

  ભાવનગર રાજ્યમાં સુશાસનની શરૂઆત અને સુધારા

  ભાવનગર સ્ટેટ દ્વારા 1932માં પ્રકાશિત પુસ્તક ‘કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક અને લગ્ન’માં (પૃષ્ઠ ક્રમાંક 31-32)માં ભાવનગરમાં કરેલા સુધારા વિશે પણ માહિતી આપવામાં આવી છે. ભાવનગર રાજ્યના તમામ મહારાજાઓએ અનેક પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે. પ્રજાના હ્રદયમાં તમામ રાજાઓ પ્રત્યે સન્માન હતું. પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પ્રજા આજે પણ પોતાના માને છે. તે સમયે રજવાડાના રાજવીઓને તુંકારો કરીને બોલાવવા ગુનો ગણાતો હતો. પરંતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વૃદ્ધ મહિલાઓ ‘મારો મા’રાજ’ કહીને પણ બોલાવતા હતા. મહારાજા સાહેબે ક્યારેય પણ પ્રજા વચ્ચે ભેદ કર્યો નહોતો.

  ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યા હતા. ગતિમય શાસનના કારણે તેમને 1938માં કે.સી.એસ.આઈ.ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ ભારતની સ્વતંત્રતા માટે કટિબદ્ધ હતા.

  ભાવનગરનાં નેત્રહિન બાળકોએ કૌશલ્યવર્ધન માટે તત્કાલીન બૉમ્બે જવું પડતું હતું. કૃષ્ણકુમારસિંહ જ્યારે ભારતભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે આ વાત તેમના ધ્યાને આવી હતી. પછી તેમણે ભાવનગરમાં આવી જ એક સંસ્થા ઊભી કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સંસ્થા એટલે ‘શ્રી કૃષ્ણકુમાર અંધ ઉદ્યોગશાળા’. રાજ દ્વારા ચાલતા પ્રકલ્પો નિષ્ફળ થઈ શકે, પરંતુ તેમાં જો જનભાગીદારી હોય તો તે ચોક્કસથી સફળ થાય એવું તેઓ માનતા. એટલે તેમના આહ્વાનથી નગરશ્રેષ્ઠીઓએ અડધો ખર્ચ ઉપાડ્યો, જ્યારે બાકીનો ખર્ચ તત્કાલીન ભાવનગર સ્ટેટ આપતું હતું.

  કૃષ્ણકુમારસિંહના લગ્ન માટે બાંધવામાં આવેલો પાક્કી બાંધણીનો મંડપ ભાવનગરની પ્રજાને ‘ટાઉન હૉલ’ તરીકે ભેટ આપ્યો. ખેડૂતો માટે ગ્રામસુધારણા ફંડ શરૂ કર્યું અને ખેડૂતો ઉપરનું રાજ તથા શાહુકારોનું દેવું માફ કર્યું. શામળદાસ કૉલેજ (જ્યાં મોહનદાસ ગાંધીએ અભ્યાસ કર્યો હતો) માટે વાઘાવાડી રોડ ઉપર મોટી ઇમારત બંધાવી આપી. નવા બંદર ખાતે નવી જેટી બંધાવી, ગોદામો સાથે તેને જોડતી રેલવેલાઇન નખાવી, આ સિવાય ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામ-વે સેવા શરૂ કરી જે પછીથી ‘બાપુગાડી’ તરીકે પ્રચલિત થઈ હતી. તખ્તસિંહ હૉસ્પિટલમાં (આજના સમયની સર ટી હૉસ્પિટલ) નવાં સાધનો તથા નવી ઇમારતો બંધાવી.

  કૃષ્ણનગરના નામે નવો વિસ્તાર વસાવ્યો, જેમાં ડામરના રસ્તા અને વીજળીની વ્યવસ્થા હતી. શહેરના ગૌરીશંકર તળાવનો વિસ્તાર કરાવ્યો, જ્યારે સિહોર પાસે નવું તળાવ બંધાવ્યું. આવા અનેક પ્રકલ્પો અને યોજનાઓને કારણે તેઓ ‘પ્રજાવત્સલ’ રાજવી તરીકે ખ્યાતિ પામ્યા હતા. આ ઉપરાંત તેમણે ભાવનગર રાજ્યને વિકસિત બનાવવા માટે અનેક સુધારા કર્યા હતા.

  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. તે સિવાય પિતાના વારસા હક્કમાં પુરુષની સાથે સ્ત્રીને પણ અમુક અંશે ભાગ મળે તે માટે પણ તેમણે ઠરાવ પસાર કર્યો હતો. ગામડાંઓમાં બાળઉછેરનો પ્રચાર થાય અને કેળવણીનો ઉત્સાહ થાય તેવા શિક્ષકો તથા વૈદકીય જ્ઞાન ધરાવતા ઉત્સાહક ભાષણ આપનારાઓની વ્યવસ્થા પણ કરાવી હતી. આ સાથે જ અજ્ઞાનવર્ગમાંથી વહેમો દૂર થાય તો સામાજિક પ્રવૃત્તિઓ આગળ વધી શકે તેવો પ્રબંધ પણ કરાવ્યો હતો. તેમણે જાતિગત ભેદભાવોને દૂર કરવા માટે બધા માટે દરબારનાં દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં. તેમના ઘણા અધિકારીઓ પણ તે સમયના કથિત અસ્પૃશ્યો હતા.

  ઉપરાંત સંસ્કૃતની પાઠશાળાઓ અને અન્ય ધર્મના લોકો માટે તેમના પંથની ધાર્મિક સંસ્થાઓ પણ તેમણે બનાવી હતી. તે સિવાય તેઓ આ સંસ્થાઓએ અવારનવાર મદદ પણ કરતા રહેતા હતા. ભાવનગર રાજ્યમાં એક કાયદો એવો હતો કે, જો કોઈના ઘરે ચોરી થાય અને રાજ્યના અધિકારીઓ ચોરી ન પકડી શકે તો તે ચોરીની ભરપાઈ રાજ્ય દ્વારા કરવામાં આવતી હતી.

  ભાવનગરનો ભારતમાં વિલય

  સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં કે દેશભરમાં પણ રાષ્ટ્રહિતને સમજીને ભવિષ્યના પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. મહોમ્મદ અલી ઝીણા તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, 1947માં તેમણે નિર્ણય કરી લીધો. તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે, પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદાર પટેલને મળવા અભિપ્રાય આપ્યો.

  તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ મોહનદાસ ગાંધીને મળવું છે. મહારાજા સાહેબ 17 ડિસેમ્બર, 1947ના રોજ રાત્રે 11 વાગ્યે ગાંધીને મળવા ગયા. મનુબહેન ગાંધીએ ‘દિલ્હીમાં ગાંધીજી’ ભા.1માં મહારાજાની ગાંધી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. વર્ણન અનુસાર, સમય નજીક જણાતાં ગાંધીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. મહારાજાએ ગાંધીજીને એકલા મળીને વાતચીત કરી હતી. તેમણે ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે, “મારું રાજ્ય હું દેશના ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે જે નિર્ણય થશે તે જ હું સ્વીકારીશ.” ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે?’ મહારાજાનો જવાબ હતો કે, “મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. જ્યારે આખેઆખો હાથી જતો હોય તો અંબાડીને રાખવાનો કોઈ અર્થ નથી.”

  મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે ગાંધી અન્ય આવેલા રાજવીઓને કહેતા કે, “તમે પૂછતા હતા ને કે અમારે હવે શી રીતે વરતવું? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ અપનાવો તેવી મારી ભલામણ છે.” મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું કે ‘બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ?’ ગાંધીજીએ કહ્યું, “મનુ, તું જાણે છે ને કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ. મનુ, જો બધા રાજા કૃષ્ણકુમારસિંહ જેવા હોય તો દેશને લોકશાહીની જરૂર નથી.” આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. (મનુબહેન ગાંધીના પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે.) ત્યારબાદ મહારાજા સાહેબ તુલસીપત્ર પર આખું ભાવનગર રાજ્ય સૌપ્રથમવાર દેશને અર્પણ કરી દીધું હતું.

  સરદાર પટેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

  ભાવનગર રાજ્ય ભારતમાં વિલય કર્યા બાદ ઇ.સ. 1948માં કૃષ્ણકુમારસિંહજીએ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું. એ જ વર્ષે એમને રોયલ ભારતીય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. 2 એપ્રિલ 1965ના દિવસે 52 વર્ષની ઉંમરે અને 46 વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું. લોકવાયકા છે કે, તેમના અવસાન સમયે તેમના અંતિમ શબ્દો હતા, “મારી પ્રજાનું કલ્યાણ થજો.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં