Friday, September 20, 2024
More
    હોમપેજદેશહવે iPhone પ્રો સિરીઝ પણ હશે 'મેડ ઇન ઇન્ડિયા': એપલ પહેલી વખત...

    હવે iPhone પ્રો સિરીઝ પણ હશે ‘મેડ ઇન ઇન્ડિયા’: એપલ પહેલી વખત ભારતમાં બનાવશે આઈફોનનાં પ્રો મોડેલ, 16 સિરીઝથી ઉત્પાદન શરૂ; ચીન પરની નિર્ભરતા ઘટશે

    ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધવાથી માત્ર એપલને જ નહીં પરંતુ અર્થતંત્રને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. ઉપરાંત નોકરીઓનું સર્જન અને ટેકનોલોજીકલ રોકાણોને પ્રોત્સાહન મળે તેવી સંભાવના પણ છે.

    - Advertisement -

    વિશ્વવિખ્યાત ટેક કંપની એપલ પોતાના મોબાઈલ ફોનની નવી સિરીઝ આગામી સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરી રહી છે. iPhone 16 સિરીઝ લૉન્ચ થાય તે પહેલાં પ્રાપ્ત થતા એક મહત્વપૂર્ણ સમાચારને ધ્યાને લઈએ તો આ વખતે પહેલી વખત એપલ આઇફોનનાં પ્રો મોડેલ્સ પણ ભારતમાં એસેમ્બલ કરશે. અત્યાર સુધી ભારતમાં આઇફોનનાં બેઝ મોડેલ જ બનતાં હતાં, પરંતુ હવે પ્રો અને પ્રો મેક્સ મોડેલ પણ તૈયાર કરવામાં આવશે. જેના કારણે ચીન પરની એપલની નિર્ભરતા ઘટશે અને ભારતમાં ઉત્પાદન વધશે, જેના કારણે કિંમત પણ થોડી ઘટશે.

    રિપોર્ટ્સ અનુસાર, iPhone 16 સિરીઝ લૉન્ચ થાય કે તરત ફોકસકોન ઇન્ડિયા ઉત્પાદન શરૂ કરી દેશે. આ માટે તમિલનાડુ સ્થિત પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી લૉન્ચ થતાંની સાથે જ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવે અને માંગને પહોંચી વળાય. અહીં નોંધવું જોઈએ કે એપલ આઇફોન અને અન્ય પ્રોડક્ટ્સના ભાગો કેલિફોર્નિયામાં બનાવે છે. ત્યારબાદ તેને ચીન અને ભારતમાં આવેલ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં તે એસેમ્બલ કરવામાં આવે છે. ભારતમાં ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ તથા તાતા અને અન્ય અમુક કંપનીઓ સાથે એપલનું ટાઇ-અપ છે.

    હાલ હાઈઇમ્પોર્ટ ટેક્સ્ટના કારણે iPhoneની કિંમત વધારે હોય છે. પરંતુ, તેનું ભારતમાં ઉત્પાદન થવાથી ઇમ્પોર્ટ મોડલની તુલનામાં 10% જેટલો ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ છે. જોકે, ભારતમાં ઉત્પાદન થવા છતાં એડવાન્સ પાર્ટસને આયાત કરવાની આવશ્યકતા અને અન્ય વેરાઓના કારણે હજુ પણ બીજા દેશો કરતાં ભારતમાં iPhone 16 Pro અને iPhone 16 Pro Max મોડેલ્સ થોડા મોંઘા મળી શકે છે.

    - Advertisement -

    2021થી ભારતમાં બની રહ્યા છે iPhone

    વર્ષ 2021થી એપલ ભારતમાં તેના ઉત્પાદનનો વધારો કરી રહ્યું છે. શરૂઆત iPhone SEથી કરવામાં આવી હતી. ત્યારબાદ નોન પ્રો વેરિયન્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી. ગત વર્ષે iPhone 15 લૉન્ચ થયા બાદ iPhone 15 અને iPhone 15 પ્લસ તૈયાર કરવાના શરુ કરવામાં આવ્યા. હવે પ્રો અને પ્રો મેક્સ સિરીઝ પણ તૈયાર થશે. જાણવા મળી રહ્યું છે કે, ફોક્સકોન ઉપરાંત એપલના ભારતમાં અન્ય બે પાર્ટનર તાતા અને પેગાટ્રોન પણ આ પ્રો સિરીઝ તૈયાર કરવામાં મદદ કરી શકે છે.

    આ વર્ષની શરૂઆતમાં એપલના કુલ iPhone ઉત્પાદનમાં ભારતનો ફાળો લગભગ 14 ટકા હતો, જે આવતા વર્ષ સુધીમાં વધીને 25 ટકા થવાની ધારણા છે, જે એપલના વૈશ્વિક સપ્લાયમાં ભારતીય બજારના વધતા મહત્વને દર્શાવે છે. ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધવાથી માત્ર એપલને જ નહીં પરંતુ અર્થતંત્રને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. ઉપરાંત નોકરીઓનું સર્જન અને ટેકનોલોજીકલ રોકાણોને પ્રોત્સાહન મળે તેવી સંભાવના પણ છે. ભારતમાં બનેલાં આ પ્રો મોડેલ્સ યુરોપ, મધ્ય પૂર્વીય દેશો અને અમેરિકા સુધી સપ્લાય કરવામાં આવશે.

    ભારત એપલ માટે એક મહત્વનું બજાર બનતું જાય છે. અહીં વાર્ષિક વેચાણ ૮ બિલિયન ડૉલર પર પહોંચે છે. વર્ષ 2030 સુધીમાં તે 33 બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. ભારતમાં હવે આઇફોનનાં પ્રો મોડેલ્સ પણ બનશે, અર્થાત ચીન પરની નિર્ભરતા ઘટશે અને ભારતીય બજાર એક મેન્યુફેકચરિંગ હબ બનશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં