Friday, April 3, 2026
More
    Home Blog Page 248

    ‘હિંદુઓમાં એકતા આવશ્યક… ભારત છે હિંદુ રાષ્ટ્ર…’: ધીરેન્દ્ર શાસ્ત્રીની હિંદુ એકતા યાત્રામાં સામેલ થયા પૂર્વ CM દિગ્વિજય સિંઘના પુત્ર અને કોંગ્રેસ MLA જયવર્ધન સિંઘ

    મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Dhirendra Krishna Shastri) ગુરુવાર, 21 નવેમ્બરે ‘હિંદુ એકતા યાત્રા’ (Hindu Ekta Yatra) પ્રારંભ કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય સનાતન ધર્મની એકતાને પ્રોત્સાહન આપવાનો છે તથા જાતિ-જ્ઞાતિના ભેદભાવો દૂર કરવાનો છે. સમગ્ર દેશમાં આ યાત્રાની ચર્ચા ચાલી રહી હતી પરંતુ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘના (Digvijay Singh) પુત્ર જયવર્ધન સિંઘ (Jayvardhan Singh) આ યાત્રામાં સામેલ થયા ત્યારે તેની ચર્ચાઓ વધુ તીવ્ર બની હતી.

    એક તરફ જયવર્ધને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે આ યાત્રામાં ભાગ લઈને સનાતન ધર્મ અને હિંદુ એકતા માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તો બીજી તરફ તેમના પિતા દિગ્વિજય સિંઘ ‘ભગવા આતંકવાદ’ (Bhagwa Aatankwad) પરના નિવેદનો આપવા માટે કુખ્યાત છે. ત્યારે આ આ યાત્રામાં ભાગ લીધા બાદ જયવર્ધન અને તેમના પિતાની વિરોધાભાસી વિચારધારા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે યાત્રામાં સામેલ થઈને જયવર્ધન સિંઘે કહ્યું હતું કે, “આ યાત્રા કોઈ પક્ષની નથી પરંતુ સનાતન ધર્મની છે. જ્ઞાતિવાદ નાબૂદ કરીને સમાજને એક કરવાની જરૂર છે. જો સંતો સનાતન બોર્ડ બનાવવાની વાત કરે છે તો આ વિચાર સાચી દિશામાં છે. અમે સનાતનના ભક્ત છીએ અને હંમેશા રહીશું.”

    ‘ભારત સ્વાભાવિક જ હિંદુ રાષ્ટ્ર’

    આગળ જયવર્ધન સિંઘે કહ્યું હતું કે આ યાત્રા હિંદુઓને એક કરવાનો પ્રયાસ છે, જેમાં તમામ સમાજોને સમાન સન્માન મળવું જોઈએ. જયવર્ધને સનાતનને ભારતનો આત્મા ગણાવ્યો હતો. દરમિયાન તેમણે કહ્યું હતું કે, “દરેક ધર્મ કોઈને કોઈ જગ્યાએથી શરૂ થયો છે, અને હિંદુ ધર્મની શરૂઆત ભારતમાંથી થઈ છે. તેથી ભારત સ્વાભાવિક રીતે હિંદુ રાષ્ટ્ર છે.”

    જયવર્ધન સિંઘના પિતા દિગ્વિજય સિંઘ વારંવાર ‘ભગવા આતંકવાદ’ અંગે નિવેદન આપતા હોય છે ત્યારે પિતા-પુત્રની વિચારધારાનો વિરોધાભાસ ચર્ચામાં આવ્યો છે. નોંધનીય છે કે જાતિ આધારિત ભેદભાવ પર સવાલ ઉઠાવતા જયવર્ધને કહ્યું,  “આપણા કર્મ સૌથી મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે કર્મથી સમાજનું કલ્યાણ થશે. જો આપણે જ્ઞાતિ-જાતિની સીમાઓ ખતમ કરીશું તો સમાજ અને દેશ બંનેની પ્રગતિ થશે.”

    21 નવેમ્બરે શરૂ કરી ‘હિંદુ એકતા યાત્રા’

    ધીરેન્દ્ર શાસ્ત્રીએ 21મી નવેમ્બરે બાગેશ્વર ધામથી આ યાત્રા શરૂ કરી હતી, જે 160 કિલોમીટરનું અંતર કાપીને 29મી નવેમ્બરે ઓરછામાં સમાપ્ત થશે. યાત્રા શરૂ કરતા તેણે કહ્યું હતું કે, “આ યાત્રા સનાતન ધર્મનો પ્રચાર કરવા અને હિંદુઓને એક કરવા માટે છે. જાતિ, બોલી અને ભાષાના વિભાજનને દૂર કરવા આપણે એકતાના માર્ગે ચાલવું પડશે.”

    શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે હિંદુ ધર્મને બચાવવા અને ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવા માટે આ જરૂરી છે. તેમણે તમામ ધર્મો અને સમુદાયોને આ યાત્રાનો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયવર્ધન સિંઘના નિવેદનોએ હિંદુ એકતા અને જાતિવાદ સામે ઊભા રહેવાના સંદેશને નવી દિશા આપી છે.

    ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરનો ખાસ માણસ રાહુલ ચૌધરી નીકળ્યો ‘ડ્રગ પેડલર’: દહેરાદૂનમાં સપ્લાય કરવાનો હતો હેરોઈન, સ્મગલરની ધરપકડ થતાં ખુલી પોલ

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હરિદ્વાર (Haridvar) ખાતેથી શાંતનુ કુમાર સૈનીની ધરપકડ કરી હતી. જેની પાસેથી ₹10 લાખની કિંમતનું હેરોઈન ડ્રગ્સ (Heroine Drug) મળી આવ્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે શાંતનુ ભીમ આર્મીના (Bhim Army Chief Chandrashekhar) ચીફ ચંદ્રશેખરના ખુબ નજીકના વ્યક્તિ અને બિજનૌર જિલ્લના ભીમ આર્મીના મહાસચિવ રાહુલ ચૌધરીનો ખાસ માણસ છે. આ પછી પોલીસે દહેરાદૂનમાં ડ્રગ્સની હેરાફેરી (Drugs Smuggling) કરવાના મામલે રાહુલ ચૌધરી પર પણ કેસ નોંધ્યો હતો. ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ રાહુલ પર અગાઉ પણ ડ્રગ્સની હેરાફેરી કરવાના કેસ નોંધાઈ ચુક્યા છે.

    ઉલ્લેખનીય છે કે શ્યામપુર પોલીસે પાડલી નગીના બિજનૌરના રહેવાસી શાંતનુ કુમારની 30 ગ્રામ હેરોઈન સાથે ધરપકડ કરી હતી. જેની કિંમત ₹10 લાખ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઉત્તર પ્રદેશના નગીનાથી દહેરાદૂન સ્મેક સપ્લાય કરવા જઈ રહ્યો હતો. ઝડપાયેલા સ્મેકની સાથે પોલીસે આરોપીની બાઇક પણ કબજે કરી છે જેનો ઉપયોગ સ્મેકની દાણચોરીમાં થતો હતો.

    અહેવાલો મુજબ ધરપકડ કરાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે આ ડ્રગ્સ તેને બિજનૌરના ભીમ આર્મીના બિજનૌર જિલ્લાના મહાસચિવ રાહુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વ્યવસાય ડ્રગ્સ હેરાફેરીનો છે. પોલીસના જણાવ્યા અનુસાર ભીમ આર્મીનો રાહુલ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી કરાવવામાં સામેલ છે.

    કોલેજના વિદ્યાર્થીઓ પાસે ડ્રગ્સ પહોંચાડવાનો હતો પ્લાન

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરોપી દહેરાદૂનમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો જ્યાંથી યુનિવર્સીટી અને કોલેજના વિદ્યાર્થીઓ પાસે આ ડ્રગ્સ પહોંચવાનું હતું. શ્યામપુર પોલીસ સ્ટેશનના SHO નીતેશ શર્માએ જણાવ્યું હતું કે, “અમને હેરોઈનની હેરાફેરી અંગે માહિતી મળી હતી જે પછી શાંતનુની ધરપકડ કરવામાં આવી હતી.”

    આ મામલે રાહુલ ચૌધરી સામેલ હોવાને લઈને તેમણે કહ્યું હતું કે, “શાંતનુ રાહુલ ચૌધરી સાથે કોલ દ્વારા સતત સંપર્કમાં હતો. અમારી પાસે તેમની વાતચીતના રેકોર્ડિંગ છે જેમાં બંને દહેરાદૂનમાં કોઈ ડીલરને ડ્રગ્સ સપ્લાય કરવાની વાત કરી રહ્યા છે. રાહુલ ચૌધરી વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી પણ ચાલી રહી છે.”

    રાહુલ વિરુદ્ધ અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે સ્મગલિંગના ગુના

    ઉલ્લેખનીય છે કે રાહુલ ચૌધરી ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની ખૂબ નજીકનો માણસ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શાંતનુ કુમારના નિવેદન બાદ હવે ભીમ આર્મીના બિજનૌર મહાસચિવ રાહુલ ચૌધરીની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છે કે રાહુલ ચૌધરી વર્ષ 2020માં ₹1.8 કરોડના હેરોઈન સપ્લાયના મામલે જેલમાં જઈ ચુક્યો છે તથા વર્ષ 2022માં પણ ડ્રગ્સ સપ્લાય મામલે તેના પર કેસ નોંધાઈ ચુક્યા છે.

    તપન પરમાર હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા: આરોપી મહેબૂબ હતો પોલીસનો બાતમીદાર, SOGને આપતો હતો સ્મગલર્સની માહિતી, બાબરના ડ્રગ્સ લેતા વિડીયો વાયરલ

    વડોદરા ખાતે (Vadodara) નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર (Former Corporator) રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે મુખ્ય આરોપી બાબર પઠાણ (Babar Pathan) સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બાબરના ભાઈઓ સલમાન, મહેબૂબ (Maheboob Pathan) અને અમઝદ પણ સામેલ હતા. જે પોલીસ કસ્ટડીમાં છે. આ દરમિયાન કેસ મામલે મોટા ખુલાસા થયા છે. બાબરનો ભાઈ મહેબૂબ પોલીસનો બાતમીદાર હતો અને તે ડ્રગ્સ અંગેની બાતમી પોલીસને આપતો હોવાનું સામે આવ્યું હતું.

    નોંધનીય છે કે બાબર પઠાણ આ હત્યાનો મુખ્ય આરોપી છે તથા તેનો ભાઈ મહેબૂબ ખાન પઠાણ પોલીસનો બાતમીદાર હોવાનું સામે આવ્યું હતું. તપન પરમાર હત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે તથા મહેબૂબ ખાન પઠાણના 20 નવેમ્બરે 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારપછી કોર્ટે તેના સહિત 2 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા જે બાદ વધુ ખુલાસા થઇ રહ્યા છે.

    મહેબૂબ પઠાણ હતો પોલીસનો બાતમીદાર

    ઉલ્લેખનીય છે કે એક તરફ સામે આવ્યું હતું કે બાબરનો ભાઈ મહેબૂબ પોલીસને બાતમી આપતો હતો. તે SOGને ડ્રગ્સ વેચનાર અંગે માહિતી આપતો હતો. MD ડ્રગ્સ જેમની પાસેથી પકડાઈ રહ્યા છે તે સ્મગ્લર્સ અંગે મહેબૂબ પોલીસને બાતમી આપતો હતો. બીજી તરફ તેનો ભાઈ અને તપન હત્યા કેસનો મુખ્ય આરોપી બાબર આ જ સ્મગલર્સ પાસેથી ડ્રગ્સ મંગાવતો અને તેનો વેપાર કરતો હતો.

    બાબર મધ્યપ્રદેશથી મંગાવતો ડ્રગ્સ

    સામે આવ્યું હતું કે બાબર મુંબઈ અને મધ્યપ્રદેશથી ડ્રગ્સ મંગાવતો હતો અને MD ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. બાબર પોતે પણ ડ્રગ્સનું સેવન કરતો હતો. ઉલ્લેખનીય છે કે તપનની હત્યા બાદ બાબરખાન પઠાણ તેના સાગરિતો સાથે મળી ડ્રગ્સની પાર્ટી કરી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં બાબર નાકથી ખેંચીને ડ્રગ્સ લેતો દેખાઈ રહ્યો છે.

    નોંધનીય છે કે બાબર ખાન પઠાણ સામે અનેક ગુના નોંધાયેલા હતા જેમાં ખંડણી, લૂંટ, ધાક ધમકી અને મારામારી જેવા ગુનાઓનો સમાવેશ થતો હતો. ત્યારે તપનની હત્યા કર્યા બાદ તેના પર હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. દરમિયાન જ ડ્રગ્સ દાણચોરો સાથે બાબરના કનેક્શન સામે આવ્યા હતા અને બાબર ડ્રગ્સનું સેવન કરી રહ્યો હોય પાર્ટી કરી રહ્યો હોય એવા વિડીયો વાયરલ થયા હતા.

    થઇ ચુકી છે 9 આરોપીઓની ધરપકડ અને બુલડોઝર કાર્યવાહી

    આ મામલે અત્યાર સુધી બાબર, તેના 3 ભાઈઓ  સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 પોલીસ અધિકારીઓને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાકને સસ્પેન્ડ તો કેટલાકની બદલી કરવામાં આવી હતી. હત્યા બાદ 19-20 નવેમ્બરે સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે 21 શેડ, 9 ઓટલા, 6 ટુ વ્હીલર, 1 ફોર વ્હીલર હટાવવા સાથે 9 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. 

    ‘લાપતા વિધાયક કી તલાશ’: શિયાળુ સત્રમાંથી ગાયબ ‘ખાપ ગોલ્ડ મેડલ’ વિજેતા કોંગ્રેસ MLA વિનેશ ફોગાટનાં લાગ્યાં પોસ્ટર, પાર્ટીના પ્રચાર માટે છોડ્યું હતું વિધાનસભા સત્ર

    તાજેતરમાં જ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Assembly Elections) હરિયાણાના જીંદ જિલ્લાની જુલાના (Julana) વિધાનસભાના ધારાસભ્ય (MLA) બનેલ કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Wrestler Vinesh Phogat) ગુમ થયા છે એવા પોસ્ટરના ફોટોસ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. વ્હોટ્સએપ ગ્રુપ્સમાં આ પોસ્ટર શેર થવાના શરૂ થયા હતા જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં વિધાનસભા સત્રોમાં ધારાસભ્યની ગેરહાજરીને કારણ તરીકે વર્ણવવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભાનું શિયાળુ સત્ર 19 નવેમ્બર સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ વિનેશ ફોગાટ સત્ર દરમિયાન ગેરહાજર રહ્યા હતા. જોકે આ જ દરમિયાન તેઓ વાયનાડમાં પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા હતા, તથા મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન પ્રચારમાં પણ હાજરી આપી રહ્યા હતા.

    ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 20 નવેમ્બરથી આ પોસ્ટરો લાગવાની શરૂઆત થઇ હતી. જે વ્હોટ્સએપ ગ્રુપ્સ ચેટમાં પણ વાયરલ થઇ રહ્યા હતા. પોસ્ટરમાં મોટા અક્ષરોમાં હેડીંગ મારેલું છે કે ‘લાપતા વિધાયક કી તલાશ’.

    (Photo: દૈનિક ભાસ્કર)

    ઉપરાંત પોસ્ટરમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, “આખું વિધાનસભા સત્ર પૂરું થઈ ગયું છે પરંતુ ધારાસભ્ય મેડમ આ સંપૂર્ણ સમય દરમિયાન ગાયબ રહ્યા. જો તે કોઈને દેખાય, તો કૃપા કરીને જુલાનાના રહેવાસીઓને જાણ કરો.”

    ઉલ્લેખનીય છે કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા હોઈ શકે કારણ કે જે જનતાના વોટથી વિનેશ ધારાસભ્ય બન્યા છે તે જનતાનો પક્ષ મુકવા તે વિધાનસભાના સંપૂર્ણ સત્ર દરમિયાન ગેરહાજર રહ્યા હતા.

    પેરિસ ઓલિમ્પિક્સમાં બહાર થયા તો ખાપ પંચાયતે આપ્યો હતો ‘ગોલ્ડ મેડલ’

    નોંધનીય છે કે વિનેશ ફોગાટ ઓગસ્ટ 2024માં પેરિસ ખાતે યોજાયેલી ઓલમ્પિક ગેમ્સમાં (Paris Olympics) 50 કિલોની વુમેન કેટેગરીમાં ગેરલાયક ઠર્યા હતા. જેથી ઓલમ્પિક ગેમ્સમાંથી બહાર થઇ ગયા હતા. જોકે ભારત આવ્યા પછી તેમને ખાપ પંચાયત તરફથી આશ્વાસન સ્વરૂપે ‘ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યો હતો. પોતે ગેરલાયક ઠર્યા બાદ આ મુદ્દાનું રાજનીતિકરણ કરીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

    ત્યારપછી કોંગ્રેસે 2024 હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમને જુલાનાની ટિકિટ આપી હતી. લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરીને વિનેશે ફોગાટે આ ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ વર્તમાનમાં જુલાના વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.

    ‘આ માત્ર પ્રોપગેન્ડા છે’: શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ શીખવવાના નિર્ણય સામે જમિયતની અરજી પર ગુજરાત હાઇકોર્ટની મૌખિક ટિપ્પણી, કહ્યું- નૈતિક મૂલ્યો શીખવે છે ગીતા

    ગુજરાતની શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના (Shrimad Bhagwad Geeta) પાઠ શીખવવાના રાજ્ય સરકારના 2022ના નિર્ણય સામે મુસ્લિમ સંગઠન જમિયત ઉલમા-એ-હિન્દ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) એક અરજી કરવામાં આવી છે, જેની ઉપર ગુરુવારે (21 નવેમ્બર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, ગીતામાં કોઈ ધાર્મિક નહીં પણ જીવનનાં નૈતિક મૂલ્યો શીખવે છે અને જમિયતની આ અરજી બીજું કાંઈ નહીં પણ પ્રોપગેન્ડા માત્ર છે. 

    ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યા બાદ રાજ્ય સરકારે શાળાઓમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ, શ્લોક અને પ્રાર્થનાઓ શીખવવાનો નિર્ણય કર્યો હતો. જેને મુસ્લિમ સંગઠને હાઈકોર્ટમાં પડકાર્યો અને દલીલ એવી આપી કે નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ વિદ્યાર્થીઓને પંથનિરપેક્ષતા શીખવવી જોઈએ અને સરકાર કોઈ એક ધર્મનું શિક્ષણ આપી શકે નહીં. 

    જોકે, કોર્ટે આ દલીલ પર મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, “ભગવદ્ ગીતામાં કોઈ ધાર્મિક શિક્ષણ નથી. ‘કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ’ એ મૂળભૂત, પાયાનો અને નૈતિક સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં કોઈ ધાર્મિક શિક્ષણ નથી. આ PIL બીજું કાંઈ નથી પણ પ્રોપગેન્ડા કે સ્ટંટ છે.” ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. 

    કોર્ટે એમ પણ કહ્યું કે, આ એક પ્રકારે મોરલ સાયન્સના પાઠ શીખવવા જેવી વાત છે. પરંતુ અરજદારના વકીલે દલીલ એવી કરી કે, મોરલ સાયન્સ પણ તટસ્થ હોવું જોઈએ. (એટલે કે કોઈ એક ધર્મનું નહીં) આગળ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારને 19 જુલાઈ, 2023 સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે દાખલ કર્યો નથી અને પ્રસ્તાવનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

    ત્યારબાદ કોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, “આ પહેલ માત્ર શિક્ષણમાં કશુંક ઉમેરવા માટેની છે.” પરંતુ અરજદારના વકીલે નેશનલ પોલિસીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમાં આવું કહેવામાં આવ્યું નથી. જ્યાં કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું, “પણ એ એક પછી એક જ થશે. પોલિસી એવું તો નથી કહી રહી કે તમે કોઈ એક બાબત એક સમયે અમલ ન કરી શકો.”

    મુસ્લિમ સંગઠનના વકીલે કોર્ટમાં દલીલ કરી કે રાજ્ય સરકાર પોલિસીથી વિરુદ્ધ જઈને કામ કરી રહી છે અને જેથી તેમને આગળ વધવા દેવામાં ન આવે. રાજ્ય સરકાર આ પ્રકારના નિર્દેશો ન આપી શકે અને તેમની પાસે સત્તા નથી. અભ્યાસક્રમ માટે અલગ ઓથોરિટી હોય છે, જેને પોલિસીએ પણ માન્યતા આપી છે. આ પ્રસ્તાવ સરકારનો છે અને તેમણે જવાબ આપવો પડશે. આની ઉપર કોર્ટે કહ્યું કે, શાળાના શિક્ષણ પર રાજ્ય સરકાર નિર્દેશો આપી શકે છે અને સરકારે આ મામલામાં માત્ર સૂચન કર્યું છે, અંતિમ નિર્ણય તો જે-તે ઓથોરિટીએ જ લેવાનો છે. 

    ચર્ચાઓ બાદ કોર્ટે મામલાની સુનાવણી ડિસેમ્બરમાં મુકરર કરી હતી. નોંધવું જોઈએ કે આ માત્ર મૌખિક ચર્ચાઓ કરવામાં આવી હતી. અરજી પર કોર્ટે હજુ કોઈ નિર્ણય સંભળાવ્યો નથી અને હાલ સુનાવણીઓ ચાલી રહી છે. 

    ગણિત શિક્ષક શાહિદે સગીર હિંદુ વિદ્યાર્થીની પર બગાડી નજર: આપી ₹1 લાખની ઓફર, કર્યું મુસ્લિમ બનીને નિકાહ કરવા દબાણ; UP પોલીસે કરી ધરપકડ

    ઉત્તર પ્રદેશના અમરોહામાં (Amroha) એક મુસ્લિમ શિક્ષકે એક હિંદુ સગીર વિદ્યાર્થીની પર ઇન્ટર કોલેજમાં લગ્ન કરવા દબાણ કર્યું. શાહિદે તેને ધર્મ પરિવર્તન (Conversion) કરાવવાની વાત કરી હતી. તેણે તેનો હાથ પકડીને તેની છેડતી કરી અને સગીરને ₹1 લાખની ઓફર કરી. મુસ્લિમ શિક્ષકે (Muslim Teacher) જો તે નિકાહ (Nikah) માટે સંમત નહીં થાય તો તેને નાપાસ કરવાની ધમકી પણ આપી હતી. હાલ પોલીસે શિક્ષક શાહિદની ધરપકડ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમરોહાના મંડી ધનૌરા વિસ્તારમાં નેશનલ ઈન્ટર કોલેજમાં ગણિત ભણાવતા મોહમ્મદ શાહિદે એક સગીર હિંદુ વિદ્યાર્થીની છેડતી કરી હતી. અશ્લીલ હરકતો કર્યા બાદ શાહિદે વિદ્યાર્થીની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તેણે પોતાના કરતા ઘણા વર્ષો નાની એક સગીત હિંદુ વિદ્યાર્થીનીને પ્રેમમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો. શાહિદ સંભલ જિલ્લાનો રહેવાસી છે અને ધોરણ 9નો વર્ગ શિક્ષક પણ છે.

    શાહિદની આ હરકત અંગે હિંદુ વિદ્યાર્થીનીએ ઘરે ફરિયાદ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ આ અંગે કોલેજના પ્રિન્સિપાલને જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઉલટું, શાહિદે આ પછી વધુ ખરાબ વર્તનનો શરૂ કર્યું.

    થોડા દિવસો પછી, શાહિદે ફરીથી ક્લાસની અંદર હિંદુ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો કરી. આ વખતે તેણે ₹1 લાખની ઓફર કરી અને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. તેણે એક હિંદુ વિદ્યાર્થીનીનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો. શાહિદે વિદ્યાર્થીનીને ડરાવી પણ હતી. તેણે ધમકી આપી કે જો હિંદુ વિદ્યાર્થીની તેની વાત નહીં મને તો તે તેને નાપાસ કરી દેશે.

    ગભરાયેલી હિંદુ વિદ્યાર્થિની તેના ઘરે ગઈ અને સમગ્ર ઘટના જણાવી. આ પછી હિંદુ યુવતીના પરિવારજનો તેની સાથે પોલીસ પાસે પહોંચ્યા. તેઓએ કોલેજમાં વિરોધ પણ કર્યો હતો. શાહિદે કોલેજમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હિંદુ વિદ્યાર્થીનીના ધર્માંતરણની વાત સાંભળીને બજરંગ દળ (Bajrang Dal) અને વિશ્વ હિન્દુ પરિષદના (VHP) કાર્યકર્તાઓ પણ કોલેજ પહોંચ્યા અને શાહિદ સામે કાર્યવાહીની માંગ કરી.

    પોલીસે કાર્યવાહી કરીને શાહિદની ધરપકડ કરી હતી. શાહિદ વિરુદ્ધ POCSO સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટે તેને સસ્પેન્ડ પણ કરી દીધો છે.

    પાકિસ્તાનમાં મોટો ‘આતંકી હુમલો’, મહિલાઓ બાળકો સમેત 38ના મોત- તમામ ‘શિયા મુસ્લિમ’: પહાડોની ટોચ પરથી ‘સુન્નીઓ’એ કર્યો વાહનો પર ગોળીઓનો વરસાદ

    પાકિસ્તાનમાં આવેલ (Pakistan) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં (Khyber Pakhtunkhwa) ગુરુવાર (21 નવેમ્બર, 2024)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં (Terrorist Attack) ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા હતા. હુમલામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો ખૈબરના કુર્રમ વિસ્તારમાં થયો હતો. સામાન્ય લોકોને લઈ જતા વાહનોનો કાફલો આ વિસ્તારનું નિશાન બન્યો હતો.

    આ કાફલામાં મુસાફરોને લઈ જતી ઘણી વાન હતી. આના પર આતંકવાદીઓએ આસપાસની પહાડીઓમાંથી ગોળીઓ છોડી હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોને સારવાર માટે પેશાવર અને અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ આતંકી હુમલાની નિંદા કરી છે.

    સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાથી પ્રભાવિત તમામ લોકો શિયા (Shia Muslim) સમુદાયના હતા, જ્યારે હુમલાખોર આતંકવાદીઓ સુન્ની મુસ્લિમ (Sunni Muslim) હતા. જો કે, આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. 24 કલાકમાં પાકિસ્તાનમાં આ બીજો મોટો હુમલો છે.

    આ પહેલા બુધવારે (20 નવેમ્બર, 2024) એક આત્મઘાતી હુમલામાં 12 જવાનોના મોત થયા હતા. તાજેતરના હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. હુમલાની આશંકા તહરીક-એ-તાલિબાન (Tehreek-e-Taliban) પાકિસ્તાન પર લગાવવામાં આવી રહી છે.

    નવી મુંબઈ એરપોર્ટ નજીક 2011થી તાણી બંધાઈ હતી દરગાહ, 200 વર્ષ જૂની હોવાનો થતો હતો દાવો: કોર્ટના આદેશ બાદ તંત્રએ રાતોરાત ફેરવી દીધું બુલડોઝર

    ગુરુવારે (21 નવેમ્બર) મહારાષ્ટ્રના સિટી અને ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ (CIDCO)એ મહારાષ્ટ્રના નવી મુંબઈ વિસ્તારમાં પનવેલના પેરાગોન ક્ષેત્રમાં એક પહાડી પર બનેલી ગેરકાયદે દરગાહને તોડી પાડી છે. આ ઘટના પહેલાં સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ ગેરકાયદે ઊભી કરવામાં આવેલી તે દરગાહને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત જોખમ ગણાવી હતી. ઉપરાંત તે દરગાહને તોડી પાડવાને લઈને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખીને CIDCOએ હિંદુ સંગઠનોને ખાતરી આપી હતી કે, તેઓ વહેલી તકે ગેરકાયદેસર બાંધકામને દૂર કરશે. મહત્વનું છે કે આ દરગાહ આગામી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક CIDCO પ્રોપર્ટી પર બનાવવામાં આવી હતી.

    મળતી માહિતી અનુસાર, CIDCOના અધિકારીઓએ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી નિગમની જમીન પર ગેરકાયદે તાણી કાઢવામાં આવેલી ‘હઝરત ખ્વાજા પીર કરમ અલી’ની દરગાહ તોડી પાડી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષાની સ્થિતિને ધ્યાને રાખીને આખા વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. નોંધવા જેવું છે કે, અધિકારીઓએ વારંવાર નોટિસ ફટકાર્યા બાદ દરગાહના સંચાલકોએ પનવેલ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, ત્યાં પણ કેસ વધુ સમય સુધી ચાલી શક્યો નહોતો અને આખરે કોર્ટે જ તે દરગાહને જમીનદોસ્ત કરવા માટેનો આદેશ આપી દીધો હતો.

    અહેવાલો મુજબ, દરગાહ તોડતા પહેલાં પણ દરગાહ CIDCO અધિકારીઓ તરફથી દરગાહને વારંવાર નોટિસો આપવામાં આવી હતી જેમાં ઉલ્લેખ હતો કે, દરગાહ 2011માં ગેરકાયદે બનાવવામાં આવી હતી. ત્યારે આ નોટિસ અને CIDCOના દાવાની વિરુદ્ધમાં દરગાહની સંભાળ રાખનારા લોકોએ પનવેલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જે દરમિયાન તેમણે દરગાહ કાયદેસર બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.

    દરગાહના સંચાલકોએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, આ મઝહબી સંપત્તિ 200 વર્ષ જૂની છે અને તે ગેરકાયદેસર રીતે નથી બનાવવામાં આવી. જોકે, તેઓ તેમના દાવાઓને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શક્યા નહોતા અને કોર્ટે CIDCOના નિર્ણયને માન્ય ગણીને દરગાહ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

    નોંધનીય છે કે, 25 ઑક્ટોબરે CIDCOએ ગેરકાયદે બનેલી દરગાહ વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી હતી. આ મુદ્દો ઉઠાવતા કેટલાક હિંદુ સંગઠનોએ કહ્યું હતું કે, ટેકરીની ટોચ પર કેટલાક પથ્થરોને લીલા રંગે રંગીને વર્ષ 2012માં ગેરકાયદે અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને પછીના 15 વર્ષમાં આ બાંધકામને વિસ્તૃત કરવામાં આવ્યું હતું.

    આ વર્ષે ઑક્ટોબરમાં હિંદુ સંગઠનોમાંથી એક હિંદુ આઈટી સેલે ગૃહ મંત્રાલયને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક થોડા જ સમયમાં ઇસ્લામી સંપત્તિ બની ગઈ છે અને અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. આ જ દરમિયાન હિંદુ જનજાગૃતિ સમિતિએ પણ 2023માં આ જ દરગાહ તોડવાની માંગ કરી હતી.

    (Photo: OpIndia)

    આ સંગઠને એવો દાવો કર્યો હતો કે, માત્ર કેટલાક પથ્થરોને રંગવાથી આ અતિક્રમણ શરૂ કરવામાં આવ્યું હતું. જે સમય જતા 1 એકરની જમીનમાં ફેલાઈ ગયું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અતિક્રમણ વધતા ત્યાં એક પરિસર જેમાં ફુવારા, ગુંબજ, પાણીની ટાંકીઓ, આઉટહાઉસ, ગેસ્ટહાઉસ અને પાર્કિંગ સ્થળો પણ બનાવવામાં આવ્યા હતા.

    આ સિવાય તાજેતરમાં જ એક હિંદુ સંગઠને CIDCOને આ ઘટનાને લઈને ફરિયાદ પણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દરગાહ, મજારો અને તેના જેવા અન્ય બાંધકામો વિરુદ્ધ વહીવટીતંત્ર ઝડપી કાર્યવાહી કરતુ નથી અને બાકીના ગેરકાયદે બાંધકામો પર તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. આ સાથે જ ફારીયાદમાં વહેલી તકે તે મઝહબી બાંધકામને દૂર કરવા માટેની માંગણી પણ કરવામાં આવી હતી. ત્યારપછી CIDCOએ મતદાન બાદ કાર્યવાહી કરવા માટેની ખાતરી પણ આપી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયાના એક દિવસ પછી, વહીવહીતંત્રએ ગેરકાયદેસર માળખા સામે કાર્યવાહી શરૂ કરી હતી.

    પ્રેસ કૉન્ફરન્સમાં સિલેબસ બહારનો સવાલ પૂછાય તો શું કરવાનું? ભાજપનો પ્રશ્ન કહીને છટકી જવાનું

    કોંગ્રેસના ‘યુવાનેતા’, દર ચૂંટણી પહેલાં લૉન્ચ થનારા અને જેમના નામે અનેક ચૂંટણીઓ હારવાનો રેકોર્ડ બોલે છે એવા રાહુલ ગાંધીની (Rahul Gandhi) એક ખાસિયત છે. તેઓ હાલતાં-ચાલતાં મીડિયાથી માંડીને પત્રકારો અને વિશ્લેષકોને ડફણાં મારતા રહે છે અને તેમની ઉપર સરકારના ઈશારે કામ કરવાનો, સરકાર માટે કામ કરવાનો અને સરકારને કડક સવાલો ન પૂછવાનો આરોપ લગાવતા રહે છે. ‘ગોદી મીડિયા’ જેવો શબ્દ આ ટોળકીની જ ઉપજ છે. પણ આવા બધા નિયમો લાગુ પડે છે માત્ર ભાજપના અને સરકારના કિસ્સામાં જ, તેમને કોઈક અઘરો પ્રશ્ન પૂછી નાખે તો ગેંગેફેંફે થઈ જાય છે અને વાતને અવળે પાટે ચડાવી દે છે. 

    આવું કરવામાં રાહુલ ગાંધીને હવે માસ્ટરી આવી ગઈ છે. ભૂતકાળમાં તેમણે ઘણી વખત જ્યારે પ્રશ્ન ન સમજાય કે તે પ્રશ્નનો જવાબ પોતાની પાસે ન હોય ત્યારે પ્રશ્નને ભાજપનો પ્રશ્ન ગણાવીને ડાહી-ડાહી વાતો કરવાની શરૂ કરી હોય તેવા કિસ્સાઓ બની ચૂક્યા છે. આવા કિસ્સાઓ બનવાના હજુ ચાલુ જ છે. 

    ગુરુવારે (21 નવેમ્બર) રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી. અહીં તેમને અમુક સવાલો પૂછાયા, જેના તેમની વાત પરથી લાગે છે કે તેમની પાસે જવાબો ન હોય. સવાલો જોતાં અને રાહુલ ગાંધીની વાતોનું સ્તર જોતાં ખરેખર નહીં હોય એમ આપણે માની લઈએ. એટલે તેમણે એ જ કર્યું, જે કરવા માટે તેઓ ટેવાયેલા છે. તેમણે વાતને અવળે પાટે ચડાવી દીધી. 

    રાહુલ ગાંધી અને કાયમ તેમની સાથે જેઓ જોવા મળે છે એ જયરામ રમેશે ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી. વિષય હતો તેમનો પ્રિય અદાણીવાળો. અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે હમણાં એક આરોપ લગાવીને કહ્યું કે, અદાણી અને તેમની કંપનીના અમુક વ્યક્તિઓએ પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે અધિકારીઓને લાંચ આપવાની વાત કરી હતી. જોકે, સાથે એમ પણ કહ્યું છે કે, આરોપો સાબિત હજુ થયા નથી અને ન થાય ત્યાં સુધી તમામને નિર્દોષ જ ગણવામાં આવે. આવું આવે અને રાહુલ ગાંધી કકળાટ ન કરે એવું બની શકે નહીં. 

    આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કાયમ તેઓ જે વાતો કરતા રહે છે અને મોદી સરકાર પર અદાણીનો ઉલ્લેખ કરીને પ્રહારો કરતા રહે છે એ કર્યું, પણ પછી સવાલ-જવાબોનો વારો આવ્યો તો રાહુલ ગાંધી માટે કપરું કામ થઈ પડ્યું. 

    પ્રેસ કૉન્ફરન્સમાં ન્યૂઝ18 ઇન્ડિયાના એક પત્રકારે અમેરિકાએ આરોપ લગાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ શું-શું કહ્યું તેની ઉપર રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો. શરૂઆતમાં તો રાહુલ માથું ધુણાવતા જોવા મળ્યા, પણ પ્રશ્ન સાંભળીને ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પત્રકારે પ્રશ્ન કરતાં કહ્યું કે, ભાજપ કહે છે કે આ આરોપો લાગવાનો સમયગાળો શંકાસ્પદ છે, કારણ કે સંસદનું સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે અને અમેરિકામાં સરકાર પણ બદલાવાની છે. બીજું, અમુક કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ જૂથના વ્યવહારો થયાની વાત ચાલે છે અને ત્રીજો પ્રશ્ન એ હતો કે આરોપો માત્ર આરોપ છે, દોષી કોઈ સાબિત થયું નથી. પત્રકારે આટલું કહીને કહ્યું કે, ભાજપે જે કહ્યું છે એ તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું અને તમારું આ બાબતે શું કહેવું છે.

    હવે પત્રકારો આવું કાયમ કરતા રહે છે. એક પાર્ટી કશુંક કહે તો ત્યાં જઈને એ કવર કરી લાવે અને પછી બીજી પાર્ટીને આવીને પૂછે કે આ બાબતે તમારું શું કહેવું છે. આવું કોંગ્રેસના આરોપો પર ભાજપના નેતાઓ સાથે પણ થાય છે. પણ રાહુલ ગાંધીને સવાલ અઘરો જણાતાં સીધું કહી દીધું કે તમે ભાજપના પ્રશ્નો અહીં કેમ મૂકી રહ્યા છો? 

    આગળ રાહુલ ગાંધી કહે છે, “તમે ભાજપના છો? તો પછી અમારી પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપના સવાલો કેમ? હમણાં તમે કહ્યું કે, આ ભાજપનો પ્રશ્ન છે.” જોકે, પત્રકારે પણ ત્યાં જ રાહુલ ગાંધીને સમજાય અને મગજમાં ઉતરી જાય એ રીતે કહ્યું કે, ભાજપ સામે પણ તેઓ આ જ રીતે પ્રશ્નો કરતા હોય છે અને આ પત્રકારોનું કામ છે. 

    પણ રાહુલ ગાંધી વાતને અવળે પાટે લઈ જઈને કહે છે કે, મીડિયા ભાજપના પ્રશ્નો પૂછી રહ્યું છે. ત્યારબાદ તેઓ જે વાતો કહે છે એમાં ક્યાંય પત્રકારના સવાલોનો જવાબ આવતો નથી અને મોદી-અદાણીની બૂમો પાડીને ટાઈમપાસ કરીને બીજો પ્રશ્ન લઈ લે છે. 

    રાહુલ ગાંધીની આ જોકે જૂની આદત છે. તેમનો એજન્ડા જળવાય રહે, જવાબ આપવામાં બહુ તકલીફ ન પડે અને જેના જવાબ તેમને પહેલેથી ખબર હોય તેવા જ પ્રશ્નો પૂછાય તો રાહુલ ગાંધી જવાબ આપે છે. બાકી સિલેબસ બહારનું નીકળે ત્યારે શું થાય એનું આ ઉદાહરણ છે! મજાની વાત એ છે કે આ ટોળકી ગામને ‘ગોદી મીડિયા’ કહેતી રહે છે. 

    મોદી સરકારે રદ કર્યા 5.8 કરોડ ફર્જી રેશન કાર્ડ: પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ડિજિટલાઇઝેશનથી મોટાપાયે સુધાર

    કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે (Central Food Ministry) બુધવારે એક પ્રેસનોટ (Press Note) આપવામાં આવી હતી. જે અનુસાર સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનમાં (Digitalization) પ્રયાસોથી દેશમાં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં (PDS) ઘણા ફેરફારો થયા છે. આ વ્યવસ્થા દ્વારા સરકાર 80.6 કરોડ લાભાર્થીઓને સુવિધાઓ આપે છે. આ સિસ્ટમના કારણે સુવિધાઓ ઘણી સરળ બની છે. ઉપરાંત ડિજિટલાઇઝેશનમાં પ્રયાસોથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ (Ration Card) રદ કરવામાં આવ્યા છે. આ પ્રેસ રિલીઝ અનુસાર સરકારના પ્રયાસોના કારણે વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા કાર્યક્રમો માટે નવા ધોરણો સ્થાપિત થયા છે.

    મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી PDS સિસ્ટમમાં સુધારાના ભાગરૂપે, 5.8 કરોડ નકલી રેશન કાર્ડ આધાર કાર્ડ અને ઇલેક્ટ્રોનિક ઇ-કેવાયસી (eKYC) દ્વારા વેરિફિકેશનની સિસ્ટમ દ્વારા દૂર કરવામાં આવશે. નિવેદન અનુસાર, “આ પ્રયાસો પછી થઇ રહેલ ગરબડો નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી લાભ પહોંચાડવામાં સફળતા મળી છે. તેમાંથી 99.8% આધાર સાથે લિંક છે અને 98.7 ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે.”

    98% લાભાર્થીઓને આધાર વેરિફિકેશન દ્વારા વિતરણ

    પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે, “દેશભરમાં વાજબી ભાવની દુકાનો પર 5.33 લાખ ઇ-પીઓએસ સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર દ્વારા વેરિફિકેશનની સાથે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રેશનનું વિતરણ થાય.” મંત્રાલયે કહ્યું, “આજે, વહેંચવામાં આવતા કુલ અનાજમાંથી લગભગ 98 ટકાનું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આનાથી અપાત્ર લાભાર્થીઓને દૂર કરવામાં અને બ્લેક માર્કેટિંગ ઘટાડવામાં મદદ મળી છે.”

    64% લાભાર્થીઓની eKYC દ્વારા ચકાસણી પૂર્ણ

    ઉલ્લેખનીય છે કે સરકારની eKYC પહેલ દ્વારા કુલ PDS લાભાર્થીઓમાંથી 64%ની ચકાસણી પૂર્ણ થઇ ચુકી છે. બાકીના લાભાર્થીઓના eKYC માટે સમગ્ર દેશમાં રેશનની દુકાનો પર પ્રક્રિયા ચાલી રહી છે. પુરવઠાના મામલે, મંત્રાલયે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ ખાદ્ય પુરવઠાના રીઅલ-ટાઇમ મોનિટરિંગ માટે સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે જેમાં અનાજને યોગ્ય સ્થાને મોકલવા માટે રેલવે સાથે સંકલિત વાહન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજનાએ સમગ્ર દેશમાં રેશન કાર્ડની પોર્ટેબિલિટી શક્ય બનાવી છે.

    ‘એક દેશ એક રેશન કાર્ડ’

    ‘એક દેશ એક રેશન કાર્ડ’ યોજનાએ લાભાર્થીઓને તેમના વર્તમાન કાર્ડનો ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં રેશન મેળવવાની સુવિધા આપી છે. કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “સરકારે ડિજીટલાઇઝેશન, લાભાર્થીઓની સચોટ ઓળખ અને પુરવઠા પ્રણાલીમાં નવીનતા દ્વારા ખાદ્ય સુરક્ષા પહેલ માટે વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કર્યો છે.” ડિજિટલ બદલાવમાં ખરીદીથી માંડીને વિતરણ સુધીની સંપૂર્ણ PDS વ્યવસ્થા સામીલ છે. આનાથી સિસ્ટમમાં નકલી કાર્ડ અને ખોટી એન્ટ્રીઓને દૂર કરતી વખતે વાસ્તવિક લાભાર્થીઓને વિતરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.