Tuesday, September 17, 2024
More
    Home Blog Page 1050

    22 વર્ષમાં એકેય અઠવાડિયું એવું ગયું નથી જેમાં વિકાસનું કામ ન કર્યું હોય: પીએમ મોદીએ 3000 કરોડની યોજનાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ કર્યાં, પાટીલ-પટેલની જોડીને પણ વખાણી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. સવારે પીએમ મોદીએ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગમે ‘ગુજરાત ગૌરવ અભિયાન’ હેઠળ આશરે 3 હજાર કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમહુર્ત કર્યું હતું. દરમિયાન, વડાપ્રધાને પાંચ લાખથી વધુની જનમેદનીને પણ સંબોધી હતી. 

    પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, “મેં આટલા વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું પરંતુ આદિવાસી વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ ક્યારેય થયો ન હતો. પરંતુ આજે 3 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-શિલાન્યાસ કરવાની તક મળી એને હું મારું સદ્ભાગ્ય સમજુ છું. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટથી સુરત, તાપી, નવસારી, વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને લાભ મળશે અને કરોડો લોકોનું જીવન સુધરશે.

    વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ અને તમામ પ્રકારની કનેક્ટિવિટી સાથેના આ પ્રોજેક્ટ ખાસ કરીને રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓ રોજગારીની તકોમાં વધારો કરશે.

    ‘સબકા વિકાસ’ના મંત્રનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને અમારી સરકારે છેલ્લાં 8 વર્ષમાં ગરીબોને પાયાની સુવિધાઓ અને ગરીબોના કલ્યાણ પર ભાર મૂકીને કામ કર્યું છે.” વડાપ્રધાને કહ્યું, “8 વર્ષ પહેલાં તમે મને આશીર્વાદો અને ઘણી અપેક્ષાઓ સાથે રાષ્ટ્રસેવા માટે દિલ્હી મોકલ્યો હતો. છેલ્લા 8 વર્ષમાં અમે કરોડો નવા લોકોને, ઘણા નવા ક્ષેત્રોને વિકાસના સપના અને આકાંક્ષાઓ સાથે જોડવામાં સફળ થયા છીએ.”

    જૂની સરકારો પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “જે લોકો આઝાદીના આ લાંબા ગાળા દરમિયાન સૌથી વધુ સમય સુધી સરકાર ચલાવતા હતા તેઓએ વિકાસને તેમની પ્રાથમિકતા બનાવી ન હતી. જે વિસ્તારોમાં સૌથી વધુ જરૂર હતી, તેમાં વિકાસકાર્યો થઇ શક્યા ન  હતા, કારણ કે તેમાં મહેનત લાગે છે. 

    પીએમ મોદીએ કહ્યું કે, “મને સરકારમાં 22-23 વર્ષ થઇ ગયા છે. હું અહીંથી પડકાર ફેંકી રહ્યો છું કે કોઈ એક અઠવાડિયું શોધી લાવે જેમાં વિકાસનું કામ ન કર્યું હોય. વાંકદેખાઓ કહેતા હોય છે કે ચૂંટણી આવે તેથી આ બધાં કામો થાય છે. પણ જો ચૂંટણી જીતવા જ કરવાનું હોય તો કોઈ બસો-ત્રણસો મત માટે આવી મગજમારી ન કરે. અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ. ચૂંટણી તો લોકો અમને જીતાડે છે.”

    ઉપરાંત, વડાપ્રધાને હાજર લોકોને રસીકરણ અંગે પણ પૂછ્યું હતું અને કહ્યું હતું કે, “પહેલાં ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમો વર્ષો બાદ પહોંચતા, અંતરિયાળ જંગલ વિસ્તારો છૂટી જતા. પરંતુ અમારી સરકારે તમામ વિસ્તારોનું ધ્યાન રાખ્યું છે અને ભારતે એકલે હાથે 200 કરોડ ડોઝ આપ્યા છે.”

    વડાપ્રધાને મંચ પરથી સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની જોડીને પણ બિરદાવી હતી. તેમણે કહ્યું કે, “મને એ વાતનું ગૌરવ છે કે જે હું નહતો કરી શક્યો તે સીઆર પાટીલ અને ભુપેન્દ્ર પટેલની જોડીએ કરી બતાવ્યું છે. મેં ગુજરાત છોડ્યા પછી રાજ્યને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર. પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે કે મારી સામે 5 લાખ લોકોનો વિશાળ સમૂહ ઉપસ્થિત છે.”

    મુસ્લિમ મહિલાને ચહેરા પરથી બુરખો હટાવવાનું કહેવું પડ્યું ભારે, 55 વર્ષીય ડોક્ટર ગણાશે દુષ્કર્મનો દોષી: વર્ષના અંતમાં મળી શકે છે સજા

    ઇંગ્લેન્ડના સ્ટોક-ઓન-ટ્રેન્ટમાં એક ડૉક્ટર મુસ્લિમ મહિલાને તેનો બુરખો હટાવવાનું કહીને તેની સાથે દુર્વ્યવહાર કરવા બદલ દોષી સાબિત થયો છે. એક પેનલે ડૉક્ટરને ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવ્યા છે, જેના કારણે ડો. કીથ વોલ્વરસન તેની નોકરી ગુમાવી શકે છે. આ ઘટના 2018 માં રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલમાં દરમિયાન બની હતી.

    આ કિસ્સામાં ડૉક્ટરે પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, “મેં આવું કહ્યું કારણ કે તે અંગ્રેજી સમજી શકતી ન હતી. મારી વાતને યોગ્ય રીતે સમજાવવા અને તેમની વાત સમજવા માટે મેં તેને બુરખો ઉતારવા કહ્યું હતું. જેથી હું તેના ચહેરાના હાવભાવ સમજી શકું.”

    55 વર્ષીય ડૉક્ટરે દાવો કર્યો હતો કે તેણે શ્રીમતી ક્યુ તરીકે ઓળખાતી મહિલાને તેનો બુરખો ઉતારવા કહ્યું હતું જેથી તેઓ તેના હોઠ વાંચીને સમજી શકે કે તે મહિલા શું કહેવા માંગે છે, પરંતુ તેને બુરખો કાઢી નાખવાનું કહેવા છતાં તે બુરખો હટાવવા ઇચ્છતી નહોતી.

    ડેઇલી મેઇલ મુજબ, ડો. કીથ વોલ્વરસન 25 વર્ષથી વધુ સમયથી જનરલ ફિજીસીયન તરીકે કામ કરે છે. આ પહેલા તેમનો રેકોર્ડ નિષ્કલંક હતો, પરંતુ તે પછી તેમને 28 ગેરવર્તણૂકના આરોપોનો સામનો કરવો પડ્યો, જેમાં શ્રીમતી ક્યુ સાથે તેમની નિમણૂક સંબંધિત 16 આરોપોનો સમાવેશ થાય છે.

    કીથ વોલ્વરસનને તેના વર્તન માટે મેડિકલ ટ્રિબ્યુનલ દ્વારા સખત ઠપકો આપવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે કહ્યું કે જ્યારે મહિલા તેનો બુરખો હટાવવા માંગતી ન હતી ત્યારે તેમને આવું કરવાની કોઈ જરૂર નહોતી.

    મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MTPS) પેનલે પૂછ્યું કે એવા કયા ગંભીર સંજોગો હતા કે જેણે મુસ્લિમ મહિલાને બુરખો હટાવવાની પ્રેરણા આપી. પેનલે એ પણ નોંધ્યું છે કે ડો. વોલ્વરસન પણ દર્દીઓ સાથે દુર્વ્યવહાર માટે દોષિત ઠર્યા છે. તેમણે કહ્યું કે જો તેઓ અંગ્રેજી ન જાણતા હોય તો તેઓ તેમને નિરાશ કરે છે.

    પેનલે ચુકાદો આપ્યો છે કે ડોક્ટરે મુસ્લિમ મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી જેથી તે ગેરવર્તણૂક માટે દોષિત છે. આ વર્ષના અંતમાં નક્કી કરવામાં આવશે કે તેને સસ્પેન્ડ કરવામાં આવશે કે હાલના મેડિકલ રજિસ્ટરમાંથી તેને કાઢી નાખવાની સજા કરવામાં આવશે.

    સલમાન ખાનને ધમકી આપવામાં લૉરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ: પબ્લિસિટી માટે આપી હતી ધમકી; સલમાનને આ તમામ બાબતોની ખબર જ નથી

    અભિનેતા સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને મળેલી ધમકી મામલે મુંબઈ પોલીસે લૉરેન્સ બિશ્નોઇ ગેંગનું કનેક્શન શોધી કાઢ્યું છે. જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઇએ સલમાન ખાન અને સલીમ ખાનને ધમકીભર્યો પત્ર પાઠવ્યો હતો. નોંધનીય છે કે લૉરેન્સ બિશ્નોઇ ગેંગ હાલ સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે ચર્ચામાં છે. 

    લૉરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીત સિદ્ધેશ કામ્બલેની પૂછપરછ દરમિયાન આ અંગે વધુ વિગતો જાણવા મળી હતી. મુંબઈ પોલીસ અનુસાર, કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરારનો સાગરીત વિક્રમ બરાર પણ સલમાન ખાન અને સલીમ ખાનને ધમકી આપવાના કાવતરામાં સામેલ હતો. ઉલ્લેખનીય છે કે ગોલ્ડી બરારે જ પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. તે હાલ કેનેડા રહે છે અને તેની વિરુદ્ધ 20 થી વધુ કેસ નોંધાયેલા છે. 

    સલમાન ખાનને ધમકી આપવા માટે ત્રણ લોકો મુંબઈ આવ્યા હતા અને સૌરભ મહાકાલને મળ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું કે, લૉરેન્સ બિશ્નોઇએ સલમાન ખાન અને સલીમ ખાનને પત્ર મોકલ્યો હતો. તેની ગેંગના ત્રણ લોકો રાજસ્થાનથી મુંબઈ આવ્યા હતા અને લેટર નાંખીને સૌરભ મહાકાલને મળ્યા હતા. 

    મહાકાલ સાથે મુંબઈ પોલીસે લગભાગ છ કલાક પૂછપરછ કરી હતી અને જેમાં તેણે જણાવ્યું હતું કે ગેંગે પબ્લિસિટી માટે સલમાન ખાનને ધમકી આપી હતી અને તેની પાછળ વિક્રમ બરારનો હાથ હતો. 

    વિક્રમ બરાર અગાઉ રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલનો નજીકનો માણસ હતો. પરંતુ આનંદપાલના એન્કાઉન્ટર બાદ તે લૉરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાઈ ગયો હતો. હાલ તે દેશમાં રહેતો નથી. 

    વધુમાં, મંગળવારે મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનનું નિવેદન નોંધ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમને કોઈ ઝઘડા કે જૂની અદાવત મામલે ધમકીભર્યા કોલ કે મેસેજ આવ્યા હતા કે કેમ? જેના જવાબમાં સલમાને કહ્યું હતું કે તેમને કોઈ ધમકીઓ મળી નથી. તેમણે એમ પણ કહ્યું કે, નજીકના ભૂતકાળમાં તેમનો કોઈ સાથે ઝઘડો થયો નથી કે કોઈ તેમને હત્યાની ધમકી આપે. તેમણે કહ્યું હતું કે, “હું ગોલ્ડી બરારને ઓળખતો નથી. લૉરેન્સ બિશ્નોઇને તેની સામે ચાલતા કેસોના કારણે ઓળખું છું, પરંતુ તેના વિશે જેટલું સામાન્ય લોકો જાણે છે એટલું જ હું પણ જાણું છું.”

    અહીં નોંધવું જોઈએ કે ગત 5 જૂનના રોજ સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. સવારે મોર્નિંગ વોક કર્યા બાદ તેઓ બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પાસે બેઠા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમને પત્ર આપ્યો હતો. જેમાં સલમાન ખાન અને સલીમ ખાનને હત્યાની ધમકી આપવામાં આવી હતી. 

    પત્રમાં લખવામાં આવ્યું હતું કે, “સલીમ ખાન, સલમાન ખાન, બહુત જલ્દી આપકા હાલ મૂસેવાલા જૈસા હોગા.” આ ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાન અને સલીમ ખાન બંનેની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    આગ્રાથી ગુરુગ્રામ સુધીનો ગંગા અને યમુના વચ્ચેનો સમગ્ર વિસ્તાર અમારો છેઃ કુતુબમિનાર કેસમાં જાટ રાજા નંદ રામના વંશજની તેમને પક્ષકાર બનાવવાની અરજી

    દિલ્હીની સાકેત કોર્ટે કુતુબ મિનાર સંકુલમાં પૂજા કરવાના અધિકારને લઈને હિન્દુ અને જૈન પક્ષકારોની અરજી પર નિર્ણય 24 ઓગસ્ટ સુધી ટાળી દીધો છે. વાસ્તવમાં, ગુરુવારે (9 જૂન 2022) સુનાવણી દરમિયાન આ મામલે એક રસપ્રદ વળાંક જોવા મળ્યો. આ કેસમાં તેમને પક્ષકાર બનાવવા માટે નવેસરથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે આગ્રાથી ગુરુગ્રામ સુધી ગંગા અને યમુના વચ્ચેના સમગ્ર વિસ્તાર પર માલિકીનો દાવો કર્યો છે. અધિક જિલ્લા ન્યાયાધીશ દિનેશ કુમારે કહ્યું છે કે આ અરજી પર વિચારણા કરવામાં આવશે.

    અરજી કુંવર મહેન્દ્ર ધ્વજા પ્રસાદ સિંહ વતી એડવોકેટ એમએલ શર્મા દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં, આગ્રાના સંયુક્ત પ્રાંતના ઉત્તરાધિકારી હોવાનો દાવો કરીને, તેમણે માંગણી કરી છે કે તેમને કેસમાં પક્ષકાર બનાવવામાં આવે. હિંદુ પક્ષે અરજીનો અભ્યાસ કરવા માટે થોડો સમય માંગ્યો છે. નવી અરજી પર તમામ પક્ષકારોની સુનાવણી 24 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.

    આ અરજી પર વિચાર કર્યા બાદ જ કોર્ટ પૂજાના અધિકાર અંગે પોતાનો નિર્ણય આપશે. એડવોકેટ એમએલ શર્માએ કહ્યું કે દક્ષિણ દિલ્હીનો આખો વિસ્તાર કુંવર મહેન્દ્ર ધ્વજના રજવાડા હેઠળ આવે છે, તેથી તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તેમજ અરજદારોએ અરજીનો વિરોધ કર્યો, પરંતુ ન્યાયાધીશ દિનેશ કુમારે તેમને તેમનો જવાબ દાખલ કરવા કહ્યું છે.

    સિંઘની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કુતુબ મિનાર સંકુલની અંદર હિંદુઓ અને જૈનોના પૂજાના અધિકારને લગતો મામલો તેમના વિના પૂરો થઈ શકે તેમ નથી, કારણ કે જે જમીન પર મિનારો ઉભો છે તે મુઘલ કાળથી તેમના પરિવારની છે. તેણે પોતાની અરજીમાં માલિકીનો દાવો કરતાં કહ્યું છે કે માત્ર કુતુબ મિનાર અને કુવ્વત-ઉલ-ઈસ્લામ જ નહીં પરંતુ ગંગા અને યમુના નદીઓ વચ્ચેનો આગ્રાથી ગુરુગ્રામ સુધીનો સમગ્ર વિસ્તાર તેમનો છે. તેમણે વધુમાં કહ્યું કે દક્ષિણ દિલ્હીનો સમગ્ર વિસ્તાર કુંવર મહેન્દ્ર ધ્વજના રજવાડા હેઠળ આવે છે અને આ બાબત તેમના રાજ્યમાં હોવાથી તેમને તેમાં પક્ષકાર બનાવવો જોઈએ.

    આ સિવાય મહેન્દ્ર ધ્વજ પ્રસાદ સિંહે કહ્યું કે તેઓ બેસવાન પરિવારમાંથી આવે છે અને રાજા રોહિણી રમણ ધ્વજ પ્રસાદ સિંહના ઉત્તરાધિકારી છે, જેનું વર્ષ 1950માં અવસાન થયું હતું. લાઇવ લૉ અહેવાલ આપે છે કે પરિવાર મૂળ જાટ રાજા નંદ રામનો વંશજ છે જેનું મૃત્યુ 1695માં થયું હતું.

    નોંધનીય છે કે ગયા મહિને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કહ્યું હતું કે અહીં કોઈ ધાર્મિક પૂજા કે પ્રાર્થનાની મંજૂરી નથી. હિન્દુ પક્ષે અહીં પૂજા માટે અરજી કરી હતી, જેનો કોર્ટમાં ASI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સંગઠને કહ્યું હતું કે તેની ઓળખ બદલી શકાતી નથી.

    પીએમ મોદીએ જે ‘એસ્ટોલ પ્રોજેક્ટ’નું કર્યું ઉદ્ઘાટન તે શું છે અને તે કેવી રીતે પહાડી વિસ્તારોમાં 200 માળ ઉંચે પહોંચાડાશે પાણી?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે તેમણે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ મોદીએ તેમના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એસ્ટોલ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ એસ્ટોલ પ્રોજેક્ટ હેઠળ સાડા ચાર લાખ લોકોને લાભ મળવા જઈ રહ્યો છે. 

    આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકો સુધી પાણી પહોંચાડવા માટે લૉન્ચ કરવામાં આવ્યો હતો. મધુબન બંધના પાણીને પમ્પિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. પહેલીવાર મધુબન ડેમના પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરવામાં આવશે. પહેલાં માત્ર સિંચાઈના પાણી તરીકે કરવામાં આવતો હતો.

    દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો ધરમપુર અને કપરાડાની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકતો નથી અને મોટાભાગની જમીન પણ પથરાળ છે. તેમજ ભૂગર્ભ જળની સ્થિતિ પણ ઠીક નથી. જેના કારણે ચોમાસામાં જળાશયોમાં પાણી ભરાવા છતાં જમીનમાં ઉતરી શકતું નથી. જેથી ચોમાસા બાદ જળાશયો સૂકાઈ જાય છે. 

    (તસ્વીર: ગુજરાત સરકાર, માહિતી ખાતું)

    આ સમસ્યાનો તોડ કાઢવા વર્ષ 2018 માં ઈસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. જે માટે 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર (MVA) છે, જેના દ્વારા દરરોજ લગભગ 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

    આ પ્રોજેક્ટ અંતર્ગત 81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન અને નાની-નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા માટે 340 કિમી લાંબી પાઇપલાઇન પાથરવામાં આવી છે. તેમજ પીવાના પાણીને શુદ્ધ કરવા બે ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યા છે, જેની પ્રતિદિન 3.3 કરોડ લિટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા છે. તેમજ પાણી સંગ્રહવા માટે પાણીની ટાંકીઓ પણ બનાવવામાં આવી છે. 

    પાઇપલાઇન પાથરવામાં પણ કરવામાં આવ્યો છે વિશિષ્ટ ટેક્નિકનો ઉપયોગ 

    આ વિસ્તારની જમીન ઉંચી-નીચી છે. જેથી પાઇપલાઈન પણ વિશિષ્ટ તકનીકના ઉપયોગ દ્વારા પાથરવામાં આવી છે. જેથી કેટલાક સ્થળે પાણીનું દબાણ સામાન્ય રાખવામાં આવ્યું છે તો કેટલાક સ્થળોએ દબાણ સામાન્ય કરતા ઘણું વધારે છે. જોકે, આ દબાણ એટલું વધુ છે કે પાઇપને પણ નુકસાન પહોંચી શકે છે. જેથી મુખ્ય પાઇપમાં માઈલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ થયો છે.

    આ એસ્ટોલ પ્રોજેક્ટ એન્જીનીયરીંગની દ્રષ્ટિએ પણ ઘણો મહત્વનો છે. પીએમ મોદીએ પણ પોતાના સંબોધનમાં તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે નેવાના પાણી મોભે ચડાવવા જેવું કામ કર્યું છે અને તો પણ નેવા અને મોભ વચ્ચે થોડાક ફુટનું અંતર હોય છે, આ તો 200 માળ ઊંચે પાણી ચડાવવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ એસ્ટોલ પ્રોજેક્ટનો સમાવેશ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓના અભ્યાસમાં કરવામાં આવવો જોઈએ.

    આદિવાસીઓને રીઝવવા જતાં રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ નડ્યો, ગુજરાતમાં પ્રચાર માટે ના પાડી: કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ પર ફરીથી ગ્રહણ લાગ્યું

    જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજકીય પાર્ટીઓએ પોતાનો રાજકીય પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. પરંતુ આ પ્રચારમાં કોંગ્રેસ પક્ષ પાછળ છૂટતો દેખાઈ રહ્યો છે અને એમાં જ હવે પાછો રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ થવાના સમાચાર આવી રહ્યા છે.

    ભારતીય જનતા પાર્ટી દ્વારા લગભગ રોજ કોઈકને કોઈક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે પણ ભારતના પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસે છે અને નવસારી ખાતે અનેક યોજનાઓ નાગરિકોને સોંપવાના છે. ભારતના ગૃહમંત્રી પણ અમિત શાહ પણ અમદાવાદ પ્રવાસે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઘણા સમય પહેલાથી જ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં આ બંને પાર્ટીઓના મોટા નેતાઓ છાશવારે પ્રવાસે આવતા જોવા મળી રહ્યા છે.

    પરંતુ સામા પક્ષે કોંગ્રેસ રાજકીય પ્રચારની આ રેસમાં પાછળ છૂટતી નજરે પડી રહી છે. સ્થાનિક નેતૃત્વ દ્વારા એકલ દોકલ કાર્યક્રમો તો આપવામાં આવે છે પરંતુ શીર્ષ નેતૃત્વ તરફથી તેમને પૂરો સપોર્ટ ન મળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આવા જ એક ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 12 જૂનના દિવસે રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા, પરંતુ મળી રહેલ માહિતી મુજબ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે એટ્લે કે 12 તારીખે તેઓ ગુજરાત નહીં આવે.

    નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં આદિવાસી મતદારોને રિઝવવા આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા ભરપૂર પ્રચર કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી આ રેલીને સંબોધન કરવા આવવાના છે. પરંતુ આજે સ્પષ્ટ થયું કે રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં આવવાના જ નથી.

    નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસને કારણે આ પ્રવાસ રદ્દ

    વાત એમ છે કે નેશનલ હેરાલ્ડ સમાચારપત્ર સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમણે નવી તારીખની માંગણી કરી હતી. જે બાદ હવે 13 જૂને ઈન્ફોર્સમેંટ ડિરોક્ટરેટ (ED)ની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ ઇડીએ પૂછપરછ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી નેતા રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીને ઈડીએ 8 જૂનના રોજ દિલ્હી સ્થિત પોતાની ઓફિસે હાજર થવા માટે કહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીને બે જૂનના રોજ હાજર થવા માટે કહ્યું હતું, પણ તે થઈ શક્યુ નહીં અને ત્યાર બાદ ઇડીએ ફરી વાર સમન્સ જાહેર કર્યું હતું.

    આમ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા આ નેશનલ હેરાલ્ડ કેસ વિઘ્ન બનીને વચ્ચે આવ્યો હતો જેના કારણે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી હતી. હવે જોવાનું એ છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધમાધમ પ્રચાર વચ્ચે કોંગ્રેસ રાહુલ ગાંધીની ગેરહાજરી દ્વારા પડેલી ખાલી જગ્યા કેવી રીતે અને કેટલી જલ્દીથી ભરી શકશે.

    મસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો: નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી અપાઈ, ઇન્ટરનેટ સેવા સ્થગિત

    જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં સાંપ્રદાયિક તણાવ અને પથ્થરમારો થયા બાદ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો તેમજ હવે સેના પણ ખડકી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ક્યાંક પથ્થરમારાના પણ સમાચાર મળ્યા છે. એક મસ્જિદમાંથી મૌલાનાએ ઝેરીલું ભાષણ આપ્યા બાદ તણાવ વધ્યો હતો, મૌલાનાએ નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપી હતી.

    ભદ્રવાહમાં પથ્થરમારો ડોડાના ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. જમ્મુ રેન્જના એડિશનલ ડીજીપી મુકેશ સિંહે ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા ભદ્રવાહના એક પ્રાચીન મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ સર્જાયો હતો. આ મંદિરને ભદ્રકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

    આ સાથે જ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભદ્રવાહ (ડોડા) અને કિશ્તવાડ જિલ્લામાં ઉશ્કેરણીજનક ભાષણો આપીને તણાવ પેદા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક ઘોષણાઓ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    વીડિયોમાં એક મૌલવી હિંદુઓને અપશબ્દો આપીને નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપતો દેખાય છે. વીડિયોમાં સામે મસ્જિદ દેખાઈ રહી છે અને લોકો તેની અને બાજુના ઘરોની છત પર ઉભા જોવા મળે છે. ઉશ્કેરણીજનક ભાષણ વચ્ચે ભીડ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતી જોવા મળે છે.

    વીડિયોમાં મૌલાના કહે છે કે, “ગૌમૂત્ર પીનારા અને ગાયના છાણમાં સ્નાન કરનારાઓની ‘દુનિયામાં હેસિયત જ શું છે? તેમને જે રિસ્ક મળે છે તે આપણી દહેશતના કારણે મળે છે. તેમને જે હવા મળે છે તે આપણી બરકતથી આવે છે. તેમને દરિયામાંથી પાણી મળે તે આપણી બરકતથી મળે છે. નહીં તો તેમનું અસ્તિત્વ જ શું છે?

    ગળું કાપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મૌલાના કહે છે, “ભાઈઓ, સમય આપણને માથું કાપવાનું પણ શીખવે છે. તો એ બાબતો ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી આપણી સહિષ્ણુતા જળવાઈ રહે ત્યાં સુધી આપણે મૌન છીએ. જો સહનશીલતાથી બહાર નીકળી આવ્યા તો નૂપુર શર્મા ‘ગંદી’ શું? આશિષ કોહલી ‘કૂતરો’ શું? તેમનું માથું ક્યાંક બીજે મળશે અને ધડ બીજે મળશે.

    રાજ્યસભા ચૂંટણીનું અવનવું: ભાજપને હરાવવા મહારાષ્ટ્રમાં વર્ષોના દુશ્મનો એક થયા, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરાયું તો હરિયાણામાં સમ આપવામાં આવ્યા!

    મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનમાં રાજ્યસભાની 16 બેઠકો માટે શુક્રવારે (10 જૂન 2022) મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર (6 બેઠકો), હરિયાણા (2 બેઠકો), રાજસ્થાન (4 બેઠકો) અને કર્ણાટક (4 બેઠકો)માં બેઠકો કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બીજી તરફ ક્રોસ વોટિંગની પણ ચર્ચા ચાલી રહી છે. 15 રાજ્યોની 57માંથી 41 બેઠકો પર રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

    કોંગ્રેસે રાજસ્થાનથી રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો છે અને તે માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ સમર્થિત ઉમેદવાર સુભાષ ચંદ્રાની એન્ટ્રીથી સ્પર્ધા રસપ્રદ બની છે. આંકડાઓની વાત કરીએ તો રાજસ્થાનમાં એક રાજ્યસભા સીટ માટે 41 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. કોંગ્રેસ પાસે 109 ધારાસભ્યો છે. અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી 125 વોટ તેમની પાસે હોવાનો પાર્ટી દાવો કરી રહી છે. સુભાષ ચંદ્રાએ ઉમેદવારી કર્યા બાદ કોંગ્રેસે સમર્થક ધારાસભ્યોને ઉદયપુરની હોટલમાં લાવવા પડ્યા હતા તેમજ આમેર, જયપુરમાં ઈન્ટરનેટ સેવા પણ ગુરુવારે (9 જૂન 2022) રાત્રે 9 વાગ્યાથી શુક્રવારની રાત્રે 9 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

    મહારાષ્ટ્રમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ 6 બેઠકો પર મતદાન પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. AIMIM મહારાષ્ટ્રના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે શુક્રવારે કહ્યું, “અમારી પાર્ટી AIMIMએ ભાજપને હરાવવા માટે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીને મત આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના અમારા બે AIMIM ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવામાં આવ્યું છે.”

    અહીં અગત્યનું છે કે એક સમયે શિવસેના દ્વારા ઓવૈસી બંધુઓને રાક્ષસો કહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મુસ્લિમોમાં ઝેર ભરવાનું કામ કરી રહ્યા છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક લેખમાં ઓવૈસી ભાઈઓ રાષ્ટ્રને મોટું જોખમ હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઓવૈસી ભાઈઓના મનમાં પાકિસ્તાનના ધ્વજનો લીલો રંગ ભરેલો છે અને ‘ભારત માતા કી જય’ બોલવાનો ઇનકાર કરવા બદલ ઓવૈસીનું માથું કાપી નાંખવું જોઈએ. આજે ભાજપને હરાવવા માટે આ બંને પક્ષો સાથે થઇ ગયા છે.

    હરિયાણામાં પણ અલગ જ ખેલ ચાલી રહ્યો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યોને રાયપુરથી પરત લાવતી વખતે તેમને લોટમાં મીઠું નંખાવીને કોંગ્રેસ ઉમેદવાર અજય માકનના સમર્થનમાં મત આપવા માટેના સમ આપવામાં આવ્યા હતાં. હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્યોની છત્તીસગઢની એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ગુરુવારે તેમને હરિયાણા લાવવામાં આવ્યા હતા. હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે મતદાન થનાર છે. કોંગ્રેસ તરફથી અજય માકન ઉમેદવાર છે. કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરતા ત્યાં પણ ચૂંટણી રસપ્રદ બની છે.

    કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!

    મૈસુરના શ્રીરામપુરામાં મર્સી કોન્વેન્ટની એક સાધ્વીએ અશોકાપુરમ પોલીસ સ્ટેશનમાં મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવા બદલ તેના સાથીદારો દ્વારા શારીરિક હુમલો કરવાનો આરોપ મૂકીને ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ પછી, ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકાએ દાવો કર્યો હતો કે સાધ્વીનું કૃત્ય ગેરવાજબી છે અને તે મંડળને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું.

    ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકા માર્ગરેટએ બુધવારે જાહેર કરેલા પોતાના પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાધ્વી સુધા કે વી ઉર્ફે એલ્સિના છેલ્લા 24 વર્ષથી ધાર્મિક મંડળની સભ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી, તેણી આક્રમક વર્તન કરી રહી છે અને અન્ય સાધ્વીઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહી છે, આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે.”

    “તેના વર્તનને કારણે એલ્સિનાને સેન્ટ મેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એલ્સિનાએ બહારના વ્યક્તિની ઉશ્કેરણી પર મંડળના સભ્યો સામે ખોટા `આરોપો સાથે એક વીડિયો ક્લિપ બનાવી અને તેને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવી,” ચર્ચની મુખ્ય સંચાલિકાએ કહ્યું. “ડૉક્ટરોની સલાહ વિરુદ્ધ, તેને રજા મળી અને પોલીસની પરવાનગી લીધા પછી તે પોતાના પિતા સાથે ગઈ હતી. 6 જૂનના રોજ, તે કોન્વેન્ટમાં પાછી આવી અને નન્સને ધમકી આપી કે તે તેમને કોર્ટમાં ખેંચી જશે,” માર્ગારેટે જણાવ્યું હતું.

    માર્ગારેટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંડળીએ આ બાબતની તપાસ માટે પગલાં લીધાં છે અને અમે આવા ગેરવાજબી કૃત્યોની નિંદા કરીએ છીએ જેનો હેતુ મંડળ અને તેના સભ્યોને બદનામ કરવાનો છે.” દરમિયાન, સાધ્વી પર શારીરિક હુમલાનો કેસ નોંધનાર પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.

    આ પહેલા બુધવારના દિવસે અહેવાલો આવ્યા હતા કે મૈસૂરના શ્રીરામપુરામાં ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી ચર્ચ સાથે કામ કરતી એક મલયાલી સાધ્વીએ આરોપ મૂક્યો છે કે મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ દર્શાવવા બદલ તેને બળજબરીથી મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે જ કારણસર તેને કોન્વેન્ટની બહાર ફેંકી દેવામાં આવી હતી. સાધ્વી સિસ્ટર એલ્સિનાએ કર્ણાટક મહિલા આયોગને કોન્વેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

    એલ્સિનાએ આક્ષેપ કર્યો હતો કે કોન્વેન્ટે તેને ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી હતી અને ત્યારબાદ તેને કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આખરે, સાધ્વીના સંબંધીઓ અને પોલીસે દરમિયાનગીરી કરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કોન્વેન્ટમાંથી બહાર કાઢવામાં આવી હતી. સિસ્ટર મેરી એલ્સિનાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે નન્સ દ્વારા ચલાવવામાં આવતી કોન્વેન્ટ અને હોસ્પિટલમાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

    અજીત ડોવાલે જે નિવેદન આપ્યું જ ન હતું તેને ઈરાને ટ્વિટ કર્યું, કેટલાક ભારતીય મેઈનસ્ટ્રીમ મિડીયાએ ચગાવ્યું અને હવે ઈરાન ફરી ગયું

    ભાજપ પૂર્વ નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદના કરવામાં આવેલ કથિત અપમાન અને મુસ્લિમ દેશોના વિરોધ વચ્ચે બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇરાનના વિદેશમંત્રી ડૉ હુસૈન આમિર-અબ્દોલ્લાહીયન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ બેઠકમાં આ હાલ ચાલી રહેલા વિવાદનો મુદ્દો ચર્ચવામાં આવ્યો ન હતો, અને તેમણે એમ પણ ઉમેર્યું કે અમુક લોકોની વ્યક્તિગત ટિપ્પણીઓ કે ટ્વિટ સરકારના વિચારો પ્રદર્શિત કરતા હોતા નથી. આ ઉપરાંત બેઠકમાં અજિત ડોવાલ સાથેની બેઠક મામલે પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.

    9 જૂન (ગુરુવાર)ના રોજ મીડિયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, “સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટ્વિટ કે કૉમેન્ટ સરકારના વિચારો પ્રદર્શિત કરતા નથી. આ બાબત વાતચીતમાં પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ઉપરાંત સબંધિત તંત્ર દ્વારા આ પ્રકારના કૉમેન્ટ કે ટ્વિટ કરનારા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વાતચીત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી ન હતી.”

    પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્વિટ અંગે પણ પૂછવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને ઇરાનના વિદેશમંત્રી વચ્ચે બેઠક થઇ હોવાનું તેમજ આ બેઠકમાં બંને વચ્ચે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ થયેલ ટિપ્પણી મુદ્દે પણ ચર્ચા થઇ હોવાનું જણાવાયું હતું. જે મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. 

    વિદેશ મંત્રાલયે કહ્યું કે, “જ્યાં સુધી એનએસએ અને ઈરાની મંત્રી વચ્ચેની વાતચીતની વાત છે, હું તે મુદ્દે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ તમે જે સોશિયલ મીડિયા પોસ્ટની વાત કરી રહ્યા છો, તે અંગે ફરીથી પુષ્ટિ કરી જુઓ. પોસ્ટ હવે હટાવી લેવામાં આવી છે.” 

    નોંધનીય છે કે, અમુક રિપોર્ટમાં ઈરાનના દાવાને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ઈરાની મંત્રી સાથેની વાતચીત દરમિયાન NSA અજિત ડોવાલે તેમને કહ્યું હતું કે, ઇસ્લામનું અપમાન કરનારાઓ સામે એવા પગલાં લેવાશે જેનાથી અન્ય લોકોને પણ શીખ મળશે.

    ઈરાન તરફથી એક અધિકારીક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, અજિત ડોવાલે આશ્વાસન આપતા કહ્યું હતું કે, ભારત સરકાર અને અધિકારીઓ પયગંબર મોહમ્મદનું સન્માન કરે છે અને સરકાર અને સબંધિત વિભાગો દ્વારા પયગંબરનું અપમાન કરનારાઓ સામે એવી રીતે પગલાં લેવાશે જેનાથી અન્યોને પણ પાઠ મળે. ઈરાની મંત્રાલયે કહ્યું કે, તેઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના પગલાંનું સ્વાગત કરે છે અને કહ્યું કે દોષીઓ સામે ભારત સરકારના પગલાથી મુસ્લિમો સંતુષ્ટ છે.

    જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈરાને આ નિવેદન પરત ખેંચી લીધું હતું.

    ઈરાની વિદેશ મંત્રી અબ્દોલ્લાહીયનની ભારત મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સાથે વાણિજ્ય, સ્વાસ્થ્ય અને અન્ય સબંધો મામલે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતાઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે ત્યાં બીજી તરફ, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વ્યક્તિગત વ્યક્તિઓના અભિપ્રાયો કે ટિપ્પણીઓ સરકારના વિચારો પ્રદર્શિત કરતા નથી.

    ઈરાનના વિદેશ મંત્રી હાલ ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ છે. બુધવારે તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી હતી. રિપોર્ટ અનુસાર, બંને પક્ષે રશિયા-યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાનની સ્થિતિ અને ઈરાન ન્યુક્લિયર ડીલ વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે, પયગંબરના કથિત અપમાનનો મુદ્દો બેઠકમાં ચર્ચાયો ન હતો. આ ઉપરાંત, ઈરાની મંત્રી પીએમ મોદીને પણ મળ્યા હતા.