Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતPM મોદીનું ગુજરાતમાં આગમન, અમદાવાદ એરપોર્ટ પર થયું સ્વાગત, ત્રણ દિવસ રહેશે...

    PM મોદીનું ગુજરાતમાં આગમન, અમદાવાદ એરપોર્ટ પર થયું સ્વાગત, ત્રણ દિવસ રહેશે વતનમાં: રાજ્યને ₹10,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

    વડાપ્રધાન મોદી રિન્યુએબલ એનર્જી કાર્યક્રમના ઉદ્ઘાટન પહેલાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. તેઓ ગાંધીનગરના વાવોલની શાલીન 2 સોસાયટીમાં સવારે 9:45 કલાકે રૂબરૂ મુલાકાત માટે પહોંચશે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે. રવિવારે (15 સપ્ટેમ્બર) તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું. હાલ વડાપ્રધાન મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ સીધા વડસર જવા માટે રવાના થયા છે. જ્યાં એરફોર્સ સ્ટેશન જશે અને નવા ઓપરેશન સેન્ટરની મુલાકાત પણ લેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે, જ્યાં વિવિધ બેઠકો અને મુલાકાતો પણ યોજાશે. તેઓ રાજભવનમાં જ રાત્રિરોકાણ પણ કરશે. નોંધવા જેવું છે કે, સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ ગુજરાત યાત્રા છે.

    વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન થયા બાદ તરત જ તેઓ વડસર જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તેઓ ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાત લેશે અને અનેક કાર્યક્રમોમાં સહભાગી પણ થશે. સોમવારે (16 સપ્ટેમ્બર) સવારે તેઓ રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે તેઓ અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલીપેડ પર ઉતરશે. જ્યાંથી બાય રોડ તેઓ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. આ રીતે તેમની આખી યાત્રા રહેશે. તે સિવાય રવિવારે રાત્રે રાજભવન પહોંચ્યા બાદ અનેક બેઠકો પણ કરશે. જેમાં સોમનાથ ટ્રસ્ટના મંત્રીમંડળની બેઠક પણ સામેલ હશે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાય તેવી શક્યતા છે.

    16 સપ્ટેમ્બરના કાર્યક્રમો

    વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બરે ગુજરાત પહોંચ્યા છે. તેઓ રાત્રિરોકાણ બાદ 16 સપ્ટેમ્બરના રોજ સવારે મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે અને વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. સવારે લગભગ 10:00 વાગ્યે તેઓ ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપો સમિટનો પ્રારંભ કરાવશે. આ સમિટમાં ઉપસ્થિત દેશ વિદેશના દસેક હજાર પ્રતિનિધિઓને વડાપ્રધાન સંબોધિત પણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે 1:20 વાગે સેક્ટર-1 ખાતે નવનિર્મિત મેટ્રો સ્ટેશન પહોંચશે.

    - Advertisement -

    અહીંથી તેઓ ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી ગાંધીનગર અને અમદાવાદ (મોટેરા) વચ્ચેના 22 કિમીના ફેઝ-2 રૂટનું ઉદ્ઘાટન કરશે. ગિફ્ટ સિટીમાં બેન્કિંગ અને ફાયનાન્સના વડા સાથે ચર્ચા સત્રમાં હાજરી આપીને વડાપ્રધાન બપોરે 3:30 વાગ્યા બાદ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી, GMDC ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. અહીં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ વિશાળ જનમેદનીને સંબોધશે.

    વડાપ્રધાન ગુજરાત યાત્રા દરમિયાન લગભગ ₹10,800 કરોડના વિકાસકાર્યોની રાજ્યને ભેટ આપશે તેવું કહેવાય રહ્યું છે. તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે જ વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી સાંજે 6 કલાકે રાજભવન પરત ફરશે. દરમિયાન શક્યતા છે કે, અન્ય જરૂરી બેઠકો પણ કરશે. જોકે, આ અંગેની કોઈ આધિકારિક માહિતી આપવામાં આવી નથી. વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે રાજભવન ખાતે ભોજન કરશે અને રાત્રિરોકાણ પણ કરશે. ત્યારબાદ તેઓ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 9 કલાકે ભુવનેશ્વર જવા માટે રવાના થશે.

    નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી રિન્યુએબલ એનર્જી કાર્યક્રમના ઉદ્ઘાટન પહેલાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. તેઓ ગાંધીનગરના વાવોલની શાલીન 2 સોસાયટીમાં સવારે 9:45 કલાકે રૂબરૂ મુલાકાત માટે પહોંચશે. વાવોલ ખાતે સોલાર રૂફ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લઈને તેઓ લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરશે. આવી રીતે વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય કાર્યક્રમ પૂર્ણ કરીને ઓડિશાના ભુવનેશ્વર જવા માટે રવાના થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં