Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન મહિલા MLA માટે અભદ્ર ઇશારા કર્યા, વડોદરાના...

    ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન મહિલા MLA માટે અભદ્ર ઇશારા કર્યા, વડોદરાના ઈસમને સળિયા ગણતો કરાયો: મીડિયાએ ‘વિરોધ બદલ ધરપકડ’ કરવામાં આવી હોવાનું ચલાવ્યું

    સંદેશે સાથે તંત્ર પર નેતાઓના ઠેરઠેર થઈ રહેલા વિરોધને દબાવવાનો પ્રયાસ કરવાનું પણ રટણ કર્યું હતું. જ્યારે અહીં સ્પષ્ટ છે કે ધરપકડ એક મહિલાના અપમાન મામલે થઈ છે, નેતાના વિરોધ માટે નહીં. 

    - Advertisement -

    વડોદરામાં વિશ્વામિત્રીનાં પાણી શહેરમાં ફરી વળતાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ જ્યાં શહેરમાં પૂરનાં પાણી ઓસર્યા બાદ જનજીવન પાટે ચડી રહ્યું છે ત્યાં બીજી તરફ તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક ઈસમની ધરપકડ કરી હતી. તેણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતી વખતે મહિલા ધારાસભ્ય મનીષા વકીલ માટે અભદ્ર ઇશારા કર્યા હતા અને અપમાનજનક ભાષા વાપરી હતી. 

    2 સપ્ટેમ્બરના રોજ FIR દાખલ કરવામાં આવ્યા બાદ મંગળવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક કુલદીપ ભટ્ટ નામના ઈસમની ધરપકડ કરી લીધી હતી. તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, જેમાં તે ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતી વખતે મહિલા ધારાસભ્ય માટે અભદ્ર ઈશારા કરતો જોવા મળે છે. 

    વાસ્તવમાં વડોદરાની સ્થાનિક ન્યૂઝ ચેનલ સ્પાર્ક ટુડે ન્યૂઝના એક રિપોર્ટરે શહેરના કારેલીબાગ વિસ્તારમાં જઈને સ્થાનિકોની સમસ્યા જાણી હતી. દરમ્યાન ત્યાં આ કુલદીપ ભટ્ટ પણ હાજર હતો. તેણે અહીં રિપોર્ટર સાથે વાત કરતાં ભાજપ નેતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી તો ત્યારબાદ મહિલા ધારાસભ્યનું નામ લઈને અભદ્ર ઇશારા કર્યા હતા. 

    - Advertisement -

    જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં કુલદીપ કહેતો જોવા મળે છે કે, “એક પણ ભાજપનો લુખ્ખો…અહીં પગ ન મૂકતા, નહીંતર તમારા ટાંટિયા તોડી નાખીશું. જે પણ લુખ્ખો, જે પદવી પર બેઠો હોય, અહીં કોઇ સહાય આપવી નહીં અને અહીં આવતા નહીં, નહીંતર તમારા ટાંટિયા તોડીને નવરા કરી નાખીશું.” ત્યારબાદ અન્ય એક વ્યક્તિ ધારાસભ્ય મનીષા વકીલ સામે નારાજગી વ્યક્ત કરે છે. પરંતુ ત્યાં કુલદીપ પાછળથી ફરી કેમેરા સામે આવી જાય છે. 

    ત્યારબાદ તે ‘મનીષાબેનને કહેજો ઘરમાં ઘૂસી રહે (હાથથી અભદ્ર ઇશારા કરે છે) અને અહીં આવે નહીં’ તેમ કહીને ચાલ્યો જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ ગયો હતો. પછીથી આ મામલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવતાં આ ઇસમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ક્રાઇમ બ્રાન્ચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આરોપીની અભદ્ર ભાષા વાપરવા બદલ અને જાહેરમાં અમુક વ્યક્તિઓને પગ ભાંગી નાખવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મહિલા વિરુદ્ધ અભદ્ર ઇશારા પણ કર્યા હતા.” રિપોર્ટ અનુસાર, કુલદીપ ભટ્ટ સામે BNSની કલમ 79, 351 અને 353 હેઠળ FIR નોંધવામાં આવી છે. 

    મીડિયાએ આક્રોશ ઠાલવવા બદલ ધરપકડ થયાનું ચલાવ્યું 

    એક તરફ જ્યાં મહિલાનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી તો બીજી તરફ કોંગ્રેસે આમાં પણ રાજકારણ શોધી કાઢીને ધરણાં કરવા માંડ્યાં હતાં અને આને ‘તાનાશાહી’ ગણાવી હતી. બીજી તરફ, ભાજપનાં મહિલા ધારાસભ્યનું નામ આવતાં અમુક મીડિયા ચેનલો અને છાપાંએ પણ અવળું જ ચલાવ્યું હતું અને સમગ્ર મામલાને એવી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો કે મહિલા ધરાસભ્યનો વિરોધ કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી છે. 

    સંદેશનો રિપોર્ટ

    સંદેશના અહેવાલની હેડલાઈન છે- ‘MLA મનીષા વકીલ સામે આક્રોશ ઠાલવનારા વેપારીની ધરપકડ કરાઈ’. જ્યારે અહીં સ્પષ્ટ છે કે વેપારીએ ‘આક્રોશ’ ઠાલવવાના નામે મહિલાનું અપમાન કર્યું હતું. જોકે, સંદેશો સાથે લખ્યું કે, ‘કુલદીપ ભટ્ટે આક્રોશ ઠાલવતી વખતે હાથથી કરેલો ઈશારો બીભત્સ હતો તેવું પોલીસે ચોપડે નોંધ્યું.’ પરંતુ અહીં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તે અભદ્ર ઈશારો કરે છે. 

    સંદેશે સાથે તંત્ર પર નેતાઓના ઠેરઠેર થઈ રહેલા વિરોધને દબાવવાનો પ્રયાસ કરવાનું પણ રટણ કર્યું હતું. જ્યારે અહીં સ્પષ્ટ છે કે ધરપકડ એક મહિલાના અપમાન મામલે થઈ છે, નેતાના વિરોધ માટે નહીં. 

    આ સિવાય પણ અમુક ચેનલોએ સમગ્ર ઘટનાને એવો વળાંક આપ્યો કે એક યુવકે મહિલા MLAનો વિરોધ કર્યો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. ‘દિવ્ય ભાસ્કરના’ રિપોર્ટની હેડલાઈન છે- પૂરમાં મદદ ન મળી, ધારાસભ્યનો વિરોધ કર્યા બાદ યુવકની અટકાયત’. જોકે, રિપોર્ટમાં અંદર ચોખવટ કરવામાં આવી છે કે મૂળ મુદ્દો શું છે. 

    પરંતુ ઘણી ચેનલોના રિપોર્ટિંગથી સંદેશ સ્પષ્ટ જાય કે વડોદરામાં હવે નેતાઓના વિરોધના કારણે લોકોની ધરપકડ થઈ રહી છે. પરંતુ અહીં વિરોધ નહીં પરંતુ મહિલાના અપમાન બદલ કાર્યવાહી થઈ છે. અધૂરા રિપોર્ટિંગના કારણે તેણે કઈ રીતે ધારાસભ્યનું અપમાન કર્યું હતું તે આખી વાત જ દબાઈ જાય છે. 

    મત આપ્યો છે તો વિરોધ કરવાનો અધિકાર, પણ આ રીતે અભદ્ર ઈશારા કરવા અયોગ્ય: મનીષા વકીલ 

    કાર્યવાહીને લઈને પછી ભાજપ ધારાસભ્ય મનીષા વકીલે કહ્યું હતું કે, લોકો તેમનો વિરોધ કરે તેનો તેમને કોઈ વાંધો નથી, પરંતુ તેની મર્યાદા હોવી જોઈએ અને એક મહિલાનું આ રીતે અપમાન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, “હું સ્થાનિકોની સ્થિતિ જાણવા માટે અનેક જગ્યાએ ગઈ છું, પરંતુ અમુક સ્થળે પાણી એટલાં ભરાયાં હતાં કે અમે સમય પર પહોંચી ન શક્યા. રાજકારણી તરીકે અમે અનેક પ્રકારના લોકોના સંપર્કમાં આવીએ છીએ. અમે સમજીએ છીએ કે તેઓ અમારા મતદારો છે અને જો વિજય વખતે અમારી સાથે ઉભા હોય તો મત આપ્યો છે એટલે આક્રોશ ઠાલવવાનો પણ અધિકાર છે. લોકોને નુકસાન થયું છે તો તેઓ આક્રોશ વ્યક્ત કરે તે પણ હું સમજું છું. પણ આ વ્યક્તિએ જે ઇશારા કર્યા હતા તેને અવગણી શકાય એમ નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં