હોમપેજરાજકારણતિરુપરંકુન્દ્રમ: એક ટેકરી, એક દીપક અને હિંદુ ધાર્મિક અધિકારોની, ન્યાયતંત્રની અવગણનાનું ઘાતકી...

તિરુપરંકુન્દ્રમ: એક ટેકરી, એક દીપક અને હિંદુ ધાર્મિક અધિકારોની, ન્યાયતંત્રની અવગણનાનું ઘાતકી રાજકારણ

અહીં પ્રશ્ન માત્ર એક દીપક પ્રગટાવવાનો નથી, પ્રશ્ન હિંદુ ધાર્મિક પરંપરાના અધિકારનો, ન્યાયતંત્રની સર્વોપરિતાનો અને બંધારણીય વ્યવસ્થાને પડકારતી રાજ્ય સરકારની કાર્યશૈલીનો પણ છે.

- Advertisement -

દર પાંચ વર્ષે સરકાર ચૂંટવા માટે મતદાન કરવા જતો હિંદુ મોટેભાગે જાતિઓમાં વહેંચાઈને, રોડ-રસ્તા, મોંઘવારી, વીજળી-પાણી અને સાપેક્ષે ગૌણ હોય એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કરી આવે છે. આ બધાનું પોતપોતાની જગ્યાએ મહત્ત્વ હોય તોપણ એટલું જ મહત્ત્વ છે સનાતન સભ્યતા અને સંસ્કૃતિની જાળવણીનું. આ કામ મોટેભાગે સમાજનું હોય છે પણ સરકાર પણ સમાજનો એક હિસ્સો છે એટલે સત્તાને આ કર્તવ્યમાંથી બાકાત ન રાખી શકાય. સત્તામાં બેઠેલા માણસો સભ્યતા-સંસ્કૃતિ જાળવવા માટે, ધાર્મિક પરંપરાઓના અધિકારના રક્ષણ માટે કેટલા ગંભીર છે એ બાબત હંમેશાં ચર્ચાના પરિઘની બહાર રહી જતી હોય છે. પરિણામે ચૂંટાઈને આવેલી સરકારોને પણ તેને હાંસિયામાં ધકેલી દેવાનું મેદાન મળી રહે છે. તમિલનાડુની તિરુપરંકુન્દ્રમ ટેકરી પરનો વિવાદ અને રાજ્યની વિજય જોસેફ સરકારે ન્યાયાલયોના આદેશોનું કરેલું ખુલ્લું ઉલ્લંઘન આ પરિપેક્ષથી સમજવાની જરૂર છે.

અહીં પ્રશ્ન માત્ર એક દીપક પ્રગટાવવાનો નથી, પ્રશ્ન હિંદુ ધાર્મિક પરંપરાના અધિકારનો, ન્યાયતંત્રની સર્વોપરિતાનો અને બંધારણીય વ્યવસ્થાને પડકારતી રાજ્ય સરકારની કાર્યશૈલીનો પણ છે.

એક ટેકરી, એક પ્રાચીન સ્તંભ અને એક લાંબો કાનૂની વિવાદ

તિરુપરંકુન્દ્રમ તમિલનાડુના મદુરાઈનો એક વિસ્તાર છે, જ્યાં ભગવાન મુરુગનનું એક પ્રાચીન અને અતિપવિત્ર મંદિર છે. મંદિરની પાછળ એક ટેકરી આવેલી છે, જેની ઉપર એક પ્રાચીન પથ્થરનો સ્તંભ છે, જેને કહેવાય છે દીપથૂન. દક્ષિણમાં વિશેષ મહત્ત્વ ધરાવતા પ્રકાશોત્સવ કાર્તિગઈ દીપમના અવસરે દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવે છે. આ જ ટેકરી પર દીપથૂનથી લગભગ પચાસેક મીટર અંતરે એક દરગાહ આવેલી છે.

- Advertisement -
સાભાર- X

વિવાદની પૃષ્ઠભૂમિ લગભગ એક સદી જૂની છે. 1920માં ટેકરીની માલિકી અંગે કાનૂની વિવાદ શરૂ થયો. 1923માં કોર્ટે ટેકરીના મોટાભાગના હિસ્સાને મંદિરની મિલકત ગણાવ્યો અને દરગાહ અને તેની આસપાસનો વિસ્તાર મુસ્લિમ પક્ષના અધિકારમાં રાખવામાં આવ્યો. ત્યારબાદ દીપ ક્યાં પ્રગટાવવો તેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને 1996માં મદ્રાસ હાઇકોર્ટે દીપ પ્રગટાવવા માટે દીપ મંડપમની જગ્યા નિર્ધારિત કરી. આ સ્થળ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર સ્થિત ઉચી પિલ્લૈયાર મંદિર પાસે આવેલું છે.

ઑક્ટોબ 2025રમાં પ્રશાસને દીપથૂન પર દીપ પ્રગટાવવા માટે મંજૂરી ન આપતાં નવેમ્બર 2025માં હિંદુ પક્ષે ફરી એક વખત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા અને પરંપરાગત પ્રાચીન સ્તંભ દીપથૂન પર દીપ પ્રજ્વલિત કરવા માટેની મંજૂરી માગી. હિંદુ પક્ષનું કહેવું હતું કે ટેકરી પરનો પ્રાચીન દીપથૂન દીપ પ્રજ્વલન માટેનું પરંપરાગત સ્થળ છે અને ત્યાં પણ દીપ પ્રગટાવવાની મંજૂરી મળવી જોઈએ. ડિસેમ્બર 2025માં હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે અને ત્યારબાદ જાન્યુઆરી 2026માં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી દીધી. આ આદેશ સામે તત્કાલીન DMK સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં હાલ મામલો વિચારાધીન છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ અને તમિલનાડુ સરકારની આડોડાઈ

સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી પણ 24મી નવેમ્બરે કાર્તિગઈ દીપમનો દિવસ નજીક હતો એટલે હિંદુ પક્ષે વચગાળાની વ્યવસ્થાની માંગણી કરી. આખરે 20મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે આ માંગણીને ધ્યાનમાં રાખીને એક વખત દીપથૂન પર દીવડો પ્રગટાવવાની મંજૂરી આપી.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ વચગાળાની વ્યવસ્થા છે અને મંજૂરીનો અર્થ એ નથી કે ભવિષ્યમાં ત્યાં હંમેશાં માટે દીપ પ્રગટાવવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. ત્યાં કાયમને માટે અધિકાર સ્થાપિત થવો જોઈએ કે નહીં એ નિર્ણય અંતિમ ચુકાદાને આધીન છે. આટલો આદેશ પસાર કરીને કોર્ટે જાન્યુઆરી 2027માં આગલી સુનાવણી મુકરર કરી દીધી.

કોર્ટનો આદેશ બહુ સ્પષ્ટ હતો અને તેમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા અસ્થાને હતી. કોર્ટે કહ્યું હતું કે કાર્તિગઈ દીપમના અવસરે 24મી નવેમ્બરે દીપથૂન પર દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. તેના માટે મર્યાદિત સંખ્યામાં લોકો ત્યાં જઈ શકશે. કોઈ જાહેર સભા કે સરઘસની પરવાનગી ન હતી. જરૂર પડે તો રાજ્ય સરકારને કેન્દ્ર પાસે અર્ધલશ્કરી બળ માગવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.

દીપમ વિવાદ: ક્યારે શું થયું

અર્થાત્ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની હતી અને અદાલતના આદેશનું પાલન કરાવવાની જવાબદારી પણ સરકાર પાસે હતી. પણ વિજય જોસેફ સરકાર અવળા રસ્તે ચાલી રહી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી વિજય સરકાર તરત જ બીજા દિવસે એક રિવ્યૂ પિટિશન સાથે પહોંચી ગઈ. સરકારની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બરના આદેશથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, જેથી કોર્ટે પુનર્વિચાર કરવો જોઈએ. સરકારનું કહેવું હતું કે કાર્તિગઈ દીપમના અવસરે દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાની મંજૂરી ન આપવી જોઈએ. બીજી તરફ સ્થાનિક કલેક્ટરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની (BNSS) કલમ 163 (ભૂતકાળની CrPC 144) લગાવીને નિયંત્રણો લાદી દીધાં, અમુક હિંદુ આગેવાનો અને ભક્તોની અટકાયત કરવામાં આવી.

24મીએ મદ્રાસ હાઇકોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી અને કલેક્ટરના પ્રતિબંધક આદેશને પડકારવામાં આવ્યો. હાઇકોર્ટની બે જજની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા અને આદેશ આપતાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય એ સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. કલેક્ટરને પણ કોર્ટના આદેશના પાલન માટે કહેવામાં આવ્યું. સ્થાનિક પ્રશાસન તરફથી બાંહેધરી પણ આપવામાં આવી. સાથે હાઇકોર્ટે ગેરકાયદેસર રીતે જેમની અટકાયત કરવામાં આવી તેમને મુક્ત કરવાના આદેશ પણ આપ્યા.

આટલી સ્પષ્ટતા પછી પણ 24મી નવેમ્બરની રાત્રે જે બન્યું એ અસામાન્ય હતું. 24મી નવેમ્બરની રાત્રે તિરુપરંકુન્દ્રમ ટેકરીના દીપથૂન પર દીવો ન પ્રગટાવાયો અને જૂના સ્થળ ઊચી પિલ્લૈયાર મંદિરે જ દીપ પ્રજ્વલિત થયો. અર્થાત્, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ મંજૂરી, મદ્રાસ હાઇકોર્ટના નિર્દેશો અને સ્થાનિક વહીવટીતંત્રની બાંહેધરી છતાં હિંદુ પક્ષની માગણીનું પાલન ન થયું.

હવે મદુરાઈ કલેક્ટરે સુપ્રીમ કોર્ટમાં એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે જેમાં શરમ છોડીને કહી દીધું છે કે દીપથૂન પર દીવો પ્રગટાવાઈ શક્યો ન હતો. હિંદુ પક્ષે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બરના આદેશ છતાં દીવો પ્રગટાવવામાં ન આવ્યો અને તેઓ આ બાબતે અદાલતની અવમાનનાની અરજી દાખલ કરશે. કોર્ટે બંને પક્ષોને જરૂરી અરજીઓ દાખલ કરવા માટે જણાવ્યું છે. હવે હિંદુ પક્ષ રાજ્ય સરકાર સામે અદાલતની અવમાનનાની અરજી દાખલ કરશે.

એન્ટી-હિંદુ નરેટિવને બળ આપતી સરકારો

સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયેલી અને મદ્રાસ હાઇકોર્ટને છેક સુધી ગેરમાર્ગે દોરનારી વિજય જોસેફ સરકાર હવે પોતાની કરતૂતોને યોગ્ય અને વ્યાજબી ઠેરવવા માટે કોર્ટમાં જુદાં-જુદાં કારણો આપશે. એવું પણ કહેવાશે કે વર્ષોથી દીપ ઉચી પિલ્લૈયાર મંદિરે જ પ્રગટાવવામાં આવતો હતો પણ ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ને બગાડવા માટે દીપથૂનની માંગણી થવા માંડી હતી અને ત્યાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતાં પરવાનગી ન આપી શકાય. પણ સરકાર એ ભૂલી જાય છે કે પરવાનગી આપવી ન આપવી એ હવે પ્રશ્ન જ ન હતો કારણ કે કોર્ટનો સ્પષ્ટ આદેશ હતો. સરકારે માત્ર આદેશનું પાલન કરાવવાનું હતું. પરંપરા જાળવી રાખવી કે નહીં, ક્યાં પરવાનગી આપવી અને ક્યાં નહીં એ તો સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે.

તેમ છતાં આ નરેટિવ પહેલેથી સ્થાપિત કરવાના પ્રયાસો સરકાર સ્તરેથી ચાલતા આવ્યા છે. હમણાં જ તમિલનાડુ સરકારે એક સરકારી રિપોર્ટમાં કહ્યું કે દીપથૂન કોઈ પરંપરાગત કે પ્રાચીન સ્તંભ નથી પરંતુ બ્રિટિશકાળનો એક સરવે સ્ટોન માત્ર છે! આવું જ વલણ ભૂતકાળની સ્ટાલિન સરકારે દાખવ્યું હતું અને મદ્રાસ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે આવી બધી જ દલીલો આગળ કરી હતી. પણ પછીથી મદ્રાસ હાઇકોર્ટે ઐતિહાસિક તથ્યો ચકાસીને ઠેરવ્યું હતું કે દીપથૂન મંદિરનો જ એક ભાગ છે અને ત્યાં કાર્તિગઈ દીપમના અવસરે દીપ પ્રગટાવવામાં આવવો જોઈએ.

કોઈ રાજ્ય સરકાર મુસ્લિમ તુષ્ટિકરણ માટે થઈને દેશની સર્વોચ્ચ અદાલતને પણ નકારી શકે અને તેના આદેશોને પણ બાજુ પર મૂકી દઈને મનમાની કરી શકે તેનું અત્યંત આપત્તિજનક ઉદાહરણ વિજય જોસેફની સરકારે પૂરું પાડ્યું છે અને એ પુરવાર કરી દીધું છે કે હિંદુઓની વાત આવે ત્યાં ભૂતકાળની ડીએમકે સરકાર અને ટીવીકે સરકારમાં કોઈ ઝાઝો ફેર નથી. સત્તામાં કોઈ પણ હોય, તુષ્ટિકરણ મુદ્દે અને હિંદુઓ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ રહે છે.

ડીએમકે સરકારે પણ સતત દીપથૂન પર દીવડો પ્રગટાવવાનો વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે હિંદુઓના પક્ષમાં આદેશ આપી દીધો તો રદ કરાવવા માટે સ્ટાલિન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી. વિજય જોસેફની સરકાર એક ડગલું આગળ વધી ગઈ અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પણ દીપ ન પ્રગટાવવા દીધો. હાઇકોર્ટને પણ છેક સુધી ગેરમાર્ગે દોરી. એકમાત્ર કારણ એ કે હિંદુ પરંપરા જાળવવામાં મુસ્લિમ વોટબેન્ક નારાજ ન થાય.

સુપ્રીમ કોર્ટના આદેશો સ્ટ્રીટવિટોની મદદથી ઉલ્લંઘાશે?

ભારત લોકતાંત્રિક બંધારણીય વ્યવસ્થા હેઠળ કામ કરે છે. ન્યાયતંત્ર સેપરેશન ઑફ પાવરનું એક અગત્યનું અંગ છે. કોઈ સરકાર અદાલતી આદેશોનું આવું ઉલ્લંઘન કરે એ અત્યંત જોખમી અને આપત્તિજનક ચીલો ચાતરવા જેવું કહેવાય. જો કોઈ ભાજપશાસિત રાજ્યમાં અદાલતી આદેશનું આવું ઉલ્લંઘન થયું હોત તો હમણાં દેશ-દુનિયામાં હોબાળો મચી ગયો હોત, પણ અહીં તો સુપ્રીમ કોર્ટના આદેશને નકારવા માટે જાણે હોડ મચી હતી.

એ પણ શક્ય નથી કે આટલા મોટા મુદ્દામાં માત્ર સ્થાનિક સ્તરે અધિકારીઓએ નિર્ણયો લીધા હોય અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનું જોખમ ઉઠાવ્યું હોય. એટલે એ સ્પષ્ટ છે કે ઉચ્ચતમ સ્તરેથી જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ કામ શક્ય નથી. એટલે આમાં સ્થાનિક પ્રશાસન સાથે વિજય જોસેફ સરકાર પણ એટલી જ દોષી છે.

સુપ્રીમ કોર્ટના આદેશોનું સ્ટ્રીટ વિટોની મદદથી કે કાયદો-વ્યવસ્થાનું કારણ આપીને ઉલ્લંઘન કરી શકાય એ વિચારનું સામાન્યીકરણ કરવાનું કામ વિજય સરકારે કર્યું છે અને આ બંધારણાઈય લોકતાંત્રિક વ્યવસ્થા માટે સમસ્યારૂપ બાબત છે. રાજ્ય સરકારનું કામ છે સુરક્ષા જાળવવાનું, તેનું કામ છે કોર્ટના આદેશોનું પાલન કરાવવાનું. જો એ ન કરી શકે તો તેને સરકાર કઈ રીતે કહેવાય. પ્રશ્ન એ પણ છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ કઈ વાતના લીધા હતા?

તમિલનાડુની ચૂંટણીમાં એક મોટો મુદ્દો હિંદુ સભ્યતા પ્રત્યે સતત ઉપેક્ષા અને મંદિરોના સરકારી નિયંત્રણનો હતો. વિજય જોસેફની ટીવીકે ત્રીજા મોરચા તરીકે આવી અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને સત્તામાં બેસી ગઈ. પરંતુ હિંદુઓની વાત આવી ત્યાં ભૂતકાળની ડીએમકે સરકાર કરતાં પણ આગળ વધી ગઈ.

રાજ્ય સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કોર્ટ અને ન્યાયતંત્ર કઈ રીતે લે છે એ જોવું રહ્યું. સતત બંધારણના પાલન બાબતે ચિંતિત રહેનારાઓ આ મુદ્દે શું કહે છે એ પણ જોવું રહ્યું અને વિજય જોસેફ સરકારને ચૂંટીને લાવેલા હિંદુઓ હજુ આગલાં પાંચ વર્ષ શું-શું જોશે અને શું સહન કરશે એ પણ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં