હોમપેજદેશલાલ આતંકના ગઢથી નક્સલમુક્ત બસ્તર સુધી: દાયકાઓના વામપંથી હિંસાચક્રને મોદી સરકારે કેવી...

લાલ આતંકના ગઢથી નક્સલમુક્ત બસ્તર સુધી: દાયકાઓના વામપંથી હિંસાચક્રને મોદી સરકારે કેવી રીતે તોડ્યું

જે બસ્તરને ક્યારેક લાલ આતંકના ગઢ તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યાં આજે વડા પ્રધાન સુરક્ષાદળો સાથે દિવાળી ઉજવે છે. આ પરિવર્તન જ બસ્તરની સૌથી મોટી જીત છે.

- Advertisement -

એક સમય હતો જ્યારે બસ્તરનું નામ સાંભળતાં જ આંખ સામે ગાઢ જંગલો, ઊંચા પહાડો અને દૂર સુધી ફેલાયેલું અંધારું દેખાતું. પરંતુ આ અંધારું માત્ર જંગલનું નહોતું. વર્ષો સુધી અહીં સૂર્યાસ્ત સાથે જીવન પણ થંભી જતું. ગામડાંમાં સરકારની હાજરી કરતાં બંદૂકધારીઓની હાજરી વધુ દેખાતી. રસ્તાઓ પર પોલીસ કે સરકારી વાહનો કરતાં નક્સલીઓના દળમો ફરતા. જંગલમાં જવું એટલે જોખમ અને રસ્તો બનાવવો એટલે નક્સલીઓ માટે પડકાર. વિકાસનું કોઈ કામ શરૂ થાય એટલે વિસ્ફોટનો ભય. ચૂંટણી આવે એટલે બહિષ્કારના ફરમાન. પોલીસ કે સુરક્ષાદળોની હિલચાલ દેખાય એટલે ઘાત લગાવીને હુમલો. બસ્તર ભારતની ધરતી પર આવેલો એવો પ્રદેશ બની ગયો હતો જ્યાં વામપંથી આતંકવાદે ધીમે-ધીમે રાજ્યની જગ્યાએ પોતાનો ડર ઊભો કર્યો હતો. હવે એ જ બસ્તરમાં દેશના વડા પ્રધાન સુરક્ષાદળો સાથે દિવાળી ઉજવે છે.

8 નવેમ્બર 2026ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બસ્તર સ્થિત કરણપુરના CoBRA ઑપરેશન બેઝ પર પહોંચ્યા હતા. આ કોઈ સામાન્ય સૈનિક કેમ્પ નહોતો. બસ્તર અને અબુઝમાડમાં નક્સલવિરોધી ઑપરેશન માટે આ બેઝ ટ્રેનિંગ અને ઑપરેશનલ લૉન્ચ પેડ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો હતો. જ્યાં ક્યારેક લાલ આતંકનો પડછાયો હતો, ત્યાં હવે દેશના વડા પ્રધાન જવાનોની વચ્ચે ઊભા રહીને દિવાળીની મીઠાઈ વહેંચી રહ્યા હતા. પીએમ મોદીએ આ પ્રસંગને દેશની દાયકાઓ જૂની નક્સલવાદ અને માઓવાદી આતંક સામેની લડાઈની જીત સાથે જોડ્યો અને કહ્યું કે 2026ની આ દિવાળી પહેલી એવી દિવાળી છે જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત છે.

આ દૃશ્યને સમજવા માટે બસ્તરના જંગલોમાં પાછા જવું પડશે. કારણ કે બસ્તરની આજની શાંતિ કોઈ એક દિવસમાં આવી નથી. તેની દાયકાઓની લાંબી લડાઈ છે. એક તરફ માઓવાદી વિચારધારાથી પ્રેરિત સશસ્ત્ર જૂથો હતા, જેઓ ભારતીય રાજ્યને ઉખેડી ફેંકવાના સ્વપ્ન સાથે જંગલોમાં ઊતર્યા હતા. બીજી તરફ એવા સુરક્ષાદળો હતા જેમના માટે આ જંગલ માત્ર ઑપરેશનલ વિસ્તાર નહોતો, પરંતુ દેશની અખંડિતતા અને સામાન્ય નાગરિકોના જીવનની રક્ષા કરવાની ફરજ હતી. આ લડાઈમાં બસ્તરનાં ગામડાં, આદિવાસી પરિવારો, પોલીસકર્મીઓ, CRPF જવાનો, CoBRA કમાન્ડો અને અનેક નિર્દોષ લોકો પીસાયા.

- Advertisement -

બસ્તરમાં લાલ આતંકના બીજ કેવી રીતે પડ્યાં?

નક્સલવાદની શરૂઆત બસ્તરમાં થઈ નહોતી. 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબાડીમાં થયેલા સશસ્ત્ર બળવા પછી આ વિચારધારા દેશના વિવિધ વિસ્તારોમાં ફેલાઈ. પરંતુ 1980ના દાયકામાં બસ્તર તેના માટે મહત્વપૂર્ણ ભૂમિ બની ગયું. આંધ્ર પ્રદેશમાં પોલીસ કાર્યવાહીનું દબાણ વધતાં માઓવાદીઓએ દંડકારણ્યના ગાઢ જંગલો તરફ નજર કરી. 1980માં કૉન્ડાપલ્લી સીતારામૈયાએ પીપલ્સ વોર ગ્રુપની રચના કરી અને ત્યારબાદ તેના દળમો દંડકારણ્યમાં પ્રવેશવા લાગ્યા. 1981માં બસ્તરમાં નક્સલીઓનો પ્રથમ નોંધાયેલો હુમલો સુકમા વિસ્તારના ગોલાપલ્લીમાં થયો હતો.

બસ્તર તેમના માટે અનેક કારણોથી અનુકૂળ હતું. વિશાળ જંગલ વિસ્તાર, મુશ્કેલ ભૂગોળ, ઓછી કનેક્ટિવિટી અને દૂરના ગામોમાં રાજ્યની મર્યાદિત પહોંચે નક્સલીઓને છુપાવા, સંગઠન ઊભું કરવા અને પોતાની સશસ્ત્ર વ્યવસ્થા વિકસાવવા માટે જગ્યા આપી. એક સમયે બસ્તરનો વિસ્તાર લગભગ 40 હજાર ચોરસ કિલોમીટરનો હતો. અહીં પહોંચવું જ સુરક્ષાદળો માટે પડકાર હતું અને આ જ ભૌગોલિક મુશ્કેલીને માઓવાદીઓએ પોતાની ઢાલ બનાવી લીધી.

પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે. માઓવાદીઓ જંગલમાં માત્ર બંદૂક લઈને આવ્યા નહોતા. તેઓ એક વામપંથી વિચાર લઈને આવ્યા હતા. એ વિચાર હતો હથિયારો દ્વારા ભારતીય રાજ્યને ઉખેડી નાખવાનો. સ્થાનિક અસંતોષ, ગરીબી અને વહીવટી ખામીઓને તેમણે પોતાના સંગઠનના વિસ્તરણ માટેની જમીન બનાવી. ગામડાંમાં નેટવર્ક ઊભાં કરવામાં આવ્યાં. યુવાનોને સંગઠનમાં ખેંચવામાં આવ્યા. દળમો બનાવવામાં આવ્યા. પછી આ જ દળમો ધીમે-ધીમે સશસ્ત્ર ગુરિલ્લા દળોમાં પરિવર્તિત થયા. જંગલની ભૌગોલિક મુશ્કેલીને તેમણે પોતાની સૈન્ય વ્યૂહરચનામાં ફેરવી નાખી. રસ્તા તેમના દુશ્મન બન્યા, સરકારી ઇમારતો તેમની દુશ્મન બની, પોલીસ તેમની દુશ્મન બની અને ચૂંટણી તો જાણે તેમના માટે ભારતીય લોકશાહીનો સીધો પડકાર બની ગઈ.

જ્યારે બંદૂક સાથે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી

નક્સલવાદનું જોખમ માત્ર હુમલા કરનારા કેટલાક સશસ્ત્ર જૂથો પૂરતું મર્યાદિત નહોતું. સમય જતાં તેમણે પોતાના વિસ્તારોમાં એક સમાંતર માળખું ઊભું કરવાનો પ્રયાસ કર્યો. ખંડણી વસૂલવી, કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા પડાવવા, રસ્તા અને પુલો જેવા વિકાસનાં કામોને નિશાન બનાવવાં, સરકારી માળખું તોડવું અને પોતાના આદેશો ગામડાં સુધી પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓ સામાન્ય બની. માઓવાદીઓ માટે વિકાસની દરેક નિશાની એક સંભાવિત જોખમ હતી. રસ્તો બનશે તો સુરક્ષાદળો પહોંચશે. મોબાઇલ ટાવર આવશે તો સંચાર વધશે. પોલીસ કેમ્પ આવશે તો જંગલમાં તેમની મુક્ત હિલચાલ ઘટશે. શાળા અને સરકારી કચેરી આવશે તો રાજ્યની હાજરી મજબૂત થશે. એટલે વિકાસના કામો પર હુમલો કરવો તેમની વ્યૂહરચનાનો ભાગ બન્યો.

આ હિંસાનો સૌથી મોટો ભોગ સામાન્ય આદિવાસી સમાજ બન્યો. જેમને નક્સલવાદીઓ પોતાના ‘જન’ના નામે સંગઠિત કરવાનો દાવો કરતા હતા, એ જ લોકો પર તેમના ફરમાન ચાલતા હતા. વિરોધ કરનારાઓ માટે સજા હતી. પોલીસને માહિતી આપ્યાની શંકા હોય તો જીવ જોખમમાં. ચૂંટણીમાં મત આપવાનો પ્રયાસ કરો તો ધમકી. નક્સલી સંગઠનમાં જોડાવા માટે દબાણ હોય તો પરિવાર માટે મુશ્કેલી. બસ્તરના જંગલોમાં આ રીતે એક એવું વાતાવરણ ઊભું થયું જેમાં બંદૂક માત્ર હથિયાર નહોતી, તે સત્તાનું પ્રતીક બની ગઈ હતી.

2004 પછી લાલ આતંક વધુ સંગઠિત બન્યો

2000ના દાયકામાં નક્સલવાદે વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું. 2004માં પીપલ્સ વોર ગ્રુપ અને માઓઇસ્ટ કમ્યુનિસ્ટ સેન્ટર સહિતનાં મોટાં મોટા જૂથોના વિલીનીકરણથી CPI (Maoist)નું સંગઠન ઊભું થયું. આ સાથે વામપંથી આતંકનું માળખું વધુ સંગઠિત થયું અને માઓવાદીઓનો હિંસક પ્રભાવ અનેક વિસ્તારોમાં મજબૂત બન્યો. બસ્તર આ આતંકવાદનો મહત્વનો મોરચો બની ગયું. દંડકારણ્યનાં જંગલો માઓવાદી ગતિવિધિઓના કેન્દ્રમાં ફેરવાયાં. બસ્તરના અનેક વિસ્તારોમાં તેમની હાજરી એટલી મજબૂત બની કે સરકાર માટે જંગલની અંદર પહોંચવું પણ એક ઑપરેશન બની ગયું. આ સમયગાળો બસ્તરના ઇતિહાસનો સૌથી લોહિયાળ અધ્યાય હતો.

6 એપ્રિલ 2010નો દિવસ આજે પણ સુરક્ષાદળોના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. દંતેવાડાના ચિંતલનારમાં CPI (Maoist)ના હુમલામાં 75 CRPF જવાનો અને સ્થાનિક પોલીસના એક હેડ કોન્સ્ટેબલ સહિત 76 સુરક્ષાકર્મીઓ વીરગત થયા હતા. હુમલાખોરોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ લૂંટી લીધો હતો. તે જ વર્ષે 17 મેના રોજ દંતેવાડામાં લેન્ડમાઇન વિસ્ફોટમાં સુરક્ષાદળોના 16 જવાનો અને 15 નાગરિકો માર્યા ગયા હતા.

આ માત્ર બે હુમલા નહોતા. આ બસ્તરમાં વર્ષો સુધી ચાલેલા લાલ આતંકની કાર્યપદ્ધતિનું પ્રતિબિંબ હતું. ઘાત, IED, લેન્ડમાઇન, જંગલમાંથી અચાનક હુમલો અને પછી ગાયબ થઈ જવું. સુરક્ષાદળો માટે દરેક રસ્તો સંભવિત મૃત્યુનો રસ્તો હતો. નક્સલવાદીઓએ માત્ર સુરક્ષાદળોને જ નિશાન બનાવ્યાં નહોતાં. તેઓ લોકશાહી પ્રક્રિયા સામે પણ હિંસક હતા. ચૂંટણીનો બહિષ્કાર કરાવવા માટે ધમકીઓ, રાજકીય કાર્યકરોની હત્યા અને સરકારી માળખાને નષ્ટ કરવાની કાર્યવાહી દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની લડાઈ માત્ર સરકાર સામે નહોતી. તેમનો મૂળ સંઘર્ષ ભારતીય રાજ્ય અને તેની લોકશાહી વ્યવસ્થા સામે હતો. મૂળ તો તેઓ ચીનની જેમ કોમ્યુનિસ્ટ શાસન ભારતમાં લાવવા માંગતા હતા.

પછી બદલાઈ રમત

2014માં કેન્દ્રમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીની સરકાર બન્યા પછી પરિસ્થિતિમાં મોટો ફેરફાર શરૂ થયો. નક્સલવાદ સામેની લડાઈને માત્ર અલગ અલગ એન્કાઉન્ટર અથવા પ્રતિક્રિયાત્મક ઑપરેશન સુધી મર્યાદિત રાખવાને બદલે એક વ્યાપક રાષ્ટ્રીય વ્યૂહરચનાના સ્વરૂપમાં આગળ ધપાવવામાં આવી. 2015માં મોદી સરકારે લેફ્ટ-વિંગ એક્સ્ટ્રીમિઝમ સામે નેશનલ પોલિસી અને એક્શન પ્લાન અપનાવ્યો. તેનો આધાર એક બહુસ્તરીય અભિગમ પર હતો. સુરક્ષાદળોની કાર્યવાહી સાથે વિકાસ, સ્થાનિક સમુદાય સુધી સરકારની પહોંચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુનર્વસન અને કલ્યાણકારી યોજનાઓને એક જ વ્યૂહરચનામાં જોડવામાં આવ્યા.

આ બદલાવનો અર્થ સીધો હતો. નક્સલવાદ સામેની લડાઈમાં હવે માત્ર જંગલમાં નક્સલી શોધવાનો પ્રશ્ન નહોતો. પ્રશ્ન એ હતો કે જે ભૂમિને નક્સલીઓએ રાજ્યથી દૂર રાખીને પોતાનું ગઢ બનાવ્યું હતું ત્યાં ભારત સરકાર ફરી કેવી રીતે પહોંચશે. આ માટે સુરક્ષા કેમ્પો આગળ ધપાવવામાં આવ્યા. ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરવામાં આવ્યું. CoBRA જેવી વિશેષ તાલીમપ્રાપ્ત દળોની કામગીરી વધી. સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય દળો વચ્ચે સંકલન વધ્યું. રસ્તાઓ બનાવવામાં આવ્યા. સંચાર વ્યવસ્થા વિસ્તરવામાં આવી અને સૌથી અગત્યનું, સુરક્ષાદળોને જરૂરી ઑપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી.

મોદી સરકારે નક્સલવાદને માત્ર ગોળીથી હરાવવાનો પ્રયાસ કર્યો નહોતો. જે જગ્યાએ નક્સલી બંદૂકથી રાજ્યની ગેરહાજરી જાળવી રાખતા હતા, ત્યાં સુરક્ષા સાથે રાજ્યની હાજરી પહોંચાડવામાં આવી. રસ્તો આવ્યો એટલે સુરક્ષાદળો પહોંચ્યા. સુરક્ષાદળો પહોંચ્યા એટલે સરકારી અધિકારીઓ પહોંચ્યા. સરકારી અધિકારીઓ પહોંચ્યા એટલે યોજનાઓ પહોંચી. મોબાઇલ નેટવર્ક આવ્યું. શાળાઓ અને આરોગ્યસેવાઓ સુધી પહોંચ સુધરી. સ્થાનિક યુવાનો માટે નવી તકો ઊભી થઈ. આ આખી પ્રક્રિયાએ નક્સલવાદીઓની સૌથી મોટી શક્તિ છીનવી લીધી, એ શક્તિ એટલે અલગાવ અને ભય.

બસ્તરના જંગલમાં સુરક્ષાદળોની નવી હાજરી

નક્સલવાદી ગઢ તોડવા માટે સૌથી પહેલાં જંગલની અંદર જવું પડ્યું. એ કામ સરળ નહોતું. વર્ષો સુધી જે વિસ્તાર સુરક્ષાદળો માટે ‘નો-ગો ઝોન’ જેવો હતો ત્યાં એક પછી એક ફોરવર્ડ ઑપરેશનલ બેઝ ઊભા કરવામાં આવ્યા. CRPFના છત્તીસગઢ સેક્ટરમાં CoBRAની અનેક બટાલિયન અને બસ્તરિયા બટાલિયન જેવી લોકલ કનેક્શન ધરાવતી રચનાઓએ કામગીરીને વધુ અસરકારક બનાવી. CRPF પોતે કહે છે કે સતત પ્રયાસોથી છત્તીસગઢના ઊંડા આંતરિક વિસ્તારોમાંથી નક્સલવાદને ઉખેડી નાખવામાં આવ્યો છે.

આમાં સ્થાનિક યુવાનોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની. જે યુવાનને નક્સલીઓ પોતાની વિચારધારા અને બંદૂક તરફ ખેંચવા માંગતા હતા, એ જ બસ્તરના યુવાનને રાષ્ટ્રની સુરક્ષાની ભૂમિકા સાથે જોડવાનો રસ્તો ખુલ્યો. બસ્તર ફાઇટર્સ જેવી રચનાઓનું મહત્વ અહીં સમજાય છે. નક્સલવાદ સામેની લડાઈમાં આ એક મોટો ફેરફાર હતો. જંગલ હવે માત્ર નક્સલીઓનું ક્ષેત્ર નહોતું. જંગલમાં ભારતના જવાનો પણ હતા, સ્થાનિક યુવાનો પણ હતા અને ધીમે-ધીમે ભારતનું રાજ્ય પણ હતું.

નક્સલીઓની બંદૂક સામે વિકાસની ગતિ

અહીંથી બસ્તરની વાતમાં એક બીજો મોટો વળાંક આવે છે. નક્સલીઓ માટે રસ્તો વિનાશનું નિશાન હતો. સરકાર માટે રસ્તો જોડાણનું સાધન હતો. નક્સલીઓ માટે મોબાઇલ ટાવર રાજ્યની પહોંચનું પ્રતીક હતો. સરકાર માટે એ દુનિયા સાથે જોડાવાનો રસ્તો હતો. નક્સલીઓ માટે સરકારી શાળા તેમની વિચારધારા સામેનું જોખમ હતી. સરકાર માટે એ બસ્તરનાં બાળકોના ભવિષ્યનો દરવાજો હતો. આ બંને દૃષ્ટિકોણ વચ્ચેનો સંઘર્ષ આખરે બસ્તરના જંગલમાં જ નક્કી થયો.

કેન્દ્રના આંકડા મુજબ 31 માર્ચ 2026 સુધી ભારતે લગભગ છ દાયકાની હિંસા બાદ લાલ આતંકવાદ સામેનો મોટો રાષ્ટ્રીય પડકાર પાર કર્યો. સરકારના જણાવ્યા અનુસાર 2026માં દેશનો કોઈ જિલ્લો LWEથી અસરગ્રસ્ત રહ્યો નહોતો. આ પરિવર્તનને સુરક્ષા કાર્યવાહી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુનર્વસન, આદિવાસી કલ્યાણ અને સરકારી પહોંચના સંયુક્ત પરિણામ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

આ આંકડાની પાછળ બસ્તરના જંગલમાં લડાયેલા અસંખ્ય નાના-મોટા ઑપરેશન છે. અનેક અનામી જવાનોની રાતો છે. IED શોધતા કમાન્ડોની સતર્કતા છે. જંગલમાં લાંબી પેટ્રોલિંગ છે. નવા કેમ્પ સુધી પહોંચવા માટે બનાવાયેલા રસ્તા છે. ગુપ્તચર માહિતીના આધારે કરાયેલા ઑપરેશન છે અને એવા પરિવારો છે જેમણે પોતાના ઘરના કોઈ સભ્યને દેશની આંતરિક સુરક્ષા માટે ગુમાવ્યો છે. જે બસ્તરમાં લાલ સલામનો ડર હતો, ત્યાં હવે ‘ભારત માતા કી જય’ ગુંજે છે

બસ્તરના પરિવર્તનને માત્ર સુરક્ષાના આંકડાથી સમજવું પૂરતું નથી. તેની સૌથી મોટી અસર લોકોના માનસ પર પડી છે. ડિસેમ્બર 2025માં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ જ પરિવર્તનને એક વાક્યમાં વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યાં ક્યારેક ‘લાલ સલામ’ના નારા સંભળાતા હતા ત્યાં હવે ‘ભારત માતા કી જય’ના નારા સંભળાય છે. 2025ના બસ્તર ઓલિમ્પિક્સમાં 3.91 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 700થી વધુ યુવાનો નક્સલવાદ છોડીને તેમાં જોડાયા હતા.

આ દૃશ્યને એક વખત બસ્તરના જૂના ઇતિહાસ સાથે મૂકી જુઓ. એક તરફ બંદૂક લઈને જંગલમાં ફરતો દળમ. બીજી તરફ રમતના મેદાનમાં દોડતો બસ્તરનો યુવાન. એક તરફ ચૂંટણીનો બહિષ્કાર કરાવતું નક્સલી ફરમાન. બીજી તરફ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેતો નાગરિક. એક તરફ રસ્તો તોડતી IED. બીજી તરફ એ જ રસ્તા પરથી સ્કૂલ, હોસ્પિટલ અને બજાર સુધી પહોંચતો સામાન્ય માણસ. બસ્તરના પરિવર્તનની ખરી તસવીર અહીં દેખાય છે.

અને પછી આવી 8 નવેમ્બર 2026ની દિવાળી આ આખી યાત્રાનું સૌથી પ્રતીકાત્મક દૃશ્ય કદાચ આ જ છે. 8 નવેમ્બરની સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બસ્તર તરફ રવાના થયા. તેમણે પહેલેથી જ લખ્યું હતું કે જ્યાં ગઈકાલ સુધી નક્સલીઓનો કહેર હતો ત્યાં આજે વિકાસની વસંત છે અને તેઓ સુરક્ષાદળોના બલિદાન, સમર્પણ અને તપસ્યાને નમન કરવા જઈ રહ્યા છે. પછી તેઓ કરણપુરના CoBRA ઑપરેશન્સ બેઝ પર પહોંચ્યા. વર્ષો સુધી આ જંગલોમાં નક્સલીઓ સામે લડનારા જવાનોની વચ્ચે દેશના વડા પ્રધાન દિવાળી ઉજવી રહ્યા હતા. જવાનોને મીઠાઈ વહેંચી. તેમની સાથે સમય પસાર કર્યો અને દેશના કરોડો લોકો તરફથી તેમના બલિદાન માટે આભાર વ્યક્ત કર્યો. આ બસ્તરની બદલાયેલી તસવીર હતી.

જે ભૂમિ પર ક્યારેક સુરક્ષાદળો માટે દરેક પગલું જોખમ હતું, ત્યાં હવે વડા પ્રધાન નિર્ભયતાથી ઊભા હતા. જે જંગલોને ક્યારેક માઓવાદીઓ પોતાની સત્તાનો વિસ્તાર માનતા હતા, ત્યાં ભારતના તિરંગા નીચે દિવાળીના દીવા પ્રગટ્યા હતા. પીએમ મોદીએ આ પ્રસંગે એક બીજી ઐતિહાસિક વાત પણ કહી. છેલ્લા 47 વર્ષમાં પહેલીવાર એવો એક વર્ષનો સમયગાળો આવ્યો છે જેમાં ફરજ દરમિયાન એક પણ CRPF જવાને જીવ ગુમાવ્યો નથી. તેમણે તેને દેશની નીતિ, દૃઢ સંકલ્પ અને સુરક્ષાદળોના પરાક્રમની જીત ગણાવી. એક વખત વિચાર કરો. 2010માં દંતેવાડાના ચિંતલનારમાં 76 સુરક્ષાકર્મીઓ એક જ હુમલામાં બલિદાન થયા હતા અને 2026માં બસ્તરના જંગલમાં વડા પ્રધાન સુરક્ષાદળો સાથે દિવાળી ઉજવી રહ્યા છે. વચ્ચેનું અંતર માત્ર વર્ષોનું નથી. આ અંતર ભારતની બદલાયેલી આંતરિક સુરક્ષા નીતિનું છે.

લાલ આતંકનો અંત એટલે માત્ર બંદૂકોનું મૌન નહીં

નક્સલવાદના અંતની સૌથી મોટી સફળતા એ છે કે બસ્તરની ભૂગોળ હવે નક્સલીઓની વ્યૂહરચના નક્કી કરતી નથી. ક્યારેક જંગલ નક્સલીઓની ઢાલ હતું. આજે એ જ જંગલમાં સુરક્ષાદળોના કેમ્પ છે. ક્યારેક રસ્તો નક્સલીઓ માટે હુમલાનું નિશાન હતો. આજે એ જ રસ્તો વિકાસની લાઈન છે. ક્યારેક બસ્તરનું નામ દેશના સમાચારપત્રોમાં IED અને એન્કાઉન્ટર સાથે આવતું હતું. આજે અહીં રમતગમત, વિકાસ અને નવી તકોની વાત થઈ રહી છે અને સૌથી મહત્વનું, એક આખી પેઢી હવે એવું બસ્તર જોઈ રહી છે જ્યાં નક્સલવાદ વાસ્તવિકતા નથી.

31 માર્ચ 2026 ભારતના નક્સલવાદવિરોધી સંઘર્ષમાં ઐતિહાસિક તારીખ બની. લગભગ છ દાયકાની હિંસાના અંત પછી દેશ LWEના ગઢમાંથી બહાર આવ્યો. કેન્દ્ર સરકારે આ સફળતાને છેલ્લા બાર વર્ષના સતત અને સંકલિત પ્રયાસોનું પરિણામ ગણાવ્યું છે. પરંતુ બસ્તરની વાતનો સૌથી સુંદર ભાગ છે કે આ અંત માત્ર સુરક્ષાદળોની જીત નથી. આ સામાન્ય બસ્તરવાસીની જીત છે. એ બાળકની જીત છે જેને હવે જંગલની વચ્ચે શાળા સુધી પહોંચવા માટે નક્સલીની પરવાનગીની જરૂર નથી. એ યુવાનની જીત છે જેને બંદૂકની જગ્યાએ રમતનું મેદાન મળ્યું છે. એ પરિવારની જીત છે જે હવે સાંજ પડતાં પોતાના ઘરના દરવાજા બંધ કરીને બહારના ભયની રાહ જોતો નથી.

બસ્તર હવે ભૂતકાળની વાર્તા નથી, ભારતના ભવિષ્યની શરૂઆત છે

પીએમ મોદીએ 8 નવેમ્બરે બસ્તરમાં કહ્યું હતું કે નક્સલવાદ હવે ઇતિહાસ છે અને વિકાસ આગળ વધવાનો માર્ગ છે. આ વાક્ય બસ્તરના આખા ઇતિહાસનો સાર છે. ક્યારેક આ જ ભૂમિ પર માઓવાદીઓએ પોતાના હિંસક વિચારને ક્રાંતિનું નામ આપ્યું હતું. બંદૂકને પરિવર્તનનું સાધન ગણાવ્યું હતું. ભારતીય લોકશાહીને નષ્ટ કરવાની વાત કરી હતી. ગામડાંને ભયમાં રાખ્યાં હતાં અને રાજ્યની હાજરીને પડકારી હતી. પણ અંતે બંદૂક હારી અને ભારત જીત્યું. લાલ આતંક હાર્યો અને તિરંગો જીત્યો. જંગલમાં છુપાયેલા દળમો હાર્યા અને વિકાસનો રસ્તો જીત્યો. ભય હાર્યો અને વિશ્વાસ જીત્યો.

આ જ કારણ છે કે પીએમ મોદીની બસ્તરમાં ઉજવેલી દિવાળી માત્ર એક તસવીર નથી. એ ચાર દાયકાના એક કઠિન સંઘર્ષનું અંતિમ પ્રકરણ છે. એ એવા ભારતની તસવીર છે જે પોતાના કોઈપણ ભૂભાગને હિંસક વિચારધારાના હાથમાં કાયમ માટે છોડવા તૈયાર નથી અને બસ્તર હવે એ ભારતનું પ્રતીક બની ગયું છે. જે બસ્તરને ક્યારેક લાલ આતંકના ગઢ તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યાં આજે વડા પ્રધાન સુરક્ષાદળો સાથે દિવાળી ઉજવે છે. આ પરિવર્તન જ બસ્તરની સૌથી મોટી જીત છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં