દિલ્હીમાં દિવાળી ગઈ, હિંદુઓએ તહેવારની ઉજવણી કરી અને બીજા જ દિવસથી દેશનાં મીડિયા માધ્યમોમાં દિવાળીના ઉલ્લેખ સાથે પ્રદૂષણ વિશે હેડલાઈનો શરૂ થઈ ગઈ. દિલ્હી-NCRમાં દિવાળી બાદ હવાનું પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી રાજધાનીની હવા ઝેરી બની, દિવાળીની ઉજવણી બાદ દિલ્હીમાં AQI ગંભીર સ્તરે પહોંચ્યો જેવી હેડલાઇનો સાથે અહેવાલો પ્રકાશિત થવા લાગ્યા. ભારતીય મીડિયાએ પૂરતી સામગ્રી આપી એટલે ત્યારપછીનું કામ વિદેશી મીડિયાએ કર્યું અને આવી જ હેડલાઈનો સાથે, તેમાં હિંદુ તહેવારનો વિશેષ ઉલ્લેખ કરીને ઉજવણી પછી હવા ઝેરી બની હોવાનું ચલાવાયું.
થોડાં ઉદાહરણો જુઓ.
‘ધ હિન્દુ’ની હેડલાઈન છે, ‘દિવાળીના બીજા દિવસે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI ગંભીર, આકાશ ધૂળથી છવાયું.’

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’એ હેડલાઇન બનાવી કે ‘દિવાળીના બીજા દિવસે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ ખરાબ’: AQI 376 પર પહોંચતા રાજધાનીમાં ગૂંગળામણભરી સ્થિતિ’.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇન છે, ‘દિલ્હીના દિવાળી પ્રદૂષણે 5 વર્ષના રેકોર્ડ તોડ્યા.’

કતાર ફન્ડેડ ઇસ્લામિસ્ટ પ્રોપગેન્ડા આઉટલેટ ‘અલ જઝીરા’એ દિલ્હીની ખરાબ હવા માટે દિવાળીના ફટાકડાને દોષ આપ્યો અને એક નહીં પણ અનેક અહેવાલો પ્રકાશિત કર્યા.

આ ઉપરાંત ‘રૉયટર્સ’ અને DW જેવાં આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસોએ પણ દિવાળીના કારણે દિલ્હીનું પ્રદૂષણ પિક પર પહોંચ્યું હોવાનું લખ્યું.

મીડિયામાં વ્યવસ્થિત રીતે એકસરખી પેટર્નથી અહેવાલો પ્રકાશિત થવાના શરૂ થયા તે પહેલાં દિવાળીની રાત્રિએથી જ વામપંથી પત્રકારો-એક્ટિવિસ્ટોના એક વર્ગે દિવાળીને સાંકળીને પ્રદૂષણ પર હાયતોબા મચાવવાનું શરૂ કરી દીધું હતું. નોંધવા જેવી બાબત એ છે કે દિવાળીની રાત્રિ સુધી આ બધા રાજધાનીના પ્રદૂષણ પર મૌન રહ્યા હતા.
યુટ્યુબર રવીશ કુમારે ધુમાડાના વિડીયો પોસ્ટ કરીને કટાક્ષ કરતાં લખ્યું,”તમે AQIની ચિંતા ન કરશો– તમારે જેટલા ફટાકડા ફોડવા હોય તેટલા નિશ્ચિંત થઈને ફોડો. જે દેશમાં વોટ ચોરી થવા છતાં કોઈના અંતરાત્માને દુખ નથી થતું, ત્યાં હવાને શુદ્ધ રાખવાનો પ્રયાસ કરવાનો અર્થ જ શું છે?”

અન્ય એક પોસ્ટમાં રવીશે એક યુઝરની પોસ્ટ ટાંકી હતી જેમાં લખ્યું હતું કે, “દિલ્હીમાં પ્રદૂષણથી હવા પહેલાથી જ અત્યંત ખરાબ થઈ ચૂકી છે ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી મોટા પાયે ફટાકડા ફોડવા એ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આ ઝેરી ધુમાડો હૃદય અને ફેફસાંના દર્દીઓ માટે ગંભીર જોખમ ઊભું કરે છે; તહેવારની ઉજવણીના નામે અન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડાં કરવા ક્યારેય યોગ્ય ન ગણાય.”
डॉक्टर की तो बात मान लीजिए
— ravish kumar (@ravish_journo) November 9, 2026
રવીશનું જ અન્ય એક સંસ્કરણ ગણાતા ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈએ પણ દિવાળીના ફટકડાને કારણ ગણાવીને દિલ્હીના પ્રદૂષણની ચિંતા કરવાની શરૂ કરી દીધી. તેમણે લખ્યું કે, “દિલ્હીમાં દિવાળી પછી હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ છે અને ફટાકડાના ધુમાડાને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે; તહેવારની ઉજવણીના નામે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવા યોગ્ય નથી.”

આવા જ એક ‘પત્રકાર’ અજીત અંજુમએ પણ લાઈવ AQI દર્શાવતી એક વેબસાઇટના હાઈએસ્ટ આંકડાનો સ્ક્રીનશૉટ શેર કરીને લખ્યું કે, ‘દિલ્હીવાળાઓએ આવી રીતે ઉજવી દિવાળી’.

બીજી એક પોસ્ટમાં અજીત અંજુમએ દિવાળીને ટાર્ગેટ કરતાં લખ્યું કે બધાએ ભેગા મળીને બધુ ધુમાડો-ધુમાડો કરી નાખ્યું છે. આગળ ‘ધુમાડાવાળી દિવાળીની શુભકામનાઓ’નો સંદેશ પાઠવ્યો.

અહીં એટલું ચોક્કસ છે કે દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા ફૂટ્યા અને તેના કારણે હવામાં પ્રદૂષક કણો ઉમેરાયાં એની કોઈ ના નથી. પરંતુ પ્રશ્ન એ છે કે શું દિલ્હીના પ્રદૂષણની શરૂઆત દિવાળીના દિવસથી જ થઈ? શું ફટાકડા સિવાય પ્રદૂષણનાં બીજાં કોઈ કારણો જ નથી? આ સવાલોના જવાબ મેળવવા માટે દિવાળી પહેલાંના AQIના આંકડા અને દિલ્હીના પ્રદૂષણનાં અન્ય કારણો સમજવાં જરૂરી છે.
દિવાળી પહેલાંથી જ દિલ્હીની હવા હતી ખરાબ
દિવાળી પછી દિલ્હીના પ્રદૂષણ અંગેની ચર્ચા કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે દિવાળી પહેલાં રાજધાનીની હવાની સ્થિતિ કેવી હતી. જેના માટે આપણે 26 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધીના AQIના આંકડા જોઈએ. ઇન્ડિયા ટુડેના આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલા અહેવાલોમાં CPCB અને AQI.in બંનેના આંકડા આપવામાં આવ્યા છે. બંને પ્લેટફોર્મની ગણતરીની પદ્ધતિ અલગ હોવાથી આંકડાઓમાં તફાવત હોઈ શકે છે. તેમ છતાં, આ અહેવાલો એ તો ચોક્કસપણે દર્શાવે છે કે દિલ્હીમાં દિવાળી પહેલાંથી જ પ્રદૂષણ વધી ગયું હતું.
29 ઑક્ટોબરના અહેવાલમાં 22થી 28 ઑક્ટોબર દરમિયાન દિલ્હીનો AQI દિવસના જુદા-જુદા સમયે બદલાતો રહ્યો. કેટલાક દિવસોની બપોરે આંકડો માત્ર 140 હતો, જ્યારે રાત્રે અને વહેલી સવારે આંકડો 330થી પણ ઉપર પહોંચી જતો હતો. 28 ઑક્ટોબરે સવારે 10 વાગ્યે AQI લગભગ 367 હતો, જે બપોરે ઘટીને લગભગ 125 થયો અને રાત્રે ફરી 300ને પાર પહોંચી ગયો. આ સિવાય 29 ઑક્ટોબરે સવારે 9:31 વાગ્યે AQI.inના રીડિંગ પ્રમાણે દિલ્હીમાં AQI 363 નોંધાયો હતો.
આ દરમિયાન 30 ઑક્ટોબરે વરસાદ અને પવનને કારણે દિલ્હીની હવામાં થોડો સુધારો થયો. 3 નવેમ્બરના અહેવાલ પ્રમાણે 30 ઑક્ટોબરે AQI.inનો સરેરાશ આંકડો 124 હતો. પરંતુ આ સ્થિતિ લાંબો સમય ન ટકી. બીજા જ દિવસે એટલે કે 31 ઑક્ટોબરે જ આ આંકડો વધીને 256 થઈ ગયો. 1 નવેમ્બરે દિલ્હીમાં સરેરાશ AQI 369 અને 2 નવેમ્બરે 393 નોંધાયો હતો. 2 નવેમ્બરે જ મહત્તમ રીડિંગ 499 સુધી પહોંચી ગયું હતું.
3 નવેમ્બરે પણ સ્થિતિ કઈંક આવી જ હતી. AQI.inના આંકડા પ્રમાણે સવારે સાડા અગિયાર આસપાસ રાજધાનીનો AQI 464 હતો. જોકે, આ જ દિવસે CPCBના સરેરાશ આંકડા પ્રમાણે દિલ્હીમાં AQI 348 નોંધાયો હતો. આ બંને આંકડા અલગ-અલગ માપન પદ્ધતિ અને સમયગાળાના છે. બીજી તરફ, CPCBના આંકડા પ્રમાણે 1 નવેમ્બરે AQI 261 અને 2 નવેમ્બરે 324 હતો. એટલે કે દિવાળી આવવાને હજુ પાંચ દિવસ બાકી હતા ત્યારે જ દિલ્હીની હવા ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
5 નવેમ્બરના આંકડા પ્રમાણે દિલ્હીમાં સરેરાશ AQI 368 નોંધાયો હતો. આ સિવાય શહેરનાં 18 મોનિટરિંગ સ્ટેશનો પર AQI 400ને પાર પહોંચી ગયો હતો. વિવિધ વિસ્તારોની વાત કરીએ તો 5 નવેમ્બરે જહાંગીરપુરીમાં 459, નૌરોજી નગરમાં 416 અને AIIMS વિસ્તારમાં 402 AQI નોંધાયો હતો. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ તમામ આંકડા દિવાળીના ત્રણ દિવસ પહેલાંના છે.
આ સિવાય 6 નવેમ્બરની સવારે 7 વાગ્યે 24 કલાકનો સરેરાશ AQI 387 નોંધાયો હતો. અને શહેરનાં 28 મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘સીવિયર’ એટલે કે ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 6 નવેમ્બરે જ દિલ્હી-NCRમાં GRAP-3નાં નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યાં હતાં.
વધુમાં જોઈએ તો 7 નવેમ્બરે એટલે કે દિવાળીના એક દિવસ પહેલાં દિલ્હીમાં સરેરાશ AQI 369 નોંધાયો હતો. તે દિવસે 59 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 16 સ્ટેશનો પર AQI 400થી વધુ હતો. 8 નવેમ્બરે દિવાળીના દિવસે સાંજ પહેલાં જ દિલ્હીમાં સરેરાશ AQI 376 નોંધાયો હતો. આ સત્તાવાર CPCBનો 24 કલાકનો સરેરાશ આંકડો હતો. આ ઉપરાંત શહેરનાં અનેક મોનિટરિંગ સ્ટેશનો પર AQI 400થી વધુ હતો. જહાંગીરપુરીમાં 463 અને અન્ય વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી.
દિવાળીની રાત્રે ફટાકડા ફૂટ્યા બાદ આંકડા અગાઉના દિવસો જેવા જ રહ્યા. 9 નવેમ્બરના ઇન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે AQI.inના રિયલ ટાઇમ રીડિંગમાં 9 નવેમ્બરની વહેલી સવારે 1:31 વાગ્યે AQI 1,331 સુધી પહોંચી ગયો હતો. જોકે, આ AQI.inનું રિયલ ટાઇમ રીડિંગ હતું, જ્યારે CPCBનો 8 નવેમ્બરનો સત્તાવાર 24 કલાકનો સરેરાશ AQI 376 હતો. બંને આંકડામાં તફાવત એટલા માટે છે કારણે કે બંનેની ગણતરીની પદ્ધતિ અલગ છે.
આમ, છેલ્લા 15 દિવસના આંકડા સ્પષ્ટ કરે છે કે દિવાળી પહેલાંથી જ દિલ્હીની હવાની ગુણવત્તા કોઈ ખૂબ સારી સ્થિતિમાં નહોતી. 31 ઑક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન જ AQIમાં મોટો ઉછાળો આવી ગયો હતો. 5, 6 અને 7 નવેમ્બરે પણ સ્થિતિ ગંભીર જ હતી. એટલું જ નહીં, દિવાળીના દિવસે ફટાકડા ફૂટે તે પહેલાં જ દિલ્હીના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી.
કહેવાની વાત એટલી છે કે દિલ્હીમાં ફટાકડા છેક દિવાળીના દિવસે 8મી નવેમ્બરે ફૂટ્યા. પરંતુ રાજધાનીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ દિવસો પહેલાંથી વધી રહ્યું હતું. બીજું, દિલ્હી એનસીઆરમાં ફટાકડા પર પહેલેથી ઘણાં નિયંત્રણો છે. માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાય છે, તેમાં પણ અમુક સમયમર્યાદા આપવામાં આવી છે. જ્યારે તેની સરખામણીએ બાકીનાં શહેરોમાં, ગુજરાત સહિત, ઘણા ફટાકડા ફૂટે છે. આ શહેરોમાં પણ દિવાળીની રાત્રે AQI વધ્યો હતો, પણ સવાર થતાં સુધીમાં સ્થિતિ મોટેભાગે પૂર્વવત્ થઈ ગઈ. એટલે ફટાકડાથી પ્રદૂષણ થાય તોય તેની અસર લાંબાગાળા સુધી રહેતી નથી. દિલ્હીમાં પ્રદૂષણની આવી પરિસ્થિતિ છેક ડિસેમ્બર-જાન્યુઆરી સુધી રહેશે. તો એનો અર્થ એ થયો કે પ્રદૂષણ માટે ફટકડા એકમાત્ર કારણ નથી અને ફટાકડાનું યોગદાન નજીવું છે, જો સરખામણી અન્ય કારકો સાથે કરવામાં આવે.
માત્ર ફટાકડા જ નહીં, પ્રદૂષણ પાછળ અનેક કારણો જવાબદાર
જે રીતે મીડિયા રિપોર્ટ્સ અને લેફ્ટ-લિબરલો દિવાળી પછી એક્ટિવ થઈને દિલ્હીના પ્રદૂષણના ઝંડા લઈને ઊભા થઈ ગયા એ જોતાં તો સામાન્ય વ્યક્તિને એમ જ લાગે કે દિલ્હીમાં રાતોરાત પ્રદૂષણ પિક પર પહોંચી ગયું. માહોલ એવો બનાવાયો કે જો દિવાળીમાં હિંદુઓએ ફટાકડા ન ફોડ્યા હોત તો દિલ્હી પ્રદૂષણ મુક્ત થઈ જાત અને AQI સામાન્ય જ રહેત.
પ્રદૂષણ માટે માત્ર ફટાકડા અને દિવાળીને જવાબદાર ગણાવનાર લોકો એ કહેવાનું ભૂલી જાય છે કે દિલ્હીનું પ્રદૂષણ કોઈ એક દિવસ કે એક કારણથી ઊભી થયેલી સમસ્યા નથી. તેની પાછળ અનેક કારણો છે. તેમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક એકમોમાંથી થતું ઉત્સર્જન, બાંધકામનાં સ્થળોએ ઊડતી ધૂળ, રસ્તાઓની ધૂળ, કચરો અને અન્ય પદાર્થો સળગાવવા જેવી બાબતો પણ સામેલ છે.
સૌ જાણે છે તેમ દિલ્હી-NCRમાં વાહનોની સંખ્યા ઘણી વધુ છે. લાખો વાહનો દરરોજ રસ્તાઓ પર દોડે છે અને તેમાંથી નીકળતો ધુમાડો હવામાં પ્રદૂષક તત્વો ઉમેરે છે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો ધુમાડો પણ પ્રદૂષણનું એક મોટું કારણ છે. આ સિવાય શહેરમાં સતત ચાલતાં બાંધકામનાં કામો અને રસ્તાઓ પરની ધૂળ પણ હવાની ગુણવત્તા બગાડે છે.
આ તમામ કારણો ઉપરાંત શિયાળાની શરૂઆત થતાં હવામાનની સ્થિતિના કારણે પણ હવાની ગુણવત્તા બગડે છે. હવામાન બદલાય અને શિયાળો આવે એટલે તાપમાન ઘટે છે, પવનની ગતિ ઓછી થાય છે અને વાતાવરણમાં રહેલા પ્રદૂષિત કણો સરળતાથી ફેલાઈ શકતાં નથી. પરિણામે ધુમાડો અને પ્રદૂષક કણો જમીનની નજીક જ એકઠા થવા લાગે છે.
આ સ્થિતિને ટેકનિકલ ભાષામાં આને ખરાબ વેન્ટિલેશન કહે છે, જ્યાં હવા રૂંધાઈ જાય છે. ધીમા પવનને લીધે પ્રદૂષણના કણો જમીનની સપાટીની આસપાસ જ એકઠા થયા કરે છે અને ધુમ્મસ સાથે મળીને હવાને પ્રદૂષિત બનાવી દે છે. આ જ કારણ છે કે શિયાળામાં દિલ્હીની આબોહવા અચાનક વધુ ખરાબ થઈ જાય છે.
આટલું બધું છતાં, વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ પ્રદૂષણની ચર્ચા થાય છે ત્યારે બધો જ દોષ માત્ર દિવાળીના ફટાકડા પર ઢોળી દેવામાં આવે છે. વાહનવ્યવહાર, ઉદ્યોગો, બાંધકામ અને બદલાતી ઋતુના આ ગંભીર મુદ્દાઓને અવગણીને કરીને માત્ર એક જ તહેવારને ટાર્ગેટ કરવાથી આ સમસ્યાનો ક્યારેય ઉકેલ નહીં મળે.
દિલ્હીના પ્રદૂષણમાં પરાળનો ફાળો, પંજાબમાં દર વર્ષે સળગે છે ખેતરો
દિલ્હીના પ્રદૂષણની વાત નીકળે એટલે પંજાબ અને હરિયાણામાં ખેતરોમાં સળગતી પરાળનો મુદ્દો સૌથી પહેલાં ચર્ચામાં આવે છે. ડાંગર કાપ્યા પછી ખેતરમાં વધેલા કચરાનો સહેલો નિકાલ કરવા માટે ઘણા ખેડૂતો તેને સળગાવી દે છે, જેનાથી નીકળતો ધુમાડો અને PM2.5 જેવા ઝેરી કણો સીધા વાતાવરણમાં ભળી જાય છે.
જ્યારે પવનની દિશા અનુકૂળ હોય ત્યારે પંજાબના ખેતરોમાંથી ઉઠતો આ ધુમાડો સીધો દિલ્હી-NCR સુધી પહોંચી જાય છે. ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં જ્યારે પવનની ગતિ એકદમ ધીમી હોય અને પ્રદૂષણને બહાર નીકળવાની જગ્યા ન મળતી હોય, ત્યારે આ સમસ્યા વધુ ભયાવહ બને છે.
આ વર્ષે પણ આ જ ચિત્ર જોવા મળ્યું છે. ‘ઇન્ડિયા ટૂડે’ના 3 નવેમ્બરના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ડીસીઝન સપોર્ટ સિસ્ટમએ મોટો ખુલાસો કર્યો હતો કે 2 નવેમ્બરે દિલ્હીના PM2.5 પ્રદૂષણમાં પરાળના ધુમાડાનો હિસ્સો 8.58% હતો, જે 3 નવેમ્બરે વધીને 15.30% સુધી પહોંચવાની સંભાવના હતી.
જોકે આ આંકડો અહીં અટક્યો નહીં, પરંતુ 4 નવેમ્બરે વધીને 20.05% અને 5 નવેમ્બરે સીધો 22.20% પર પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. માત્ર 2 નવેમ્બરે જ સેટેલાઈટ દ્વારા પંજાબમાં પરાળ સળગાવવાની 98 ઘટનાઓ નોંધાઈ હતી અને 15 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધીમાં રાજ્યમાં કુલ 1,612 આગની ઘટનાઓ નોંધાઈ ચૂકી હતી.
‘ઇન્ડિયા ટુડે’ના 9 નવેમ્બરના રિપોર્ટ પ્રમાણે, 8 નવેમ્બર એટલે કે દિવાળીના દિવસે જ પંજાબમાં પરાળ સળગાવવાની રેકોર્ડબ્રેક 1,152 ઘટનાઓ નોંધાઈ હતી, જે આખી સિઝનનો એક દિવસનો સૌથી મોટો આંકડો હતો. આ સાથે કુલ ઘટનાઓનો આંકડો 4,459 પર પહોંચ્યો હતો, જેમાંથી 2,998 સ્થળોની તપાસ કરીને 1,317 જગ્યાએ પરાળ સળગવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.
એક તરફ જ્યારે દિવાળીના ફટાકડા પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ પંજાબના ખેતરોમાં એક જ દિવસમાં થયેલી આ હજારો આગની ઘટનાઓ વાસ્તવિકતા દર્શાવતી હતી. એ ખરું કે દિલ્હીના AQI પર તેની ચોક્કસ અસર પવનની દિશા અને હવામાન પર આધાર રાખે છે, પરંતુ પરાળ સળગાવવાની આ ગંભીર સમસ્યાને અવગણી શકાય તેમ નથી.
નોંધનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પરાળ સળગાવવાની સમસ્યાનો ઉકેલ લાવવાને લઈને અનેક વાયદા કરવામાં આવ્યા હતા. અગાઉ દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર હતી અને ત્યાં પણ પરાળ સળગાવવાની સમસ્યા અંગે વિવિધ યોજનાઓ અને ઉપાયો જાહેર કરવામાં આવ્યા હતા. પછીથી જ્યારે ભાજપ સરકાર આવી અને જૂની ફાઈલો ખોલવામાં આવી ત્યારે ખબર પડી કે કરોડો રૂપિયાનો ખર્ચો આ દવા બનાવવાની જાહેરાતો પાછળ થયો હતો, દવા તો તૈયાર જ નહતી થઈ.
હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે. તેમ છતાં પરાળ સળગાવવાની ઘટનાઓ દર વર્ષે સામે આવે છે. સરકાર દ્વારા વાયદા કરવામાં આવે છે, યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને પરાળનો નિકાલ કરવા માટે અસરકારક અને વ્યવહારુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં કેટલું કામ થયું છે તે મહત્વનો સવાલ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની સરકાર પોતાની નિષ્ફળતાઓ માટે કેન્દ્ર અને પાડોશી રાજ્યોને દોષ આપતી રહે છે.
દિલ્હીના પ્રદૂષણને લઈને દર વર્ષે એક જ પ્રકારની ચર્ચા થાય છે. દિવાળી આવે ત્યારે ફટાકડાની ચર્ચા શરૂ થાય છે. પરાળ સળગાવવાની ઘટનાઓ સામે આવે ત્યારે પંજાબ અને હરિયાણાની સરકારો પર સવાલો ઊઠે છે. વાહનો અને બાંધકામની ધૂળની વાત આવે ત્યારે સ્થાનિક તંત્રની જવાબદારીની ચર્ચા થાય છે. આમ, પ્રદૂષણનાં કારણો અંગે અલગ-અલગ દલીલો થતી રહે છે. પરંતુ આ બધી દલીલો વચ્ચે મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલું કામ થાય છે તે વધુ મહત્વનો સવાલ છે. પ્રદૂષણ ઘટાડવું હોય તો તમામ કારણો સામે એકસાથે અને સતત કાર્યવાહી કરવી પડશે.
દિવાળી પહેલાંથી જ દિલ્હીની હવા ખરાબ હતી, તો પછી નિશાન પર માત્ર હિંદુઓનો તહેવાર કેમ?
દિલ્હીમાં દિવાળી ટાણે ફટાકડા ફૂટવાથી પ્રદૂષણ વધ્યું હોય તો તેની ચર્ચા થવી સાવ સ્વાભાવિક છે, પરંતુ એ વાત ભૂલી ન શકાય કે દિવાળીના દીવા પ્રગટે તે પહેલાં જ દિલ્હીની હવા ખૂબ જ બગડી ચૂકી હતી. ઉપલબ્ધ આંકડાઓ સાક્ષી પૂરે છે કે 26 ઑક્ટોબરથી 9 નવેમ્બર વચ્ચેના દિવસોમાં, ખાસ કરીને 5, 6 અને 7 નવેમ્બરના રોજ તો હવાની ગુણવત્તા અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ હતી.
એ વાતને નકારી ન શકાય કે ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે, પરંતુ આખી સમસ્યાનું એકમાત્ર કારણ માત્ર ફટાકડા જ છે તેવું માનવું એ હકીકતથી મોં ફેરવવા જેવું છે. વાસ્તવમાં વાહનોનો ધુમાડો, કારખાનાઓ, બાંધકામની ધૂળ, પરાળ સળગાવવાની ઘટનાઓ અને શિયાળાની પ્રતિકૂળ આબોહવા જેવાં અનેક પરિબળો આ ઝેરી પ્રદૂષણ માટે સરખા ભાગે જવાબદાર છે.
દુર્ભાગ્યની વાત એ છે કે દર વર્ષે જ્યારે પણ હિંદુઓનો મોટો તહેવાર આવે છે ત્યારે જાણીજોઈને તેને જ નિશાન બનાવે છે અને તહેવાર સાથે નકારાત્મક વાતો જોડી દેવામાં આવે છે. બાકીના આખા વર્ષ દરમિયાન પ્રદૂષણના અન્ય ગંભીર કારણો સામે ક્યારેય આટલી તીવ્રતાથી સવાલો ઉઠાવવામાં આવતા નથી.
દિલ્હીની જનતાને શુદ્ધ અને સ્વચ્છ હવા જોઈએ છે, જે માટે માત્ર કોઈ એક તહેવાર કે ફટાકડા પર દોષનો ટોપલો ઢોળવાને બદલે પ્રદૂષણના દરેક મૂળ કારણ સામે નક્કર અને કાયમી કાર્યવાહી કરવી પડશે. દિવાળી પહેલાંથી જ બગડેલી હવાના અસલ કારણોને બાજુ પર મૂકીને દર વર્ષે માત્ર એક જ તહેવારને દોષી ઠેરવવો એ આખી સમસ્યાને એકતરફી રીતે રજૂ કરવા સમાન છે.


