હોમપેજએક્સપ્લેઇનરફ્રાન્સથી ભારત સુધી: દુનિયાભરમાં થતાં પ્રદર્શનો પાછળ ગ્લોબલ નેટવર્ક કામ કરી રહ્યું...

ફ્રાન્સથી ભારત સુધી: દુનિયાભરમાં થતાં પ્રદર્શનો પાછળ ગ્લોબલ નેટવર્ક કામ કરી રહ્યું છે?

એક જ સમયે પણ બે અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ મુદ્દે અને અલગ-અલગ સંગઠનોના નેતૃત્વ હેઠળ બનેલી આ ઘટનાઓ અને આંદોલનો વચ્ચે પહેલી નજરે કોઈ સામ્યતા ન દેખાય, પરંતુ હકીકતે સાવ એવું નથી એ વાત ફોકસ ન્યૂઝની એક તપાસમાં બહાર આવી છે.

- Advertisement -

મે 2026માં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એક અદાલતની સુનાવણી દરમ્યાન કરેલી અમુક ટિપ્પણીઓને ખોટી રીતે ટાંકીને સમાચાર અહેવાલો ફરતા થયા પછી ન્યાયાધીશે દેશના યુવાનોને ‘કોકરોચ’ કહ્યા એ બહાનું ધરીને ‘કોકરોચ જનતા પાર્ટી’ બનાવવામાં આવી, જે પછી જૂન-જુલાઈમાં દિલ્હીમાં આંદોલને ચડી. 20મી જુલાઈએ પરવાનગી ન હોવા છતાં જંતર-મંતર પરથી સંસદ ભવન સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિંસા અને અરાજકતા ફેલાયાં. સુરક્ષાબળો પર હુમલા થયા. ત્યારબાદ શિક્ષણ પ્રધાનના રાજીનામા પછી આંદોલન બંધ થયું. કોકરોચ જનતા પાર્ટીના માણસો થોડો સમય સુષુપ્તાવસ્થામાં રહ્યા પછી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ફરી સક્રિય થયા અને આંદોલન કરવાનો પ્રયાસ કર્યો પણ આ વખતે રાજનીતિક મુદ્દો અને રાજનીતિક પાર્ટીઓના ઓછા સહયોગના કારણે ટોળાના અભાવે અને દિલ્હી પોલીસે કડક હાથે કામ લીધું હોવાના કારણે એ શક્ય ન બન્યું.

બરાબર આ જ ગાળામાં હજારો કિલોમીટર દૂર ફ્રાન્સમાં પ્રદર્શનો થતાં હતાં. અહીં એક હાઈસ્કૂલમાં શિક્ષકોની ઘટ, વર્ગખંડમાં મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ જેવી અમુક ફરિયાદો મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું. ત્યારબાદ આંદોલન વધારે પ્રસર્યું અને અન્ય કેમ્પસો સુધી પહોંચ્યું. પછીથી તેમાં શિક્ષણ બજેટમાં કાપ વગેરે મુદ્દાઓ ઉમેરાયા. પછીથી સંગઠનો જોડાયાં, પ્રદર્શનને મોટું સ્વરૂપ મળ્યું અને આખરે ફ્રાન્સમાં દર વખતે થાય છે એમ ઇસ્લામિસ્ટો-વામપંથીઓએ પ્રદર્શનો હાઇજેક કરીને હિંસા આચરી, ઉપદ્રવ મચાવ્યો. પાટનગર પેરિસ સહિતનાં અનેક શહેરો તેનાં ભોગ બન્યાં.

એક જ સમયે પણ બે અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ મુદ્દે અને અલગ-અલગ સંગઠનોના નેતૃત્વ હેઠળ બનેલી આ ઘટનાઓ અને આંદોલનો વચ્ચે પહેલી નજરે કોઈ સામ્યતા ન દેખાય, પરંતુ હકીકતે સાવ એવું નથી એ વાત ફોકસ ન્યૂઝની એક તપાસમાં બહાર આવી છે.

- Advertisement -

ફોક્સ ન્યૂઝે હમણાં અમુક અહેવાલો પ્રકાશિત કર્યા છે, જે કહે છે કે ફ્રાન્સમાં પ્રદર્શનો થયાં, જે પછીથી હિંસામાં ફેરવાઈ ગયાં તેની પાછળ લગભગ નવ દેશોનાં 101 જેટલાં સંગઠનો જોડાયેલાં હતાં. દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલાં આ સંગઠનો અને સંસ્થાઓમાં રાજકીય જૂથો, વિદ્યાર્થીઓનાં સંગઠનો, એક્ટિવિસ્ટ ગ્રુપ, ટ્રેડ યુનિયન, મીડિયા સંસ્થાઓ વગેરે સામેલ છે અને તમામ મળીને એક નેટવર્ક બનાવે છે.

આ આખા નેટવર્કને ફોક્સ ન્યૂઝ ‘ગ્રીન-રેડ અલાયન્સ’ તરીકે ઓળખાવે છે. રેડ એટલે વામપંથીઓના સંદર્ભમાં. ગ્રીનનો સંદર્ભ ઇસ્લામવાદીઓ સાથે છે. ડાબેરી અંતિમવાદી, સામ્યવાદી કે ઇસ્લામવાદી વિચારધારા સાથે સંકળાયેલાં આ સંગઠનોમાંથી દરેકની નેટવર્કમાં ભૂમિકા જુદી-જુદી છે અને તમામ મળીને આખી એક ‘પ્રોટેસ્ટ ઈકોસિસ્ટમ’ તૈયાર કરે છે, જે એકબીજા સાથે સંકલનમાં રહીને યુરોપ, ફ્રાન્સ અને ભારત સહિતના દેશોમાં આવાં પ્રદર્શનો ભડકાવવાનું, તેને ફેલાવવાનું કામ કરી રહી છે.

ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે?

અહીં દરેક સંગઠનની, વ્યક્તિની ભૂમિકા અલગ-અલગ હોય છે. તમામ પ્રદર્શનમાં સીધી રીતે ભાગ લેતાં નથી. અમુક સીધી રીતે પ્રદર્શનમાં જોડાય છે, બાકીનાં અમુક તેમને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડે છે. અમુક આ કાર્યક્રમોનો ફેલાવો કરે છે, તેને સોશિયલ મીડિયા અને મીડિયામાં પ્રસરાવે છે, જનસમર્થન એકઠું કરવાનું, સહાનુભૂતિનો પવન વાળવાનું કામ કરે છે. મીડિયા નરેટિવ ઘડે છે. સોશિયલ મીડિયા પર ચોક્કસ નરેટિવ સ્થાપિત કરવામાં આવે છે.

ફ્રાન્સમાં પ્રદર્શનો થયાં એ સ્વયંસ્ફુરિત હતાં અને લોકો આપમેળે રસ્તા પર ઉતરી આવ્યા એ માનવાની ભૂલ કરવા જેવી નથી. દુનિયામાં ક્યાંય કોઈ આંદોલન સ્વયંસ્ફુરિત હોતું નથી. સારા-નરસા દરેક આશય માટે લોકોને એકઠા કરવા માટે ચોક્કસ સિસ્ટમ વિકસાવવી પડે છે.

ફ્રાન્સનાં પ્રદર્શનો કઈ રીતે થયાં?

ફ્રાન્સમાં આના માટે એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી હતી. 17octobregiletjaune.net નામની આ વેબસાઈટ પર લોજિસ્ટિક, કમ્યુનિકેશન, પાર્ટિસિપેશન વગેરે દરેકની ચર્ચા થતી હતી. ઓનલાઇન રજિસ્ટ્રેશન રેકોર્ડ ચકાસવામાં આવ્યા તો જાણવા મળ્યું કે ડોમેઈન 15 સપ્ટેમ્બરે જ રજિસ્ટર થયું હતું અને એ પણ કોઈ અજાણ્યા યુઝર દ્વારા.

આ સિવાય લોકો એકઠા કરવા માટે ટેલિગ્રામ મેસેજિંગ ચેનલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચેનલો મારફતે આ સંગઠનો સૂચનાઓ પ્રદર્શનકારીઓના મોટા વર્ગ સુધી એક જ સમયે એકસાથે પહોંચાડી શકતા હતા, સામગ્રીઓ પહોંચાડી શકતા હતા.

ફ્રાન્સમાં પ્રદર્શનોને નામે મોટાપાયે હિંસા આચરવામાં આવી હતી (ફોટો- AFP)

17 ઑક્ટોબરે ધમાલ થયા પછી એક્ટિવિસ્ટોની ટોળકીએ 24 ઑક્ટોબરે બીજા એક રાઉન્ડની ઘોષણા કરી છે. જેના માટે ડિજિટલ મેપ ફેરવવામાં આવી રહ્યા છે, જેમાં કયાં-કયાં સ્થળોને ટાર્ગેટ કરવાં તેની વિગતો આપવામાં આવી છે. યાદ રહે, બે દિવસ પહેલાં એક સમાચાર આવ્યા હતા કે પેરિસમાં ઉપદ્રવીઓએ મેકડોનાલ્ડ્સનો એક સ્ટોર ફૂંકી માર્યો હતો, પણ તેની બાજુમાં જ આવેલા એક ફૂડ સ્ટોરને એક કાંકરીનું પણ નુકસાન નહતું થયું. આ સ્ટોર હલાલ ફૂડ સ્ટોર છે અને તેનો માલિક શોએબ છે. પ્રદર્શનકારીઓને કોને ટાર્ગેટ કરવાના છે અને કોને નહીં તેની સ્પષ્ટ સૂચના હોય તો જ આ બની શકે.

હવે સામ્યવાદી-સમાજવાદી યુવાનોના સંગઠનોનું એક જૂથ 20 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે દેશમાં જે કંઈ સમસ્યા છે એ મૂડીવાદના કારણે નથી પરંતુ સિસ્ટમ નિષ્ફળ જવાના કારણે છે એટલે હવે સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર લાવવાની જરૂર છે. થોડા ભારત તરફ આવીએ તો આપણે ત્યાંના કોકરોચો આવી જ ક્રાંતિ લાવવાની અને સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર લાવવાની વાત કરતા હતા. કઈ રીતે ફેરફાર આવશે એ તેમને આજની તારીખે ખબર નથી કારણ કે તેમણે ફેરફાર લાવવા નથી, ઉત્પાત મચાવવો છે. એવું જ ફ્રાન્સનું છે.

ફ્રાન્સમાં મૂળ તો વિદ્યાર્થીઓના અને શાળાઓની હાલતના મુદ્દે આંદોલનો શરૂ થયાં હતાં તે પછીથી આગળ જઈને તેમાં ઘણું ઉમેરાયું અને હવે વાત મૂડીવાદ, સંરક્ષણવાદ વગેરે પર પહોંચી ગઈ છે.

ભારત સાથે શું કનેક્શન?

ફ્રાન્સમાં એક વિદ્યાર્થીઓ, રિસર્ચરો અને પ્રોફેશનલોનું એક સંગઠન છે, ઇન્ડિયન એલાયન્સ પેરિસ. આ સંગઠન પણ આ નેટવર્કમાં ઘણું સક્રિય છે. આ સંગઠન સતત ભારત અને ફ્રાન્સનાં પ્રદર્શનને એક ત્રાજવે મૂકવાના પ્રયાસો કરી રહ્યું છે, જેથી બંને વચ્ચે સેતુ બાંધી શકાય અને નરેટિવ સ્થાપી શકાય.

આ જ સંગઠને થોડા સમય પહેલાં X પર એક પોસ્ટ કરી હતી, જેમાં ફ્રાન્સનાં પ્રદર્શનોને સમર્થન જાહેર કરીને તેની સરખામણી ભારતમાં ચાલતાં પ્રદર્શનો સાથે કરી હતી. 7 ઑક્ટોબરની એક પોસ્ટમાં ઇન્ડિયન અલાયન્સ પેરિસ લખે છે, ‘ટૂ જેન ઝી: ઇન ફ્રાન્સ. ઇન ઇન્ડિયા. બ્રાવો ફોર ટુડે.’

આ જ ઇન્ડિયન અલાયન્સ પેરિસની સાંઠગાંઠ અમેરિકાના એક એક્ટિવિસ્ટ ઓર્ગેનાઈઝેશન ‘ધ પીપલ્સ ફોરમ’ સાથે પણ છે. આ પીપલ્સ ફોરમ હાડોહાડ ભારતવિરોધી અને હિંદુવિરોધી છે. જે કાયમ કાશ્મીર પર ભારતવિરોધી પ્રોપગેન્ડા ફેલાવતું રહે છે. વડા પ્રધાન મોદી સાથે પણ આ સંગઠનને વેર છે. સતત સરકાર વિરુદ્ધ, ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવતું રહે છે.

અન્ય એક સંગઠન છે ‘પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ’. 16 ઑક્ટોબરે પ્રકાશિત એક બ્રીફિંગમાં આ સંગઠન ફ્રાન્સ, સ્પેન, ભારત અને અલ્બેનિયામાં થયેલાં પ્રદર્શનોની ચર્ચા કરીને લખે છે કે શું આ બળવો કરનારાઓ સત્તા મેળવીને જે કોઈ સમસ્યાઓ છે તેનું સમાધાન લાવી શકે કે કેમ. ત્યારબાદ સ્વીકાર્યું કે સંગઠન આવી જ શક્તિઓને ખુલ્લું સમર્થન આપી રહ્યું છે.

આ જ રિપોર્ટમાં ભારતના જંતર-મંતર પ્રદર્શનનો પણ ઉલ્લેખ છે, જેના વિશે કહેવામાં આવ્યું કે ભારતમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવતી મતદાર યાદીમાંથી એકસાથે મોટી સંખ્યામાં લોકોનો મતાધિકાર છીનવી લેવામાં આવતાં ભારતમાં મોટાપાયે પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યારે હકીકત સદંતર અલગ છે. મતાધિકાર આંચકી લેવામાં આવ્યો હોય તેવા કેટલા લોકો બહાર આવ્યા? જેઓ પ્રદર્શનમાં જોડાયા છે તેમના ઇરાદાઓ તો જુદા છે.

નેવિલ રોય સિંઘમના પૈસે ચાલતાં સંગઠનો નેટવર્કના મૂળમાં

આ ચિત્રમાં નેવિલ રોય સિંઘમ નામના એક અમેરિકન મૂળના ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોરનું નામ આવે છે. હાલ તે ચીનના શાંઘાઈમાં રહે છે. સિંઘમનું નામ ભૂતકાળમાં ભારતવિરોધી ચીની પ્રોપગેન્ડા ફેલાવવાનું આખું કારસ્તાન બહાર આવ્યું ત્યારે બહુ ચગ્યું હતું. સિંઘમે ભારતમાં પ્રોપગેન્ડા ફરતો કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે, જેની લિન્ક હવે ફ્રાન્સનાં પ્રદર્શનોમાં પણ જોવા મળી છે.

ફોક્સ ન્યૂઝે જે સંગઠનો પકડી પાડ્યાં છે તેમાં સિંઘમે ફન્ડિંગ પૂરું પાડ્યું હોય તેવાં ઘણાં સંગઠન અને સંસ્થાઓ સામેલ છે. આમાંથી એક છે બ્રેકથ્રુ ન્યૂઝ. જેને સિંઘમે લાખો ડોલર ધેરવ્યા છે. આ મીડિયા આઉટલેટ સતત ભારત અને ફ્રાન્સનાં પ્રદર્શનોને લેફ્ટના દૃષ્ટિકોણથી રજૂ કરતું રહ્યું છે અને સતત પ્રદર્શનો પાછળનો મૂળ એજન્ડા ફેલાવતું રહ્યું છે. આઉટલેટ પોતાને નિષ્પક્ષ ગણાવતું રહે છે પણ તેનું મૂળ કામ સતત પ્રો-ચાઇના પ્રોપગેન્ડાને હવા આપવાનું રહ્યું છે. સિંઘમે તેના માટે 1.1 મિલિયન ડોલર ફાળવ્યા હતા.

આ મીડિયા આઉટલેટ સતત પ્રો-પેલેસ્ટાઇન, પ્રો ક્યુબા, એન્ટી ઇઝરાયેલ, એન્ટી ઇન્ડિયા પ્રોપગેન્ડા ફેલાવતું રહે છે. ચીનની વિદેશ નીતિને સરળ રહે એ પ્રમાણે કામ કરતું રહે છે. હમણાં તેનું કામ ફ્રાન્સ અને ભારતમાં ચાલતાં પ્રદર્શનોને ગ્લોરિફાય કરવાનું રહ્યું છે.

નેવિલ રોય સિંઘમ

આ સિવાય એક ‘કોડપિન્ક’ નામની સંસ્થા છે, જેની સ્થાપના સિંઘમની પત્નીએ કરી હતી. ‘પાર્ટી ફોર સોશિયલિઝમ એન્ડ લિબરેશન’ નામનું એક એમેરિકન ઓર્ગેનાઇઝેશન પણ સિંઘમ પાસેથી ફન્ડિંગ મેળવે છે. ઉપર જેના વિશે વાત કરી એ અમેરિકાના ‘પીપલ્સ ફોરમ’ને પણ નેવિલ રોય સિંઘમ તરફથી તગડું ફન્ડિંગ મળતું રહે છે.

અન્ય એક ‘ટ્રાયકોન્ટિનેન્ટલ’ નામનું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જેને પણ સિંઘમ પાસેથી પૈસા મળે છે. વિજય પ્રશાદ નામનો ભારતીય મૂળનો એક માર્ક્સવાદી પત્રકાર તેનો ડાયરેક્ટર છે. તેણે 18 ઑક્ટોબરના રોજ એક પોસ્ટ કરી હતી જેમાં ફ્રાન્સ, ભારત અને આર્જેન્ટિનાના પાટનગરનો ઉલ્લેખ કરીને તમામ ઠેકાણે ચાલતાં પ્રદર્શનોને એકસૂત્રમાં જોડ્યાં અને મહિમામંડન કર્યું હતું.

14 ઑક્ટોબરે સિંઘમની પત્ની અને ‘કોડપિન્ક’ની સહસ્થાપક જોડી ઇવાન્સે બ્રેકથ્રુને જ એક ઇન્ટરવ્યુ આપતી વખતે કહ્યું, ‘હું લોકોને કહેવા માગું છું કે તેઓ ફ્રાન્સ, સ્પેન અને ભારત તરફ જુએ અને પોતાને પૂછે, ‘આપણે ક્યાં છીએ? આપણે રસ્તા પર કેમ નથી ઉતરી રહ્યા?’

…ત્યારે પ્રદર્શન માત્ર પ્રદર્શન રહેતાં નથી

આનો ટૂંકસાર એ છે કે ફ્રાન્સમાં કે ભારતમાં થતાં પ્રદર્શનો કોઈ એક સંગઠન દ્વારા સંચાલિત કરવામાં આવતાં હોય કે દરેક પ્રદર્શનકારી એક ઇન્ટરનેશનલ નેટવર્કની સૂચના પર કામ કરતો હોય એમ નથી. પરંતુ આનાથી એ સમજાય છે કે ઇકોસિસ્ટમ કઈ રીતે કામ કરે છે અને નરેટિવ કઈ રીતે સ્થાપિત થાય છે. અમુક ચોક્કસ વિચારો કઈ રીતે સમાજમાં પ્રસ્થાપિત કરી શકાય છે અને તેને ધરાર વિશ્વસનીય ઠેરવી શકાય છે.

આ જ ઇકોસિસ્ટમ પછીથી જે મુદ્દે પ્રદર્શનો થઈ રહ્યાં હોય તેને મુખ્યધારામાં વિશ્વસનીય સાબિત કરવાનું કામ કરે છે. એક સંગઠન પ્રદર્શન કરે છે, તેને અન્ય અમુક સંગઠનો ભીડ એકઠી કરવામાં મદદ કરે છે, અમુક ઉપદ્રવીઓ ઘૂસે છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેને ક્રાંતિમાં ખપાવવામાં આવે છે, રાજકીય જૂથો તેને યોગ્ય ઠેરવીને સત્તા પર દબાણ લાવે છે અને મીડિયા આ બધું પ્રસરાવે છે, જે પછીથી ઇન્ટરનેશનલ મીડિયા ઉપાડી લે છે અને પોતાની રીતે એજન્ડા સેટ કરવા માટે ચલાવે છે.

આ સંજોગોમાં પ્રદર્શન માત્ર પ્રદર્શન રહેતાં નથી કે કોઈ એક દેશ પૂરતાં સીમિત રહેતાં નથી. તેની દુરોગામી અસરો ઘણી અને ઘણે દૂર સુધીની હોય છે. આપણને એકાદ-બે સંગઠનો ન્યાયની માંગ કરવા માટે રસ્તા પર ઉતરેલાં લાગી શકે, પણ તેઓ કોનાં મહોરાં બનીને જાણ્યે-અજાણ્યે કામ કરે છે એ બધી વિગતો જાહેર માધ્યમમાં આવતી નથી. ઉપર કહ્યું એમ, ક્યારેય કોઈ પ્રદર્શન સ્વયંસ્ફુરિત હોતું નથી, દરેક પાછળ કોઈ આશય હોય છે. જ્યારે કોઈ ગ્લોબલ ઇકોસિસ્ટમ તેની પાછળ હોય ત્યારે તે માત્ર આંદોલન બની રહેતાં નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એજન્ડા ગોઠવવાનું માધ્યમ બની રહે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં