
દિલ્હીમાં CJPના શીર્ષ કોકરોચો સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે, 21 ઑક્ટોબર 2026ના રોજ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે બંનેને રજૂ કરવામાં આવેલા જામીનદારો સ્વીકાર્યા બાદ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) ઋતુરાજ SEM તરીકે કાર્યરત હતા. દિલ્હી પોલીસે અગાઉ બંનેની કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવવાની માગ કરી હતી.
13 ઑક્ટોબરે જંતર-મંતર પરથી અટકાયત
દિલ્હી પોલીસે 13 ઑક્ટોબરે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી હતી. બંનેએ બેરિકેડ લગાવીને બંધ કરવામાં આવેલા જંતર-મંતરના સ્થળના ગેટ કૂદીને અંદર ઘૂસી હોબાળો કરવાનો આરોપ છે. ત્યારબાદ 14 ઑક્ટોબરે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 19 ઑક્ટોબરે કોર્ટે તેમની કસ્ટડી વધુ બે દિવસ લંબાવી હતી.
19 ઑક્ટોબરના આદેશમાં SEM કોર્ટે બંનેના વર્તન અંગે ગંભીર ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તેમના વર્તનથી કાયદા પ્રત્યે આદરનો અભાવ દેખાય છે અને તેઓ શાંતિ તથા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે તેવી ચિંતા છે. કોર્ટે પ્રતિબંધિત વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન માટે આહ્વાન કરવાના તેમના વર્તનને પણ નોંધ્યું હતું. આ દરમિયાન કોર્ટે અગાઉ રજૂ કરવામાં આવેલા જામીનદારોને અયોગ્ય ગણીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હી હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો મામલો
SEM કોર્ટના 19 ઑક્ટોબરના આદેશને સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, હાઇકોર્ટે બંનેને ફટકાર લગાવ્યા બાદ હાઇકોર્ટમાં દાખલ કરેલી રિટ પિટિશન પાછી ખેંચી લીધી હતી.
બે દિવસની વધારાની કસ્ટડીનો સમય પૂરો થતાં 21 ઑક્ટોબરે બંનેને ફરી SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમના જામીનદારો સ્વીકારીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

