અમેરિકામાં હિંદુ મંદિર પર સામૂહિક ગોળીબારના ષડયંત્રનો મામલો, 105 સાંસદોએ FBI ડિરેક્ટર કાશ પટેલને લખ્યો પત્ર: હેટ ક્રાઇમ તરીકે તપાસની માગ

અમેરિકાના ઇલિનોય રાજ્યના ઓરોરા શહેરમાં આવેલ પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી (બાલાજી) હિંદુ મંદિર પર સામૂહિક ગોળીબાર કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ વિદેશમાં વસતા ભારતીય અને હિંદુ સમુદાયમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ હુમલાના પ્રયાસ બાદ 105 અમેરિકન સાંસદોએ FBIના ડિરેક્ટર કાશ પટેલને પત્ર લખીને કડક કાર્યવાહીની માગ કરી છે. આ પત્રમાં સમગ્ર મામલાની ફેડરલ હેટ ક્રાઇમ તરીકે તપાસ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ વિનંતીનું નેતૃત્વ ઇલિનોયના ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિંદુ સમુદાયને નિશાન બનાવતી ધમકીઓની ગંભીરતાને જરાય ન અવગણી શકાય. આ ગંભીર ઘટના બાદ સાંસદોએ પત્ર લખીને FBI પાસેથી તપાસની પ્રગતિનો રિપોર્ટ માગ્યો છે. સાથે જ અમેરિકામાં આવેલા તમામ હિંદુ ધાર્મિક સ્થળો તથા અન્ય લઘુમતી સમુદાયોના મંદિરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શું કાનૂની પગલાં લેવામાં આવી રહ્યાં છે તે અંગે પણ જવાબ માગ્યો છે.

શું હતી ઘટના?

નોંધનીય છે કે આ ઘટના 11 ઑક્ટોબર 2026ના રોજ બની હતી. 19 વર્ષીય કટ્ટરપંથી એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ ઓરોરા ખાતેના હિંદુ મંદિર પાસે પહોંચ્યો હતો અને ત્યાં હાજર ભક્તો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદ્ભાગ્યે તે સમયે તેની રાઇફલમાં ટેકનિકલ ખામી સર્જાતાં રાઇફલ જામ થઈ ગઈ હતી અને આ હુમલો ટળી ગયો હતો. ત્યારબાદ આરોપીએ ફરી હુમલો કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી, પરંતુ તેના એક સહકર્મીએ જાગૃતિ દાખવી પોલીસને જાણ કરતા સમયસર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

નોંધનીય છે કે જે સમયે આ ઘટના બની ત્યારે અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને તેમનો પરિવાર તે જ મંદિરમાં પૂજા-અર્ચના કરી રહ્યા હતા. પોતાની આંખો સામે બનેલી આ ઘટના અંગે સાંસદે જણાવ્યું હતું કે, જ્યારે તેમનો પરિવાર ભક્તિભાવમાં લીન હતો ત્યારે જ આ ઘાતક હુમલાની યોજના ઘડાઈ રહી હતી, જે દર્શાવે છે કે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા તત્વો હિંદુ સમુદાયની આસ્થા પર સીધો પ્રહાર કરવા માંગે છે.

વ્હાઇટ સુપ્રીમસી અને નાઝી વિચારધારાના દસ્તાવેજ

પોલીસે જ્યારે કટ્ટરપંથી આરોપીના નિવાસસ્થાને દરોડા પાડ્યા ત્યારે આરોપીના ઘરેથી એક ઘાતક રાઇફલ, સેંકડો જીવંત કારતૂસ, બોડી આર્મર અને વ્હાઇટ સુપ્રીમસી તથા નિયો-નાઝી વિચારધારા સાથે જોડાયેલાં વિવાદિત ચિહ્નો મળી આવ્યાં હતાં. એટલું જ નહીં, તપાસકર્તાઓને આઠ પાનાંનો એક દસ્તાવેજ પણ મળ્યો હતો, જેમાં વ્હાઇટ સુપ્રીમસી વિચારો વ્યક્ત કરીને ભારતીય મૂળના લોકો અને હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા આચરવાનું ખુલ્લું આહ્વાન કરવામાં આવ્યું હતું.

આરોપી સામે હાલમાં આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો રાખવા સહિતની વિવિધ આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, અમેરિકી સાંસદો અને હિંદુ સમુદાયની સ્પષ્ટ માગ છે કે આને માત્ર હથિયારના ગુના સુધી સીમિત ન રાખતા હિંદુઓ વિરુદ્ધની નફરતથી પ્રેરિત આતંકવાદી ષડયંત્ર તરીકે જોવામાં આવે. કોર્ટમાં આ તમામ પુરાવા રજૂ કરીને તેને સખતમાં સખત સજા થાય તે માટે કાયદાકીય પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

ભારતીય સમુદાયને મળતી ઓનલાઈન ધમકીઓ અંગે પણ પ્રશ્નો

સાંસદોએ FBIને લખેલા પત્રમાં અમેરિકામાં ભારતીય, હિંદુ, શીખ અને અન્ય દક્ષિણ એશિયાઈ સમુદાયોને સતત મળતી ઓનલાઇન નફરતી ધમકીઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. FBIને પૂછવામાં આવ્યું છે કે શું આ કટ્ટરપંથી હુમલાખોરને ઓનલાઇન માધ્યમથી કોઈ આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક નેટવર્ક દ્વારા મદદ, ભંડોળ કે ટાર્ગેટ પસંદ કરવામાં સહયોગ મળ્યો હતો કે કેમ? સાથે જ 29 ઑક્ટોબર સુધીમાં તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા સમીક્ષાનો રિપોર્ટ સબમિટ કરવા વિનંતી કરાઈ છે.

આ સમગ્ર મામલાએ અમેરિકા જેવા દેશમાં વસતા ભારતીયો અને હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો છે. રાજા કૃષ્ણમૂર્તિ અને સમુદાયના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ભારતીય મૂળના લોકો પ્રત્યે વધતી જતી આ નફરત અને કટ્ટરપંથી વિચારધારા હિંદુઓની ધાર્મિક સ્વતંત્રતા પર સીધો હુમલો છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે FBIની તપાસ કઈ દિશામાં આગળ વધે છે.