નવરાત્રિના ગરબા મંડપોમાં સુરક્ષા, આસ્થા સહિતનાં અનેક કારણોસર મુસ્લિમોને પ્રવેશ ન આપવા બાબતે હિંદુ સંગઠનોએ સ્પષ્ટ, સમયસરનું અને અત્યાવશ્યક સ્ટેન્ડ લીધા બાદ તેની વિરુદ્ધમાં આખી એક ઈકોસિસ્ટમ કામે લાગી ગઈ. પરંતુ તેઓ જાણતા હતા કે ગરબામાં મુસ્લિમોને પ્રવેશ આપવા માટે વકાલત કરતી વાતોનું વજન ત્યાં સુધી નહીં પડે જ્યાં સુધી ગરબાની ધાર્મિક ઓળખ યથાવત રહેશે. કારણ કે ધાર્મિક બાબત સેક્યુલર ન હોય શકે. ત્યાં આ ટોળી સેક્યુલરિઝમની પોતાની જ દલીલોમાં ફસાઈ જાય એમ છે. એટલે હવે ગરબાની ધાર્મિક ઓળખ ભૂંસીને તેને ‘કલ્ચરલ’ અને સાંસ્કૃતિક ઓળખ આપવા માટેના પ્રયાસો પૂરજોરથી અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યા છે. જેથી આગળ જઈને કહી શકાય કે ગરબા તો સાંસ્કૃતિક છે અને તેમાં દરેક ધર્મ, પંથ, સંપ્રદાય અને વર્ગને પ્રવેશ અપાય એમાં કશું જ ખોટું નથી.
અમુક ઉદાહરણો અને ઘટનાઓ જુઓ.
અમદાવાદના ‘રંગ મોરલા’ ગરબા આયોજનમાં સ્ટેજ પરથી વિશ્વ હિંદુ પરિષદના ઉલ્લેખ સાથે મુસ્લિમોને સ્થળ છોડી જવા માટેની સૂચના આપતી ઘોષણા કરવામાં આવી ત્યારથી મૂળ તો આ વિવાદ ચગ્યો. આ ઘટના પછી સેક્યુલરતા, સર્વસમાવેશિતા, સર્વધર્મસમભાવના ઢોલ પીટનારા અમુક હિંદુદ્વેષી પત્રકારો, ડાબેરી એક્ટિવિસ્ટો અને સ્વઘોષિત ઇન્ફ્લુએન્સરોની જમાતે શોરબકોર કરવાનો ચાલુ કર્યો એટલે આ ગરબાનો ગાયક આદિત્ય ગઢવી ડહાપણ કરવા પર ઉતરી આવ્યો.
આદિત્યએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને કહ્યું કે જે થયું તેમાં તેની કોઈ ભૂમિકા ન હતી અને અમુક લોકોએ બેકસ્ટેજ પર આવીને તેના મંચનો ઉપયોગ એવી બાબત માટે કર્યો જે તેણે ક્યારેય પોતે કર્યું ન હોત. તેના માટે તેને કે તેની ટીમને કશું પૂછવામાં ન આવ્યું કે ન તેમને સામેલ કરવામાં આવ્યા.
અહીંથી આગળ પોસ્ટમાં ગરબા વિશે જ્ઞાન આપવાનું ચાલુ કરાયું. સંભવતઃ આ પોસ્ટ આદિત્યનું સોશિયલ મીડિયા સંભાળનારાઓએ કે કોઈ એજન્સીના માણસોએ તૈયાર કરી હશે, જેમણે આકર્ષક અને જેનઝી ભાષામાં કહીએ તો ‘કૂલ’ દેખાય એવા શબ્દોનો ઉપયોગ કરીને ગરબાને સેક્યુલર સ્વરૂપ આપી દીધું. તેમાં આદિત્ય ગઢવીની સહમતિ હશે જ એ સ્વાભાવિક છે કારણ કે અકાઉન્ટ આખરે તેનું પોતાનું છે.
પોસ્ટમાં લખ્યું છે, ‘ગરબાએ ક્યારેય કોઈની અટક પૂછી નથી. પેઢીઓથી ગુજરાતમાં અને દેશભરમાં દરેક આસ્થાના લોકો ગરબા રમતા આવ્યા છે અને આ ભાવના જ ગરબાને આપણા બનાવે છે. જે કોઈ પ્રેમ અને માતાજી પ્રત્યે આદરભાવ સાથે આવે તેનું ગરબામાં સ્વાગત છે. આ રાજકારણ નથી. આ જ મને શીખવવામાં આવ્યું છે. મારો મંચ સંગીત અને ભક્તિ માટે છે.’

અહીં વાત માત્ર એટલી છે કે ગરબા એ આદિત્યએ તેના ઘરે શોધેલી પરંપરા નથી કે તે ધારે એ રીતે તેમાં ફેરફારો કરી શકે કે તેને અલગ રીતે રજૂ કરી શકે. એ ધાર્મિક પરંપરા છે, દાયકાઓથી ચાલતી આવે છે. માત્ર કોઈ સેક્યુલર બનવાની ચળ ધરાવતો આર્ટિસ્ટ તેનું પોતાની રીતે અર્થઘટન ન કરી શકે. પરંપરાને લગતા નિર્ણયો સમાજ કરશે. સમાજ એટલે હિંદુ સમાજ. તેમ છતાં તેણે ગરબાને ધરાર સર્વસમાવેશી બનાવવાનો પ્રયાસ કર્યો.
આવું જ એક કામ જે એન્કરે આ ઘોષણા કરી હતી તેણે કર્યું. આરજે આકાશ નામનો આ એન્કર કહે છે કે તેની નફરત ફેલાઈ તેવું કરવાની કોઈ ગણતરી ન હતી. સાથે કહ્યું કે આયોજકોને ફરજ પાડવામાં આવી તેના ભાગરૂપે તેને મોકલવામાં આવ્યો હતો. તેની પોસ્ટ નીચે રીલ બનાવીને રળતા ઇન્ફ્લુએન્સરોની આખી જમાત વાહવાહ કરવા મંડી પડી.
કોઈ પણ ઘટના બને એટલે તેનું ડોક્યુમેન્ટેશન થાય છે. આ કામ મોટેભાગે મીડિયાનું છે. પહેલાં મીડિયાનો તેની ઉપર એકાધિકાર હતો. હવે ઘણુંખરું સોશિયલ મીડિયા પણ આ કામ નિભાવે છે. આમ તો મુખ્યધારાના મીડિયાની વિશ્વસનીયતા પર પણ અલગથી ચર્ચા થઈ શકે પરંતુ હજુ પણ સોશિયલ મીડિયાની સરખામણીએ તો સ્થિતિ સારી છે. કઠણાઈ એ છે કે મુખ્યધારાનું મીડિયા આવી ઘટનાઓને રજૂ એવી રીતે કરે છે જેનાથી ઇકોસિસ્ટમનો મૂળ આશય જળવાઈ રહે.
ઇન્ડિયન એક્સપ્રેસે આ કામ કર્યું છે. એક્સપ્રેસે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેમાં હિંદુ સંગઠનોને વિલન ચીતરી દેવામાં આવ્યાં છે. અમદાવાદની, સુરત, વડોદરા અને ભાવનગર જેવાં શહેરોની અમુક ઘટનાઓનો ઉલ્લેખ કરીને એક્સપ્રેસે કહ્યું કે હિંદુ સંગઠનો હવે ગરબામાંથી મુસ્લિમોને બહાર કાઢવા માટે આવાં અભિયાનો ચલાવી રહ્યાં છે જેના કારણે ધાર્મિક ભેદભાવોનું પ્રમાણ વધી રહ્યું છે. સમુદાયો વચ્ચે અંતર વધી રહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસે પણ બહુ ચાલાકીપૂર્વક ગરબાને ‘સેક્યુલર’ ઘોષિત કરી દીધા અને તેના માટે યુનેસ્કોની એક કમિટીના કથનનો ઉપયોગ કર્યો જેણે ગરબાને કલ્ચરલ હેરિટેજનો દરજ્જો આપ્યો હતો. યુનેસ્કોની કમિટી કહે છે કે, ‘સામૂહિક ઉત્સવના એક માધ્યમ તરીકે ગરબા વિવિધતામાં એકતાને પ્રોત્સાહન આપે છે અને તમામ લિંગ, ધર્મ અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોને એકસાથે લાવીને સામાજિક સમાનતાને પ્રોત્સાહિત કરે છે. દરેક પેઢી ગરબાની નવી નૃત્ય શૈલીઓ, ગીતો અને વેશભૂષાના માધ્યમથી તેને એક નવું સ્વરૂપ આપે છે, જ્યારે સ્ત્રી ઊર્જા/શક્તિનું પ્રતીક તેનું મૂળ ચક્ર યથાવત રહે છે.’ આગળ, ‘ગરબા સામાજિક-આર્થિક-લૈંગિક અને ધાર્મિક ભેદભાવ ઘટાડીને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપે છે. તેમાં વિભિન્ન અને વંચિત સમુદાયોને પોતાની અંદર સમાવી લે છે, જેનાથી સામાજિક સંબંધ વધુ મજબૂત બને છે.’
આ ટાંકીને એક્સપ્રેસના અહેવાલમાં આગળ લખવામાં આવ્યું છે, ‘તેમ છતાં ધાર્મિક અંતર સતત વધતું જઈ રહ્યું છે અને બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં સંગઠન પોલીસને આવેદનપત્રો આપીને માંગ કરી રહ્યાં છે કે નવરાત્રિ સમારોહમાં બિનહિંદુઓને આવતા રોકવામાં આવે.’
અખબારનો કહેવાનો અર્થ એ કે ગરબા તો સેક્યુલર છે, સૌનો સમાવેશ પોતાનામાં કરી લે છે, ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે, પરંતુ હિંદુ સંગઠનો તેનો ઉપયોગ વૈમનસ્ય ફેલાવવા માટે, ધાર્મિક અંતર વધારવા માટે કરી રહ્યાં છે. આ કહેતી વખતે એક્સપ્રેસે ક્યાંય એ જેહાદી હુમલાઓની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો નથી જેના કારણે હિંદુ સંગઠનો આમ કરવા વિવશ થયાં છે.
આ બધું ચાલતું હતું ત્યાં જય વસાવડા નામનો ગુજરાતનો એક ‘લેખક’ વિવાદમાં કૂદી પડ્યો. જયે એક રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી, જેમાં તે પ્રશ્ન કરે છે કે નવરાત્રિમાં આણે આમ કરવું જોઈએ, યુવાનોએ તેમ કરવું જોઈએની વાતો કરનારાઓમાંથી કેટલાને ‘શક્રાદય સ્તુતિ’ આવડે છે?

જયની આ દલીલો તેની બાકીની મોટાભાગની વાતો અને કૉલમ જેટલી જ વાહિયાત છે. સ્તુતિ-શ્લોકો આવડવાં એ ઇચ્છનીય અને પ્રશંસનીય છે, પણ એ હિંદુ હોવાનું પ્રમાણપત્ર નથી. જેને આ સ્ત્રોત કંઠસ્થ હોય તે જેટલો હિંદુ છે, એટલો જ હિંદુ જેને નથી આવડતા એ પણ છે. તેને પણ પોતાના ધર્મની ચિંતા કરવાનો એટલો જ અધિકાર છે જેટલો બાકીનાને છે. આ વિષય પર જોકે જયની દરેક દલીલને તાર્કિક રીતે કાપતો લેખ ઑપઇન્ડિયાના જ પત્રકાર ભાર્ગવ રાજ્યગુરુએ લખી નાખ્યો છે, અહીંથી વાંચી શકાશે.
કલાકારો હોય, અખબારો હોય કે વામપંથી લેખકો– સૌની દલીલો અંતે એક જ ઠેકાણે આવે છે કે ગરબા સાંસ્કૃતિક છે, તેને ધાર્મિક રીતે સીમિત ન કરી દેવા જોઈએ. અગાઉ કહ્યું એમ, આની પાછળ ચોક્કસ ગણતરીઓ છે, જેથી આગળ જઈને કહી શકાય કે ગરબા સર્વસમાવેશી છે એટલે તેમાં મુસ્લિમોને પણ પ્રવેશ આપવા દેવામાં આવે. ઇકોસિસ્ટમ ગણતરીપૂર્વક આ બધું કરી રહી છે, તેમાં જય વસાવડા જેવા અધૂરા જ્ઞાન સાથે હોંશિયાર થવા જનારાઓ હિંદુઓને જ આવા બાલિશ પ્રશ્નો કરીને યુઝફુલ ઈડિયટની ભૂમિકા ભજવે છે.
આ બધી દલીલો ખોખલી છે. તેનાથી એ હકીકત બદલાઈ જતી નથી કે ગરબાની સૌથી પહેલી ઓળખ ધાર્મિક છે. ગરબાને સીધો સંબંધ ધર્મ સાથે છે.
ગરબા અને ધર્મ
હિંદુ પ્રાચીન ગ્રંથો અને વેદોમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેના નવ માર્ગ જણાવાયા છે. જેને શાસ્ત્રોમાં ‘નવધા ભક્તિ’ કહેવાય છે. વેદો બાદ નવધા ભક્તિને બે યુગો સતયુગ અને ત્રેતાયુગમાં ઉલ્લેખિત કરવામાં આવી. સતયુગમાં ભક્ત પ્રહલાદ પોતાના પિતા હિરણ્યકશ્યપને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે અને ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપે છે. ભક્ત પ્રહલાદ દ્વારા કહેવામાં આવેલી નવધા ભક્તિ શ્રીમદ્ભાગવત પુરાણના સાતમા સ્કંદના પાંચમાં અધ્યાયમાં ઉલ્લેખિત છે.
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।
अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्॥ (श्रीमद्भा० 7 । 5। 23 )
ભાગવત પુરાણમાં ભક્ત પ્રહલાદ દ્વારા આ શબ્દો ઉચ્ચારાયા છે. તેમાં જણાવાયું છે કે, કઈ રીતે નવ પ્રકારથી ઈશ્વરની આરાધના કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આ નવ ભક્તિઓમાંથી કોઈપણ એક ભક્તિને અપનાવીને તે મુજબ જીવે તો તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે, તેમાં કોઈ શંકા નથી. વેદો પણ આ બાબતે એકદમ સ્પષ્ટ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, મનુષ્ય જન્મનો એકમાત્ર ધ્યેય ઈશ્વર થવું છે. આ વાક્યને સમજવું ખૂબ અઘરું છે, પરંતુ માણસનો એકમાત્ર ધ્યેય ઈશ્વરમાં ભળી જઈને મોક્ષ પ્રાપ્ત કરવો અને ઈશ્વર બનીને હંમેશા અવિનાશી બની જવાનો છે. ઈશ્વરમાં ભળવા માટેનો સૌથી સરળ રસ્તો છે નવધા ભક્તિ.
નવધા ભક્તિ પૈકીની બીજી ભક્તિ છે કીર્તન. કીર્તન એટલે ઈશ્વર સાધના માટે થતાં ભજનો, ગાન અને નૃત્ય. ગુજરાતમાં શક્તિ આરાધના માટે થતા ગરબા નવ ભક્તિ પૈકીના બીજા પ્રકારમાં આવે છે, જેને કીર્તન કહી શકાય. નવરાત્રિમાં પરાશક્તિની આરાધના માટે ભક્તો ગરબા કરે છે, તેનો સીધો સ્પર્શ ‘સાધના’ માટેનો છે, નહીં કે મનોરંજન માટેનો.
એટલે ગરબા માત્ર મનોરંજન કે સામાન્ય નૃત્યનો વિષય છે એ તર્ક ભાગવત પુરાણ ખોટો સાબિત કરી આપે છે.
એ સત્ય છે કે ગરબા મા શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો એક માર્ગ છે. પ્રાચીન વૈદિક પરંપરામાં નૃત્યનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અનેક માર્ગ છે. આ તમામ માર્ગો ઈશ્વર સુધી લઈ જઈ શકે છે અને તેમાંનો એક રસ્તો છે નૃત્ય અથવા તો ગરબા.
‘ગરબા’ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃતના ‘ગર્ભ’ અને ‘ગર્ભદીપ’ શબ્દમાંથી થઈ છે. ગર્ભદીપ એટલે અંદર દીવો ધરાવતો છિદ્રોવાળો ઘડો. નવરાત્રિમાં આ ઘડામાં દીવો પ્રગટાવીને તેની સ્થાપના કરવામાં આવે છે અને તેની આસપાસ માતાજીની આરાધના કરતા ગરબા રમાય છે.
અહીં ‘ગર્ભ’નો આધ્યાત્મિક અર્થ પણ છે. ગર્ભ એટલે સર્જનનું મૂળ, જીવનનો ઉદ્ભવ થતું સ્થાન. માતૃશક્તિ પણ સૃષ્ટિના સર્જન, પાલન અને શક્તિના મૂળ સ્વરૂપ તરીકે પૂજાય છે. ઘડાના ગર્ભમાં પ્રગટેલી જ્યોત આત્માની આદ્યશક્તિના તેજ સાથે પણ જોડાય છે. મૂળ તો ગરબો માતૃશક્તિ, સર્જન અને દિવ્ય ચેતનાના પ્રતીક તરીકેનો વિશાળ અર્થ ધરાવે છે.
અર્થાત્, ગરબા સાંસ્કૃતિક રીતે મહત્ત્વ ધરાવે છે, ગુજરાતની ઓળખ બની ચૂક્યા છે એ વાત સાચી છે. પરંતુ તેની પહેલી ઓળખ હિંદુ ધર્મ સાથે છે. સનાતન પરંપરા સાથે છે. જેમને માતાજી પ્રત્યે આસ્થા નથી, જેમને સનાતન પરંપરા પ્રત્યે કોઈ લગાવ નથી તેમને ગરબામાં સ્થાન ન હોય એટલી જ વાત છે.
આ તર્ક નબળો પાડવા માટે ગરબાની ધાર્મિક ઓળખ ભૂંસીને સાંસ્કૃતિક ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ચાલે છે. તેના માટે લેખો લખાય છે અને રીલો બનાવીને દલીલો થાય છે. પણ આપણે એ પ્રોપગેન્ડામાં ન આવીએ એ સમયની માંગ છે.


