રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી, નીકળી 14 ભૂલ: સુધારા માટે પરત મોકલાઈ

ચૂંટણી પંચની SIR પ્રક્રિયા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને INDI ગઠબંધનના અન્ય નેતાઓએ દાખલ કરેલી અરજીમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ 14 જેટલી ભૂલો પકડી પાડી છે. આ ભૂલો સુધારવામાં આવે ત્યારબાદ અરજી સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ અરજી દાખલ થાય ત્યારે લિસ્ટ કરતાં પહેલાં રજિસ્ટ્રી અરજી ચકાસે છે અને તેમાં ભૂલો હોય તો અરજદારોને જણાવવામાં આવે છે. અરજદારો ભૂલો સુધારીને ફરીથી અરજી દાખલ કરે અને તેની ફરી ચકાસણી થાય ત્યારબાદ કોર્ટ સમક્ષ અરજી લિસ્ટ કરવામાં આવે છે.

રાહુલ ગાંધીની અરજીમાં અમુક દસ્તાવેજો ન હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત નવ અરજદારોની ઓળખ પણ સરખી પ્રસ્થાપિત કરવામાં આવી નથી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઓળખપત્રની નકલ પણ વ્યવસ્થિત જોડવામાં આવી નથી. સાથે કોર્ટ ફીમાં પણ ₹220 ઓછા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રજિસ્ટ્રીએ એ બાબતે પણ સ્પષ્ટતા માંગી છે કે તમામ ચૂંટણી કમિશનરોને ખાનગી વ્યક્તિઓ તરીકે કેમ પ્રતિવાદીઓ બનાવવામાં આવ્યા છે. નવ નેતાઓ સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, સંજય રાઉત, એમએ બેબી, ડી રાજા, મહુઆ માજી, સુપ્રિયા સુલે અને મોહમ્મદ બશીર– તમામનાં વકાલતનામાં પણ જોડવામાં આવ્યાં ન હતાં.

આ સાથે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અમુક દસ્તાવેજોની નકલો સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે જણાવ્યું છે. અરજીમાં જે દસ્તાવેજોનો ઉલ્લેખ છે તેને પણ બીડાણ તરીકે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

INDI નેતાઓ આ ભૂલો સુધારે અને પૂરતા દસ્તાવેજો રજૂ કરે ત્યારબાદ આગળ કામ ચાલશે.

અરજીમાં શું માંગણીઓ કરવામાં આવી છે?

સોમવારે (12 ઑક્ટોબર) રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. સાથે ટેકનિકલ એક્સપર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની એક સ્વતંત્રત તપાસ સમિતિ રચીને મતદાર યાદીનું ઑડિટ કરાવવાની પણ માંગ થઈ રહી છે.

આ સાથે ચૂંટણી પંચના SIR સંબંધિત નિર્ણયોના તમામ દસ્તાવેજો, રેકર્ડ, ઇન્ટરનલ નોટ, વાંધાસૂચનો વગેરે રજૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. કોર્ટને અરજી કરીને કહેવામાં આવ્યું છે કે SIR સંબંધિત નિર્ણયો બંધારણના આર્ટિકલ 324 (જે ચૂંટણી પંચને માન્યતા આપે છે) અને ચીફ ઈલેક્શન કમિશનર એન્ડ અધર કમિશનર્સ એક્ટ, 2023 મુજબ થયા છે કે કેમ તે પણ ચકાસવામાં આવે.

અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે કમિશનરો વિવેક જોશી અને સુખબીર સિંઘ સંધુને પ્રતિવાદીઓ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી સાથે INDI ગઠબંધનના દસ નેતાઓ પણ અરજીમાં પક્ષકારો છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ અને સરકાર બાદ હવે INDI ટોળકી ન્યાયતંત્ર તરફ વળી છે. સોમવારે રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષોએ સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પહેલાં રાહુલ ગાંધીએ CJI સૂર્યકાંત સમક્ષ મુલાકાત માટેનો સમય માગ્યો હતો પરંતુ ન્યાયાધીશે ‘સેપરેશન ઑફ પાવર’ સિદ્ધાંત સમજાવીને મામલો ન્યાયાલય હેઠળ હોવાથી મુલાકાત માટે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ મુખ્ય ન્યાયાધીશને ટાર્ગેટ કરી રહી છે.