
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અધ્યાપક અને મણિપુરથી કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજામ વિરુદ્ધ અમુક વિદ્યાર્થિનીઓએ યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા બાદ હવે પ્રોફેસર સામે FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલાં યુનિવર્સિટીએ પ્રોફેસરને બરતરફ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઑફિસરની સત્તાવાર ફરિયાદના આધારે તેની સામે FIR નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મામલે 11 ઑક્ટોબરના રોજ વસંત કુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75, 75(1)(i), 75(1)(iv) અને 79 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે પોલીસ તપાસ શરૂ કરશે. જેના કારણે કોંગ્રેસ સાંસદ પર ધરપકડની તલવાર પણ લટકી છે.
આ સમગ્ર વિવાદનું કેન્દ્ર JNUના સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સિસ હેઠળ આવતું સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમ્સ છે, જ્યાં મણિપુરની ઇનર મણિપુર બેઠકથી કોંગ્રેસના લોકસભા સાંસદ અકોઈજામ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. થોડા દિવસો પહેલાં યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ તેમની સામે યૌન ઉત્પીડનની ફરિયાદો કરી હતી.
સૌપ્રથમ વિદ્યાર્થિનીઓએ 18 મેના રોજ યુનિવર્સિટીની આંતરિક સમિતિ સમક્ષ આ ફરિયાદો નોંધાવી હતી. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે વાઇવા દરમિયાન પ્રોફેસર તેમની સાથે અયોગ્ય અને જાતીય સંકેતોની ટિપ્પણીઓ કરતો હતો. આ સિવાય વર્ગખંડ, કેમ્પસ સ્થિત નિવાસસ્થાને યોજાતી બેઠકોમાં પણ અશોભનીય વર્તન કરતો હતો અને અનેક વિદ્યાર્થિનીઓને જાતીય લાભના બદલામાં વધુ ગુણ આપવાની લાલચ પણ આપી હતી.
#UPDATE | Delhi Police has registered an FIR following a complaint by the Chief Security Officer of JNU, Delhi. The FIR dated October 11, 2026, has been registered at Vasant Kunj North Police Station under Sections 75, 75(1)(i), 75(1)(iv) and 79 of the BNS. The FIR details/gist mention the name of Congress Lok Sabha MP and JNU Professor Angomcha Bimol Akoijam. Investigation is underway.
— ANI (@ANI) October 12, 2026
નિયમ મુજબ 90 દિવસમાં તપાસ પૂરી થવાની હતી, પણ તપાસમાં વિલંબ થયો હતો. આ દરમિયાન ABVP સહિતના વિદ્યાર્થી સંગઠનોએ પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ્યારે એક વિદ્યાર્થિનીએ વાઇવા દરમિયાનનો પોતાનો ખરાબ અનુભવ વોટ્સએપ ગ્રૂપમાં શેર કર્યો ત્યારે બીજી વિદ્યાર્થિનીઓ પણ સામે આવી અને ફરિયાદો વધીને 11 થઈ ગઈ.
આ મામલે ભારે હોબાળો અને વિરોધ થયા બાદ JNUના વાઇસ ચાન્સેલરે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ 9 ઑક્ટોબરે VC શાંતિશ્રી ડી. પંડિતે આંતરિક સમિતિના અહેવાલ, યુજીસી (UGC) તથા કેન્દ્રીય નાગરિક સેવા નિયમોના આધારે અકોઈજામને પ્રોફેસર પદેથી તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો આદેશ જારી કર્યો હતો.
આ વિવાદ શરૂ થયો ત્યારથી ભાજપના નેતાઓ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ અને રાહુલ ગાંધીના મૌન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપનું કહેવું છે કે માત્ર રાજકારણ માટે મહિલા સુરક્ષા અને સમાનતાની વાતો કરતી કોંગ્રેસ પાર્ટીએ પોતાના સાંસદ સામેના આ ગંભીર આરોપો પર સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. જોકે હજી સુધી કોંગ્રેસના કોઈ શીર્ષ નેતૃત્વએ આ મામલે કોઈ ટિપ્પણી આપી નથી.
હવે આ મામલે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જે અંગે પોલીસ વિસ્તૃત તપાસ કરશે. આગમી સમયમાં પ્રોફેસરની કરતૂતો અંગે વધુ માહિતી સામે આવશે.

