IIT બૉમ્બે કેસમાં હવે CCTV ફૂટેજ વાયરલ: વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ફોનનો ઉપયોગ કરતો દેખાયો

IIT બૉમ્બેમાં બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ આપઘાત કરી લીધા બાદ સામે આવ્યું હતું કે ઘટનાના થોડા કલાક પહેલાં તે પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયો હતો. હવે ઘટનાના સીસીટીવી ફૂટેજ મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચોરીની ઘટનાની પુષ્ટિ થઈ છે.

પરીક્ષાખંડના CCTV ફૂટેજમાં સાહિલ વાકોડે પોતાની બેન્ચ પર બેસીને છુપાવેલા મોબાઈલ તરફ વારંવાર જોતો સ્પષ્ટ નજરે પડે છે. તે સમયે પરીક્ષાખંડમાં સુપરવિઝન કરી રહેલા પ્રોફેસર સૂર્યનારાયણ દૂલા સામાન્ય પ્રક્રિયા મુજબ તેની પાસે પહોંચે છે અને મોબાઈલ સોંપી દેવા જણાવે છે.

સાહિલ કોઈ પણ વિરોધ વગર મોબાઈલ પ્રોફેસરને આપે છે અને ત્યારબાદ પોતાના પેપર, પુસ્તકો અને પાણીની બોટલ લઈને હોલમાંથી બહાર નીકળી જાય છે. ફૂટેજમાં જોવા મળે છે કે હાલ જે આરોપો લાગી રહ્યા છે એવું કઈં જ થયું નહોતું, વર્ગખંડમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે કોઈ જ ગરમાગરમી, બોલાચાલી કે અયોગ્ય વર્તન થયું નહોતું.

ફૂટેજમાં જોવા મળે છે કે વર્ગના અન્ય વિદ્યાર્થીઓ પણ કોઈ પણ ખલેલ વગર શાંતિથી પોતાનું પેપર લખી રહ્યા છે. અગાઉ આઈઆઈટી બૉમ્બેએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાહિલ પરીક્ષામાં ચેટજીપીટીની મદદ લઈ રહ્યો હતો. તેણે પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું અને તેની મદદથી જવાબ લખવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પ્રોફેસરે પકડી પાડ્યો હતો.

મહારાષ્ટ્રના યવતમાળના વતની સાહિલ વાકોડેએ હોસ્ટેલના રૂમમાં આપઘાત કર્યા બાદ તેના પરિવારે પ્રોફેસર સૂર્યનારાયણ દૂલા પર હેરાનગતિ અને દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યા દુષ્પ્રેરણા (BNS સેક્શન 108) હેઠળ FIR નોંધી છે. સંસ્થાએ પણ ત્વરિત પગલાં લેતા પ્રોફેસર દુલાને ડીન પદ પરથી હટાવી રજા પર ઉતારી દીધા છે.

જોકે, આ કાર્યવાહી સામે IIT બોમ્બેના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી ફોરમ વગેરે પ્રોફેસરના સમર્થનમાં આવ્યાં છે. આ સિવાય 3 થી 4 અન્ય IITના ફેકલ્ટી એસોસિએશનોએ પણ પ્રોફેસર દુલાને ટેકો આપ્યો છે અને તપાસ બાદ તેમને સન્માનપૂર્વક બહાલ કરવાની માંગ કરી છે.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં પ્રોફેસર વિરુદ્ધ કોઈ આપઘાત દુષ્પ્રેરણા કે હેરાનગતિના આરોપોના પુરાવા મળ્યા નથી.