સોનિયા ગાંધી સામે મતદાર યાદીમાં ગેરકાયદેસર એન્ટ્રીનો મામલો: દિલ્હી કોર્ટે જૂનો નિર્ણય રદ કરી ફરિયાદ પર ફરી વિચારવા આપ્યો આદેશ, 29 સપ્ટેમ્બરે સુનાવણી

તાજેતરમાં દિલ્હીની સેશન્સ કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો વર્ષ 1980ની મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામ ઉમેરવાના અને સહી-દસ્તાવેજોમાં હેરાફેરી કરવાના આરોપો સાથે જોડાયેલ છે. નોંધનીય છે કે ગત વર્ષે મેજિસ્ટ્રેટ કોર્ટે સોનિયા ગાંધી સામેની ફરિયાદ રદ કરવાનો આદેશ આપ્યો હતો જે હવે સેશન્સ કોર્ટે રદબાતલ ઠરાવ્યો છે.

રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ સ્પષ્ટ કહ્યું કે મેજિસ્ટ્રેટનો પૂર્વ આદેશ કાયદાકીય રીતે યોગ્ય નહોતો, કારણ કે તેમણે કોઈપણ યોગ્ય કાયદાકીય કારણો કે દલીલો દર્શાવ્યા વિના જ ફરિયાદ ફગાવી દીધી હતી. હવે આ કેસમાં મેજિસ્ટ્રેટને 29 સપ્ટેમ્બરે નવી સુનાવણી કરીને તમામ પાસાંઓ પર વિગતવાર વિચારણા કરી નવો ‘મૌખિક આદેશ’ આપવા અને દિલ્હી પોલીસ પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો

આ સમગ્ર મામલો 1980ના દાયકાનો છે, જ્યારે સોનિયા ગાંધી પાસે ભારતની નાગરિકતા પણ નહોતી. ફરિયાદી વિકાસ ત્રિપાઠી અનુસાર, સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મેળવી હતી. પરંતુ તે પહેલાં જ, એટલે કે 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ વોટર તરીકે નોંધાઈ ગયું હતું. સવાલ એ ઊભો થાય છે કે વિદેશી નાગરિક હોવા છતાં કયા દસ્તાવેજોના આધારે સોનિયા ગાંધીનું નામ ભારતીય મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું?

ફરિયાદમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે 1982માં જ્યારે આ મામલે હોબાળો થયો ત્યારે સોનિયા ગાંધીનું નામ વોટર લિસ્ટમાંથી ચૂપચાપ હટાવી દેવાયું હતું. પરંતુ કોંગ્રેસે વહીવટ અને વગનો ઉપયોગ કરીને નાગરિકતા મળવાના પણ મહિનાઓ પહેલાં 1 જાન્યુઆરી 1983ના રોજ ફરીથી તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરી દીધું હતું.

કોર્ટે આપ્યો તપાસનો આદેશ

હવે હંમેશાની જેમ કોંગ્રેસ અને સોનિયા ગાંધીના વકીલોએ પોતાના બચાવમાં આ ગંભીર આક્ષેપોને ‘રાજકીય પ્રેરિત’ ગણાવીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે એવું બહાનું આપ્યું કે આ ચૂંટણી પંચનો વિષય છે અને તેમાં પોલીસે તપાસ ન કરવી જોઈએ.

કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી પંચની સત્તા હોવાનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિએ બનાવટી દસ્તાવેજો રજૂ કરીને કે છેતરપિંડી કરીને ગેરકાયદેસર રીતે વોટર લિસ્ટમાં નામ દાખલ કરાવ્યું હોય અને પોલીસ તેની તપાસ પણ ન કરી શકે. કોર્ટે સોનિયા ગાંધીને આપેલી રાહતને ગેરકાયદે ગણાવી છે. હવે આ મામલે 29 સપ્ટેમ્બરે નવી દિલ્હીના મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી થશે, જ્યાં દિલ્હી પોલીસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.