
તાજેતરમાં યોજાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમમાં રાજકીય સ્ટંટબાજી કરનાર તથાકથિત કોમેડિયન પુલકિત મણિ હવે વિક્ટિમ કાર્ડ રમવા પર ઉતરી આવ્યો છે. રાહુલ ગાંધી સાથે મળીને સ્ટેજ પર વડા પ્રધાન મોદીની મજાક ઉડાવનાર વિદૂષકના ઉત્તર પ્રદેશના અમુક શો રદ થઈ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. જેના આધારે તેણે સોશિયલ મીડિયા પર સહાનુભૂતિ ઉઘરાવવાની ચાલુ કરી છે.
હાલ સ્થિતિ એ છે કે ઈન્દોરના કોંગ્રેસી મંચ પરથી દેશના વડા પ્રધાનની મશ્કરી કરનાર પુલકિત મણિએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે કે તેના યુપીના તમામ કાર્યક્રમો રદ થઈ ગયા છે. નોઈડા શૉ અંગે તેણે ‘અણધાર્યા સંજોગો’નું બહાનું આગળ ધર્યું, તો બીજી તરફ લખનઉ અને કાનપુરના શો રદ થવા માટે ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ કરીને પોતાને પીડિત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

શું હતો મામલો
આ આખી ઘટનાની શરૂઆત મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયેલા કોંગ્રેસના ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમથી થઈ હતી. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમમાં યુવા નેતાગીરી અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ કોંગ્રેસે આ મંચને પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત અપમાન અને મજાક ઉડાવવા માટેનું માધ્યમ બનાવી દીધું હતું.
મંચ પર રાહુલ ગાંધી સાથે નાટક કરતા કરતા પુલકિત મણિએ પીએમ મોદીના લહેકા અને બોલવાની શૈલીની મજાક ઉડાવી હતી. કોમેડિયને મંચ પર આવીને રાહુલ ગાંધીને ગળે લગાવ્યા અને ‘માય ફ્રેન્ડ, હાઉ આર યુ?’ કહીને વડાપ્રધાનની મિમિક્રી કરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધી પણ આ આખા નાટકના ભાગીદાર બન્યા હતા અને તેમણે ‘મોદીજી, તમે કેમ છો?’ કહીને નાટકને આગળ વધાર્યું હતું.
આ મિમીક્રી એક્ટમાં પીએમ મોદીના સંબોધનો અને તેમની શૈલીને હલકી કક્ષાએ રજૂ કરવામાં આવી હતી. આ શૉ દરમિયાન કોમેડિયને પ્રેક્ષકો તરફ આંગળી ચિંધીને ‘મા કો ખુરશી આપો, મા…’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને વડા પ્રધાનનાં ભાષણો અને વિઝનની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપના આકરા પ્રહાર
આ ઘટના સામે આવતાં જ ભાજપ અને દેશના અનેક રાજકીય નેતાઓએ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસને ‘અસંસ્કારી નારાજ ફૂફા’ ગણાવી હતી અને કહ્યું હતું કે દેશના પીએમનું નામ આ રીતે સસ્તી રાજનીતિ માટે ઉછાળવું એ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પણ કોંગ્રેસ પર તીખો હુમલો કરતા કહ્યું કે, છ દાયકા સુધી દેશ પર શાસન કરનારી પાર્ટી આજે માત્ર પોતાના કાર્યકર્તાઓને મનોરંજન પૂરું પાડનાર ‘સર્કસ’ બનીને રહી ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ હવે માત્ર જોકરો અને કોમેડિયનોની પાર્ટી બની ગઈ છે અને દેશની વાસ્તવિક રાજનીતિથી ખૂબ દૂર ફેંકાઈ ચૂકી છે.
ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે રાજકીય વિરોધ અને ટીકા લોકશાહીનો હિસ્સો હોઈ શકે છે, પરંતુ દેશના પ્રધાનમંત્રીના પદની ગરિમાને આ રીતે જાહેરમાં ઝીરો કરીને સસ્તી રાજનીતિ કરવી તે અસ્વીકાર્ય છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ હવે મુદ્દાઓ પર ચર્ચા કરવાના બદલે આવા સ્ટેજ શૉ પર નિર્ભર બની રહી હોવાનો પણ આક્ષેપ થયો છે.
નોંધનીય છે કે કોંગ્રેસના મંચ પરથી પીએમ અંગે આવી હલકી ટિપ્પણીનો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા પણ રાહુલ ગાંધી અને સંદીપ દીક્ષિતે ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના નામે આવી નીચી રાજનીતિ કરી હતી. ત્યારે પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ભારે થૂ-થૂ થઈ હતી, પણ કોંગ્રેસે એ ઘટનામાંથી કોઈ શીખ ન મેળવી અને ફરીથી એવી જ ઘટનાનું પુનરાવર્તન થયું. હવે પોતાનાં કૃત્યોને કારણે પરિણામો ભોગવનાર કોમેડિયન પુલકિત મણિ સોશિયલ મીડિયા પર ધમકીઓનો આશરો લઈને ‘વિકટિમ કાર્ડ’ રમી રહ્યો છે.

