DUSUની ચૂંટણીમાં ABVPની ભવ્ય જીત, ચારમાંથી ત્રણ પદ જીત્યાં: ઉપાધ્યક્ષ અપક્ષ ઉમેદવાર, NSUIને એક પણ સીટ નહીં

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની (DUSU) ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભવ્ય જીત થઈ છે. ABVPએ અધ્યક્ષ, મહાસચિવ અને સહ-સચિવનાં પદ મેળવ્યાં છે, જ્યારે ચોથા ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસ સંલગ્ન NSUIને ચારમાંથી એક પણ પદ ન મળી શક્યું.

અધ્યક્ષ પર ABVPના યશ ડબાસે જીત્યું. તેમણે NSUIના વિજય મીણાને હરાવ્યા. ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીનની જીત થઈ છે.

સેક્રેટરી પદ માટે ABVP તરફથી લડતાં રિયા છાબડીની જીત થઈ છે. તેમણે NSUIનાં નમ્રતા ચૌધરીને હરાવ્યાં. સહસચિવ તરીકે ABVPના લક્ષ્યરાજ સિંહની જીત થઈ છે, તેમણે NSUI ઉમેદવાર ગોપાલ ચૌધરીને હરાવ્યા.

ડબાસની 2053 મતથી, દીપાંશુની 13,705 મતથી જીત થઈ. રિયાએ 6,781 વોટથી અને લક્ષ્યરાજ સિંહે 863 જેટલા મતોથી જીત મેળવી.

ABVPએ આને ઐતિહાસિક જીત ગણાવી છે.

2026ની DUSU ચૂંટણી માટે 18 સપ્ટેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 40.46% મત નોંધાયા હતા. કુલ 52 જેટલાં મતદાન મથકો હતાં, જેમાં 1.51 લાખ મતદારો હતા. ચાર પોસ્ટ માટે 20 ઉમેદવારો મેદાનમાં હતા. ABVP અને NSUIએ તમામ પદ પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જ્યારે AISA અને SFI સાથે લડ્યાં હતાં. અમુક અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યાં હતાં.

ભારે સુરક્ષા વ્યવસ્થા અને હિંસાની આશંકાઓ વચ્ચે ચૂંટણી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરી દરમ્યાન પણ સતત ઉતાર-ચડાવ થતા રહ્યા, જેના કારણે માહોલ ગરમ રહ્યો. દરમ્યાન પણ સુરક્ષા વ્યવસ્થા સુનિઃશ્ચિત કરવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટ પહેલેથી જીત બાદ સરઘસ કાઢવા પર અને ડ્રમ વગેરે વગાડવા પર રોક લગાવી ચૂકી છે.

વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીનાં પરિણામનું રાજકીય મહત્ત્વ પણ છે. હમણાં જ દિલ્હીમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન યોજાઈ ગયું અને જેન-ઝીને લઈને માહોલ બનાવવામાં આવ્યો હતો અને યુવાઓ હવે સરકારની, ભાજપની વિરુદ્ધ પડ્યા છે એવું વાતાવરણ પણ સર્જવામાં આવ્યું. પરંતુ તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ABVPની જીતે હવે આ નરેટિવ પણ ફેરવી નાખ્યો છે.

બીજી તરફ કોંગ્રેસ સમર્થિત સંગઠન NSUI એક પણ પોસ્ટ મેળવી શક્યું નથી. રાહુલ ગાંધી અને તેમની ટીમના ખાતામાં વધુ એક પરાજય લખાય ગયો છે. ખાસ કરીને એવા સમયે જ્યારે તેઓ ‘છાત્રો કી ગુંજ’ જેવા કાર્યક્રમો કરી રહ્યા છે.