દારા સિંઘની વહેલી મુક્તિની માંગ કરતી અરજી ઓડિશા સરકારે ફગાવી, આપ્યું ‘કાયદો-વ્યવસ્થા’ અને ‘સાંપ્રદાયિક તણાવ’નું કારણ

એક હત્યા કેસમાં ઓડિશાની જેલમાં આજીવન કેદની સજા કાપતા રબિન્દ્ર કુમાર પાલ ઉર્ફે દારા સિંઘની વહેલી મુક્તિની અરજી રાજ્ય સરકારે ફગાવી દીધી છે. હવે આ નિર્ણયની જાણ સુપ્રીમ કોર્ટને કરવામાં આવશે.

જુલાઈ 2026માં સુપ્રીમ કોર્ટે ઓડિશા સરકારને નિર્દેશ આપીને દારા સિંઘની વહેલી મુક્તિની માંગ કરતી અરજી પર નિર્ણય કરવા માટે કહ્યું હતું અને 15 ઑગસ્ટ સુધીની સમયમર્યાદા આપી હતી. ત્યાં સુધીમાં નિર્ણય ન થતાં 19 ઑગસ્ટની સુનાવણીમાં કોર્ટે ફરી ઠપકો આપ્યો અને કહ્યું કે જો રાજ્ય સરકાર નિર્ણય ન કરી શકે તો કોર્ટ પોતાની રીતે નિર્ણય કરશે.

આખરે 31 ઑગસ્ટની બેઠકમાં સ્ટેટ સેન્ટન્સ રિવ્યૂ બોર્ડે (SSRB) દારા સિંઘની અરજી ફગાવી દીધી હતી. જેના માટે કારણ કાયદો અને વ્યવસ્થા અને સાંપ્રદાયિક તણાવનું આપવામાં આવ્યું છે. જોકે 31 ઑગસ્ટના રોજ નિર્ણય લેવાઈ ગયો હોવા છતાં 8 સપ્ટેમ્બરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટને આ બાબતની જાણ કરવામાં આવી ન હતી અને સરકારે ચાર અઠવાડિયાં માટે સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી હતી. આગામી સુનાવણીમાં આ બાબતે સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી શકે.

સરકારે નિર્ણય પાછળનું કારણ આપતાં કહ્યું છે કે આ નિર્ણયનાં સંભવતઃ પરિણામો જોતાં સમગ્ર પરિસ્થિતિનું આકલન કરીને હાલ વહેલી મુક્તિની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવી છે. સરકાર પોતાનું વલણ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કરશે.

રિપોર્ટમાં શું જણાવાયું?

SSRBએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે કેન્દુઝાર જિલ્લા પ્રશાસન તરફથી 28 ઑગસ્ટના રોજ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘દારા સેના’ નામના સંગઠનના 200-250 માણસોએ 15 ઑગસ્ટના રોજ જિલ્લા જેલની બહાર પ્રદર્શન કર્યું હતું અને દારા સિંઘની મુક્તિની માંગ કરી હતી. દરમ્યાન નારાબાજી કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું. આ ઘટનાને ટાંકીને કહેવામાં આવ્યું કે હાલ વહેલી મુક્તિ આપી શકાય તેમ નથી.

આ પહેલાં પણ રાજ્ય સરકાર પાંચ વખત દારા સિંઘની અરજી ફગાવી ચૂકી છે અને તેમાં પણ મોટેભાગે સંભવિત સાંપ્રદાયિક તણાવ અને સમાજ પર અસરનું જે કારણ આપવામાં આવ્યું હતું. જોકે હકીકત એક એ પણ છે કે માર્ચ 2025માં જિલ્લા પ્રશાસને જ દારા સિંઘની શરતી મુક્તિ માટેની વાત કરી હતી અને કહ્યું હતું કે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અમુક પગલાં લેવાં પડે તો એ લેવાં જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે દારા સિંઘ 1999ના એક હત્યા કેસમાં સજા કાપી રહ્યા છે. 22 જાન્યુઆરી, 1999ના રોજ ઓડિશાના કેન્દુઝારના મનોહરપુરમાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે સગીર પુત્રોને એક વહાણમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

આ કેસમાં સપ્ટેમ્બર 2003માં ભુવનેશ્વરની સીબીઆઈ કોર્ટે દારા સિંઘને ફાંસી અને અન્ય 12ને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ ઓડિશા હાઇકોર્ટમાં મામલો પહોંચતાં બાકીના 11 આરોપીઓને દોષમુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે દારા સિંઘ અને મહેન્દ્ર હેમ્બ્રામની દોષસિદ્ધિ યથાવત રાખવામાં આવી હતી. મે 2005માં હાઇકોર્ટે દારા સિંઘને આપવામાં આવેલી ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દીધી હતી.

એપ્રિલ 2025માં હેમ્બ્રામને મુક્ત કરવામાં આવ્યા હતા. દરમ્યાન દારા સિંઘે પણ 2024માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને વહેલી મુક્તિ માટે વિનંતી કરી હતી. તાજેતરમાં જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દારા સિંઘની અરજી પર નિર્ણય લઈ લેવા માટે જણાવ્યું હતું પરંતુ રાજ્ય સરકારે અરજી ફગાવી દીધી છે.