હોમપેજમંતવ્યમાતાજીની સ્તુતિ હોવાના કારણે મુસ્લિમો ન ગાઈ શકે વંદે માતરમ્, તો નવરાત્રિના...

માતાજીની સ્તુતિ હોવાના કારણે મુસ્લિમો ન ગાઈ શકે વંદે માતરમ્, તો નવરાત્રિના ગરબામાં કેમ લાગુ નથી પડતો આ તર્ક

જો 'વંદે માતરમ્'માં માતાજીની સ્તુતિ અને આરાધના કરવા માત્રથી મુસ્લિમો તેનાથી દૂર રહેતા હોય તો એ જ વાત નવરાત્રિ અને ગરબામાં પણ લાગુ પડે છે કારણ કે ગરબા એ પણ માતાજીની આરાધના છે.

- Advertisement -

9મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ચાલુ થયું અને શરૂઆતમાં જ એક વિવાદ ઉભો થયો. ગુજરાત વિધાનસભાના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલા ચાલુ ‘વંદે માતરમ્’ દરમ્યાન જગ્યા પર બેસી ગયા. વંદે માતરમ્ ચાલ્યું, પૂરું થયું ત્યાં સુધી બાકીના ધારાસભ્યો ઊભા રહ્યા પણ ખેડાવાલા બે અંતરા પછી જગ્યા પર બેસી ગયા.

આ વાતને લઈને વિવાદ સર્જાયો. ભાજપ તરફથી મંત્રી પ્રવીણ માળીએ કહ્યું કે આ ‘વંદે માતરમ્’નું અપમાન કહેવાય અને કોંગ્રેસ પાર્ટીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. ખેડાવાલાએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમણે કેમ આ કર્યું અને માફી માગી લેવી જોઈએ.

બીજા દિવસે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહમાં પોઈન્ટ ઑફ ઓર્ડર ઉઠાવીને ખેડાવાલા સામે નિયમો અનુસાર કાર્યવાહીની માંગ કરી. સંઘવીએ કહ્યું કે આ કોઈ રાજકીય પક્ષનું ગીત નથી અને રાષ્ટ્ર અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન પક્ષીય રાજકારણથી ઉપર હોવું જોઈએ. નિયમોનું ઉલ્લંઘન થયાનું સાબિત થાય તો મામલો વિશેષાધિકાર સમિતિને મોકલીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

- Advertisement -

આમાં કોંગ્રેસ પાર્ટી જ બેકફૂટ પર છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભામાં કહ્યું કે કોંગ્રેસના બાકીના નેતાઓ વંદે માતરમ્ દરમ્યાન ઊભા જ રહ્યા હતા અને સ્પીકર ખેડાવાલાને નોટિસ આપશે તો તેઓ પોતાનો પક્ષ રજૂ કરશે. સ્પષ્ટપણે કોઈ કોંગ્રેસી ખેડાવાલાના સમર્થનમાં આવ્યો નથી.

ખેડાવાલાનું કહેવું છે કે 1937ની કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કાર્યો હતો એ પ્રમાણે વંદે માતરમ્ ગીતના બે અંતરા બાદ તેઓ બેસી ગયા હતા. વચ્ચે સરદાર પટેલ, મોહનદાસ ગાંધી અને આંબેડકર-ટાગોર વગેરે નેતાઓને પણ લાવ્યા અને કહ્યું કે આ નેતાઓએ જે ગાનને મંજૂરી આપી હતી એ જ પોતે ગાયું હતું.

બીબીસી ગુજરાતીના રિપોર્ટનું માનીએ તો અમુક કોંગ્રેસ ધારાસભ્યોએ એમ કહીને હાથ ઊંચા કરી દીધા છે કે ‘વંદે માતરમ્’ દરમ્યાન ઊભા ન રહેવું એ ઈમરાન ખેડાવાલાનો વ્યક્તિગત નિર્ણય કે મત હોય શકે છે. સાથે કહ્યું કે આ રાષ્ટ્રગીતના સન્માનની વાત છે એટલે આ મુદ્દે કોંગ્રેસનું કોઈ અલગ સ્ટેન્ડ નથી.

સ્ટેન્ડ જોકે નેશનલ કોંગ્રેસથી પણ વિપરીત છે કારણ કે ‘વંદે માતરમ્’ મુદ્દે કોંગ્રેસ પાર્ટી પણ સરકાર સામે બહુ જોર કરતી રહે છે. સ્વતંત્રતા દિવસે સોનિયા ગાંધીએ આખું વંદે માતરમ્ ગાતાં અટકાવ્યું હોવાનો વિવાદ પણ થયો હતો. ત્યારપછી પાર્ટી સતત પોતે આખું ગીત નહીં ગાય એવું રટણ કરતી રહે છે.

કોંગ્રેસ ખુલીને કહેતી નથી કે ઇમરાન ખેડાવાલાએ પણ આ પ્રકરણમાં નથી કહ્યું, પરંતુ મુસ્લિમોનો એક વર્ગ કાયમ ‘વંદે માતરમ્’નો વિરોધ એટલા માટે કરતો રહે છે એ પણ હકીકત છે. કારણ એ જણાવવામાં આવે છે કે તેમાં માતાજીની સ્તુતિ છે. માતાજીને નમન કરવામાં આવ્યા છે. તર્ક એવો આપવામાં આવે છે કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય બીજા કોઈની આ રીતે પૂજા-સ્તુતિ કરી શકાય નહીં.

મુસ્લિમ મૌલાનાઓ આ વાત જાહેરમાં કહી ચૂક્યા છે. જમિયત ઉલેમા-એ-હિન્દ કહે છે કે અન્ય કોઈ ‘વંદે માતરમ્’ ગાય કે પઠન કરે તેની સાથે મુસ્લિમોને સમસ્યા નથી પરંતુ મુસ્લિમો અલ્લાહ સિવાય અન્ય કોઈને પૂજી ન શકે. ‘વંદે માતરમ્’ જે ભાવ પર આધારિત છે એ ઇસ્લામિક એકેશ્વરવાદથી વિપરીત છે. તેના ચાર અંતરાઓમાં માતૃભૂમિને મા દુર્ગા સાથે સરખાવવા આવી છે અને ભક્તિ સંબંધિત શબ્દો વાપરવામાં આવ્યા છે.

મદની કહે છે કે ‘વંદે માતરમ્’નો અર્થ થાય કે માતા હું આપને નમન કરું છું. જે ઇસ્લામિક મજહબી માન્યતાઓથી વિરુદ્ધ છે. જેથી કોઈને પણ તેમની આસ્થા, માન્યતાઓથી વિરુદ્ધ જઈને કશુંક ગાવા કે તેનું પઠન કરવા માટે વિવશ ન કરી શકાય કારણ કે બંધારણ દરેક નાગરિકને સ્વતંત્રતા આપે છે. દરેકને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે.

નવરાત્રિના ગરબાની ચર્ચા વખતે કેમ બદલાઈ જાય છે તર્ક?

આવો જ તર્ક અને દલીલો બીજાં અનેક ઠેકાણે મળશે. દલીલ ખાતર માની લઈએ કે અન્ય કોઈની પૂજા-સ્તુતિ મજહબી માન્યતાઓથી વિપરીત હોઈ તે ન કરી શકાય. તો અહીં એક બીજો પ્રશ્ન આવે છે જેની પણ ચર્ચા હમણાં ચાલી રહી છે.

નવરાત્રિ આવી રહી છે તે પહેલાં મુસ્લિમ યુવાનોને ગરબામાં પ્રવેશ હોવો જોઈએ કે નહીં તેની ચર્ચાઓ ચાલી રહી છે. દર વર્ષે આ સમયગાળામાં આ મુદ્દો બને છે. ખાસ કરીને હિંદુ સંગઠનો ‘વિધર્મી મુક્ત નવરાત્રિ’ અભિયાન ઉપાડે ત્યારે તેમને જ ખોટાં ચીતરી દેવામાં આવે છે અને હિંદુઓને ‘સર્વસમાવેશી’ બનવા માટે ફરજ પાડીને કહેવામાં આવે છે કે નવરાત્રિમાં મુસ્લિમ યુવાનોને પ્રવેશ આપવામાં આવે તેમાં શું વાંધો છે.

અગાઉ પણ લખ્યું છે કે નવરાત્રિ એ માત્ર કોઈ મનોરંજન કે નૃત્યનો તહેવાર નથી. ત્યાં નવ દિવસ સુધી માતાજીની આરાધના થાય છે. પૂજા થાય છે. આરતીથી ગરબાની શરૂઆત કરવામાં આવે છે. ગરબાનું પોતાનું મહત્ત્વ છે. વૈદિક પરંપરામાં નૃત્યોનું મહત્ત્વ છે. ગરબા આપણી ધાર્મિક, સાંસ્કૃતિક અને વૈદિક પરંપરાનો એક ભાગ છે. ગરબાને સીધો સંબંધ ધર્મ સાથે અને ધાર્મિક પરંપરાઓ સાથે છે.

આમ તો સીધીસટ દલીલ એ છે કે આ સરકારી યોજના નથી કે દેશના દરેક નાગરિકને તેનો લાભ આપવામાં આવે. હિંદુઓનું પર્વ છે તો તેનું આયોજન હિંદુઓ કઈ રીતે કરે એ તેમનો વિષય છે. તેમાં કોને બોલાવે અને કોને રોકે એ પણ. પરંતુ આપણે ત્યાં હિંદુ તહેવારો આવે એટલે ધરાર ‘સર્વસમાવેશી’ બનાવવાની કુટેવ સેક્યુલારિસ્ટોને પડી ગઈ છે.

બીજી એક દલીલ આ ‘વંદે માતરમ્’ના સંદર્ભમાં એ છે કે જો ‘વંદે માતરમ્’માં માતાજીની સ્તુતિ અને આરાધના કરવા માત્રથી મુસ્લિમો તેનાથી દૂર રહેતા હોય તો એ જ વાત નવરાત્રિ અને ગરબામાં પણ લાગુ પડે છે કારણ કે ગરબા એ પણ માતાજીની આરાધના છે.

આ સંજોગોમાં મુસ્લિમ યુવાનોએ ગરબામાં પ્રવેશ કરવાનો કોઈ તર્ક જ ન હોવો જોઈએ. છતાં વિસંગતતા ત્યારે સર્જાય છે જ્યારે બહુ ચાલાકીપૂર્વક આ દલીલો ઢાંકી દઈને ધરાર હિંદુ પર્વ પર સેક્યુલરિઝમનું આવરણ ચડાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં