કોઈ નદીનો ઉદ્ગમ માત્ર ભૂગોળની ઘટના નથી હોતો. એક નાનું ઝરણું ક્યાંક પર્વતની અંદરથી બહાર આવે, પથ્થરો વચ્ચેથી પોતાનો રસ્તો બનાવે અને પછી ધીમે-ધીમે એક વિશાળ પ્રવાહનું સ્વરૂપ ધારણ કરે. આ દૃશ્યમાં પ્રકૃતિનો નિયમ દેખાય છે. પરંતુ ભારતીય તીર્થપરંપરામાં કેટલીક નદીઓના ઉદ્ગમ સાથે ભૂગોળ કરતાં ઘણું મોટું કંઈક જોડાયેલું છે. ત્યાં પાણી માત્ર વહેતું નથી, તે સ્મૃતિ વહન કરે છે.
મહારાષ્ટ્રની બ્રહ્મગિરિ પર્વતમાળાની નજીકથી નીકળતી ગોદાવરી એવી જ એક નદી છે. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી આ નદીનો ઉદ્ગમ ત્ર્યંબકની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલો છે. અહીં નદીના પ્રથમ પ્રવાહ સાથે એક ઋષિની તપસ્યા, એક ભયાનક દુષ્કાળ, માનવ ઈર્ષ્યાની કસોટી, પ્રાયશ્ચિતની લાંબી પ્રક્રિયા અને અંતે સ્વયં શિવના સ્થિર થઈ જવાની પરંપરા જોડાય છે અને આ આખી પરંપરાના મધ્યમાં એક નામ ઊભું રહે છે. ત્ર્યંબક.
શિવપુરાણની કોટિરુદ્ર સંહિતામાં ત્ર્યંબકેશ્વરની મહત્તા સાથે જોડાયેલા ચાર અધ્યાયોમાં ગૌતમ ઋષિની આ કથા વિસ્તૃત રીતે આવે છે. એમાં ગૌતમ ઋષિ માત્ર એક તપસ્વી તરીકે નહીં, પરંતુ દુષ્કાળ વચ્ચે પણ બીજા જીવો માટે પાણી અને અન્ન ઊભું કરનાર ઋષિ તરીકે સામે આવે છે. પછી તેમની સામે એવું સંકટ ઊભું થાય છે જેમાં બહારની પરિસ્થિતિ કરતાં મનુષ્યનું મન વધુ ભયંકર સાબિત થાય છે.
બ્રહ્મગિરિ પર ઋષિ ગૌતમની તપસ્યા
ગૌતમ ઋષિ અને તેમનાં પત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર નિવાસ કરતા હતાં. શિવપુરાણ મુજબ ગૌતમ ઋષિએ ત્યાં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી. એ જ ભૂમિ પર એક વખત સો વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યો. ધરતી પર લીલા અંકુર પણ દેખાતા નહોતા. પાણી વિના મનુષ્યો જ નહીં, પશુઓ, પક્ષીઓ અને વનજીવો પણ પોતાના આશ્રયસ્થાન છોડીને અલગ-અલગ દિશામાં જવાં લાગ્યાં. આવા સમયે અન્ય ઋષિઓ ધ્યાન અને પ્રાણાયામમાં સ્થિર રહ્યા, જ્યારે ગૌતમ ઋષિએ વરુણદેવની ઉપાસના શરૂ કરી. છ મહિના સુધી તેમણે વરુણની તપસ્યા કરી. પ્રસન્ન થઈને વરુણદેવ સામે પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું.
ગૌતમ ઋષિએ પોતાના માટે કંઈ માગ્યું નહીં. તેમણે વરસાદ માગ્યો. વરુણદેવે કહ્યું કે દેવોના નિયમને બદલીને વરસાદ વરસાવવો તેમના અધિકારમાં નથી. ગૌતમે ફરી પાણી જ માગ્યું. અંતે વરુણદેવે તેમને એક નાનકડો ખાડો ખોદવા કહ્યું. ગૌતમ ઋષિએ ખાડો ખોદ્યો અને તેમાં વરુણે દિવ્ય જળ ભરી આપ્યું. તેમણે આશીર્વાદ આપ્યો કે આ જળ ક્યારેય ખૂટશે નહીં અને તે સ્થળ ગૌતમના નામથી પ્રસિદ્ધ થશે.
એક નાનકડા ખાડામાંથી શરૂ થયેલું એ જળ માત્ર ગૌતમ ઋષિના જીવનનું સાધન બન્યું નહીં. તેમણે ત્યાં અનાજ વાવ્યું, યજ્ઞ માટે ધાન્ય ઉગાડ્યું, વૃક્ષો અને ફળો ઉગ્યાં અને ધીમે-ધીમે ઋષિઓ, તેમના પરિવારજનો, શિષ્યો, પશુઓ અને પક્ષીઓ ફરી ત્યાં એકત્ર થવાં લાગ્યાં. દુષ્કાળ વચ્ચે ગૌતમનો આશ્રમ જીવનનું આશ્રયસ્થાન બની ગયો.
આ પ્રસંગમાં ઋષિ ગૌતમની તપસ્યાનું એક વિશિષ્ટ સ્વરૂપ દેખાય છે. તપસ્યાનું ફળ પોતાના સુધી રાખવાને બદલે તેમણે તેને અન્ય જીવના જીવન માટે ખુલ્લું મૂકી દીધું. શિવપુરાણ આ જ પ્રસંગે કહે છે કે ઉત્તમ મનુષ્ય બીજાનું દુઃખ પોતાનું માનીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ગૌતમની મહત્તા તેમની તપસ્યાની લંબાઈમાં જેટલી છે, એટલી જ તેમની કરુણામાં પણ છે. પરંતુ જ્યાં કોઈ એક મનુષ્યની સમૃદ્ધિ બીજા માટે અરીસો બની જાય છે, ત્યાં ઈર્ષ્યા જન્મે છે.
પાણી માટે શરૂ થયેલો વિવાદ
એક દિવસ ગૌતમ ઋષિના શિષ્યો પાણી લેવા ગયા. ત્યાં અન્ય ઋષિઓની પત્નીઓ પહેલેથી પાણી લેવા માટે ઊભી હતી. તેમણે ગૌતમના શિષ્યોને રોક્યા અને કહ્યું કે તેઓ પહેલાં પાણી લેશે, પછી શિષ્યો લઈ શકે. શિષ્યો પાછા ફર્યા અને અહલ્યાને વાત કરી. અહલ્યા તેમને સાથે લઈને ગયાં, તેમને શાંત કર્યા, પાણી લઈને ગૌતમને આપ્યું. પરંતુ આ નાની ઘટના ત્યાં અટકી નહીં. બીજી ઋષિપત્નીઓએ પોતાના પતિઓ સમક્ષ આ ઘટનાને અલગ રીતે રજૂ કરી. ઈર્ષ્યાએ એક સામાન્ય પ્રસંગને આરોપમાં ફેરવી નાખ્યો.
શિવપુરાણની આ કથામાં આગળ એક રસપ્રદ બાબત આવે છે. ગ્રંથ પોતે જ આ પ્રસંગની બે આવૃત્તિઓ રજૂ કરે છે અને કહે છે કે જુદા કલ્પોમાં પ્રસંગના સ્વરૂપમાં ફેરફાર થયો હતો. એક આવૃત્તિમાં ઋષિઓ ગૌતમને પોતાના આશ્રમમાંથી દૂર કરવા માટે ગણેશજીને પ્રસન્ન કરે છે, બીજી આવૃત્તિમાં તેમના મનમાં રહેલી ઈર્ષ્યા તેમને ગૌતમ વિરુદ્ધ એક ષડયંત્ર સુધી લઈ જાય છે. આ બંને પરંપરાઓમાં મૂળ વાત એક જ છે કે ગૌતમ પર એવો દોષ મૂકવામાં આવે છે જે તેમણે કર્યો નથી.
એક આવૃત્તિમાં ગણેશજી ઋષિઓને સમજાવે છે કે ગૌતમ સાથે આવું કરવું યોગ્ય નથી. છતાં ઋષિઓ પોતાના આગ્રહથી પાછા હટતા નથી. ગણેશજી અંતે ગૌતમના ખેતરમાં એક કૃશ ગાયનું રૂપ ધારણ કરીને જાય છે. ગૌતમ તેને ખેતરમાંથી દૂર કરવા માટે હાથમાં રહેલા તૃણથી હળવો સ્પર્શ કરે છે અને ગાય જમીન પર પડી જાય છે. તરત જ ઋષિઓ ભેગા થઈને ગૌતમ પર ગૌહત્યાનો આરોપ મૂકે છે. બીજી આવૃત્તિમાં આ ગાય કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી હતી અને એ જ ષડયંત્રનો ભાગ હતી.
ગૌતમ ઋષિ માટે આ આઘાત માત્ર આરોપનો નહોતો. ગાયના મૃત્યુનો વિચાર જ તેમને વ્યથિત કરી દે છે. તેઓ અહલ્યા, શિષ્યો અને શિવભક્તો સાથે પ્રાયશ્ચિતનો માર્ગ શોધવા નીકળે છે. ઋષિઓએ તેમને ગંગાનું જળ લાવી શિવલિંગ પર અભિષેક કરવાની, બ્રહ્મગિરિની પરિક્રમા કરવાની અને માટીનું શિવલિંગ બનાવી તેની ઉપાસના કરવાની સૂચના આપી. ગૌતમ ઋષિએ વિવાદ કર્યો નહીં. તેમણે પોતાના પર મૂકાયેલા આરોપને લઈને તર્ક કરવાની જગ્યાએ પ્રાયશ્ચિત સ્વીકાર્યું. અહલ્યા પણ તેમની સાથે રહ્યાં. બંનેએ માટીના શિવલિંગ બનાવી ઉપાસના શરૂ કરી. અહીંથી આ પ્રસંગનો સ્વર બદલાય છે.
આરોપમાંથી ઉપાસના તરફ
ગૌતમ ઋષિએ શિવની ઉપાસના કરી અને અંતે શિવ સ્વયં ગણો સાથે તેમની સામે પ્રગટ થયા. ગૌતમની પ્રથમ પ્રાર્થના પોતાના બચાવ માટે નહોતી. તેમણે કહ્યું કે મને પાપમુક્ત કરો. શિવે તેમને કહ્યું કે તેઓ પાપી નથી. ગૌતમ સાથે કપટ કરવામાં આવ્યું છે. તેમના દર્શનથી જ મનુષ્ય પવિત્ર થાય છે. પરંતુ ગૌતમની દૃષ્ટિ ત્યાં પણ પોતાના ઉપર અટકી નહીં. તેમણે શિવને કહ્યું કે જો આ ઋષિઓના કારણે તેમને શિવના દર્શન મળ્યા હોય તો તેમનું કહેવાતું દુષ્કર્મ પણ તેમના માટે કલ્યાણનું કારણ બની ગયું.
આ ક્ષણ ગૌતમની કથાનું કદ બદલી નાખે છે. જે લોકો તેમને અપમાનિત કરવા માગતા હતા, તેમના પ્રત્યે પણ ગૌતમના મનમાં અંતે દ્વેષ સ્થિર રહ્યો નહીં. શિવે પ્રસન્ન થઈને તેમને વરદાન માગવા કહ્યું ત્યારે ગૌતમ ઋષિએ પોતાના માટે કોઈ વૈભવ, પ્રતિષ્ઠા કે શાપનો પ્રતિકાર માગ્યો નહીં. તેમણે ગંગાને માગી. ‘મારા માટે નહીં, લોકોના કલ્યાણ માટે.’
ગંગાનું પૃથ્વી પર આગમન
શિવની આજ્ઞાથી ગંગા ત્યાં પ્રગટ થયાં. ગૌતમ ઋષિએ ગંગાને નમન કરીને પોતાને પવિત્ર કરવાની પ્રાર્થના કરી. ગંગાએ શરૂઆતમાં કહ્યું કે ગૌતમને પવિત્ર કર્યા પછી તે પોતાના સ્થાને પરત જશે. પરંતુ શિવે લોકકલ્યાણ માટે તેને ત્યાં રોકાવા કહ્યું. ગંગાએ પણ શરત મૂકી કે શિવ પોતે તેની સાથે ત્યાં સ્થિર રહે. શિવે સ્વીકાર્યું અને કહ્યું કે હું તારા કરતાં અલગ નથી, છતાં હું અહીં રહીશ, તું પણ અહીં રહે.
આ વાક્ય ત્ર્યંબકેશ્વરની આખી અનુભૂતિમાં એક ઊંડી રેખા દોરી જાય છે. જળ અને શિવને બે અલગ શક્તિ તરીકે નહીં, પરંતુ એક જ પવિત્ર પ્રવાહની બે અનુભૂતિ તરીકે જોવામાં આવે છે. એક તરફ ગંગા છે. વહેતી, જીવન આપતી, શુદ્ધ કરતી. બીજી તરફ શિવ છે. સ્થિર, અચળ, સાક્ષી. એક વહે છે, બીજા સ્થિર રહે છે અને ત્ર્યંબકની ભૂમિ પર બંને એક જ તીર્થમાં સ્થિર થાય છે.

અહીં એક સવાલ સહજ થશે કે ગંગાને પૃથ્વી પર લાવવાનો શ્રેય રાજા ભગીરથને આપવામાં આવે છે. એ ચોક્કસ છે, પણ અહીં ગંગા ગૌતમીરૂપે પ્રગટ થયાં હતાં. એટલે એક જ નદીનું બીજું સ્વરૂપ. આગળ જતાં ગૌતમી નદી ગોદાવરી નદી તરીકે ઓળખાઈ. પુરાણમાં પણ કહેવાયું છે કે, ‘સા ગંગા ગૌતમી નામ્ના લિંગં ત્ર્યંબકમ્ ઈરિતમ્’. અર્થાત્, ‘ત્યાં ગંગા ‘ગૌતમી’ નામે પ્રસિદ્ધ થયાં અને શિવલિંગ ‘ત્ર્યંબક’ નામે પ્રસિદ્ધ થયું.’
ગંગા ત્યાં ગૌતમી તરીકે પ્રસિદ્ધ થઈ અને શિવનું લિંગ ત્ર્યંબક નામે ઓળખાયું. શિવપુરાણ તેને જ્યોતિર્લિંગ તરીકે વર્ણવે છે અને કહે છે કે ગૌતમ ઋષિ દ્વારા પૂજાયેલું આ ત્ર્યંબક જ્યોતિર્લિંગ ભક્તોને મૃત્યુલોકમાં ઇચ્છિત ફળ અને પરલોકમાં મુક્તિ આપે છે. આ રીતે ગોદાવરી માત્ર ગૌતમની પ્રાર્થનાનું પરિણામ બનીને અટકતી નથી. તે ગૌતમના જીવનમાં બનેલા એક લાંબા પરિવર્તનની સાક્ષી બને છે. દુષ્કાળમાં પાણીની શોધથી શરૂ થયેલી યાત્રા અંતે એવી નદી સુધી પહોંચે છે જેને શિવની ઉપસ્થિતિ સાથે જોડવામાં આવે છે. ‘ત્ર્યંબક’ નામ અહીંથી વધુ ઊંડું થવા લાગે છે.
મૃત્યુના મંત્રમાં બોલાતું નામ
ત્ર્યંબકેશ્વરની વિશેષતા એ છે કે ‘ત્ર્યંબક’ નામને સમજવા માટે માત્ર ત્ર્યંબકની સ્થાનિક પરંપરા પૂરતી નથી. આ નામ વૈદિક સ્મૃતિમાં ઘણું પ્રાચીન છે. ઋગ્વેદના સાતમા મંડળમાં આવેલો પ્રસિદ્ધ મંત્ર કહે છે.
‘ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥’
અહીં ‘ત્ર્યંબક’ની ઉપાસના કરવામાં આવે છે. ‘જે સુગંધિત છે, પોષણ વધારનાર છે’ અને પ્રાર્થના થાય છે કે જેમ પાકેલું ફળ પોતાની વેલના બંધનમાંથી અલગ થાય, તેમ અમને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે, અમૃતથી વિયોગ ન થાય. આ મંત્ર ઋગ્વેદ 7.59.12માં આવેલો છે. અહીંથી ‘ત્ર્યંબક’નો અર્થ માત્ર ‘ત્રણ આંખવાળા શિવ’ સુધી સીમિત રાખવાથી આ મંત્રનું ઊંડાણ ઓછું થઈ જાય છે. પરંપરાગત રીતે ત્ર્યંબક શિવના ત્રિનેત્ર સ્વરૂપ તરફ સંકેત કરે છે, પરંતુ મંત્રની પ્રાર્થના આપણને નામની પાછળ રહેલા તત્વ સુધી લઈ જાય છે.
અહીં શિવ જીવનને પોષણ આપનાર છે અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરનાર પણ છે. આ બે બાબતો વિરોધી નથી. જીવન એટલે માત્ર જન્મથી મૃત્યુ સુધીનો સમય નહીં અને અમૃતત્વ એટલે દેહને ક્યારેય મૃત્યુ ન આવે એવી કલ્પના પણ નહીં. મંત્રમાં જે મુક્તિ માગવામાં આવે છે તે ‘મૃત્યુના બંધન’માંથી મુક્તિ છે. મૃત્યુ જીવનના શરીરનું અંતિમ સત્ય છે, પરંતુ ભારતીય દર્શનનો પ્રશ્ન એ છે કે શું મનુષ્યનું અંતિમ સ્વરૂપ પણ એટલું જ નશ્વર છે?
અહીં ‘ત્ર્યંબક’ નામ અચાનક એક વિશાળ આધ્યાત્મિક પ્રશ્નનું દ્વાર બની જાય છે. દેહ બદલાય છે, શ્વાસ બદલાય છે, વિચારો બદલાય છે, સંબંધો બદલાય છે, જીવનની પરિસ્થિતિઓ બદલાય છે. પરંતુ જે આ પરિવર્તનને જાણે છે, તેની ઓળખ શું છે? માણસ જો પોતાને માત્ર બદલાતા દેહ અને મન સુધી સીમિત માને તો મૃત્યુ અંતિમ ભય બની રહે છે. પરંતુ જો આત્માને નશ્વરતા કરતાં પરેનું તત્વ માનવામાં આવે, તો મૃત્યુનું સ્વરૂપ પણ બદલાઈ જાય છે. કઠોપનિષદ આત્મા વિશે કહે છે કે તે જન્મતો નથી અને મરતો નથી. અહીંથી ‘મૃત્યુમાંથી મુક્તિ’નો અર્થ દેહને મૃત્યુથી બચાવવો નહીં, પરંતુ પોતાના સાચા સ્વરૂપને મૃત્યુની સીમાથી પરે ઓળખવાનો બને છે.
ત્ર્યંબકનું ત્રીજું નેત્ર
શિવનું ત્રીજું નેત્ર ભારતીય પરંપરામાં માત્ર એક દૈવી ચિહ્ન નથી. બે આંખો જે દૃશ્ય જગતને જુએ છે, તેની સામે ત્રીજું નેત્ર આંતરિક દર્શનની કલ્પનાને જન્મ આપે છે. તે એવી દૃષ્ટિ છે જે દેખાતી વસ્તુની પાછળ રહેલા સત્ય તરફ વળે છે. આથી ‘ત્ર્યંબક’ને માત્ર શિવના મસ્તક પરના ત્રીજા નેત્ર સાથે જોડીને અટકી જવું પૂરતું નથી. ત્રણ નેત્રવાળા શિવનો અર્થ એવી ચેતનામાં પણ ખૂલે છે જે માત્ર બહારનું દૃશ્ય જ નથી જોતી.
ત્ર્યંબકેશ્વરની કથા પણ ગૌતમને બહારના આરોપમાંથી અંદરની શુદ્ધિ તરફ લઈ જાય છે. શરૂઆતમાં ગૌતમ પર ગૌહત્યાનો આરોપ છે. પછી તેઓ પ્રાયશ્ચિત કરે છે. શિવના દર્શન પછી તેમને ખબર પડે છે કે જે પાપનો ભાર તેઓ પોતાના ઉપર લઈ રહ્યા હતા, તે તેમનો હતો જ નહીં. છતાં તેમની પ્રતિક્રિયા બીજા પર દોષ નાખવાની નથી. તેઓ ગંગાને પોતાના માટે નહીં, સમગ્ર જગત માટે માગે છે. અહીં ‘ત્ર્યંબક’નું એક મહત્વનું સ્વરૂપ સામે આવે છે કે દૃષ્ટિ બહારની ઘટના પરથી હટી જાય અને સત્યને ઓળખવા લાગે.
ગોદાવરી અને ત્ર્યંબકેશ્વરનું અવિભાજ્ય તીર્થ
ગૌતમની કથા પછી ત્ર્યંબકેશ્વર માત્ર એક મંદિરનું નામ રહેતું નથી. એક બાજુ બ્રહ્મગિરિ છે, બીજી બાજુ ગૌતમી તરીકે વહેતી ગંગા છે અને તેની સાથે સ્થિર થયેલું ત્ર્યંબક જ્યોતિર્લિંગ છે. શિવપુરાણની પરંપરા મુજબ ગંગા બ્રહ્મગિરિ પરથી ઉતરી અને ગંગાદ્વાર તરીકે ઓળખાતા સ્થળે પ્રગટ થઈ. ત્યારબાદ ગૌતમની પ્રાર્થનાથી તેનો પ્રવાહ કુશાવર્ત સુધી આવ્યો અને કુશાવર્ત તીર્થ તરીકે પ્રસિદ્ધ થયો. ગ્રંથ આ સ્થળને પવિત્ર તીર્થ તરીકે વર્ણવે છે.
આથી ત્ર્યંબકેશ્વરની અનુભૂતિમાં નદી અને જ્યોતિર્લિંગને અલગ કરીને જોવું મુશ્કેલ છે. ગોદાવરી અહીં માત્ર જળપ્રવાહ નથી, તે ગૌતમની તપસ્યા, પ્રાયશ્ચિત, ક્ષમા અને લોકકલ્યાણની ઇચ્છા સાથે જોડાયેલી છે અને ત્ર્યંબક માત્ર પથ્થરમાં સ્થિર શિવલિંગ નથી, તે એ જ યાત્રાના કેન્દ્રમાં સ્થિર થયેલું શિવત્વ છે.
શિવપુરાણની એક પરંપરા તો અહીં એક વધુ વિશિષ્ટ વાત કહે છે. જ્યારે ગુરુ બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે દેવો, પવિત્ર નદીઓ અને તીર્થો ત્ર્યંબકની ભૂમિ પર આવે છે. ત્યાં ગંગા, તીર્થો અને દેવતાઓની ઉપસ્થિતિ સાથે આ સ્થળનું પવિત્ર મહત્ત્વ વિશેષ રીતે ઉજવાય છે. ગ્રંથ ગોદાવરીને ગૌતમી અને જ્યોતિર્લિંગને ત્ર્યંબક તરીકે ઓળખાવે છે. આ પરંપરામાં એક સુંદર આંતરિક સંવાદ છે. ગંગા વહે છે, તીર્થો આવે છે, દેવતાઓ આવે છે અને પાછા જાય છે, પરંતુ શિવ ત્યાં સ્થિર રહે છે.
વહેતા જીવનની વચ્ચે સ્થિર શિવ
કદાચ આ જ ત્ર્યંબકેશ્વરની સૌથી ઊંડી અનુભૂતિ છે. ગોદાવરી વહે છે કારણ કે તેનું સ્વરૂપ પ્રવાહ છે. ઋતુઓ બદલાય છે, પર્વતો પર વરસાદ આવે છે, નદીનો પ્રવાહ વધે છે અને ઘટે છે. તીર્થયાત્રીઓ આવે છે અને ચાલ્યા જાય છે. પેઢીઓ બદલાય છે. માનવજીવનમાં આનંદ અને શોક આવે છે. જે આજે છે તે આવતીકાલે નહીં હોય અને આ બધાની વચ્ચે ત્ર્યંબકેશ્વર સ્થિર છે. આ સ્થિરતા જ શિવત્વની ઓળખ બની જાય છે.
વૈદિક મંત્રમાં ત્ર્યંબકને બોલાવીને મનુષ્ય મૃત્યુના બંધનમાંથી મુક્તિ માગે છે. ગૌતમની કથામાં એ જ શિવ ગંગાને પૃથ્વી પર રોકે છે અને પોતાના સ્વરૂપે પણ ત્યાં સ્થિર થાય છે. એક તરફ નદીનું સતત વહેવું છે, બીજી તરફ શિવનું અચળ રહેવું છે. બંનેને સાથે જોતા જીવનનો એક ઊંડો પાઠ સામે આવે છે કે પરિવર્તન જીવનનો સ્વભાવ છે, પરંતુ પરિવર્તનને જાણતું તત્વ પોતે પરિવર્તન નથી.
ત્ર્યંબકેશ્વરની ભૂમિ આ અનુભવને કોઈ સૂત્રની જેમ સમજાવતી નથી. અહીં તે અનુભવ એક સાથે દેખાય છે. બ્રહ્મગિરિમાં, ગોદાવરીના જળમાં અને શિવલિંગમાં. ગૌતમ ઋષિની તપસ્યાથી શરૂ થયેલી યાત્રા પણ અંતે આ જ બિંદુ સુધી પહોંચે છે. તેમણે પાણી માગ્યું, કારણ કે જીવન માટે પાણી જરૂરી હતું. તેમણે ગંગા માગી, કારણ કે પવિત્રતા માટે ગંગાની જરૂર હતી. પરંતુ શિવે જે આપ્યું તે માત્ર જળ નહોતું. તેમણે પોતાની ઉપસ્થિતિ આપી. ગંગા ગૌતમી બનીને વહેતી રહી. શિવ ત્ર્યંબકેશ્વર બનીને સ્થિર રહ્યા અને બંનેની વચ્ચે ઊભી રહી એક એવી પરંપરા, જેમાં નદી બહાર વહે છે અને માણસની યાત્રા અંદર તરફ.
‘ત્ર્યંબક’ના અનંત અર્થ સુધી
ત્ર્યંબકેશ્વરને જોવાની એક રીત એ છે કે તેને ગૌતમ ઋષિ, ગોદાવરી અને શિવપુરાણની કથા સાથે જોડાયેલા એક પવિત્ર જ્યોતિર્લિંગ તરીકે જોવું. પરંતુ ત્યાં અટકી જઈએ તો આ તીર્થની અંદરનું ઊંડાણ અધૂરું રહી જાય છે. કારણ કે ત્ર્યંબકનું નામ પોતે જ આપણને વૈદિક સ્મૃતિમાં લઈ જાય છે. મહામૃત્યુંજય મંત્રમાં જે ત્ર્યંબકને ઉપાસવામાં આવે છે, તે જીવનને પોષણ આપે છે અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. અહીં અમૃતત્વનો અર્થ માત્ર લાંબું જીવન નથી. તે નશ્વરતાની વચ્ચે અવિનાશી તત્વની ઓળખ છે.
ગૌતમની કથામાં પણ અંતે એવું જ બને છે. એક આરોપથી શરૂ થયેલી ઘટના ગંગાના પ્રાગટ્ય સુધી પહોંચે છે. ગંગાના આગમનથી તીર્થ બને છે. તીર્થની વચ્ચે શિવ સ્થિર થાય છે અને શિવના ‘ત્ર્યંબક’ નામમાંથી મૃત્યુથી અમૃતત્વ સુધીનો વૈદિક સ્વર ફરી સંભળાય છે. આથી ત્ર્યંબકેશ્વર માત્ર એ સ્થળ નથી જ્યાં ગોદાવરીનો ઉદ્ગમ માનવામાં આવે છે. તે એક એવી ભૂમિ છે જ્યાં વહેતું જળ અને અચળ શિવ એક જ આધ્યાત્મિક દૃશ્યમાં આવી જાય છે.
ગોદાવરીનું પ્રથમ બિંદુ કદાચ પાણીનું પ્રથમ બિંદુ છે. પરંતુ ત્ર્યંબકેશ્વરની યાત્રા ત્યાં પૂરી થતી નથી. એ બિંદુથી આગળ એક બીજો પ્રવાહ શરૂ થાય છે. મનુષ્યની પોતાની અંદરની યાત્રાનો. મૃત્યુને જોઈને અમૃતત્વનો પ્રશ્ન ઊભો થાય ત્યાં ‘ત્ર્યંબક’નું નામ સંભળાય છે. બદલાતા જગતની વચ્ચે અચળને શોધવાની ઇચ્છા થાય ત્યાં શિવત્વની અનુભૂતિ થાય છે અને જ્યાં વહેતી ગોદાવરીની બાજુમાં શિવ સ્થિર રહે છે, ત્યાં ત્ર્યંબકેશ્વર માત્ર એક જ્યોતિર્લિંગ નહીં, પરંતુ જીવન અને શાશ્વતતાની વચ્ચે ઊભેલું એક પ્રાચીન તીર્થ બની જાય છે.


