
અમદાવાદની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે માજિદ ખાન નામના એક શખ્સ વિરુદ્ધ પ્રેમજાળમાં ફસાવીને રેપ કરવાની અને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગોમતીપુર પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેની સાથે કામ કરતા એક એસઆરપી જવાને મૂળ પાટણના માજિદ ખાન સાથે તેની ઓળખાણ કરાવી હતી. બંને વચ્ચે સંપર્ક થયા બાદ માજિદે શેરબજારમાં કામ કરતો હોવાનું કહીને મહિલાને રોકાણ કરવા માટે જણાવ્યું હતું અને સાથે કહ્યું હતું કે તેણે લગભગ 65 પોલીસકર્મીઓના પૈસા રોક્યા છે.
પીડિત કોન્સ્ટેબલે જણાવ્યું છે કે તેમણે ટુકડે-ટુકડે પૈસા ઉપાડીને માજિદને કુલ ₹17 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપ છે કે આ પૈસા માજિદ ચાઉં કરી ગયો છે.
બીજી તરફ ફરિયાદ અનુસાર માજિદે મહિલાને નોકરીમાંથી રાજીનામું આપવા માટે પણ દબાણ કર્યું હતું અને ત્યારબાદ લગ્ન કરી લેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.
લગ્નની લાલચ આપીને જ માજિદ એસ.જી હાઇવે પર કૉફી પીવાના બહાને લઈ ગયો હતો અને ત્યાંથી કાર અવાવરુ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલાને ઘરે મૂકવા આવ્યો ત્યારે પણ શારીરિક સંબંધો બાંધ્યા હતા.
‘તુમ હિંદુ લોગ ઐસે હી હોતે હૈ’
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે માજિદ મહિલાને કહેતો કે બંને અપરણિત છે જેથી લગ્ન કરીને વિદેશ જતા રહેશે. પરંતુ મહિલાએ લગ્ન માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ તે ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરવા માંડ્યો હતો અને કહેતો કે હિંદુ ધર્મમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી એટલે મહિલાએ ઇસ્લામ અપનાવી લેવો જોઈએ.
મહિલાએ ના પાડી ત્યારે માજિદે ‘તુમ હિંદુ લોગ ઐસે હી હોતે હૈ’ કહીને ધમાલ કરવા માંડી હતી અને જાતિવિષયક ગાળો દઈને ફોન પણ તોડી નાખ્યો હતો.
પીડિત મહિલાનું કહેવું છે કે તેમણે પાટણ જઈને માજિદના ઘરે તપાસ કરતાં તે પરણિત હોવાનો અને એક બાળકનો પિતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેમણે ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

