TMCનાં ફ્રીઝ કરાયેલાં બેન્ક ખાતાઓ મામલે મમતાને રાહત નહીં: કલકત્તા હાઇકોર્ટે અનફ્રીઝિંગનો આદેશ ન આપ્યો, સુપ્રીમે પણ હસ્તક્ષેપ ન કર્યો

મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસને (TMC) ફ્રીઝ કરાયેલાં બેન્ક ખાતાઓના મામલે ફરી રાહત મળી નથી. 27 ઑગસ્ટે કલકત્તા હાઇકોર્ટે પાર્ટીના વધુ ચાર ફ્રીઝ કરાયેલાં બેન્ક ખાતાઓ ચલાવવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે અગાઉ જ રોજિંદા ખર્ચ માટે વિશેષ અધિકારીની દેખરેખ હેઠળ વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી હાલ વધુ કોઈ વચગાળાનો આદેશ આપવાની જરૂર નથી.

મામલો 18 જૂન 2026થી શરૂ થયો હતો. પશ્ચિમ બંગાળના ધારાસભ્ય વિશ્વનાથ દાસે બિધાનનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આરોપ લગાવ્યો હતો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોમાંથી આવેલાં નાણાં TMCના બેન્ક ખાતાઓમાં પહોંચાડવામાં આવ્યાં હતાં. આ ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી. ત્યારબાદ 23 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ મામલે ECIR નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે શરૂઆતમાં TMCનાં ત્રણ HDFC બેન્ક ખાતાઓ ફ્રીઝ કર્યાં હતાં. બાદમાં EDએ 7 જુલાઈએ PMLA હેઠળ છ ખાતાઓ ફ્રીઝ કર્યાં હતાં, જેમાં આ ત્રણ ખાતાઓનો પણ સમાવેશ થતો હતો. આ ત્રણ ખાતાઓમાં મળીને આશરે 440.42 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું. TMCએ આ કાર્યવાહી સામે કલકત્તા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને ખાતાઓ ચલાવવાની મંજૂરી માગી હતી.

EDની તપાસમાં આરોપ છે કે એપ્રિલ 2023થી જૂન 2026 વચ્ચે TMCનાં બેન્ક ખાતાઓમાંથી આશરે 160 કરોડ રૂપિયા Carewell Aviation India Private Limited અને તેની સંબંધિત કંપનીઓ તરફ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ નાણાંમાંથી વધુ રકમ અન્ય એક નવી કંપની તરફ વાળવામાં આવી હતી. EDએ આ વ્યવહારોને મની લોન્ડરિંગની શંકા સાથે જોડ્યા છે. આ પૈસાનો ઉપયોગ Embraer Legacy 600 બિઝનેસ જેટ અને AgustaWestland 109SP હેલિકોપ્ટર ખરીદવામાં થયો હોવાનો પણ તપાસ એજન્સીનો દાવો છે.

TMC તરફથી જોકે આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. પાર્ટીનો દાવો છે કે EDએ કોઈ ચોક્કસ ‘પ્રોસીડ્સ ઑફ ક્રાઇમ’ ઓળખ્યા વિના વધારે રકમનાં ખાતાઓ ફ્રીઝ કરી દીધાં છે અને કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત છે. પાર્ટી તરફથી કોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ખાતાઓ ફ્રીઝ થવાથી કર્મચારીઓના પગાર સહિતના રોજિંદા ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. 

આ મામલે કલકત્તા હાઇકોર્ટે અગાઉ નિવૃત્ત ન્યાયાધીશ સુબ્રત તાલુકદારને વિશેષ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમની દેખરેખ હેઠળ TMCને કર્મચારીઓના પગાર, ભાડું, કાનૂની ખર્ચ અને અન્ય જરૂરી રોજિંદા ખર્ચ માટે મર્યાદિત રીતે નાણાંનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ખર્ચ માટે વિશેષ અધિકારીની મંજૂરી જરૂરી છે.

આ જ વ્યવસ્થાને લઈને TMCએ વધુ રાહત માગી હતી, પરંતુ 27 ઑગસ્ટે હાઇકોર્ટે કહ્યું કે અગાઉનો આદેશ પહેલેથી જ પાર્ટીના રોજિંદા ખર્ચને આવરી લે છે. વધુ રાહત આપવાથી અગાઉના આદેશની જ વ્યવસ્થા નબળી પડી શકે છે. કોર્ટે પક્ષકારોને તેમના જવાબો દાખલ કરવા કહ્યું છે અને આગળની સુનાવણી દુર્ગાપૂજાની રજાઓ બાદ થશે.

આ પહેલાં 11 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે પણ TMCની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પી. બી. વારાલેની બેન્ચે કહ્યું હતું કે કલકત્તા હાઇકોર્ટે સંતુલિત વ્યવસ્થા કરી છે અને હાલની વચગાળાની વ્યવસ્થા બંને પક્ષોના હિતોનું ધ્યાન રાખે છે. સુપ્રીમ કોર્ટે TMC અને ફરિયાદી પક્ષને પોતાના વાંધા વિશેષ અધિકારી સમક્ષ રજૂ કરવાની છૂટ આપી હતી.