
બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરીને અને પોસ્ટર ફાડી નાખ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પછીથી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
પરેલ અને ચિંચપોકલી વચ્ચે આવેલા લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીકથી જુલૂસ પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મામલો હિંસક અથડામણ અને પથ્થરમારા સુધી પહોંચ્યો હતો. પોલીસના હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.
અથડામણની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. અહેવાલો અનુસાર ભીડને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે વધારાનું પોલીસબળ પણ તહેનાત કરી દેવામાં આવ્યું હતું.
બાદમાં જોઈન્ટ સીપી (લો એન્ડ ઓર્ડર) ડૉ. મનોજ શર્માએ એક નિવેદનમાં સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું. સાથે તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને લોકો અફવાઓ પર વિશ્વાસ ન કરે.
વધુ તણાવ ટાળવા માટે પોલીસે અસ્થાયી રૂપે પરેલ-ચિંચપોકલી તરફ જતા રસ્તાઓ બંધ કરી દીધા હતા. જોકે સવાર સુધીમાં વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી અને વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો હતો, ઉપરાંત દુકાનો પણ રાબેતા મુજબ ખુલવા લાગી હતી.
પરેલના એક રહેવાસીના જણાવ્યા અનુસાર, ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસમાં સામેલ મુસ્લિમો લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન તેઓ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેની સામે અમુક સ્થાનિક હિંદુઓએ વાંધો ઉઠાવતાં જુલૂસમાં સામેલ માણસો ઉશ્કેરાઈ ગયા અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો પથ્થરમારા અને હિંસક અથડામણ સુધી પહોંચી ગયો હતો.
સ્થાનિક વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે લક્ષ્મી કોટેજ બિલ્ડિંગ નજીક મુસ્લિમોએ બેનર અને પોસ્ટર પણ ફાડી નાખ્યાં હતાં, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. અથડામણ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે પરેલની KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ઘટના બાદ પોલીસે અમુકની અટકાયત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશજીની આગમન યાત્રા પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસે આ મામલે દાનિશ શેર ખાન નામના એક ડિલિવરી બૉયની ધરપકડ કરી હતી.

