
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ તાજેતરમાં નવસારીથી એક અખબાર ચલાવતા શખ્સની ધરપકડ કરી હતી. ‘રુદ્ર સંદેશ’ નામનું સાપ્તાહિક ચલાવતાં સતશંકર રામચરિત મિશ્રા ઉર્ફે મુન્નાભાઈની ₹51000 લાંચ માગવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
આરોપ છે કે મિશ્રાએ એક વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને સમાચાર ન છાપવા માટે ₹51000ની માંગણી કરી હતી. ત્યારબાદ તે પૈસા મેળવવા જતાં એસીબીએ ઝડપી પાડ્યો હતો.
એસીબીએ આપેલી જાણકારી અનુસાર, ‘પત્રકાર’ મિશ્રાએ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ સાથે પોતાના સાપ્તાહિકમાં એક સમાચાર પ્રકાશિત કર્યા હતા અને ત્યારબાદ RTI મારફતે વધુ વિગતો પણ માગી હતી. પછીથી તેણે ફરિયાદીનો સંપર્ક કરીને આગળ સમાચાર ન પ્રકાશિત કરવા માટે અને મામલો થાળે પાડવા માટે ₹51,000 માગ્યા હતા.
ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારે
— ACB Gujarat (@ACBGujarat) August 24, 2026
સતશંકર રામચરિત્ર મિશ્રા (મુન્નાભાઇ), પત્રકાર, રૂદ્ર સંદેશ પ્રેસ, નવસારી રૂા.૫૧,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani@InfoGujarat @HARESHM38109376@BaldevD11469478#ACBGujarat #FightAgainstCorruption pic.twitter.com/Ion3S6UaVB
ફરિયાદીએ આ બાબતની જાણ એસીબીને કરી દીધી હતી. ત્યારબાદ નવસારી એસીબીએ મામલો હાથ પર લઈને નવસારી હાઇવે પરની એક હોટેલમાં છટકું ગોઠવ્યું.
ફરિયાદીને નક્કી થયા અનુસાર જ હોટેલ મોકલવામાં આવ્યો જ્યાં પત્રકારે આવીને ₹51000 મેળવી લીધા હતા. ત્યાં જ એસીબીની ટીમ પહોંચી ગઈ અને પત્રકારને પકડી પાડ્યો હતો અને ₹51000 રકમ પણ જપ્ત કરી લીધી હતી.
હાલ એસીબીએ મુન્ના મિશ્રાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
‘રુદ્ર સંદેશ’ એ નવસારીથી ચાલતું એક સાપ્તાહિક છે, જેનો માલિક, તંત્રી, મુદ્રક અને પ્રકાશક મુન્ના મિશ્રા જ છે. નવસારીના વિજલપોરમાં કાર્યાલય નોંધાયેલું હોવાનું કહેવાય છે. તેણે અખબાર પ્રકાશિત કરવા માટે જરૂરી RNI નંબર પણ મેળવી રાખ્યો હતો.

વક્રતા એ છે કે આ અખબારની ટેગલાઇન છે: ભય, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નીડરતાથી લડતું અગ્રીમ અખબાર. હવે એ જ અખબારનો પત્રકાર લાંચ માગતો ઝડપાયો છે.

