
તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી નિવૃત્ત થયેલાં નીરજા ગુપ્તા વિરુદ્ધ વધુ એક ગેરરીતિનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે કેન્દ્ર સરકાર તરફથી એક વિશેષ પ્રોજેક્ટ માટે મળેલી ₹40 કરોડની ગ્રાન્ટમાં ગોટાળો કરવામાં આવ્યો હતો.
અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટમાં આ ભાંડો ફોડવામાં આવ્યો છે. દસ્તાવેજોને ટાંકીને ભાસ્કરે જણાવ્યું છે કે જૈન ધર્મની હસ્તપ્રતોના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન માટે કેન્દ્ર સરકારે લૉન્ચ કરેલા એક પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીને મોટી ગ્રાન્ટ મળી હતી, પરંતુ નીરજા ગુપ્તાએ પદનો દુરુપયોગ કરીને આ પ્રોજેક્ટમાં પણ પોતાનું નામ જોડી દીધું અને મહિનાઓ સુધી તગડી રકમ પગાર તરીકે લેતાં રહ્યાં, ઉપરાંત એ જ ગ્રાન્ટમાંથી અમુક રકમ વિદેશ રહેતા તેમના પુત્રને પણ મોકલવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કેન્દ્ર સરકારનું લઘુમતી બાબતોનું મંત્રાલય ‘પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ’ નામની એક યોજના ચલાવે છે. જે લઘુમતી પંથ-સંપ્રદાયો માટે છે. આ જ યોજના હેઠળ લઘુમતીઓના વારસાનું જતન થાય તે માટે પણ વિવિધ કાર્યક્રમો ચલાવાય છે. કેન્દ્ર સરકારે જુદા-જુદા ધર્મોની હસ્તપ્રતોના સંરક્ષણ, ડિજિટાઇઝેશન વગેરે માટે શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટ ફાળવે છે. જૈન ધર્મની હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે ગુજરાત યુનિવર્સિટીને પસંદ કરવામાં આવી હતી.
આ કામ માટે કેન્દ્ર સરકારે માર્ચ 2024માં ₹40 કરોડની ગ્રાન્ટની ફાળવણીને મંજૂરી આપી હતી.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર ગ્રાન્ટ ફાળવવામાં આવે તો કયા ખાતામાં આવે એ નક્કી ન હતું એટલે જુલાઈ 2025માં ગ્રાન્ટ ખાતામાં આવે એ પહેલાં વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભા મળી.
બેઠકમાં 17માંથી 15 સભ્યોની હાજરીમાં ગ્રાન્ટ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરના બેન્ક અકાઉન્ટમાં જમા કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો. ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં ગુજરાત યુનિવર્સિટીએ કેન્દ્ર સરકારને એક પત્ર મોકલ્યો જેમાં એડવાઇઝરી કમિટી માટેનાં નામો મોકલવામાં આવ્યાં હતાં. આ પત્રમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર અને ચેરપર્સન તરીકે નામ નીરજા ગુપ્તાનું જ હતું. એટલે બે મહિના પહેલાં જે પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરના ખાતામાં ગ્રાન્ટ જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે ખાતું નીરજા ગુપ્તા પાસે જ રહે એવી ગોઠવણ કરવામાં આવી હતી.
દર મહિને ₹4 લાખ પગાર લીધો, નિવૃત્તિ બાદ પુત્રના ખાતામાં રકમ જમા કરી
ભાસ્કરે બેન્ક ડિટેલ્સ ટાંકીને લખ્યું છે કે આ પ્રોજેક્ટનાં ઇન્વેસિટગેટર તરીકે નીરજા ગુપ્તા દર મહિને 4.20 લાખ રૂપિયા પગાર પેટે લેતાં હતાં અને આ પગાર તેમણે નવ મહિના સુધી લીધો, જે રકમ ₹36 લાખથી વધુ થાય છે. ઉપરાંત 7 લોકોની ટીમમાંથી નીરજા ગુપ્તા સહિત ચાર વ્યક્તિઓ એવી હતી જેમની સહીથી જ તમામનો પગાર થતો હતો.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 30 જૂન, 2026ના રોજ નીરજા ગુપ્તા નિવૃત્ત થયાં ત્યારબાદ એક જ સપ્તાહમાં 7મી જુલાઈએ જે ખાતામાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ જમા થઈ રહી હતી એ જ ખાતામાંથી 9.84 લાખ રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર થયા હતા. આ રકમ અક્ષત ગુપ્તાને ગઈ હતી, જે જર્મનીમાં રહે છે અને નીરજા ગુપ્તાનો પુત્ર છે.
રિપોર્ટ અનુસાર સમગ્ર મામલો બહાર આવ્યા બાદ નીરજા ગુપ્તાએ 12 કરોડ રૂપિયા યુનિવર્સિટીને પરત ચૂકવી દેવાની તૈયારી દર્શાવી હતી પરંતુ મામલાની ગંભીરતા જોતાં યુનિવર્સિટીએ આ રકમ મેળવી નથી. બીજી તરફ તપાસ શરૂ કરવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) નીરજા ગુપ્તા વિરુદ્ધ પોતાના કુલપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન માનીતા માણસોને કર્મચારીઓ તરીકે નોકરી પર રાખીને ઊંચા પગારની લ્હાણી કરી હોવાના આરોપ લગાવ્યા હતા. રિપોર્ટ અનુસાર નીરજા ગુપ્તાએ કુલપતિ તરીકે કરેલી નિમણૂકના કારણે યુનિવર્સિટીને 3 વર્ષમાં 10.93 કરોડનો આર્થિક બોજો પડ્યો હતો.
આ સમગ્ર મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ સિન્ડિકેટ સભ્યો અને પ્રોફેસરો સહિત ત્રણ સભ્યોની એક તપાસ સમિતિની રચના કરી છે.

