હોમપેજમંતવ્યમેડિકલ કોલેજો, રેગિંગ અને આત્મહત્યા: ભવિષ્યના તબીબોમાં આ વિકૃતિ ક્યાંથી ઘૂસે છે?

મેડિકલ કોલેજો, રેગિંગ અને આત્મહત્યા: ભવિષ્યના તબીબોમાં આ વિકૃતિ ક્યાંથી ઘૂસે છે?

બહારના માણસો સમસ્યાઓને જુદી રીતે જુએ છે. અંદર સિસ્ટમમાં ઘૂસી ચૂકેલાઓ તેને જુદી રીતે જુએ છે. તેમના માટે આ દૂષણ નથી. પોતાની, કોલેજની, એ કોલેજની અંદરની શિક્ષણ વ્યવસ્થાની આગવી ઓળખ છે.

- Advertisement -

સુરતની નવી સિવિલ હોસ્પિટલ. અહીં પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા વર્ષના એક રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કરી લીધો. હર્ષ પંડ્યા તેનું નામ. તપાસ થઈ તો રેગિંગ નામનું દૂષણ જવાબદાર નીકળ્યું. તપાસ કમિટી બેસાડાઈ, જેણે વિદ્યાર્થીઓનાં સ્ટેટમેન્ટ લીધાં, તપાસ કરી અને બીજા દિવસે ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને સસ્પેન્ડ કરી દેવાયા.

આમાં ત્રણ મહિલાઓ છે. નિરાલી વસાવે, હિના ભૂત, દીક્ષિતા ઘેવરિયા અને ચોથો અનુજ મહેશ્વરી. ચારેય છ મહિના માટે સસ્પેન્ડ થયાં છે. સાથે કમિટીએ ડિપાર્ટમેન્ટના એચઓડી સુમૈયા મુલ્લા સહિત ચાર પ્રોફેસરોને શો કૉઝ નોટિસ પાઠવી છે અને જવાબ માગ્યો છે કે રેગિંગ થઈ રહ્યું હોવા છતાં તેમણે કોઈ કાર્યવાહી શા માટે ન કરી.

દિવ્ય ભાસ્કરના 11 ઑગસ્ટના રિપોર્ટનું માનીએ તો આ સિનિયર ડૉક્ટરો હમણાં જ આવેલા જુનિયરોને ‘અમે તમારા બોસ છીએ’, ‘અમે કહીએ એટલું બધું કરવાનું’ કહીને ભરપૂર ત્રાસ આપતા. મીટિંગના નામે બોલાવીને ગોંધી રાખીને ગાળો ભાંડતા એ બધું ભાસ્કરના રિપોર્ટમાં લખાયું છે. આ બધાને કોલેજ-ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ કહેવાય છે. એક મહિલા પ્રોફેસર પર આરોપ છે કે જુનિયરોએ જ્યારે રેગિંગની ફરિયાદ કરી તો ડાઉનપ્લે કરીને ‘નવી દુલ્હને ઈગો ન રાખવો જોઈએ’ તેમ કહીને મોકલી આપ્યા હતા.

- Advertisement -
દિવ્ય ભાસ્કર, 11 ઑગસ્ટ, સુરત આવૃત્તિ

આ બધું વાંચીને લાગી શકે કે એક તબીબી શિક્ષણના ઠેકાણે આ બધું કઈ રીતે ચાલી શકે અને આ બધું ચાલતું હતું તો કોઈએ અટકાવ્યું કેમ નહીં? વાસ્તવિકતા એ છે કે યહાં હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ. વધતે-ઓછે અંશે આ દરેક મેડિકલ કોલેજમાં ચાલે છે. એક રેસિડેન્ટ ડૉક્ટરની આત્મહત્યાના કારણે આ કિસ્સો બહાર આવ્યો. કેટલાય ડૉક્ટરો, વિદ્યાર્થીઓ ચૂપચાપ આ દૂષણો સહન કરતા રહે છે.

લખનારે ઈશ્વરકૃપાએ આ દૂષણનો સામનો કર્યો નથી. પણ જેઓ સામનો કરી ચૂક્યા છે તેમની પાસેથી વાતો સાંભળી છે.

શાળાજીવનના ઘણા મિત્રો અભ્યાસ પૂરો કરીને મેડિકલ લાઇનમાં ગયા પછી મુલાકાતો દરમ્યાન કોલેજ-હોસ્ટેલની ચર્ચા કરતા ત્યારે તેમાં રેગિંગની વાતો આવતી.

નોંધવાની વાત એ છે કે રેગિંગને તેઓ કોઈ ખરાબ ચીજ કે સમસ્યા તરીકે જોતા ન હતા કે ન એ રીતે વર્ણન કરતા હતા. ચહેરા પર કંઈક ગર્વના ભાવ સાથે તેઓ વાતો રજૂ કરતા. તેમની સાથે પહેલા દિવસે શું બન્યું હતું, સિનિયરોએ કઈ રીતે રેગિંગ કર્યું હતું, કોની સાથે શું બન્યું હતું, અમુક ચોક્કસ કિસ્સાઓ બન્યા હતા– બધું ઉત્સાહપૂર્વક કહી જતા હતા.

તેમની વાતોમાંથી એવો ભાવ ઉત્પન્ન થતો હતો કે આ માત્ર મેડિકલ કોલેજોમાં જ ચાલે છે, બીજે એટલા પ્રમાણમાં થતું નથી. છૂપો ભાવ એ હતો કે આ મેડિકલ કોલેજોની એક વિશેષતા છે. બીજે ‘નાદાન’ બાળકોને આવી સમજણ હોતી નથી!

વર્ષો જેમ પસાર થતાં ગયાં તેમ વાતો, કિસ્સાઓ યથાવત રહ્યાં, માત્ર પાત્રો બદલાઈ ગયાં. જેઓ પાંચ-છ વર્ષ પહેલાં જુનિયર હતા એ સિનિયર થઈ ગયા. તેમની સાથે તેમના સિનિયરોએ જે કંઈ રેગિંગ કર્યું હતું એ તેમણે જુનિયરો સાથે ચાલુ રાખ્યું. વાતચીતમાં વળી કહે પણ ખરા કે અમારી સાથે જે-તે સમયે થયું હતું એટલે હવે અમે પણ કરીશું!

આ ચક્ર આમ જ ચાલતું રહે છે.

બહારના માણસો સમસ્યાઓને જુદી રીતે જુએ છે. અંદર સિસ્ટમમાં ઘૂસી ચૂકેલાઓ તેને જુદી રીતે જુએ છે. તેમના માટે આ દૂષણ નથી. પોતાની, કોલેજની, એ કોલેજની અંદરની શિક્ષણ વ્યવસ્થાની આગવી ઓળખ છે.

નવા જતા જુનિયરોને મગજમાં ઘૂસાડી દેવામાં આવે છે કે અહીં આવું જ ચાલે છે અને તેની પાસે સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ જ અહીંની વિશેષતા છે. રેગિંગને જેન-ઝીની ભાષામાં કહીએ તો ‘કૂલ’ ચીજ બનાવી દેવામાં આવે છે. સામાન્ય અને હળવી મજાક-મસ્તી સુધી ઠીક છે પણ જુવાન મગજ આવી બાબતોમાં મર્યાદા ક્યારેય રાખતાં નથી અને તેનાં દુષ્પરિણામો પછી જોવા મળે છે.

રેગિંગના નામે શોષણ અને હેરાનગતિ ચાલુ થાય ત્યારે જુનિયર ફરિયાદ કરી શકતો નથી કારણ કે તેને પહેલેથી ઘૂસાડવામાં આવ્યું છે. આ જ કલ્ચરના કારણે, સિસ્ટમના કારણે પ્રોફેસરો પણ આંખ આડા કાન કરે છે. સુરતના કેસમાં જે પ્રોફેસરોને નોટિસ ફટકારવામાં આવી છે તેમને શું ખબર નહીં હોય કે આ બધું ચાલે છે? આપણને બહાર બેઠાં આટલી જાણકારી હોય તો અંદરના માણસને શું ન જાણ હોય? બધી હોય, પણ ફરીથી અહીં વાત પહેલેથી ઘૂસાડી દેવામાં આવેલી માનસિકતાની આવે છે.

એ જ કારણ છે કે જુનિયરો ફરિયાદ પણ કરી શકતા નથી. કારણ કે ફરિયાદ કરનારને સહપાઠીઓ જ મજાકનો વિષય બનાવી દે છે. વધુ હેરાનગતિ થાય છે. પ્રોફેસરો પણ ડાઉનપ્લે કરી નાખે છે.

મૂળ આ માનસિકતાની સમસ્યા છે. માનસિકતા વર્ષોથી ઘર કરી ગઈ છે. એક નહીં અનેક મેડિકલ કોલેજોમાં જોવા મળે છે. આ માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી ડૉક્ટરો મરતા રહેશે.

તપાસ કમિટીઓ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરીને અને પ્રોફેસરોને શો કૉઝ નોટિસ પાઠવીને સંતોષ માનતી રહેશે.

પ્રશ્ન એ છે કે રેગિંગના કારણે કોઈનું મૃત્યુ થયું હોય તો તેની સજા શું માત્ર છ મહિનાનું સસ્પેન્શન હોય? તો પછી ભારતીય ન્યાય સંહિતામાં આત્મહત્યા દુષ્પ્રેરણા અને ગેરઇરાદતન હત્યાની કલમોનું શું કામ છે?

બીજો પ્રશ્ન એ છે કે તબીબી સેવાઓ જેવા ગંભીર, સંવેદનશીલ ક્ષેત્રમાં જનારાઓમાં આ વિકૃતિ ક્યાંથી ઘૂસે છે અને આવી વિકૃતિ લઈને તેઓ દર્દીઓ પાસે જાય છે? જો જવાબ હા હોય તો તાતી જરૂરિયાત આત્મચિંતનની છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં