અમેરિકાએ કાયમી ધોરણે બંધ કર્યો ગૌતમ અદાણી વિરુદ્ધનો કેસ, DoJની વિનંતી કોર્ટે સ્વીકારી

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અદાણી (Adani) જૂથની અન્ય વ્યક્તિઓ સામે દાખલ કરવામાં આવેલો કેસ અમેરિકાની (America) કોર્ટે બંધ કર્યો છે. 2024માં બાયડન પ્રશાસન વખતે દાખલ કરવામાં આવેલા કેસમાં અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો જે કોર્ટે સ્વીકારી લીધો છે.

સોમવારે (10 ઑગસ્ટ) યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેની સાથે અમેરિકામાં અદાણી જૂથની કાયદાકીય લડાઈનો પણ અંત આવ્યો છે.

આ પહેલાં જુલાઈ મહિનામાં અમેરિકી ન્યાય વિભાગે કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કરીને કેસ બંધ કરવા માટે અરજી કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ કાળે આ કેસ સાબિત થઈ શકે એમ નથી. ઉપરાંત અમેરિકી કોર્ટને પ્રાથમિક દૃષ્ટિએ કશું લાગતું-વળગતું જ નથી અને આ કેસ શરૂ જ થવો જોઈતો ન હતો.

જજે આ દલીલો સ્વીકારી લીધી છે અને ચુકાદામાં નોંધ કરી છે કે પ્રાથમિક દૃષ્ટિએ અદાણી વિરુદ્ધ કોઈ કેસ બનતો ન હતો.

ચુકાદા બાદ ગૌતમ અદાણીએ એક X પોસ્ટમાં લખ્યું, ‘અમેરિકાની કોર્ટનો નિર્ણય પૂરેપૂરી વિનમ્રતા અને આદર સાથે સ્વીકારું છું. આ પડકારજનક સમયમાં પણ સત્ય અને કાયદાના શાસન પ્રત્યેની અમારી આસ્થા અડગ રહી હતી. જેમણે અમારી ઉપર, સિસ્ટમ ઉપર અને ભારતની ન્યાય અપાવવાની ક્ષમતા પર વિશ્વાસ દાખવ્યો તેમનો આભારી છું. રાષ્ટ્રનિર્માણ માટે અમે કામ કરતા રહીશું એ જ અમારી પ્રતિબદ્ધતા છે.’

શું હતો કેસ

વર્ષ 2024માં ગૌતમ અદાણી અને અદાણી જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં આરોપ એ હતો કે તેમણે ભારતમાં સોલાર એનર્જી પ્લાન્ટની મંજૂરી મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને કરોડોમાં લાંચ આપી હતી અને તેના કારણે અમેરિકન રોકાણકારો ગેરમાર્ગે દોરાયા હતા, કારણ કે તેમને આવી કોઈ બાબતની જાણ કરવામાં આવી ન હતી. અદાણી જૂથ સતત આ આરોપો નકારતું રહ્યું છે.

થોડા સમય પહેલાં અમેરિકન ન્યાય વિભાગે કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ કેસ બંધ કરી રહ્યા છે. ત્યારબાદ કોર્ટે પ્રોસિક્યુટરોને તેમના નિર્ણય પાછળનાં કારણ જણાવવા માટે આદેશ આપ્યો હતો. આ આદેશના ભાગરૂપે DoJએ જુલાઈ 2026માં લગભગ દસ પાનાંનું એફિડેવિટ દાખલ કર્યું હતું.

હવે ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે કહ્યું હતું કે આ કેસ શરૂ કરવામાં જ કોઈ તર્ક બનતો નથી કારણ કે તેમાં ન તો કોઈ અમેરિકન કંપની સામેલ છે કે ન કોઈ ક્રિમિનલ ઓર્ગેનાઈઝેશન. કોઈ બીજા દેશમાં થયેલા કથિત નાણાં વ્યવહાર સાથે અમેરિકાને કશું લાગતું-વળગતું નથી અને ન તો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે તેનાથી કોઈ જોખમ છે.

સાથે જણાવવામાં આવ્યું હતું કે કેસની બાબતો મોટેભાગે ભારતમાં કેન્દ્રિત છે, ભારતીય એજન્સીઓએ જે તપાસ કરી તેમાં તેમને કશું વાંધાજનક મળી આવ્યું નથી કે ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી. ન તો કોઈ રોકાણકારોએ નાણાં ગુમાવ્યાના કોઈ પુરાવા મળી આવ્યા છે. જે કોઈ સાક્ષીઓ છે એ પણ વિદેશમાં છે. કોઈ કાળે આ કેસ અમેરિકામાં ચાલી શકે એમ નથી.

આગળ જણાવવામાં આવ્યું કે અગાઉના બાયડન પ્રશાસનમાં આ કેસ શરૂ કરવામાં આવ્યો હતો અને આરોપો લગાવી દેવાયા હતા પણ એ વિચાર કર્યો ન હતો કે ટ્રાયલમાં આને સાબિત કઈ રીતે કરવામાં આવશે. આ કેસ શરૂ થયો ત્યારથી જ કોર્ટમાં સાબિત થવાની સંભાવનાઓ અનેકગણી ઓછી હતી અને એટલે હવે કેસ બંધ કરવા એ જ વિકલ્પ છે.

આખરે કોર્ટે આ દલીલો સ્વીકારી લીધી છે અને કેસ બંધ કર્યો છે.