ઝારખંડમાં વિદ્યાર્થીઓનો વિધાનસભા ઘેરાવ, પોલીસે કર્યો લાઠીચાર્જ: પૂર્વ JPSC ચેરમેનની ધરપકડ, ED પણ તપાસમાં ઊતરી

ઝારખંડમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓનું વિધાનસભા ઘેરાવ: બેરિકેડ તોડી આગળ વધ્યા, વોટર કેનન-લાઠીચાર્જ-ટિયર ગેસ વચ્ચે પણ ન અટક્યા; પૂર્વ JPSC ચેરમેનની ધરપકડ, ED પણ તપાસમાં ઉતરી

ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ સામે છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન સોમવાર (10 ઑગસ્ટ, 2026)ના રોજ ઉગ્ર બન્યું હતું. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચ્યા હતા અને નવી વિધાનસભાના ઘેરાવ માટે માર્ચ કાઢી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ માર્ચમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ રસ્તામાં પોલીસ દ્વારા ઉભી કરાયેલી એક પછી એક બેરિકેડિંગ પાર કરી હતી અને અંતે નવી વિધાનસભાની દીવાલ સુધી પહોંચી ગયા હતા.

વિદ્યાર્થીઓની મુખ્ય માગણી JSSC-CGL પરીક્ષા રદ કરવાની અને ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિની CBI તપાસ કરાવવાની છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી CGL પરીક્ષા રદ કરીને સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટવામાં આવશે નહીં. બીજી તરફ રાજ્ય સરકારે CBI તપાસની માગણી સ્વીકારી નથી અને રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની વાત કરી છે. નાણાકીય ગેરરીતિ સામે આવે તો ED તપાસનો વિકલ્પ પણ સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યો છે.

એક પછી એક બેરિકેડ તોડીને વિધાનસભા તરફ વધ્યા વિદ્યાર્થીઓ

સોમવારે સવારે વિદ્યાર્થીઓ રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાંથી જૂની વિધાનસભા તરફ એકઠા થયા હતા. ત્યારબાદ જૂની વિધાનસભાથી નવી વિધાનસભા તરફ ‘વિધાનસભા ઘેરાવ’ માટે માર્ચ શરૂ થયો હતો. વિદ્યાર્થીઓના હાથમાં તિરંગો અને વિવિધ માગણીઓ સાથેનાં પોસ્ટર હતા. વિરોધ દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઝંડા કે બેનર જોવા મળ્યા ન હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

વિદ્યાર્થીઓ આગળ વધતાં પોલીસે અલગ-અલગ સ્થળે બેરિકેડિંગ કરી તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પ્રદર્શનકારીઓએ પહેલા બેરિકેડ પાર કર્યા અને ત્યારબાદ ત્રીજા તથા ચોથા બેરિકેડ સુધી પહોંચી તેને પણ તોડી નાખ્યા હતા. જગન્નાથપુર મંદિર પાસેનું બેરિકેડ પાર કર્યા બાદ વિદ્યાર્થીઓ નવી વિધાનસભાથી આશરે 500 મીટર દૂર સુધી પહોંચી ગયા હતા. બાદમાં તેમણે વધુ બેરિકેડ પણ પાર કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ ખેતરોમાંથી પસાર થઈને વિધાનસભાની દીવાલ સુધી પહોંચી ગયા હતા.

વોટર કેનન વચ્ચે પણ ન અટક્યો વિરોધ, પાણીની બૌછારમાં નાચતા દેખાયા વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને આગળ વધતા અટકાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જોકે પાણીની તેજ બૌછાર વચ્ચે પણ વિદ્યાર્થીઓ પાછળ હટ્યા નહોતા. કેટલાક પ્રદર્શનકારીઓ વોટર કેનનની બૌછાર વચ્ચે નાચતા પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

Indian Expressના અહેવાલ અનુસાર, વિદ્યાર્થીઓ બેરિકેડ તોડીને આગળ વધતા પોલીસ દ્વારા ટિયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. અથડામણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ તથા પોલીસકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે. એક વિદ્યાર્થી વિક્રમ કુમારે આરોપ લગાવ્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક લાઠીચાર્જ કરવામાં આવ્યો. કેટલાક અન્ય પ્રદર્શનકારીઓએ પણ પોલીસ કાર્યવાહી અંગે આક્ષેપો કર્યા હતા.

વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો પણ આંદોલનમાં જોડાયા હતા. તેઓ છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર હતા. નબળી તબિયત વચ્ચે તેઓ એમ્બ્યુલન્સમાં માર્ચના સ્થળે પહોંચ્યા અને બાદમાં સ્ટ્રેચર પર આગળ વધ્યા હતા. તેમના હાથમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું ચિત્ર પણ જોવા મળ્યું હતું.

17 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન, સરકાર સાથેની વાતચીત પણ બની નહીં પરિણામકારક

JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનું આંદોલન છેલ્લા 17 દિવસથી ચાલી રહ્યું છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ તબક્કામાં વાતચીત થઈ હતી. જોકે વિદ્યાર્થીઓની મુખ્ય માગણીઓ પર અંતિમ સહમતી બની શકી નહોતી. આ પછી વિદ્યાર્થીઓએ 10 ઑગસ્ટે વિધાનસભા ઘેરાવનું એલાન કર્યું હતું.

વિદ્યાર્થી નેતા રવિન્દ્ર પાસવાને અગાઉ કહ્યું હતું કે પોલીસ જ્યાં તેમને રોકશે ત્યાં જ તેઓ બેસી જશે અને વિરોધને શાંતિપૂર્ણ રાખવામાં આવશે. આ માટે મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમ છતાં સોમવારે માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી.

સરકારે કેટલીક પરીક્ષાઓ રદ કરવાની સંમતિ આપી, પરંતુ CGL મુદ્દે મડાગાંઠ

વિદ્યાર્થી આંદોલન વચ્ચે રાજ્ય સરકારે એક દિવસ પહેલાં કેટલીક મહત્વપૂર્ણ માગણીઓ સ્વીકારી હતી. સરકાર 14મી JPSC Combined Civil Servicesની પ્રિલિમિનરી પરીક્ષા તેમજ 2023 અને 2025માં લેવામાં આવેલી કેટલીક બેકલોગ પરીક્ષાઓ રદ કરવા સંમત થઈ હતી. 14મી JPSC પરીક્ષા સાથે જોડાયેલી કથિત નાણાકીય ગેરરીતિની તપાસ માટે EDની ભૂમિકા અંગે પણ સરકાર તરફથી સંમતિ આપવામાં આવી હતી.

પરંતુ વિદ્યાર્થીઓ JSSC-CGL પરીક્ષા રદ કરવાની પોતાની માગણી પર અડગ રહ્યા છે. તેમનું કહેવું છે કે માત્ર કેટલીક પરીક્ષાઓ રદ કરવાથી મામલો ઉકેલાતો નથી અને સમગ્ર ભરતી પ્રક્રિયાની કથિત ગેરરીતિની CBI તપાસ થવી જોઈએ.

પૂર્વ JPSC ચેરમેન L. Khiangteની CID દ્વારા ધરપકડ

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વધુ એક મોટો વિકાસ થયો છે. ઝારખંડ CIDએ JPSCના પૂર્વ ચેરમેન L. Khiangteની ધરપકડ કરી છે. ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિના કેસ સાથે જોડાયેલી તપાસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. Khiangte અગાઉ JPSCના ચેરમેન પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા.

બીજી તરફ BJP નેતા અને ઝારખંડ વિધાનસભામાં વિપક્ષના નેતા બાબુલાલ મરાંડીએ ધરપકડને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરી રહી છે અને વિદ્યાર્થીઓની તમામ માગણીઓ પર ગંભીરતાથી પગલાં લેવામાં આવી રહ્યાં નથી. તેમણે JSSCના કાર્યકારી અધ્યક્ષ IAS પ્રશાંત કુમારને સસ્પેન્ડ કરવાની, FIR નોંધવાની અને સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માગ કરી છે.

EDએ પણ શરૂ કરી તપાસ

JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ હવે માત્ર રાજ્ય પોલીસની તપાસ પૂરતી સીમિત રહી નથી. Enforcement Directorate એટલે કે EDએ પણ આ મામલે મની લોન્ડરિંગ વિરોધી કાયદા PMLA હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્ય પોલીસ CIDની FIR તથા અન્ય ફરિયાદો અને ચાર્જશીટના આધારે EDએ તપાસ શરૂ કરી છે. તપાસમાં પરીક્ષાઓ સાથે જોડાયેલી કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવામાં આવી શકે છે.

રાંચીમાં ભારે સુરક્ષા વ્યવસ્થા, વિધાનસભા વિસ્તારના 750 મીટરમાં પ્રતિબંધ

વિદ્યાર્થીઓના વિધાનસભા ઘેરાવને ધ્યાનમાં રાખીને રાંચી પ્રશાસને નવી વિધાનસભા પરિસરની આસપાસના 750 મીટરના વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ કરી હતી. પોલીસ અને રાયોટ કંટ્રોલ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા અને અનેક સ્તરની બેરિકેડિંગ કરવામાં આવી હતી. કાંટાળા તાર પણ લગાવવામાં આવ્યા હતા.

આટલી ભારે સુરક્ષા વ્યવસ્થા છતાં વિદ્યાર્થીઓ એક પછી એક બેરિકેડ પાર કરીને વિધાનસભાની દીવાલ સુધી પહોંચી ગયા હતા.

પેન્ટબોલ ગનને લઈને પણ ચર્ચા

વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પાસે પેલેટ ગન હોવાની ચર્ચા થઈ હતી. જોકે રાંચીના સિટી SP પારસ રાણાએ સ્પષ્ટતા કરી હતી કે પોલીસ પાસે જોવા મળેલી ગન પેલેટ ગન નહીં પરંતુ પેન્ટબોલ ગન હતી. પેન્ટબોલ ગન સામાન્ય રીતે રંગ ભરેલી બોલ ફાયર કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તેના દ્વારા વ્યક્તિ કે વસ્તુ પર રંગનો નિશાન રહી શકે છે.

BJP નેતાઓ પણ મેદાનમાં, અનેક નેતાઓની અટકાયત

વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચ વચ્ચે BJPએ પણ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી સહિત BJPના નેતાઓએ મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે બાબુલાલ મરાંડી અને પ્રદેશ BJP અધ્યક્ષ આદિત્ય સાહુ સહિત કેટલાક નેતાઓને અટકાયતમાં લીધા હતા.

મરાંડીએ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ છેલ્લા 14-15 દિવસથી આંદોલન કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર છે અને કેટલાકની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેમણે સરકાર પર વિદ્યાર્થીઓની માગણીઓને લઈને માત્ર આશ્વાસન આપવાનો આરોપ લગાવ્યો અને JPSC-JSSC મામલે CBI તપાસની માગ કરી.

વિધાનસભાની કાર્યવાહી પણ સ્થગિત

વિદ્યાર્થીઓના વિરોધ અને પોલીસ સાથેની અથડામણની વચ્ચે ઝારખંડ વિધાનસભામાં પણ તેની અસર જોવા મળી. BJPના કેટલાક ધારાસભ્યો વિરોધના કારણે ગૃહમાં હાજર રહી શક્યા નહોતા. બાદમાં વિદ્યાર્થીઓનું આંદોલન વિધાનસભા પરિસરની નજીક પહોંચ્યું અને પોલીસ તથા પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ વધ્યો. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઝારખંડ વિધાનસભાની કાર્યવાહી સોમવાર માટે સ્થગિત કરી દેવામાં આવી.

હાલ રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ છે. એક તરફ વિદ્યાર્થીઓ JSSC-CGL રદ કરવા અને CBI તપાસની માગ પર અડગ છે, તો બીજી તરફ સરકાર કેટલીક પરીક્ષાઓ રદ કરવા અને ન્યાયિક તપાસના વિકલ્પ સાથે આગળ વધી રહી છે. આ દરમિયાન પૂર્વ JPSC ચેરમેનની ધરપકડ અને EDની તપાસથી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિનો મુદ્દો વધુ ગંભીર બની ગયો છે.