હોમપેજએક્સપ્લેઇનરશું છે FCRA અને સરકાર શા માટે તેમાં સુધારા કરી રહી છે?

શું છે FCRA અને સરકાર શા માટે તેમાં સુધારા કરી રહી છે?

સરકાર માર્ચમાં બિલ લઈ આવી છે. આ સત્રમાં પસાર કરાવવાની ગણતરી છે. વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. જાણ્યા-સમજ્યા વગર વિરોધ કરવો એ વિપક્ષનું કામ છે, પણ વિષયની પૂરતી જાણકારી મેળવી લેવી એ આપણું કામ છે, જેથી પ્રોપગેન્ડામાં આવી ન જઈએ.

- Advertisement -

ઇકોસિસ્ટમની કરતૂતોના કારણે જેમ ‘લિબરલ’ અને ‘સેક્યુલર’ જેવા શબ્દોના અર્થ નકારાત્મક જ રહી ગયા એ યાદીમાં થોડેઘણે અંશે ‘ફોરેન ફન્ડિંગ’ શબ્દસમૂહ પણ આવે છે. આમ તો તેનો શબ્દાર્થ ‘વિદેશી ભંડોળ’ થાય, પણ ‘ફોરેન ફન્ડિંગ’ સાંભળો એટલે નકારાત્મક છબી જ ઉપજે.

જોવા જોઈએ તો વિદેશી ભંડોળ, ફોરેન ફન્ડિંગ ખરાબ ચીજ નથી.

ઘણાં ક્ષેત્રોમાં પૈસા કામ આવી શકે. શાળાઓ, હોસ્પિટલો, સાયન્ટિફિક રિસર્ચને ભંડોળ પૂરું પાડવામાં, ડિઝાસ્ટર રિલીફ, ગરીબી હટાવવા માટે કામ કરતી સંસ્થાઓને ચાલતી રાખવા માટે, સામાજિક કલ્યાણ કે પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરનારાઓને મદદરૂપ થવા માટે વિદેશી પૈસાનો ઉપયોગ કરી શકાય છે અને દાયકાઓથી થાય છે. દુનિયા આ જ રીતે ચાલે છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતને પણ આ બધાં ક્ષેત્રોમાં વિદેશી પૈસાથી ફાયદો થયો જ છે.

- Advertisement -

પણ આનું એક બીજું પાસું પણ છે. દેશની બહારથી પૈસો દેશમાં આવે ત્યારે તેમાં માત્ર પૈસો આવ્યો અને વપરાયો એટલી જ વાત રહી જતી નથી. પૈસાનો ઉપયોગ સારાં-નરસાં કામમાં થાય ઉપરાંત પૈસો બીજું પણ ઘણું કરી શકે છે.

આ જ કારણ છે કે વિદેશમાંથી પૈસા દેશમાં આવે ત્યારે સરકારની એ જવાબદારી થઈ પડે, એ જાણવાની, કે પૈસો ક્યાંથી આવ્યો, ભારતમાં કોને પહોંચ્યો, તેનો શું ઉપયોગ થયો અને આખરે ક્યાં ગયો. માત્ર સરકારને જ નહીં, દેશના લોકોને, નાગરિકોને પણ ખબર હોવી જોઈએ. એક રીતે આ ‘નેશનલ ઇન્ટરેસ્ટ’નો વિષય કહેવાય.

અહીં FCRA (ફોરેન કોન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ આવે છે. નામમાં જ તેનો અર્થ છે– વિદેશથી આવતા પૈસાનું નિયમન. રેગ્યુલેશન. તેનો અર્થ એ નથી કે વિદેશી ભંડોળ અટકાવી દેવું કે તેને દેશમાં જ ન આવવા દેવું. માત્ર એ પૈસો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની ઉપર દેખરેખ રાખવી.

ભારતમાં આજથી નહીં દાયકાઓથી આ કાયદો લાગુ છે. સમયાંતરે તેમાં સંશોધનો થતાં રહ્યાં છે. તાજું સંશોધન 2026માં થવા જઈ રહ્યું છે.

સરકાર માર્ચમાં બિલ લઈ આવી છે. આ સત્રમાં પસાર કરાવવાની ગણતરી છે. વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. જાણ્યા-સમજ્યા વગર વિરોધ કરવો એ વિપક્ષનું કામ છે, પણ વિષયની પૂરતી જાણકારી મેળવી લેવી એ આપણું કામ છે, જેથી પ્રોપગેન્ડામાં આવી ન જઈએ.

FCRA શું છે?

ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ ભારતમાં વિદેશી ભંડોળ મેળવવા અને તેનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિનું નિયમન કરનારો કાયદો છે.

સૌથી પહેલાં વર્ષ 1976માં FCRA લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ એ આવે છે. કાયદામાં લખ્યું છે કે તેનો ઉદ્દેશ્ય વિદેશમાંથી આવતા ભંડોળનું નિયમન કરવાનો, તેના ઉપયોગ પર નજર રાખવાનો અને ભારતના રાષ્ટ્રીય હિતને અસર કરે તેવી પ્રવૃત્તિમાં વિદેશી પૈસાનો ઉપયોગ ન થાય એ સુનિશ્ચિત કરવાનો છે.

FCRA મૂળ ત્રણ પ્રશ્નોના જવાબ આપે છે.

1) વિદેશી ભંડોળ કોણ મેળવી શકે?

2) વિદેશી પૈસો ભારતમાં કઈ રીતે આવશે?

૩) વિદેશી પૈસાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય?

કાયદો એ પણ સુનિશ્ચિત કરે છે કે અમુક પ્રકારની વ્યક્તિઓ કે પ્રવૃત્તિઓ માટે વિદેશી ભંડોળ મેળવી શકાય નહીં. એ આગળ જોઈશું. કેમ નહીં મેળવી શકાય એની પણ ચર્ચા કરીશું.

પણ એટલું સ્પષ્ટ છે કે FCRAનો અર્થ એ નથી કે NGO કે આવી કોઈ સંસ્થાઓ ભારતમાં કામ ન કરી શકે. માત્ર એ એવી સંસ્થાઓ પર દેખરેખ રાખવા માટે બનાવાયો છે જે વિદેશી ભંડોળ મેળવતી હોય. આ સંસ્થાઓને એક રેગ્યુલેટરી સિસ્ટમ હેઠળ લાવવા માટેનું આ માળખું છે.

પહેલો પ્રશ્ન એ આવે છે કે,

ફોરેન ફન્ડિંગ કે કોન્ટ્રિબ્યુશન કોને કહેવાય?

સામાન્ય રીતે માનવામાં આવે છે કે ફોરેન ફન્ડિંગ એટલે વિદેશના કોઈ ખાતામાંથી ભારતમાં કોઈ ખાતાં બૅન્ક ટ્રાન્સફર વડે રકમ મોકલવામાં આવે એ. પણ કાયદામાં વ્યાખ્યા થોડી બૃહદ છે.

FCRA હેઠળ વિદેશી ભંડોળની વ્યાખ્યામાં ડોનેશન અને બેન્ક ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવતી રકમ ઉપરાંત સિક્યુરિટીઝ અને આર્ટિકલ્સનો પણ સમાવેશ થાય છે.

અર્થાત્, શેર, સ્ટોક, બોન્ડ, ગવર્નમેન્ટ સિક્યુરિટી વગેરે પણ જો વિદેશથી મોકલવામાં આવે તો એ FCRA હેઠળ ફોરેન કોન્ટ્રિબ્યુશનમાં આવે છે. આર્ટિકલ એટલે ભૌતિક ચીજો. ઉદાહરણ તરીકે જો વિદેશથી કોઈ NGOને વાહનો મોકલવામાં આવે કે કમ્પ્યુટર ડોનેટ કરવામાં આવે તો એ પણ ફોરેન કોન્ટ્રિબ્યુશનમાં ગણાય.

જોકે આમાં એક અપવાદ છે. વ્યક્તિગત ઉપયોગ માટેની ભેટ આ વ્યાખ્યામાં આવતી નથી.

બીજું, ફોરેન ફન્ડિંગ કોઈ ઇન્ટરમીડિયેટરી મારફતે આવે તોપણ એ ફોરેન ફન્ડિંગ જ ગણાય છે.

ઉદાહરણ લઈએ તો, એક વિદેશી સંસ્થાએ ભારતમાં કોઈ વ્યક્તિના ખાતામાં અમુક રકમ મોકલી અને ત્યારબાદ એ વ્યક્તિએ પોતાના ખાતામાંથી NGOને પૈસા ટ્રાન્સફર કર્યા. આ પ્રવૃત્તિ પણ FCRA હેઠળ જ આવશે કારણ કે પૈસાનો મૂળ સ્ત્રોત વિદેશી છે. એટલે વચેટિયાઓ મારફતે પૈસા મેળવવાથી કાયદાથી બચી ન શકાય.

આમાં જોકે સામાન્ય કમર્શિયલ ટ્રાન્ઝેક્શન બાકાત રાખવામાં આવ્યાં છે. જેમકે કોઈ ભારતીય કંપની વિદેશમાં કોઈ સામાન વેચે કે સર્વિસ પૂરી પાડે અને તેના બદલામાં પેમેન્ટ મેળવે તો એ વ્યાવસાયિક કહેવાય, ફોરેન ડોનેશન નહીં.

આવા કાયદાની જરૂર કેમ પડે છે?

ઉપર કહ્યું એમ, વિદેશથી પૈસો દેશમાં આવતો હોય ત્યારે તેના સ્ત્રોત, ઉપયોગ વગેરે વિશે સરકાર અને દેશના નાગરિકોને જાણકારી હોવી જરૂરી છે. આજની દુનિયામાં સ્થાપિત હિતો માટે જુદા-જુદા દેશોની અન્ય દેશોના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાની વૃત્તિ બહુ સામાન્ય છે. પશ્ચિમી દેશો આમાં પાવરધા બની ચૂક્યા છે. આ સંજોગોમાં પૈસાનો ઉપયોગ રાષ્ટ્રીય હિત વિરુદ્ધ ન થાય એ દેખરેખ રાખવાની જવાબદારી પણ સરકારની છે.

FCRA માળખું મૂળ ત્રણ વિચાર પર આધારિત છે: પારદર્શિતા, જવાબદેહી અને સાર્વભૌમત્વ. વિદેશી ભંડોળની બાબતમાં પારદર્શિતા હોવી જોઈએ, જેઓ પૈસા મેળવે છે તેમણે જવાબદારી અને જવાબદેહી લેવી પડે છે અને સરકારે દેશના સાર્વભૌમત્વની રક્ષા માટે તેનું નિયમન કરવું પડે છે.

ટૂંકમાં કહીએ તો ભારતમાં વિદેશી સહયોગને પરવાનગી છે પણ ઇનવિઝિબલ ચેનલ મારફતે પૈસા મોકલીને આંતરી મામલામાં હસ્તક્ષેપ કરવાની નથી. બંનેમાં ફેર છે.

એવું પણ નથી કે માત્ર ભારતમાં જ આવો કાયદો અમલમાં છે. અમેરિકામાં યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ છે. ઑસ્ટ્રેલિયામાં ફોરેન ઇન્ફ્લુઅન્સ ટ્રાન્સપરન્સી સ્કીમ છે. યુકે અને કેનેડામાં પણ સમાન પ્રકારના કાયદાઓ અમલમાં છે. બધે એક જ સિદ્ધાંત લાગુ પડે છે કે વિદેશી પૈસા દેશમાં આવે એનો વાંધો નથી પણ તેનો ઉપયોગ દેશમાં થતો હોય ત્યારે તેનાં નિયમન અને દેખરેખ જરૂરી છે.

તો એનો અર્થ એ થયો કે FCRAથી ફોરેન ફન્ડિંગ અટકી જાય?

ના.

ફોરેન ફન્ડિંગ પહેલાં પણ થતું હતું, પછી પણ ચાલુ રહ્યું, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ઇન ફેક્ટ, સમયાંતરે વધતું રહે છે. કાયદો માત્ર નિયમન કરે છે.

સરકારી આંકડા કહે છે કે 2024-25માં 16,200 સંસ્થાઓએ લગભગ ₹22,963 કરોડનું ફોરેન ફન્ડિંગ મેળવ્યું હતું.

સરકાર એમ નથી કહેતી કે વિદેશથી પૈસા ન મેળવો. સરકાર એટલું કહે છે કે વિદેશથી પૈસા આવતા હોય તો એની જાણકારી આપો અને નિયમો મુજબ ચાલો.

ફોરેન ફન્ડિંગનો ઉપયોગ ક્યાં થઈ શકે?

FCRA હેઠળ આ બધી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. પૈસાનો ઉપયોગ ગમે ત્યાં ન થઈ શકે.

વિદેશી ભંડોળ શિક્ષણ, શિષ્યવૃત્તિ, સ્વાસ્થ્ય, રુરલ ડેવલપમેન્ટ, સેનિટેશન અને સ્વચ્છ પાણી, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગોના કલ્યાણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ, ક્લીન એનર્જી, કલ્ચર અને હેરિટેજ, ડિઝાસ્ટર રિલીફ અને પુનર્વસન, વૈજ્ઞાનિક રિસર્ચ અને અમુક ફેથ-બેઝ્ડ વેલ્ફેર પ્રવૃત્તિઓ માટે થઈ શકે.

કોણ ફોરેન ફન્ડિંગ ન મેળવી શકે?

કાયદામાં અમુક વ્યક્તિઓ-સંસ્થાઓ પર વિદેશી ભંડોળ મેળવવા પર રોક લગાવવામાં આવી છે. કારણ કે તેઓ એવા કામ કે ક્ષેત્રમાં છે, જ્યાં વિદેશી હસ્તક્ષેપ કે ભંડોળ અવળી અસર પાડી શકે.

ઉદાહરણ તરીકે, ચૂંટણી લડતા ઉમેદવારો. ચૂંટણીમાં વિદેશી પૈસાનો ઉપયોગ ન થઈ શકે. ધારાસભ્યો અને સાંસદો પણ એમાં આવી ગયા.

ન્યાયાધીશોને પણ બાકાત રાખવામાં આવ્યા છે. કારણ કે તેમનું કામ ન્યાય કરવાનું છે. એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આ દાયરામાં આવે છે.

આ યાદીમાં અખબારો, પ્રકાશકો જેઓ ન્યૂઝ રિપોર્ટિંગ સાથે સંકળાયેલા હોય તેમનો પણ સમાવેશ થાય છે. રાજકીય પાર્ટીઓ પણ ખરી.

કારણ એ છે કે ચૂંટણી, સરકારી કામકાજ કે મીડિયા જેવાં સંવેદનશીલ ક્ષેત્રોમાં વિદેશી ભંડોળ જાય તો તેની અસરો પડી શકે એમ છે. એવું પણ નથી કે આ રોક નવી છે, વર્ષોથી, જૂની સરકારો વખતેથી ચાલી આવે છે.

FCRAનું માળખું કામ કઈ રીતે કરે છે?

જે સંસ્થા વિદેશી ભંડોળ મેળવવા માગતી હોય તેની પાસે બે વિકલ્પો હોય છે.

કાં એ સંસ્થા FCRA માટે નોંધણી કરાવી શકે. અથવા કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે પૈસાની જરૂર હોય અને એ ભંડોળ વિદેશથી આવવાનું હોય તો અગાઉથી પરવાનગી લઈ શકે.

રજિસ્ટ્રેશન એ સંસ્થાઓ માટે છે જે ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી કાર્યરત હોય. ચોક્કસ પ્રોજેક્ટ માટેની પૂર્વમંજૂરી માટે આવો કોઈ ક્રાઇટેરિયા નથી.

પરંતુ બંને માટે આઇડેન્ટિટી વેરિફિકેશન કરાવવું પડે છે. જે પ્રવૃત્તિ માટે પૈસાની જરૂર હોય તેની જાણકારી આપવી પડે છે અને જે-તે સંસ્થાના જવાબદાર માણસોની વિગતો આપવી પડે છે.

એક વખત પરવાનગી મળી ગયા પછી શું? ત્યારબાદ એકદમ ટાઇટ અને રેગ્યુલેટેડ સિસ્ટમથી પૈસા મળે છે.

વિદેશથી આવતો પૈસો ફરજિયાત સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની નવી દિલ્હીની મેઇન બ્રાન્ચના એક ચિન્હિત કરવામાં આવેલા FCRA અકાઉન્ટમાં જ જમા થાય છે. ત્યારબાદ પૈસાને આ અકાઉન્ટમાંથી બીજે ટ્રાન્સફર કરી શકાય.

આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી વિદેશી ભંડોળનો એક જ એન્ટ્રી પોઈન્ટ રહે. નિયમન યોગ્ય રીતે કરી શકાય.

આનો લાભ એ કે સરકારે મની ટ્રેઇલનો સ્ટાર્ટિંગ પોઈન્ટ શોધવા જવો પડતો નથી. બધા માટે એ સામાન્ય છે. તેનાથી અનટ્રેસેબલ ફાયન્શિયલ સિસ્ટમ ઊભી કરીને પૈસા મેળવી શકાતા નથી. જે કંઈ થાય છે એ આંખ સામે, કાગળ પર થાય છે.

પૈસા મેળવી લે એટલે સંસ્થા આડેધડ ઉપયોગ કરી શકતી નથી. પૈસાનો ઉપયોગ ચોક્કસ હેતુઓ માટે–જે પહેલેથી જણાવ્યા હોય– થઈ શકે.

નિયમો મુજબ પ્રશાસનિક ખર્ચ 20%થી વધવો ન જોઈએ. એટલે વાર્ષિક જે કંઈ વિદેશી ભંડોળ મળે એનો 20% જ ખર્ચ પ્રશાસનિક પ્રવૃત્તિઓ માટે થઈ શકે. આ એટલા માટે કે કોઈ સંસ્થા દાનના નામે પૈસા મગાવીને પોતાના માણસો માટે લ્હાણી ન કરી શકે. બાકીનો 8૦% હિસ્સો સંસ્થાએ જે હેતુઓ જણાવ્યા હોય તેના માટે વાપરવો પડે છે.

સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે: પૈસા જો કોઈ ચોક્કસ હેતુ માટે વિદેશથી મોકલવામાં આવ્યા હોય તો એ હેતુ પાર પડે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ અને પૈસા યોગ્ય ઠેકાણે પહોંચવા જોઈએ.

આ બધાંનો વર્ષાન્તે હિસાબ-કિતાબ થાય છે. સંસ્થાએ એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવું પડે છે. જેમાં દાતાઓ, કેટલી રકમ મેળવી, કેટલું વિદેશી ભંડોળ મેળવ્યું અને કોનો ક્યાં ઉપયોગ કર્યો એ જણાવવું પડે છે. આના માટે સરકારે ઓનલાઇન સિસ્ટમ વિકસાવી છે.

FCRA રજિસ્ટ્રેશન કાયમી હોતું નથી. પાંચ વર્ષ માટે હોય છે. ત્યારબાદ રિન્યુ કરવું પડે છે.

આ વ્યવસ્થા એટલા માટે જેથી સરકારને સમયાંતરે એ નક્કી કરવાનો અવકાશ મળી રહે કે સંસ્થા ખરેખર નિયમો અને કાયદામાં રહીને કામ કરી રહી છે કે કેમ. જો કોઈ અનિયમિતતા દેખાય કે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાય તો સરકાર પાસે લાયસન્સ પરત લેવાની સત્તા રહે છે.

FCRAમાં સમયાંતરે ફેરફારો થતા રહ્યા છે.

આનો અર્થ એ થયો કે આ મોદીકાળનું સંશોધન નથી. 1976માં પહેલી વખત કાયદો લાવવામાં આવ્યો હતો. 1984માં માળખામાં સુધારો કરવામાં આવ્યો.

2010માં જૂનો કાયદો નિરસ્ત કરીને એક નવી સિસ્ટમ લાવવામાં આવી અને નવો કાયદો પસાર કરવામાં આવ્યો. હાલ આ 2010નો કાયદો અમલમાં છે. 2010માં જ પાંચ વર્ષે રિન્યુ કરવાની સિસ્ટમ લાવવામાં આવી હતી.

2016 અને 2020માં ફરી સંશોધનો થયાં.

2020માં મોદી સરકારે માળખું વધારે કડક કર્યું. જેમકે, સંસ્થાના માણસો માટે આઇડેન્ટિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું. એક ચોક્કસ SBI અકાઉન્ટને એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યું. અન્ય સંસ્થાને વિદેશી પૈસો ટ્રાન્સફર કરવા પર રોક લગાવવામાં આવી. પ્રશાસનિક ખર્ચ પચાસ ટકાથી ઘટાડીને 20% કરવામાં આવ્યો. રિન્યુઅલ વખતે સ્ક્રૂટિની વધુ કડક કરવામાં આવી.

અર્થાત્, પાંચ દાયકામાં જેમ-જેમ દુનિયા આગળ વધતી ગઈ, જેમ-જેમ ફોરેન ફન્ડિંગનું સ્વરૂપ બદલાતું ગયું, વિદેશી હસ્તક્ષેપ વગેરે સામાન્ય બાબતો બનતી ગઈ એમ સરકારોએ પણ કાયદામાં જરૂરી ફેરફારો કર્યા, જેથી સમય સાથે માળખું પ્રાસંગિક બન્યું રહે. દરેક કાયદા માટે આ લાગુ પડે છે. FCRA પણ તેમાંથી બાકાત નથી.

આનો એક અર્થ એ પણ છે કે મૂળ આ કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી અને 2010માં કડક કાયદો પણ કોંગ્રેસ સરકારે જ બનાવ્યો હતો. તો હવે વિરોધ કેમ કરી રહી છે? એનો જવાબ મેળવવા માટે અલગથી ચર્ચા કરવી પડે એમ છે.

હમણાં સરકાર શું સુધારા કરી રહી છે?

સરકારનું કહેવું છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં FCRA સાથે કામ કરતાં-કરતાં અમુક ઑપરેશન ગેપ જોવા મળી છે, એનું જ સમાધાન આ 2026ના સુધારા બિલમાં છે.

હમણાંનો સુધારો મૂળ એ વાત પર આધારિત છે કે ફોરેન ફન્ડેડ એસેટ (સંપત્તિ) સાથે શું કરવું જોઈએ.

માળખાંમાં આ વ્યવસ્થા છે જ. જોગવાઈઓ પહેલેથી છે જે જણાવે છે કે જ્યારે સંસ્થાનું લાયસન્સ રદ થઈ જાય કે સસ્પેન્ડ થાય ત્યારે વિદેશી ભંડોળ કે તેમાંથી ઉદભવેલી સંપત્તિનું શું કરવું જોઈએ.

કાયદાની કલમ 15 કહે છે કે જો કોઈ સંસ્થાનું લાયસન્સ રદ કે સસ્પેન્ડ થાય તો વિદેશી ભંડોળની રકમ અને તેમાંથી ઉદભવેલી સંપત્તિ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ઓથોરિટી પોતાને હસ્તક કરી શકે. જો સંસ્થા ફરીથી રજિસ્ટર્ડ થાય કે લાયસન્સ બહાલ થઈ જાય તો આ સંપત્તિ અને રકમ જે-તે સંસ્થાને પરત આપી દેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, એક NGOએ ₹10 કરોડના ફોરેન ફન્ડિંગની મદદથી એક શાળા બાંધી. થોડાં વર્ષો પછી તેનું લાયસન્સ રદ થઈ ગયું. તો સરકારની ઓથોરિટી આ શાળા હસ્તક કરી શકે. થોડા સમય પછી જો સંસ્થાએ લાયસન્સ પરત મેળવી લીધું તો શાળા ફરી જે-તે સંસ્થાને હસ્તક થઈ જાય અને સરકાર સંચાલન છોડી દે.

આમાં સમસ્યા એ છે કે સંપત્તિ સરકારી ઓથોરિટીએ હસ્તગત કર્યા પછી તેનું સંચાલન કઈ રીતે કરવું, લાયસન્સ કાયમી ધોરણે રદ થવાની સ્થિતિમાં તેનું શું કરવું– આ બધી બાબતોમાં સ્પષ્ટતાનો અભાવ છે.

એટલે જ આ સુધારાની જરૂર પડી.

નવી સિસ્ટમ શું છે?

સુધારા બિલ અનુસાર જો સંસ્થાનું FCRA રજિસ્ટ્રેશન રદ થાય તો ફોરેન ફન્ડેડ એસેટ જે-તે સરકારી ઓથોરિટી હસ્તક આવી જશે. એટલા સમય દરમ્યાન તેનું સંચાલન ઓથોરિટી કરશે. તેના માટે જે-તે ફોરેન ફન્ડિંગની રકમ જપ્ત થઈ હોય તેનો ઉપયોગ કરી શકાય. ઉપરાંત હવે પાંચ વર્ષ પછી રજિસ્ટ્રેશન રિન્યુ કરવામાં ન આવે તોપણ એ રદ થયેલું જ ગણાશે.

જો સંસ્થાએ રજિસ્ટ્રેશન પરત કરી લીધું તો કોઈ સમસ્યા નથી. સંપત્તિ અને બાકી રહેલી રકમ તેને પરત આપી દેવામાં આવે.

પરંતુ જો અમુક ચોક્કસ સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન બહાલ ન થયું તો કાયમી ધોરણે સંપત્તિ હસ્તગત કરી લેવામાં આવે. ત્યારબાદ આ સંપત્તિનો ઉપયોગ જાહેર હેતુ માટે અથવા વેચાણ કરીને ફંડ કોન્સોલિટેડેટ ફન્ડ ઑફ ઇન્ડિયામાં જમા કરાવી દેવાય.

આ વ્યવસ્થા એટલા માટે જેથી FCRA સર્ટિફિકેટ ન રહેવાની સ્થિતિમાં સંપત્તિના સંચાલન માટે એક સ્પષ્ટ લીગલ સિસ્ટમ ઊભી કરી શકાય અને કોઈ ગ્રે એરિયા ન રહે.

આમાં એક સ્પષ્ટતા છે. ફોરેન ફન્ડેડ એસેટ જો કોઈ ધાર્મિક, મજહબી, સાંપ્રદાયિક સંસ્થા હોય, તો સરકારી ઓથોરિટી તેનું ધાર્મિક ચરિત્ર ન બદલી શકે. એટલે ચર્ચ હોય તો એ ચર્ચ જ રહે. મંદિર હોય તો મંદિર.

એક પ્રશ્ન એ પણ આવી શકે કે જો કોઈ સંપત્તિનું નિર્માણ અડધા વિદેશી ભંડોળ અને અડધા ભારતીય ભંડોળથી થયું હોય તો શું?

આ સંજોગોમાં પહેલાં સંપત્તિ સરકારી ઓથોરિટી હસ્તક જશે, પણ પછીથી સંસ્થા જો એ પુરવાર કરી બતાવે કે સંપત્તિનો અમુક નિશ્ચિત હિસ્સો માત્ર ભારતીય ભંડોળની મદદથી બનાવાયો છે તો એટલો હિસ્સો માત્ર પરત મેળવવા માટે અરજી કરી શકે.

ઉપરાંત જો ઓથોરિટીના કોઈ આદેશ સામે વાંધો હોય તો સંસ્થા 90 દિવસમાં ડિસ્ટ્રીક્ટ જજ સમક્ષ અપીલ કરી શકે અને ત્યારબાદ કોર્ટ જે-તે કેસના મેરિટના આધારે નિર્ણય કરશે.

અન્ય ફેરફારો

FCRAના નિયમો, જે જૂન 2026માં નોટિફાય કરવામાં આવ્યા, તેના હેઠળ હવે રજિસ્ટ્રેશન વધુ ચોક્કસ બનાવવામાં આવશે.

હવે રજિસ્ટ્રેશન વખતે હેતુઓ ચોક્કસપણે જણાવવા પડશે, ઉપરાંત એ પણ જણાવવું પડશે કે તેનો ઉપયોગ કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની હદમાં થશે. હાલ જે સંસ્થાઓ FCRA હેઠળ કાર્યરત છે તેમને આ જાણકારી આપવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે.

આ વ્યવસ્થાનું કારણ એ કે સંસ્થા જો કોઈ ચોક્કસ હેતુ માટે અને કોઈ ચોક્કસ વિસ્તાર માટે જ ફોરેન ફન્ડિંગ મેળવતી હોય તો પછી સરકારને એ જાણવાનો પૂરેપૂરો અધિકાર છે કે પૈસા ચોક્કસ સ્થાને પહોંચી રહ્યા છે કે કેમ. કારણ કે ઘણા કિસ્સાઓમાં સંસ્થાઓ એક ઠેકાણા માટે પૈસા મેળવીને ત્યારબાદ અન્ય ઠેકાણે ટ્રાન્સફર કરી દેતી હોય છે. આ બધું હવે અટકશે.

ધાર્મિક સંસ્થાઓ પર સંપૂર્ણ રોક નહીં પણ ધર્માંતરણ ન કરી શકાય

સરકારે બહુ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સંસ્થાઓના સંચાલન માટે, ધાર્મિક શિક્ષણ માટે, મેડિટેશન પ્રોગ્રામ માટે કે આસ્થાની બાબતોની જાળવણી માટે વિદેશથી ભંડોળ મેળવવા પર કોઈ જાતની રોક નથી. પણ વિદેશી પૈસાનો ઉપયોગ ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ માટે ન કરી શકાય.

આ કોઈ એક ચોક્કસ ધર્મ, પંથ, મજહબ, સંપ્રદાય માટે નથી, તમામને સમાન રીતે લાગુ પડે છે.

નવા નિયમો હેઠળ હવે રિન્યુઅલ માટે ઓછામાં ઓછા ₹10 લાખ વાપર્યા હોવા જોઈએ એવી જોગવાઈ પણ કરવામાં આવી છે. અર્થાત્, રજિસ્ટ્રેશનના રિન્યુઅલ વખતે સંસ્થાએ બતાવવું પડશે કે છેલ્લાં બે વર્ષમાં તેણે ઓછામાં ઓછા ₹10 લાખ વાપર્યા છે. એ પણ ચોક્કસ હેતુઓ માટે.

તર્ક બહુ સ્પષ્ટ છે. અમુક સંસ્થાઓ FCRA લાયસન્સ મેળવીને ફોરેન ફન્ડિંગ મેળવી લે છે અને ત્યારબાદ એ પૈસાનો ઉપયોગ કરતી નથી. સરકારનું કહેવું છે કે પૈસા મેળવવાનો મૂળ ઉદ્દેશ્ય જ અમુક પ્રકારની પ્રવૃત્તિઓનો છે તો એ પ્રવૃત્તિઓ થતી દેખાવી જોઈએ અને તેની પાછળ ખર્ચ થતો દેખાવો જોઈએ.

અન્ય એક ફેરફાર એ છે કે FCRA હેઠળ તપાસ માટે રાજ્ય સરકારો અને એજન્સીઓએ કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી લેવી ફરજિયાત હશે.

સરકારનું કહેવું છે કે FCRA કેન્દ્રીયકૃત કાયદો છે અને રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ આવે છે. એટલે એક જ કાયદા હેઠળ અનેક એજન્સીઓ કાર્યવાહી કરતી હોય એવી સ્થિતિ ન ઉદભવે કે પેરેલલ ઇન્વેસ્ટિગેશનની સ્થિતિ ન આવે એ માટે આ વ્યવસ્થા જરૂરી છે. અર્થાત્, એવું ન કરી શકાય કે એક જ સંસ્થા સામે ED અલગથી કાર્યવાહી કરતી હોય અને કોઈ રાજ્યની પોલીસ કે અન્ય એજન્સી અલગ. બધું કેન્દ્રીય સ્તરેથી થશે.

નિષ્કર્ષ

આટલી ચર્ચાથી એટલું બહુ સ્પષ્ટ છે કે કોઈ રીતે કોઈ પણ સંસ્થા પર ફોરેન ફન્ડિંગ મેળવવા પર રોક લગાવવામાં આવી નથી. પણ આવા વિષયોમાં પારદર્શિતા અનેક કારણોસર જરૂરી છે. આજના સમયમાં વધુ જરૂરી છે.

એ વાત સાચી કે ફોરેન ફન્ડિંગથી ઘણાં ક્ષેત્રોમાં ઘણાં કામો થઈ શકે છે. પણ તેનાથી જવાબદેહી ખતમ થઈ જતી નથી. પૈસા ભલે આવે પણ તેનો ચોખ્ખો હિસાબ રાખવામાં આવે, લૂપમાં સરકાર પણ રહે એ જરૂરી છે. જો પૈસા ચોક્કસ હેતુ માટે મોકલવામાં આવ્યા હોય તો એ એ જ કામમાં વપરાય અને તેનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ માટે, ધર્મવિરોધી ગતિવિધિઓ માટે ન થાય એ જોવાનું કામ પણ સરકારનું છે.

આ બધા માટે નિયમન જરૂરી છે. FCRA આ નિયમન કરતો જ કાયદો છે. કાયદામાં સમયાંતરે સુધારા જરૂરી છે. સરકાર એ જ કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં