
દિલ્હીના જંતર-મંતર ખાતે 23 જુલાઈના રોજ CJPના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક અપશબ્દોનો ઉપયોગ કરનાર યુવતીનો એક માફીનામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં તે હાથ જોડીને દેશવાસીઓની માફી માંગતી જોવા મળી રહી છે.
વિડીયોમાં તેણે દાવો કર્યો છે કે તેની ઉંમર માત્ર 15 વર્ષ છે! તે પોતાના મિત્રો સાથે કનોટ પ્લેસ ફરવા ગઈ હતી, જ્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. ત્યાં ભેગા થયેલા લોકો વડા પ્રધાન વિરુદ્ધ નારેબાજી અને અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા. લોકોની ઉશ્કેરણી અને પ્રભાવમાં આવીને તેણે પણ આવા અપમાનજનક શબ્દો કહ્યા હતા, જે તેની મોટી ભૂલ હતી.
તેણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું, “મારાથી જે ભૂલ થઈ છે તે માફ કરી શકાય તેવી નથી. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. હું આખા દેશની માફી માંગું છું. મને મારી જાત પર ખૂબ શરમ આવે છે. પ્લીઝ, મને માફ કરી દો.”
પીએમ મોદી યુવાનોને માફ કરવાની કરી અપીલ
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો મેસેજ જાહેર કરીને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડા પ્રધાને કહ્યું કે જંતર-મંતર પર તેમની અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલા અપશબ્દો ખૂબ જ દુઃખદ હતા, પરંતુ યુવાનોથી ભૂલો થઈ જતી હોય છે. તેમણે આ યુવતી અને અન્ય યુવાનોને માફ કરવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ સમાજ અને કાયદાકીય તંત્રને અપીલ કરતા કહ્યું કે, “આ બાળકો આપણા પોતાના છે. જેમ દાંત વચ્ચે જીભ આવી જાય અને લોહી નીકળે તો આપણે દાંત તોડી નથી નાખતા, તેમ આ યુવાનોને કોર્ટ-કચેરીના આંટા મારવા કે સજા આપવાને બદલે તેમને સાચો રસ્તો બતાવવો અને માર્ગદર્શન આપવું આપણી ફરજ છે.”
Abuses never solve anything.
— Narendra Modi (@narendramodi) July 31, 2026
Let’s guide the misguided.
Let’s work together.
Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL
આ ઘટના અંગે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. યુવતી વિરુદ્ધ 29 જુલાઈના રોજ નોઇડાના એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં ‘ઝીરો FIR’ નોંધવામાં આવી હતી, જેને બાદમાં વધુ તપાસ માટે દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેના પર BNSની વિવિધ કલમો હેઠળ બંધારણીય પદનું અપમાન કરવા અને શાંતિ ભંગ કરવાનો ગુનો નોંધાયો છે.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તે નોઇડામાં તેની માતા સાથે એક સોસાયટીમાં રહેતી હતી, પરંતુ જંતર-મંતરના પ્રદર્શન બાદથી તેમનું ઘર બંધ છે. બીજી તરફ પ્રદર્શન યોજનાર CJPના પ્રવક્તાએ FIRનો વિરોધ કરતા કહ્યું કે અશોભનીય ભાષા યોગ્ય નથી, પરંતુ આવી બાબતોમાં ગુનાહિત કેસ કરવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર માઠી અસર પડે છે!

