
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સ્થિત કેલમ વિસ્તારમાં 31 જુલાઈની સાંજે આતંકવાદીઓએ નિર્દોષ હિંદુ શ્રમિકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલો એક ઇંટોના ભઠ્ઠા પર કામ કરી રહેલા શ્રમિકો પર કરવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર આતંકીઓએ શ્રમિકોનાં નામ પૂછીને હિંદુ શ્રમિકો પર લક્ષિત હુમલો કર્યો હતો.
આ હુમલામાં બે શ્રમિકોનાં મોત થયાં છે. મૃતકોની ઓળખ દીપક રતરે અને ભૂપેન્દ્ર તરીકે થઈ છે, જેઓ બંને છત્તીસગઢના રહેવાસી હતા. ગોળીબારમાં દીપકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ભૂપેન્દ્રને સારવાર અર્થે પહેલા જીએમસી અનંતનાગ અને બાદમાં શ્રીનગરની સ્કિમ્સ (SKIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્યો હતો.
હુમલાની જાણ થતાં જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોર આતંકવાદીઓને ઝડપી પાડવા માટે મોટાપાયે ‘સર્ચ ઑપરેશન’ શરૂ કરી દીધું છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા ચાલી રહી હોવાથી સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ ખૂબ કડક છે અને પેરામિલિટ્રી ફોર્સની વધારાની 670 કંપનીઓ તહેનાત કરવામાં આવી હોવા છતાં આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે.
જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિન્હાએ આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે DGP નલિન પ્રભાત સાથે વાતચીત કરીને આતંકવાદ-વિરોધી અભિયાનને વધુ ઝડપી બનાવવા અને ગુનેગારોને કડક સજા અપાવવાની સૂચના આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે છેલ્લા 10 દિવસમાં ટાર્ગેટેડ હુમલાની આ બીજી મોટી ઘટના છે. આ હુમલાના 10 દિવસ પહેલાં જ આતંકવાદીઓએ અનંતનાગ શહેરમાં એક પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાઓ બાદ સમગ્ર કાશ્મીરમાં પોલીસે મોટું ક્રેકડાઉન શરૂ કરીને 3000થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે. આ પહેલાં પણ 2024માં આતંકીઓએ 2 પરપ્રાંતિય શ્રમિકોની હત્યા કરી હતી.

