ત્રણ લેખિત આશ્વાસન બાદ સોનમ વાંગચુકે સમેટ્યું અનશન: પીએમ મોદીએ વિડીયો સંદેશમાં પેપર લીક મામલે કડક કાર્યવાહીની કરી જાહેરાત

NEET-UG 2026 પેપર લીક વિરોધમાં દેશભરમાં ચાલતા આંદોલનમાં એક વળાંક આવ્યો છે. સતત 26 દિવસથી ઉપવાસ પર બેઠેલા ‘એક્ટિવિસ્ટ’ સોનમ વાંગચુકે આખરે ગુરુવારે (23-24 જુલાઈ) મધ્યરાત્રિએ પોતાના ઉપવાસ સમેટી લીધા છે. કેન્દ્ર સરકાર સાથે લાંબી વાટાઘાટો અને લેખિત આશ્વાસન મળ્યા બાદ તેમણે આહાર/પાણી ગ્રહણ કર્યા હતા.

સોનમ વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંઘ તેમજ લદાખ એપ્સ બોડીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પોતાના ઉપવાસ તોડ્યા હતા. દરમિયાન તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમો પણ હાજર હતાં. મંત્રીઓએ પોતે વાંગચુકને ગ્લાસમાંથી ઘૂંટડો પીવડાવીને ઉપવાસ પૂર્ણ કરાવ્યા હતા.

ઉપવાસ તોડ્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “END OF HUNGER… BEGINNING OF ACCOUNTABILITY…!” (ભૂખ હડતાળનો અંત… જવાબદારીની શરૂઆત…!). તેમણે વિડીયો સંદેશમાં જણાવ્યું કે વિપક્ષ અને સત્તાધારી પક્ષના લગભગ 65 સાંસદોએ તેમની મુલાકાત લીધી હતી અથવા તો પત્ર લખીને ઉપવાસ છોડવા વિનંતી કરી હતી. વાંગચુકે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દેશમાં કોઈ પણ પ્રકારની હિંસા રોકવા અને સરકાર સાથે થયેલી ‘કઠિન વાટાઘાટો’ પછી લેવાયો છે.

સરકાર સાથે થયેલી સમજૂતી અંગે સોનમ વાંગચુકે જણાવ્યું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી મુખ્ય ત્રણ બાબતો અંગે લેખિત આશ્વાસન મળ્યું છે:

  1. નિષ્ફળ ગયેલી પરીક્ષા પદ્ધતિ અને જવાબદારી નક્કી કરવાના મુદ્દા પર સંસદના ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
  2. તાજેતરના NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે.
  3. દિલ્હીના જંતર-મંતર ખાતે અને સંસદ માર્ચમાં વિરોધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કે યુવાનો સામે કોઈપણ પોલીસ કેસ નોંધવામાં આવશે નહીં.

વાંગચુકે પોતાના સંદેશમાં વધુમાં ઉમેર્યું કે તેઓ આ તમામ શરતો વિશે ટૂંક સમયમાં એક અલગ વિડીયો જારી કરીને વિગતવાર માહિતી આપશે. આ સાથે જ તેમણે દેશના નાગરિકો અને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ દેશમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા ન થવા દે. તેમણે આંદોલન દરમિયાન મંત્રીઓ અને શાસન સામે પણ યોગ્ય સમયે જવાબદારી નક્કી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ જારી કર્યો વિડીયો સંદેશ

વાંગચુકના ઉપવાસ તોડયા બાદ પીએમ મોદીએ એક વિડીયો સંદેશ જારી કરીને આગામી કાર્યવાહી અંગે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ મધ્યરાત્રિએ જારી કરેલા એક વિડીયો સંદેશમાં પેપર લીક વિવાદ પર દેશને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી, આ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે અત્યંત પીડાજનક છે. પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે આ ગંભીર મુદ્દા પર સરકાર કેબિનેટ બેઠકમાં વધુ કડક પગલાં લેવાં જઈ રહી છે અને દોષિતો સામે કોઈ પણ જાતની દયા દાખવવામાં આવશે નહીં.

પીએમ મોદીએ તેમના વિડીયોમાં વચન આપ્યું હતું કે પેપર લીક અને પરીક્ષામાં થતી ગડબડી સામે કાર્યવાહી કરવા માટે સરકાર આ જ અઠવાડિયે સંસદમાં એક નવું બિલ રજૂ કરશે. આ ઉપરાંત, આવા કેસોની ઝડપી સુનાવણી માટે ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ની સ્થાપના કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશના યુવાનો રાષ્ટ્ર નિર્માણની શક્તિ છે અને તેમના ભવિષ્ય સાથે રમત રમનારા દરેક ગુનેગારને સખતમાં સખત સજા આપવામાં આવશે.

પીએમ મોદીનો સંદેશ

વાંગચુકના ઉપવાસ સમેટાયા બાદ પ્રધાનમંત્રીએ સંવેદનશીલતા પણ દર્શાવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હું સોનમજીને આગ્રહ કરું છું કે તેઓ ડોક્ટરોની સલાહ મુજબ દિનચર્યા રાખે અને વહેલી તકે પોતાનું વજન પુનઃ પ્રાપ્ત કરે. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

શિક્ષણ મંત્રાલયમાં મોટો ફેરબદલ

રાજકીય આશ્વાસનો અને કાયદાકીય સુધારાઓની સાથે સાથે કેન્દ્ર સરકારે શિક્ષણ મંત્રાલયમાં પણ મોટો વહીવટી ફેરફાર કર્યો છે. ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીની બદલી પંચાયતી રાજ મંત્રાલયમાં કરવામાં આવી છે અને તેમના સ્થાને 1994 બેચના IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ બનાવાયા છે. આ સિવાય ટી.કે. અનિલ કુમારને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

NEET વિવાદની શરૂઆતથી જ દિલ્હીના જંતર-મંતર ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)નાં નામ હેઠળ વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યાં હતાં. સોનમ વાંગચુક પણ આ જ વિરોધનો ભાગ બન્યા હતા અને તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનાં રાજીનામાંની માંગ સાથે ભૂખ હડતાળ શરૂ કરી હતી. પોલીસ દ્વારા તેમને જંતર-મંતર પરથી હટાવીને પહેલાં સફદરજંગ અને બાદમાં દિલ્હી હાઇકોર્ટના આદેશથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હવે સોનમે તો ઉપવાસ સમેટી લીધા છે છતાં કોકરોચોના નેતા અભિજીત દીપકેએ જાહેરાત કરી છે કે તે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં સુધી આંદોલન ચાલુ રાખશે. હવે આગામી સમયમાં આ આંદોલન કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું.