‘કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસાની તપાસ NIAને સોંપવામાં આવે’: દિલ્હી હાઇકોર્ટમાં PIL, ફોરેન ફન્ડિંગની તપાસની પણ માંગ

દિલ્હી હાઇકોર્ટે કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ 20 જુલાઈના રોજ થયેલી ગેરકાયદેસર સંસદ માર્ચ અને આ દરમ્યાન થયેલી હિંસા મામલે દાખલ થયેલી એક જાહેરહિતની અરજી (PIL) પર સુનાવણી કરવા માટે સંમતિ દર્શાવી છે. આ અરજીમાં આ સમગ્ર ઘટનાની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ખંડપીઠ સમક્ષ આ બાબતની તાત્કાલિક સુનાવણી માટે રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર તરફથી હાજર રહેલા વકીલ વરુણ કુમાર સિંહાએ કોર્ટને વિનંતી કરી હતી કે આ મુદ્દો ખૂબ જ ગંભીર હોવાથી તેની સત્વરે સુનાવણી હાથ ધરવામાં આવે.

અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ કથિત વિદ્યાર્થી આંદોલનના કારણે સમગ્ર દિલ્હી શહેર બાનમાં લેવાયું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે દિલ્હીના સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ દલીલો ધ્યાને લઈને કોર્ટે શુક્રવાર, 24 જુલાઈના રોજ કેસની સુનાવણી મુકરર કરી છે.

અખિલ ભારત હિંદુ મહાસભાના પૂર્વ ઉપપ્રમુખ સતીશ કુમાર અગ્રવાલે આ અરજી દાખલ કરી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ આંદોલન રાજકીય રીતે પ્રેરિત હતું અને દેશમાં અસ્થિરતા ઊભી કરવાના હેતુથી તેને વિદેશથી સમર્થન મળી રહ્યું છે.

અરજીમાં NIA અથવા અન્ય નિષ્ણાત એજન્સીને તપાસ સોંપવા, દિલ્હી પોલીસે નોંધેલી તમામ FIR પોતાની હસ્તક લેવા અને હિંસા, તોડફોડ તથા ઇમરજન્સી સેવાઓ રોકવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. અરજદાર મુજબ આ વિરોધ પ્રદર્શન સામાન્ય વિદ્યાર્થીઓનું આંદોલન નથી, પરંતુ દેશવિરોધી ષડયંત્રનો એક ભાગ છે.