
રાજધાની દિલ્હીમાં શાંતિ અને વ્યવસ્થા સામે ફરી એકવાર મોટો પડકાર ઊભો કરવાની તૈયારીઓ થઈ રહી છે. ગત દિવસે દિલ્હીમાં વિદ્યાર્થી વિરોધના નામે થયેલા હોબાળા અને ઉપદ્રવ બાદ હવે પંજાબ તરફથી આવતા અમુક કિસાન સંગઠનોએ ‘દેશ બચાવો મોરચા’નાં બેનર હેઠળ દિલ્હીના કિસાન ઘાટ પર ‘મહાપંચાયત’ના નામે જમાવડો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરારનો વિરોધ કરવાના બહાને ફરી એકવાર રાજધાનીના જનજીવનને ખોરવી નાખવાનું આયોજન હોવાના અહેવાલો છે.
અહેવાલ મુજબ શંભુ બોર્ડર પર હજારો પ્રદર્શનકારીઓ દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને બેરિકેડ્સ તથા ઘાઘર નદીના પુલ પર સિમેન્ટના બ્લોક્સ પણ મૂકી દીધા છે. અગાઉ 2024ના આંદોલનની જેમ જ આ વખતે પણ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાથી પોલીસે સરહદો સુરક્ષિત કરી છે.
#WATCH | A large number of farmers reach Shambhu Border (Punjab-Haryana border) ahead of their scheduled march to Delhi today. Visuals from Patiala (Punjab) side. pic.twitter.com/dJtdEt0qti
— ANI (@ANI) July 21, 2026
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા છતાં થઈ રહ્યા છે આંદોલનો
પંજાબના ‘કિસાન નેતા’ સરવન સિંઘ પંઢેર અને અન્ય આંદોલનકારીઓ હવે હરિયાણા સરકાર અને પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે. સંગઠનોનો મુખ્ય વિરોધ ફેબ્રુઆરી 2026માં ભારત અને યુએસ વચ્ચે જાહેર થયેલા સંયુક્ત નિવેદન બાદ શરૂ થનારી વેપાર વાટાઘાટો સામે છે. નેતાઓનો આક્ષેપ છે કે જો અમેરિકાના સબસિડીવાળા કૃષિ અને ડેરી ઉત્પાદનો જેવા કે સોયાબીન, મકાઈ, કપાસ, સફરજન અને દૂધની બનાવટો માટે ભારતીય બજાર ખુલ્લું મૂકવામાં આવશે તો ભારતના નાના અને સીમાંત ખેડૂતો તેમની સાથે સ્પર્ધા કરી શકશે નહીં.
‘કિસાન’ નેતાઓના જણાવ્યા મુજબ ભારતમાં ડેરી ક્ષેત્ર લગભગ 8 કરોડ ગ્રામીણ પરિવારોને રોજીરોટી પૂરી પાડે છે. જો આ વેપાર કરાર થશે તો તેની સીધી નકારાત્મક અસર ગ્રામીણ અર્થતંત્ર, નાના વેપારીઓ અને પશુપાલકો પર પડશે. જોકે, કેન્દ્ર સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે દેશના ખેડૂતો અને નાના વેપારીઓના હિતો સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. છતાં, તથ્યોને બાજુ પર મૂકીને આંદોલન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે ભારત-US વચ્ચે ટ્રેડ ડીલ માટેની વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, છતાં આ મુદ્દાનો ઉપયોગ કરી નેશનલ કેપિટલ રીજનમાં (NCR) અરાજકતાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

