સિક્કિમમાં નિર્માણાધીન ટનલ પાસે ભૂસ્ખલન બાદ દુર્ઘટના: પ્રવેશદ્વાર બંધ થતાં 7 શ્રમિકોનાં મોત, 20થી વધુ હજુ પણ ફસાયેલા

સિક્કિમના નામચી જિલ્લામાં સોમવારે (20 જુલાઈ) નિર્માણાધીન ટનલ પાસે ભૂસ્ખલન થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનના કારણે ટનલનો પ્રવેશદ્વાર કાટમાળથી બંધ થઈ ગયો હતો અને ત્યારબાદ અંદર ગેસ લીક થવાના કારણે બચાવ કામગીરી વધુ જટિલ બની ગઈ હતી. મંગળવારે (21 જુલાઈ) સવારે સામે આવેલા અપડેટ મુજબ આ દુર્ઘટનામાં 7 શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો હજુ પણ ટનલની અંદર ફસાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટર અનુપા ટેમલિંગના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે લગભગ 3:40 વાગ્યે દુર્ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF, જિલ્લા પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને અન્ય એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ માટે એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી, જ્યારે ગેસ માસ્ક અને અન્ય સુરક્ષા સાધનોથી સજ્જ ટીમો ટનલની અંદર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે ટનલની અંદર મિથેન ગેસની હાજરીને કારણે રેસ્ક્યુ ઑપરેશન અત્યંત મુશ્કેલ બન્યું છે. ગેસના સંપર્કમાં આવતાં કેટલાક બચાવકર્મીઓને ચક્કર આવ્યાં હતા અને તેઓ બેભાન પણ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ભૂસ્ખલનથી જમીનની અંદરના પથ્થરો અને સ્તરોમાં ખલેલ પહોંચતાં મિથેન ગેસ બહાર આવવા લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

કલેક્ટર અનુપા ટેમલિંગે જણાવ્યું કે હાલના અંદાજ મુજબ પટેલ એન્જિનિયરિંગના 21 અને NHPCના 6 સહિત કુલ 27 લોકો ટનલમાં ફસાયેલા હોવાની આશંકા છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યાની હજુ ચકાસણી ચાલી રહી છે અને અંતિમ આંકડો હાલના અંદાજ કરતાં વધુ અથવા ઓછો પણ હોય શકે છે.

રેસ્ક્યુ ઑપરેશનમાં હવે પશ્ચિમ બંગાળમાંથી વિશેષ ગેસ-પ્રોટેક્ટિવ સાધનો સાથેની બચાવ ટીમને પણ જોડવામાં આવી છે. સંકુચિત ટનલ, ઓછી દૃશ્યતા અને મિથેન ગેસના કારણે અંદર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 શ્રમિકોના મૃતદેહોને સિંગતમ જિલ્લા હોસ્પિટલ, ગંગટોકની STNM હોસ્પિટલ અને નામચી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

NHPCના તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ચાલી રહ્યું હતું કામ

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટનલ NHPCના તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે બનાવવામાં આવી રહી હતી. પટેલ એન્જિનિયરિંગ કંપની આ પ્રોજેક્ટના ADITનું (Access Adit Tunnel) નિર્માણ કરી રહી હતી. હાલ પ્રશાસનની પ્રથમ પ્રાથમિકતા ટનલમાં ફસાયેલા તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવાની છે. ત્યારબાદ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.